કાન્હેરે, અનંત લક્ષ્મણ (જ. 1891; અ. 11 એપ્રિલ 1910, થાણા જેલ, મહારાષ્ટ્ર) : ભારતીય ક્રાંતિકારી. તેના પિતા લક્ષ્મણ ગોવિંદ રત્નાગિરિ જિલ્લાના ચિતપાવન બ્રાહ્મણ હતા. નોકરીની શોધમાં તેઓ ઇન્દોર ગયા. તેથી અનંતનું બાળપણ ઇન્દોરમાં વીત્યું હતું. તે 1903માં તેના મામા ગોવિંદ ભાસ્કર બર્વેને ઘેર ઔરંગાબાદ ગયા. તેને કસરતનો શોખ હોવાથી ઘણી વાર વ્યાયામશાળામાં જતો હતો.

વીસમી સદીના આરંભનાં વરસોમાં ભારતીય રાજકારણમાં એક વળાંક આવી રહ્યો હતો. અરજીઓ અને વિનંતીઓ કરવાની બંધારણીય પદ્ધતિથી કંઈ મળશે નહિ તેમ લાગતાં સ્વરાજ મેળવવા વાસ્તે જહાલવાદની જરૂરિયાત યુવાનોને જણાઈ. સાવરકર અને તેમની રીતે વિચારનારાઓ પ્રચાર કરતા કે સ્વરાજ મેળવવા વાસ્તે ક્રાંતિ અને યુદ્ધ જરૂરી છે.

વિનાયક દામોદર સાવરકર અને ગણેશ સાવરકરે નાશિકમાં ‘અભિનવ ભારત’ની સ્થાપના કરી. તેની શાખા સમાન ‘મિત્રમેળા’ નામના મંડળની કૃષ્ણ ગણેશ કર્વેએ શરૂઆત કરી. સમગ્ર મહારાષ્ટ્રમાં અભિનવ ભારતની શાખાઓ સ્થપાઈ. તેમનો કાર્યક્રમ શસ્ત્રો ભેગાં કરવાં, રાજદ્રોહી સાહિત્ય વહેંચવું, બ્રિટિશ અમલદારો પર હુમલા કરવા વગેરે હતો. આવો પ્રચાર મુખ્યત્વે અખાડા એટલે કે વ્યાયામ-શાળાઓમાં થતો. યુવાન કાન્હેરે આ પ્રચારથી અલિપ્ત રહ્યો નહોતો. તે ટિળક, પરાંજપે અને સાવરકરનાં ઉશ્કેરણીજનક લખાણો વાંચતો અને માતૃભૂમિની મુક્તિ માટે કંઈક કરવા ઉત્તેજિત થતો હતો. કર્વે જૂથનો ગનુ વૈદ્ય તેનો મિત્ર બન્યો અને તેને ગુપ્ત મંડળોની પ્રવૃત્તિઓથી માહિતગાર કર્યો.

આ દરમિયાન 1909માં ગણેશ સાવરકરને રાજદ્રોહી સાહિત્ય પ્રગટ કરવા વાસ્તે દેશનિકાલની સજા થઈ. તેથી ક્રાંતિકારો ઉશ્કેરાયા. તેમણે સરકારને પાઠ ભણાવવા વિચાર્યું. નાશિકના કલેક્ટર જૅક્સન પર હુમલો કરવાની યોજના ઘડવામાં આવી. જૅક્સન પ્રાચ્યવિદ્યાનો વિશારદ તથા લોકપ્રિય અધિકારી હોવા છતાં ક્રાંતિકારો માટે સૌ અંગ્રેજો સરખા હતા.

કર્વે જૂથે સાવરકરના મંડળ પાસેથી પિસ્તોલો મેળવી અને અનંત કાન્હેરે જૅક્સન પર ગોળીબાર કરવા તૈયાર થયો. 21 ડિસેમ્બર 1909ના રોજ નાશિકના એક થિયેટરમાં મરાઠી નાટકનો કાર્યક્રમ ગોઠવી, તેમાં હાજર રહેવા કલેક્ટર જૅક્સનને નિમંત્રણ આપવામાં આવ્યું. અનંત પ્રવેશદ્વાર પાસે ગોઠવાઈ ગયો. જૅક્સન થિયેટરમાં પ્રવેશતો હતો ત્યારે અનંતે તેના ઉપર ગોળીબારો કર્યા અને કલેક્ટર ત્યાં જ મરણ પામ્યો. યુવાન અનંત ત્યાં જ પકડાઈ ગયો.

પોલીસની તપાસ દરમિયાન મિત્રમેળા તથા અભિનવ ભારતની વિવિધ ગુપ્ત પ્રવૃત્તિઓ જાહેર થઈ. જૅક્સન ખૂન કેસમાં અનંત કાન્હેરે, કર્વે તથા દેશપાંડેને ફાંસીની સજા થઈ. ઇંગ્લૅન્ડના રાજા સામે રાજદ્રોહ, શસ્ત્રો ભેગાં કરવાં તથા યુદ્ધ કરવાના ગુના હેઠળ બીજો કેસ ચલાવીને તેમાં સત્તાવીસ આરોપીઓને સજા કરવામાં આવી. તેમાં વિનાયક દામોદર સાવરકરને સૌથી વધારે આજીવન દેશનિકાલની સજા કરવામાં આવી. અનંત કાન્હેરેને થાણાની જેલમાં ફાંસી આપવામાં આવી. તેણે ઘણી નાની ઉંમરે દેશના પ્રશ્નોમાં રસ લઈને દેશની સ્વતંત્રતા વાસ્તે પોતાનું મહામૂલું જીવન સમર્પી દીધું.

જયકુમાર ર. શુક્લ