કાન્ટ, ઇમાન્યુએલ (જ. 1724, કૉનિગ્ઝસબર્ગ, પૂર્વ પ્રશિયા; અ. 1804) : આધુનિક પાશ્ચાત્ય તત્વચિન્તનના મહાન ફિલસૂફ. કાન્ટે સોળ વર્ષની વયે કૉનિગ્ઝસબર્ગની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવીને છ વર્ષ સુધી ત્યાં અભ્યાસ કર્યો. ત્યારપછી કેટલાંક વર્ષો કાન્ટે વિદ્યાર્થીઓને ખાનગી રાહે શિક્ષણ આપવાનું કાર્ય કર્યું. તેને એકત્રીસમા વર્ષે યુનિવર્સિટીમાં વિધિપુર:સર અધ્યાપક તરીકે નિયુક્તિ મળી. કાન્ટની સત્યનિષ્ઠા અને કર્તવ્યનિષ્ઠાની પ્રતિષ્ઠા ખૂબ ઊંચી હતી. ભૂગોળ, ગણિત, ભૌતિકશાસ્ત્ર, નીતિશાસ્ત્ર – એમ અનેક વિષયો ઉપરનાં તેમનાં વ્યાખ્યાનો ખૂબ પ્રશંસાપાત્ર બન્યાં હતાં. જીવનભર અપરિણીત રહેલા કાન્ટનું જીવન સાદું, નિયમિત, વ્યવસ્થિત અને નિષ્કલંક હતું. સમયપાલનના ચુસ્ત આગ્રહી કાન્ટ ફરવા નીકળે ત્યારે લોકો પોતાની ઘડિયાળમાં સમય મેળવતા તેવું પણ તેમને વિશે કહેવાયું છે.

કાન્ટ અઢારમી સદીના યુરોપીય પ્રબોધન યુગ(Age of Enlightenment)ના અગ્રણી ચિન્તક હતા. ફ્રાન્સ, જર્મની અને ઇંગ્લૅન્ડના પ્રબોધનવિષયક ચિન્તકોની જેમ તેમણે તર્કબુદ્ધિની પ્રતિષ્ઠા સ્થાપી અને વધારી છે. 1784માં ‘પ્રબોધન શું છે ?’ તે શીર્ષકવાળા એક લેખમાં તેમણે સહુને સ્વતન્ત્ર રીતે વિચાર કરવાની હિંમત કેળવવાનો અનુરોધ કર્યો છે. સ્વેચ્છાએ પોતે પોતાના ઉપર લાદેલી અપુખ્તતામાંથી છુટકારો એ જ કાન્ટના મતે ‘પ્રબોધન’ છે. 1795માં નિત્ય શાન્તિ અંગેના એક લેખમાં તેમણે રાષ્ટ્રીય સીમાઓ પાર કરી જતા વિશ્વશાસનની ચર્ચા કરી છે. અતાર્કિક જૂથબંધી, ફિરકાપરસ્તી અને માનવસમુદાયનાં કૃત્રિમ વિભાજનો મનુષ્યો વચ્ચેની દુશ્મનાવટનાં કારણો છે. કાન્ટ માનવહક્કોના બુદ્ધિવાદી પક્ષકાર હતા. રાજકીય/નૈતિક ક્ષેત્રે તર્કબુદ્ધિના સાર્વત્રિક નિયમો અનુસાર વ્યવસ્થાઓ કરવી જોઈએ તેવું કાન્ટે દર્શાવ્યું છે. લોકશાહીમાં બહુમતીને જોરે ઘણું અયોગ્ય પણ થઈ શકે છે તે અંગે તેમણે સહુને ચેતવ્યા છે.

ઇમાન્યુએલ કાન્ટ

કાન્ટની જ્ઞાનમીમાંસા અને તત્વમીમાંસા તેમના ‘ક્રિટિક ઑવ્ પ્યૉર રીઝન’(1781 – બીજી આવૃત્તિ 1787)માં રજૂ થયાં છે ‘ગ્રાઉન્ડવર્ક ઑવ્ મેટાફિઝિક્સ ઑવ્ મૉરલ્સ’ (1785) અને ‘ક્રિટિક ઑવ્ પ્રૅક્ટિકલ રીઝન’(1788)માં કાન્ટના નૈતિકતા (morality) અંગેના સિદ્ધાન્તો રજૂ થયા છે. ‘ક્રિટિક ઑવ્ જજમેન્ટ’ (1790) – એ ગ્રંથમાં કાન્ટે સૌંદર્યવિચાર(aesthetics)નું નિરૂપણ કર્યું છે. ભૌતિકશાસ્ત્રના તાત્વિક આધારો કાન્ટે ‘મેટાફિઝિકલ ફાઉન્ડેશન્સ ઑવ્ નેચરલ સાયન્સ’(1786)માં દર્શાવ્યા છે. ‘રિલિજિયન વિધિન દ બાઉન્ડરિઝ ઑવ્ મિયર રીઝન’(1793)માં કાન્ટનું ધર્મવિષયક તત્વચિન્તન રજૂ થયું છે.

