કાન્સુ : વાયવ્ય ચીનનો, મૂળ ચીનના વિસ્તારના મધ્ય ભાગમાં આવેલો વેરાન ડુંગરાળ પ્રાંત. ભૌગોલિક સ્થાન : 37o 00′ ઉ. અ. અને 103o 00′ પૂ. રે.. યુઆન વંશના શાસન દરમિયાન (1279-1368) કાન-ચોઉ અને સુ-ચોઉ બે જિલ્લા હતા. બંનેના પ્રથમ પદને જોડવાથી કાન્સુ નામ બન્યું છે. તે શીન કે ચીન વંશના શાસન દરમિયાન ત્રીજી સદીમાં (221-226) ચીનનો અંતર્ગત ભાગ બનેલો.

તેની ઉત્તરે મૉંગોલિયાનું પ્રજાસત્તાક રાજ્ય, દક્ષિણ સરહદે સિંઘાઈ અને ઝેકવાન પ્રાંતો, પૂર્વે સરહદે નિંગસિયાનો સ્વાયત્ત પ્રદેશ, શેન્સી પ્રાંત અને ઇનર મૉંગોલિયા અને પશ્ચિમે સિક્યાંગ પ્રાંત આવેલા છે. તેનો વિસ્તાર 5,30,000 ચો.કિમી. છે.

કાન્સુની પૂર્વ તરફની જમીન કાંપ અને ઝીણી રેતીથી મિશ્રિત (loes) છે. દક્ષિણ અને પશ્ચિમનો ભાગ પહાડી છે. તેની સરેરાશ ઊંચાઈ 1,830 મી. છે. પૂર્વભાગમાં ભૂકંપનું કેન્દ્ર હોઈ તે અવારનવાર હોનારતનો ભોગ બને છે. વાયવ્ય તરફનો પહાડી પ્રદેશ 2,584 મી.થી 5,547 મી. ઊંચો છે. ક્યુલિયન શાન ગિરિમાળા કિંધાઈની સરહદે આવેલી છે અને તેની બે સમાંતર હારમાળા ઈશાન ખૂણા સુધી વિસ્તરી છે. તે બે વચ્ચે 180 કિમી. લાંબી પણ સાંકડી કાન્સુ કે ગેન્સુ કૉરિડૉર કે પટ્ટી છે, જે લાન્ઝોઉથી વાયવ્યે છે.

ક્યુલિયન શાન ગિરિમાળામાંથી પીળી કે ‘ચીનની દિલગીરી’ તરીકે ઓળખાતી હોઆંગહો નદી અને તેની શાખાઓ નીકળે છે. અંદરના ભાગમાં શમી જતી હેઈ હો, કાળી નદી અને બીજી નદીઓ હિમાચ્છાદિત પહાડોમાંથી ઝરણા રૂપે વહે છે અને રણમાં સમાઈ જાય છે.

સમગ્ર પ્રાંતની આબોહવા વિષમ છે. વાયવ્ય ભાગમાં સખત ગરમી પડે છે. લાન્ઝોઉમાં જાન્યુઆરી અને જુલાઈમાં અનુક્રમે સરેરાશ તાપમાન -7o સે. અને 23o સે. રહે છે. વરસાદ અપૂરતો, અસમાન અને અનિયમિત છે. સરેરાશ વાર્ષિક વરસાદ 435 મિમી. છે. જુલાઈ અને ઑગસ્ટમાં વરસાદનું પ્રમાણ વધારે છે. પહાડી ઝરણાં ઉપર બંધ બાંધી વીજળી અને સિંચાઈ માટે પાણી મેળવાય છે. અવારનવાર દુકાળ પડે છે.

પૉપ્લર, વિલો તથા કાંટાળાં વૃક્ષો તથા ઘાસ મુખ્ય વનસ્પતિ છે. ખેતીલાયક જમીન કુલ જમીનના 7 ટકા જેટલી છે. તે લાન્ઝોઉ આસપાસ અને તેની દક્ષિણે આવેલી છે. શિયાળુ ઘઉં મુખ્ય પાક છે. તે ઉપરાંત, જવ, બાજરી, શિંગ (beans), શકરિયાં, ખજૂર, કપાસ, તમાકુ તથા જમરૂખ, પીચ, સફરજન વગેરેનું વાવેતર થાય છે. સૂકા પ્રદેશમાં લોકો ખેતીને બદલે ઘેટાં-બકરાં ઉછેરે છે.

અહીં ખાણ-ઉદ્યોગો, ધાતુપ્રક્રમણ-ઉદ્યોગો અને પ્રવાસન-ઉદ્યોગ મહત્વના છે. કોલસો, તાંબું, પેટ્રોલિયમ અને લોખંડ મુખ્ય ખનિજો છે.

લોકોનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન છે. ખેતીની પેદાશોમાં ઘઉં, બાજરી, જુવાર, શણ, ફળો થાય છે. 1950 પછી રેલવે અને માર્ગોનો વિકાસ થતાં ખાણ-ઉદ્યોગ વિકસ્યો છે. જંગલો નહિવત્ છે.

આ પ્રાંતની વસ્તી 2,50,19,831 (2020) જેટલી છે. વસ્તી રાજધાનીના શહેર લાન્ઝોઉ આસપાસ અને કૉરિડૉરમાં કેન્દ્રિત થઈ છે. મુખ્ય વસ્તી ચીનાઓની છે. તે ઉપરાંત મૉંગોલ, તુર્ક, કઝાક અને તિબેટી લોકો થોડા પ્રમાણમાં છે. ઉત્તર કાન્સુમાં મૉંગોલ અને વાયવ્ય તરફના પહાડી પ્રદેશમાં તિબેટી લોકો રહે છે. હાન ચીનાઓ ઉત્તર ચીનમાં પ્રચલિત મેંડેરીન ભાષા બોલે છે. રાજધાનીનું શહેર લાન્ઝોઉ વેપારી અને ઔદ્યોગિક કેન્દ્ર છે. અહીં ક્રૂડ ઑઇલ શુદ્ધ કરવાનું કારખાનું છે. ત્યાં જોવા મળતી વિવિધ જાતિઓ, સંસ્કૃતિ, ભાષાઓ અને ધર્મનું વૈવિધ્ય નોંધપાત્ર છે.

શિવપ્રસાદ રાજગોર