કાન્ટનો પ્રથમ ‘ક્રિટિક ઑવ્ પ્યૉર રીઝન’ તત્વજ્ઞાનનો ખૂબ જ અઘરો ગ્રંથ ગણાય છે. તેમાંના વિચારો કંઈક સહેલાઈથી સમજવા હોય તો તેમનું પુસ્તક ‘પ્રોલિગોમિના ટુ એની ફ્યૂચર મેટાફિઝિક્સ’(1783)ને પ્રથમ ‘ક્રિટિક’ની સાથે કે તેના પછી પણ વાંચી શકાય છે. કાન્ટના પ્રથમ ‘ક્રિટિક’ ઉપર ઓગણીસમી અને વીસમી સદીમાં કેટલાંક ભાષ્યો લખાયાં છે અને ઘણા વિવેચકોએ કાન્ટનાં જુદાં જુદાં અર્થઘટનો ચર્ચતાં પુસ્તકો લખ્યાં છે. કાન્ટના સમયની જર્મન ચિન્તન-પરંપરા ઉપરાન્ત આધુનિક પાશ્ચાત્ય તત્વજ્ઞાનના તર્કબુદ્ધિવાદીઓ (ડેકાર્ટ, સ્પિનોઝા બાયબ્નિઝ) અને અનુભવવાદીઓ(લૉક બર્કલી અને હ્યુમ)નાં તત્વચિન્તનનો પરિચય કાન્ટ કઈ તત્વજ્ઞાનની સમસ્યા સાથે કામ પાડતા હતા તે સમજવામાં ઉપકારક છે. ન્યૂટનનું ભૌતિકશાસ્ત્ર, યુક્લિડની ભૂમિતિ અને ઍરિસ્ટૉટલનું તર્કશાસ્ત્ર – એ ત્રણેયનો પરિચય કાન્ટને સમજવામાં ઉપકારક છે. અહીં માત્ર કાન્ટના પ્રથમ ગ્રંથનો પરિચય આપ્યો છે : ‘ક્રિટિક ઑવ્ પ્યૉર રીઝન’. ‘ક્રિટિક’નો અર્થ અહીં સમીક્ષા એવો થાય છે. સમીક્ષા એટલે કેવળ કોઈ મતનું ખંડન એમ સમજવાનું નથી. સમીક્ષા કશુંક વિધાયક પણ સ્થાપી શકે છે.

‘પ્યૉર’ (એટલે શુદ્ધ) શબ્દ કાન્ટ જે કંઈ સંવેદનાત્મક અનુભવોમાંથી તારવ્યું ન હોય તેને માટે પ્રયોજે છે. ‘રીઝન’ (તર્કબુદ્ધિ) શબ્દ કાન્ટ ખાસ અર્થમાં પ્રયોજે છે. સંવેદનાત્મક અનુભવોમાંથી જે વિભાવનાઓ તારવવામાં આવી નથી પણ જે તેને માટે પ્રયોજવામાં આવે છે તેવી પ્રાગનુભવાત્મક વિભાવનાઓ માટે કાન્ટ ‘રીઝન’ શબ્દ પ્રયોજે છે. આવી વિભાવનાઓ અનુભવપૂર્વેની છે, એટલે કે તે પ્રાગાનુભવિક (a-priori) વિભાવનાઓ (concept) છે. આમ ‘ક્રિટિક ઑવ્ પ્યૉર રીઝન’ એટલે તર્કબુદ્ધિને સંવેદનપ્રાપ્ત સામગ્રીના સંદર્ભની બહાર પ્રયોજવાથી કોઈ પ્રકારનું જ્ઞાન શક્ય છે કે કેમ તેની સમીક્ષા. અનુભવ સાથે સંયોજિત ન થઈ હોય તેવી શુદ્ધ તર્કબુદ્ધિમાં કશું જાણી શકવાની ક્ષમતા છે કે કેમ તેની સમીક્ષા કાન્ટ આ ગ્રંથમાં કરે છે. આ અર્થમાં કાન્ટ ખુદ તત્વમીમાંસા(metaphysics)ની શક્યતાનો જ પ્રશ્ન ઉઠાવે છે; કારણ કે તેમાં શુદ્ધ તર્કબુદ્ધિ(reason)થી સંવેદનજન્ય અનુભવને અતિક્રમી જતાં (transcendent) સત્યો સ્થાપવાનો દાવો કરવામાં આવતો હોય છે.

કાન્ટનો મુખ્ય સિદ્ધાન્ત એ છે કે ઇન્દ્રિયગમ્ય પદાર્થોના ક્ષેત્રની સીમાની અંદર જ તર્કબુદ્ધિને પ્રયોજવાથી વસ્તુલક્ષી વૈજ્ઞાનિક જ્ઞાન મળી શકે છે. ઇન્દ્રિયગમ્ય પદાર્થોના અનુભવના ક્ષેત્રની બહાર તર્કબુદ્ધિના ઉપયોગથી કોઈ જ્ઞાન મળી શકે જ નહિ એટલે કે ઇન્દ્રિયાતીત તત્ત્વોનાં જ્ઞાનનો દાવો કરતું કોઈ તત્વજ્ઞાન શક્ય જ નથી તેવું કાન્ટ દર્શાવે છે.

અહીં કાન્ટના આ પ્રખ્યાત ગ્રંથના કેટલાક મુદ્દા ઉલ્લેખનીય છે :

(1) તર્કબુદ્ધિનો યોગ્ય અને અયોગ્ય ઉપયોગ : કાન્ટ તર્કબુદ્ધિના યોગ્ય અને અયોગ્ય ઉપયોગનો ભેદ પાડે છે. ઇન્દ્રિયાનુભવના ક્ષેત્રે તેનો ઉપયોગ યોગ્ય છે. ઇન્દ્રિયગમ્ય ન હોય તેવા વિષયોનાં ક્ષેત્રે તર્કબુદ્ધિનો ઉપયોગ અયોગ્ય છે. ઇન્દ્રિયાનુભવની સીમાઓ એ તમામ જ્ઞાનની સીમાઓ છે. જે ઇન્દ્રિયાનુભવમાં ન આવતું હોય તેનું જ્ઞાન ક્યારેય શક્ય જ નથી. (જેમ કે, આત્મા કે ઈશ્વર)

આ સંદર્ભમાં કાન્ટ અનુભવવિષયક સમીક્ષાત્મક તત્વમીમાંસા(metaphysics of experience)નો જ સ્વીકાર કરે છે. અનુભવાતીત તત્વો અંગેના તત્વમીમાંસા(transcendent metaphysics)ને તેઓ શક્ય માનતા નથી. એ અર્થમાં ઈશ્વર, આત્મા વગેરેનું તત્વજ્ઞાન શક્ય જ નથી. તર્કબુદ્ધિ પોતાની સ્વ-સમીક્ષા કરી શકે છે અને તેમ કરવાથી સમજાય છે કે અનુભવક્ષેત્રે તર્કબુદ્ધિ પ્રયોજવાનું વાજબી છે, પારગામી ક્ષેત્રે તેને પ્રયોજવાનું ગેરવાજબી છે. તર્કબુદ્ધિ જ્યારે ઈશ્વર, આત્મા, સૃષ્ટિ વગેરે વિચારો સ્થાપે છે ત્યારે તે તાર્કિક વ્યાઘાતો (contradictions) કે અન્તર્વિરોધો (antinomies) કે દૂષિત અનુમાનોમાં ફસાય છે.

કેવળ સંવેદનાત્મક અનુભવ જ જ્ઞાન આપી શકે અને બધી વિભાવનાઓ (વિચારો) અનુભવજન્ય જ છે તેવા લૉક, બર્કલી અને હ્યૂમના અનુભવવાદનો એકાંગી મત કાન્ટ સ્વીકારતા નથી. બીજી બાજુ, શુદ્ધ તર્કબુદ્ધિમાં જ જ્ઞાનની ક્ષમતા છે તેવો ડેકાર્ટ, સ્પિનોઝા અને લાય્બ્નિઝનો તર્કબુદ્ધિવાદ (rationalism) પણ કાન્ટને માન્ય નથી. અનુભવવાદ (empiricism) અને તર્કબુદ્ધિવાદ બંનેનો અસ્વીકાર કરી કાન્ટે સમીક્ષાત્મક (critical) તત્ત્વજ્ઞાન રજૂ કર્યું છે.

(2) કાન્ટની કૉપરનિકન ક્રાન્તિ : સત્-તત્વ (reality) મનુષ્ય માટે જ્ઞાનનો વિષય કેવી રીતે બને છે તે કાન્ટનો મુખ્ય પ્રશ્ન છે. કોઈ પણ સદવસ્તુ જ્ઞાનનો વિષય બની શકે તે જ્ઞાનનાં કેટલાંક મૂળભૂત પ્રાગનુભાવાત્મક (a-priori) તત્વોને લીધે જ શક્ય બને છે, તેવું કાન્ટ દર્શાવે છે. દેશ અને કાળ ઇન્દ્રિયપ્રત્યક્ષનાં પ્રાગનુભવાત્મક શુદ્ધ રૂપો (pure forms) છે અને દ્રવ્ય, કારણ, પારસ્પરિક આન્તરક્રિયા વગેરે સમજણશક્તિનાં શુદ્ધ વિચારરૂપો (શુદ્ધ વિભાવનાઓ – categories) છે. માનવજ્ઞાતાના મનની સંરચનાનાં આ મૌલિક તત્ત્વો સાથે સંવેદનપ્રાપ્ત સામગ્રી જોડાય તો અને તો જ કોઈ વસ્તુ જ્ઞેય પદાર્થ બને છે અને તે અર્થમાં વસ્તુલક્ષી જ્ઞેય પદાર્થ માનવજ્ઞાતાની જ્ઞાનક્રિયાઓથી ઘડતો પદાર્થ છે. એટલે અહીં વસ્તુ જ્ઞાનને અધીન છે તેવું કાન્ટ માને છે. તેમનો આ મત તત્વજ્ઞાનમાં ‘કૉપરનિકન ક્રાન્તિ’ તરીકે ઓળખાય છે. કાન્ટ પહેલાનાં ચિન્તકો પ્રમાણે જ્ઞાન વસ્તુને અનુરૂપ હોય છે કે અધીન હોય છે. કાન્ટ મુજબ, વસ્તુઓ જ્ઞાનને અધીન હોય છે. જો તેમ હોય તો જ અનુભવપૂર્વેનું વસ્તુલક્ષી અને અનિવાર્ય જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. અલબત્ત, જ્ઞાતાનાં મનની સર્વદેશી સંરચનાનાં અનુભવનિરપેક્ષ રૂપો – દેશ-કાળ, કાર્યકારણ વગેરે – ને લીધે ઘડાતી જ્ઞેય વસ્તુઓ પ્રતિભાસમાન વસ્તુઓ (phenomena) જ હોય છે, મૂળ વસ્તુઓ નહિ. કાન્ટ પ્રમાણે માનવજ્ઞાતાઓ માટે મૂળ વસ્તુઓને તેના પોતાના રૂપમાં એટલે કે માનવજ્ઞાતાથી નિરપેક્ષ રૂપમાં જાણી શકે તે શક્ય નથી. તેનો અર્થ એમ નથી કે જગત મિથ્યા છે. ટેબલ, મકાન, ખડક, વૃક્ષ કે તારાઓ વાસ્તવિક અસ્તિત્વ ધરાવે છે. તે કોઈ જ્ઞાતાનાં મનમાં પ્રવર્તતી જ્ઞાનની સામગ્રી રૂપે જ અસ્તિત્વમાં  નથી. પ્રતિભાસરૂપ વસ્તુઓને જ્ઞાતાનાં મનનાં મૌલિક યોગદાનથી જ્ઞેય વસ્તુ તરીકેનો આકાર મળે છે, પણ પ્રતિભાસરૂપ વસ્તુઓનાં કારણ તરીકે તો મૂળ સદવસ્તુઓ જ છે. સંવેદનો જ્ઞાતાઓ પોતાના મનમાં મરજી પડે તેમ ઉત્પન્ન કરતા નથી. તે તો અનુભવપ્રાપ્ત જ હોય છે, પણ તેમાંથી જ્ઞાનના વિષયનું ઘડતર મનની જ્ઞાનક્રિયાઓના મૌલિક યોગદાનથી થાય છે.

(3) કાન્ટનો મૂળગામી વિજ્ઞાનવાદ : મનુષ્યને માટે જ્ઞાનનો વિષય બનતી વસ્તુઓ અંગે બે મત છે :

1. જ્ઞાનના વિષયરૂપ વસ્તુઓ(object)ની સંરચના કે તેનું સ્વરૂપ મનુષ્યના જ્ઞાનના પ્રકારો(modes of knowledge)થી નિર્ધારિત થતું જ નથી. એટલે કે મનુષ્ય સીધેસીધી રીતે મૂળ વસ્તુને પોતાને (thing-in-itself) જ જાણે છે આ મત ‘મૂળગામી વાસ્તવવાદ’ (transcendental realism) કહેવાય છે. કાન્ટની ર્દષ્ટિએ પોતાની પહેલાંના બધા ચિન્તકો મૂળગામી વાસ્તવવાદને સ્વીકારે છે.

2. જ્ઞાતાઓને માટે જ્ઞાનનો વિષય બનતી વસ્તુઓની સંરચના (structure) મનુષ્યના જ્ઞાનના પ્રકારોથી જ નિર્ધારિત થાય છે એટલે કે મનુષ્યો સીધેસીધી રીતે મૂળ વસ્તુને પોતાને નહિ પણ પ્રતિભાસરૂપ વસ્તુઓને(phenomena)ને જ જાણે છે. આ મતને મૂળગામી વિજ્ઞાનવાદ કે વિચારવાદ (transcendental idealism) કહેવાય. કાન્ટ પોતે આ મત રજૂ કરે છે. વસ્તુઓનું તમામ જ્ઞાન તમામ માનવજ્ઞાતાઓના મનની સર્વદેશી પ્રાગનુભવાત્મક સંરચનાથી નિર્ધારિત એવી વસ્તુઓનું જ જ્ઞાન છે, તેથી માનવજ્ઞાનનો વિષય બનતી તમામ વસ્તુઓ પ્રતિભાસો (appearances) છે.

મૂળગામી વાસ્તવવાદ પ્રમાણે જ્ઞાનનું સ્વરૂપ વસ્તુઓને અધીન છે, કારણ કે વસ્તુઓનું સ્વરૂપ જ્ઞાનના સ્વરૂપથી નિર્ધારિત થતું જ નથી. કાન્ટના મૂળગામી વિજ્ઞાનવાદ (‘વિજ્ઞાન’નો અર્થ અહીં ‘સાયન્સ’ એવો નથી.) પ્રમાણે વસ્તુઓનું સ્વરૂપ જ્ઞાનના પ્રકારોને/સ્વરૂપને અધીન હોય છે, કારણ કે તે જ્ઞાનના પ્રકારોથી નિર્ધારિત થાય છે.

કાન્ટ કહે છે કે તેમનો મૂળગામી વિજ્ઞાનવાદ અનુભવાત્મક વાસ્તવવાદ (empirical realism) છે, કારણ કે તેમાં બાહ્ય ભૌતિક પદાર્થોનું અસ્તિત્વ જ્ઞાતાથી સ્વતન્ત્ર માનવામાં આવે છે, જ્યારે બર્કલીનો મત અનુભવાત્મક વિજ્ઞાનવાદ(empirical idealism)નો છે, કારણ કે તેઓ બાહ્ય પદાર્થના જ્ઞાતાનિરપેક્ષ અસ્તિત્વનો નિષેધ કરે છે. બર્કલીનો મત, કાન્ટ પ્રમાણે અનુભવાત્મક વિજ્ઞાનવાદ હોવા છતાં મૂળગામી વાસ્તવવાદ છે કારણ કે બર્કલી જ્ઞાતાનું મન અને તેની ક્રિયાઓને મૂળ વસ્તુઓ ગણે છે.

(4) પ્રત્યક્ષ અને વિભાવના : કાન્ટ પ્રત્યક્ષાનુભવો (intuitions) અને વિભાવનાઓ વચ્ચે સ્પષ્ટ ભેદ પાડે છે. મનુષ્યો માટે વસ્તુનો સાક્ષાત્કાર કરાવનાર પ્રત્યક્ષાનુભવ કેવળ સંવેદનાત્મક જ હોઈ શકે. પ્રત્યક્ષો તેના વિષયને સીધેસીધો અવ્યવહિત રીતે ગ્રહણ કરે છે, જ્યારે વિભાવનાઓ (concepts) વસ્તુઓ સાથે એ રીતે સંબદ્ધ થતી નથી. વસ્તુઓનો તેમાં ઉપસ્થિત સ્વરૂપમાં (as given) સાક્ષાત્કાર તો સંવેદનાત્મક પ્રત્યક્ષથી જ થઈ શકે છે. અલબત્ત, ઉપસ્થિત કે પ્રાપ્ત સંવેદન-સંબદ્ધ વિષય ઉપર વિચાર કરવો હોય તો વિભાવનાઓથી જ તેમ થઈ શકે. આમ સંવેદનાત્મક પ્રત્યક્ષ તત્કાલ વિષયગ્રાહક છે, જ્યારે વિભાવનાઓ તેવી નથી. બીજું, સંવેદનાત્મક પ્રત્યક્ષ તત્કાલ એક વિશેષ વસ્તુ(particular)ને ગ્રહણ કરે છે, જ્યારે વિભાવનાઓ એક કરતાં વધુ વસ્તુને એક જ વર્ગની વસ્તુ તરીકે એટલે કે સામાન્ય (general) રૂપે ગ્રહણ કરે છે. ત્રીજું, સંવેદનાત્મક પ્રત્યક્ષ તત્કાલ તેના વિશેષ વસ્તુરૂપ વિષયને ગ્રહણ કરે છે ત્યારે તેમાં અક્રિય (passive) ગ્રહણક્ષમતા(receptivity)નો અનુભવ થાય છે, જ્યારે વિચારાત્મક સમજણનો અનુભવ સક્રિય (active) અને સ્વયંસ્ફુરિત છે.

(5) સંવેદનશક્તિ અને સમજણશક્તિ : કાન્ટ સંવેદનશક્તિ અને સમજણશક્તિને અત્યંત ભિન્ન ગણે છે. સંવેદનશક્તિના વ્યાપાર વગર જ્ઞાનનો કોઈ વિષય પ્રાપ્ત (given) થઈ શકે જ નહિ, અને સમજણશક્તિ (understanding) વગર જ્ઞાનના કોઈ વિષય ઉપર વિચાર થઈ શકે જ નહિ  આ બે શક્તિઓ એકબીજીનાં કાર્યોની અદલાબદલી કરી શકે નહિ. તેથી જ કાન્ટ પ્રમાણે વિભાવના સાથે સંયોજાયા ન હોય તેવા પ્રત્યક્ષો કે ર્દષ્ટિવિહીન (blind) છે અને સંવેદનાત્મક પ્રત્યક્ષો સાથે ન જોડાયેલી વિભાવનાઓ (વિચારો) વિગતશૂન્ય (empty) છે. આ બે ભિન્ન શક્તિના સહયોગ વગર જ્ઞાન શક્ય જ નથી.

મનુષ્યો માટે કોઈ પણ જ્ઞાન અ-વિભાવનાબદ્ધ (unconcep-tualized) સંવેદનોથી કે સંવેદન-વિયોજિત વિભાવનાઓથી મળી શકે જ નહિ. અને આ બે જ્ઞાનશક્તિઓ(faculties)ના સહયોગથી જે જ્ઞાન મળે છે તે પણ આપણે માટે જ્ઞાનનો વિષય બનેલી વસ્તુઓ(objects-for-us)નું જ જ્ઞાન હોય છે, મૂળ વસ્તુઓ(objects-in-themselves)નું નહિ.

(6) સંશ્લેષક પ્રાગનુભવાત્મક જ્ઞાન : મનુષ્યનું બધું જ્ઞાન અનુભવથી શરૂ થાય છે, પણ તે હંમેશાં અનુભવમાંથી તારવેલું હોતું નથી. આ સંદર્ભમાં પ્રાગનુભવાત્મક (a-priori) અને અનુભવોત્તર (a-posteriori) જ્ઞાનનો ભેદ સ્વીકારે છે. જે સર્વદેશી અને અનિવાર્ય (necessary) છે તે જ્ઞાન પ્રાગનુભવાત્મક છે. તે અનુભવનિરપેક્ષ હોય છે. જે અનુભવ પછી જ મળે અને જે બિનઅનિવાર્ય (પરાયતી – contingent) હોય તેવું જ્ઞાન અનુભવોત્તર (અનુભવાશ્રિત) જ્ઞાન હોય છે.

જ્ઞાનના આ ભેદ ઉપરાંત કાન્ટે વિશ્લેષક (analytic) અને સંશ્લેષક (synthetic) વિધાનોનો ભેદ પાડ્યો છે. જેનું વિધેય તે વિધાનના ઉદ્દેશ્યમાં સમાયેલું હોય અને તેથી તેવા વિધેયનો તેવા ઉદ્દેશ્ય માટે નકાર કરવામાં વ્યાઘાત (contradiction – વિસંગતતા) આવે તે વિધાન વિશ્લેષક હોય છે; દા.ત., ‘ત્રિકોણ એટલે ત્રણ બાજુઓવાળી આકૃતિ’, ‘સર્વ વિધવાઓ સ્ત્રીઓ છે’, ‘સર્વ પિતાઓ પુરુષો છે’ વગેરે વિધાનો આ વિશ્લેષક વિધાનો છે. કાન્ટ મુજબ જેનું વિધેય તે વિધાનના ઉદ્દેશ્યમાં સમાતું નથી અને તેથી જે વિધેયનો તેના ઉદ્દેશ્ય માટેના નિષેધથી વ્યાઘાત થતો નથી તેવાં વિધાનો સંશ્લેષક હોય – ‘બધા હંસ સફેદ છે’, ‘સામે દેખાતો હંસ સફેદ છે’ વગેરે. વિશ્લેષક વિધાનો જ્ઞાનનું સ્પષ્ટીકરણ કરે છે, સંશ્લેષક વિધાનો જ્ઞાનનો વિસ્તાર કરે છે, નવું જ્ઞાન આપે છે, કારણ કે તેમાં ઉદ્દેશ્ય-વિધેયનું જોડાણ તર્કશાસ્ત્રના નિયમોથી જ સત્ય બને તેવું હોતું નથી.

પ્રાગનુભવાત્મક/અનુભવાત્મક જ્ઞાન અને વિશ્લેષક/સંશ્લેષક વિધાનો એ બે વર્ગીકરણો એકબીજાંથી સ્વતંત્ર છે. કાન્ટ પ્રમાણે બધાં સંશ્લેષક વિધાનો અનુભવોત્તર વિધાનો નથી.

અહીં કાન્ટનો મુખ્ય સિદ્ધાન્ત એ છે કે કેટલાંક સંશ્ર્લેષક વિધાનો પ્રાગનુભવાત્મક છે. સંશ્લેષક પ્રાગનુભવાત્મક વિધાનો કઈ રીતે શક્ય છે તે પ્રશ્ન કાન્ટના ‘ક્રિટિક’નો મુખ્ય પ્રશ્ન છે. કાન્ટ મુજબ શુદ્ધ ‘ગણિત અને શુદ્ધ ભૌતિકવિજ્ઞાનમાં આવાં સંશ્લેષક પ્રાગનુભવાત્મક વિધાનો છે જ, પરન્તુ તત્વમીમાંસામાં પારગામી તત્વો અંગે આવાં વિધાનો સ્થાપી શકાય તેમ નથી. સંશ્લેષક પ્રાગનુભવાત્મક વિધાનોનાં ર્દષ્ટાન્તો : 1. 7 + 5 = 12. 2. સીધી રેખા એટલે બે બિન્દુઓ વચ્ચે ટૂંકામાં ટૂંકું અન્તર. 3. દેશ(space)ને ત્રણ પરિમાણો હોય છે. 4. દરેક બનાવને કારણ હોય છે.

આવાં વિધાનોમાં વિધેયો ઉદ્દેશ્યોમાંથી તારવેલાં હોતાં નથી તેથી તે સંશ્લેષક હોય છે અને અનુભવ પછી જ આવાં વિધાનો સ્થપાયેલાં હોતાં નથી તેથી તે પ્રાગનુભવાત્મક હોય છે. અનુભવવાદીઓ પ્રમાણે બધાં સંશ્લેષક વિધાનો અનુભવોત્તર જ હોય છે અને બુદ્ધિવાદીઓ પ્રમાણે વિશ્લેષક વિધાનો પ્રાગનુભવાત્મક જ હોય છે પણ કાન્ટના મતે કેટલાંક સંશ્લેષક વિધાનો પ્રાગનુભવાત્મક હોય છે. કાન્ટે ‘ક્રિટિક’માં સંશ્લેષક પ્રાગાનુભવિક વિધાનને શક્ય બનાવનારી જ્ઞાનની મૂળગામી શરતોનું ચિન્તન કર્યું છે.

‘ક્રિટિક’ના સંવેદનવિચારના વિભાગમાં કાન્ટ દર્શાવે છે કે ભૂમિતિમાં સંશ્લેષક પ્રાગનુભવાત્મક જ્ઞાન શક્ય છે કારણ કે દેશ (space) અને કાળ (time) એ માનવસંવેદનશક્તિનાં મૌલિક અનુભવ-નિરપેક્ષ રૂપો (pure forms of intuitions) છે. દેશ વગર બાહ્ય વસ્તુ આપણા જ્ઞાનમાં ઉપસ્થિત જ થઈ ન શકે, અને કાળ વગર આન્તરિક માનસિક અનુભવો શક્ય નથી. મૂળ વસ્તુઓ દેશકાળમાં નથી. પ્રતિભાસમાન ઇન્દ્રિયગમ્ય તમામ પદાર્થો દેશ-કાળમાં જ અનુભવાય છે તેથી દેશ-કાળ અને તેમાં અનુભવાતી તમામ વસ્તુઓ માનવજ્ઞાતા-સંરચિત (ideal) છે. મૂળગામી રીતે સત્ (transcendentally real) નથી. મૂળ વસ્તુઓ પોતે દેશ-કાળમાં નથી.

કાન્ટ મુજબ વિજ્ઞાનો પણ પ્રતિભાસમાન વસ્તુઓનું જ્ઞાન આપે છે; મૂળ વસ્તુઓનું નહિ.

(7) શુદ્ધ વિભાવનાઓ : ‘ક્રિટિક’ના ‘સંવેદન-વિચાર’ (aesthetic) વિભાગમાં કાન્ટે દેશ-કાળનાં શુદ્ધ પ્રત્યક્ષોનો સંવેદનશક્તિ(sensibility)ના સંદર્ભમાં વિચાર કર્યો છે. ‘ક્રિટિક’ના ‘વિભાવના-વિચાર’ (analytic) વિભાગમાં સમજણશક્તિની શુદ્ધ વિભાવનાઓ(categories)નું કાન્ટે નિરૂપણ કર્યું છે. કાન્ટે મનની મૌલિક શુદ્ધ તેમજ પ્રાગનુભવાત્મક એવી બાર વિભાવનાઓ રજૂ કરી છે : એકતા, અનેકતા, સમગ્રતા; દ્રવ્ય-ગુણ, કાર્ય-કારણ અને પરસ્પર-સંબંધ; સત્-તા, નિષેધ, મર્યાદા; અને શક્યતા/અશક્યતા, અસ્તિત્વ/અભાવ અને અનિવાર્યતા/બિનઅનિવાર્યતા. આ વિચારકોટિઓ કે વિચારરૂપોને સંવેદન-સામગ્રી સાથે સંયોજિત કરવામાં આવે તો અને તો જ પ્રતિભાસમાન જગતનું વસ્તુલક્ષી જ્ઞાન શક્ય બને છે.  આમ કાન્ટ અહીં મનની મૌલિક વિભાવનાઓનું જ્ઞાનમાં યોગદાન ન સ્વીકારનારા અનુભવવાદનો અસ્વીકાર કરે છે. આ વિભાગમાં કાન્ટ વસ્તુલક્ષી જ્ઞાન માટેની વિભાવનાત્મક શરતોની સમજૂતી આપે છે. સંવેદનશક્તિ અને વિચારશક્તિ બંને અત્યંત ભિન્ન હોવા છતાં ઇન્દ્રિયગમ્ય વસ્તુઓના જગતનું વસ્તુલક્ષી જ્ઞાન કેમ શક્ય બને છે અને તેમાં જ્ઞાતાનાં મૂળગામી સ્વાનુભવપ્રત્યક્ષ(apperception)ની અને સંશ્ર્લેષણની શી ભૂમિકા છે તેનું નિરૂપણ કાન્ટ આ વિભાગમાં કરે છે. કાન્ટ સમજણશક્તિની શુદ્ધ વિભાવનાઓને સંવેદનાત્મક અનુભવના ક્ષેત્રે પ્રયોજવાની અનિવાર્યતા ત્યાં દર્શાવે છે. આવી વિભાવનાઓ અનુભવગમ્ય વસ્તુઓ માટે ન પ્રયોજાય તો વ્યક્તિ પોતાને જ પોતાના અનુભવોના જ્ઞાતા તરીકે સમજી શકે નહિ. ચેતનાના મૂળગામી એકત્વ વગર એકીભૂત (unitied) જ્ઞાન જ થઈ શકે નહિ. શુદ્ધ વિભાવનાઓ પ્રયોજ્યા વગર જ્ઞાનનો વિષય જ ઘડાતો નથી અને તેવું હોય તો જ્ઞાતા પોતાને જ્ઞાતા તરીકે પણ જાણી ન શકે. કારણ કે અનુભવોનો સમન્વય જ્ઞાતાના મનમાં થાય છે.

(8) સ્વાનુભવસભાનતાની મૂળગામી એકતા : શુદ્ધ વિભાવનાઓ વસ્તુલક્ષી વૈજ્ઞાનિક જ્ઞાન માટે શા માટે પ્રયોજવી અનિવાર્ય છે તે સમજવા માટે વ્યક્તિને પોતાને થતા અનુભવોની વ્યક્તિની પોતાની સભાનતા એટલે કે સ્વાનુભવવિષયક સભાનતાનો વિચાર સમજવો જરૂરી છે.

જે કોઈ પણ અનુભવને માનવજ્ઞાતા પોતાના અનુભવ તરીકે જાણી શકે તેને કાન્ટ સ્વાનુભવની સભાનતા – સ્વાનુભવપ્રત્યક્ષ કહે છે. જો હું વૃક્ષ જોતો હોઉં તો વૃક્ષના મારા અનુભવ વિશેની મને સભાનતા હોઈ શકે છે. અનુભવ વિશેની આવી સભાનતા કોઈ એક જ અનુભવ પૂરતી નથી હોતી. હું કોઈ પણ સમયે ઘણાબધા અનુભવો એકસાથે કરી રહ્યો હોઉં ત્યારે મને તે બધા અનુભવો મારા પોતાના છે તેવી તત્કાલ અવ્યવહિત (immediate) સભાનતા હોઈ શકે છે. હું તરત જ જાણી શકું છું કે મને અત્યારે સુગંધનો, સ્પર્શનો, પીડાનો અનુભવ થઈ રહ્યો છે અને તે જ સમયે હું કશુંક યાદ કરું છું અને કશુંક કલ્પું છું. કાન્ટ તેને ‘સ્વસભાનતાની એકતા’ (unity of apperception) કહે છે. મારા તમામ અનુભવો સાથે ‘હું તેને વિચારું છું’ એવું ભાન સંલગ્ન થઈ શકે છે. આમ, કાન્ટ મુજબ વ્યક્તિ પોતાનાં અનુભવ વિશે સભાન થઈ શકે છે; એટલું જ નહીં, પણ એકસાથે થતા તમામ અનુભવોને પણ પોતાના અનુભવો તરીકે એકીભૂત કરી શકે છે. કાન્ટ મુજબ સ્વાનુભવ-સભાનતાની આ એકતા અનુભવો ઉપરથી તારવેલી નથી; ઊલટાનું, તેને લીધે જ અનુભવોને મારા અનુભવો તરીકે હું ઓળખી શકું છું. કોઈક અનુભવ થાય અને પછી એ મારો છે તેવું હું પાછળથી અનુમાન કરતો નથી. હું સીધેસીધો જ તેનાથી સભાન થઈ શકું છું. તેથી સ્વાનુભવપ્રત્યક્ષની એકતા મૂળગામી (transcendental unity of apperception) હોય છે. અનુભવ કરનારી એક જ ચેતનામાં જો અનુભવો એક રૂપે સંશ્લેષિત ન થતા હોય તો ઉદ્દેશ્ય અને વિધેયને જોડનારાં વિધાનો જ કેવી રીતે થાય ?

કાન્ટ સ્પષ્ટ કરે છે કે જેમ બાહ્ય વસ્તુને આપણે પ્રતિભાસરૂપ વસ્તુ તરીકે જ જાણીએ છીએ તેમ આપણને પોતાને, આપણા સ્વતત્વ(self)ને પણ આપણે પ્રતિભાસરૂપ વસ્તુ તરીકે જ જાણીએ છીએ, મૂળ વસ્તુ તરીકે નહિ. સ્વાનુભવ વિશેની મારી સભાનતા ઉપરથી હું મને પોતાને આત્મારૂપે કે અધિષ્ઠાનરૂપે જાણું છું તેવું ફલિત થતું નથી.

(9) વસ્તુલક્ષી જગતનું જ્ઞાન : કાન્ટ પ્રમાણે જો જ્ઞાતા શુદ્ધ વિભાવનાઓ જેને માટે પ્રયોજી શકાય તેવા બાહ્ય પદાર્થોના જગતમાં હોય તો અને તો જ તેને પોતાના અનુભવો વિશેની સ્વ-સભાનતા થઈ શકે. બાહ્ય વસ્તુઓના જગતના વસ્તુલક્ષી જ્ઞાનના અભાવમાં મારા પોતાના અનુભવો ક્યારે યથાર્થ (valid) છે અને ક્યારે અયથાર્થ તે ભેદ જ પાડી ન શકાય. મારા પોતાના માનસિક અનુભવોમાં જેવું ભાસે છે તેવું જ હોય છે અને જેવું હોય છે તેવું જ ભાસે છે. મને જે ભાસે છે તેના કરતાં કશુંક જુદું હોય તેવું જગત જ ન હોય તો પછી જે ખરેખર છે અને જે માત્ર મને ભાસે છે તેવો ભેદ જ ન પડે. બાહ્ય જગત કાન્ટના ખાસ અર્થમાં પ્રતિભાસરૂપ પદાર્થોનું બનેલું છે, છતાં તે મિથ્યા નથી એટલું જ નહિ, પણ તેના વગર વસ્તુલક્ષી જ્ઞાન જ શક્ય નથી. હું મારી માનસિક અવસ્થાઓથી તાત્કાલિક રીતે સભાન થઈ શકું છું પરન્તુ તેથી હું મને પોતાને કે મારાં મૂળ સ્વરૂપને જાણું છું તેવું કાન્ટની ર્દષ્ટિએ ફલિત થતું નથી. તમામ પરિવર્તનોમાં ભૌતિક તત્વ (matter) સ્થાયી રહે છે, દરેક ભૌતિક વસ્તુઓ કાર્યકારણના નિયમને અધીન છે અને દ્રવ્યો (substances) વચ્ચે પારસ્પરિક આન્તરક્રિયા થાય છે  એ બધા કાન્ટના સમયના ભૌતિકશાસ્ત્રના આધારસિદ્ધાન્તો કાન્ટ મુજબ વસ્તુલક્ષી જગતના જ્ઞાન માટે અનિવાર્ય છે. કાર્યકારણ સંબંધ વગર સ્થાયી દ્રવ્યો હોઈ શકે નહિ અને કાર્યકારણ સંબંધ વગર વસ્તુલક્ષી કાર્યક્રમનું જ્ઞાન થાય જ નહિ. વસ્તુઓ કાળમાં ટકી રહેનારી (enduring) હોય તો જ વસ્તુલક્ષી જ્ઞાન મળે. જ્ઞાતાના માનસિક એકત્વમાં પણ સાતત્ય અનિવાર્ય છે.

આ રીતે કાન્ટ સ્થાયિત્વને કાર્યકારણ સાથે અને કાર્યકારણને વસ્તુલક્ષી જ્ઞાન સાથે જોડે છે અને પ્રતિભાસમાન જગતનું વૈજ્ઞાનિક વસ્તુલક્ષી જ્ઞાન સ્થાપી શકાય તેવું દર્શાવે છે.

તર્કબુદ્ધિના વિચારો : ‘ક્રિટિક’ના ત્રીજા વિભાગ‘ડાયલેક્ટિક’માં કાન્ટ વિચારજન્ય ભ્રાન્તિ(illusions)ની ચર્ચા કરે છે. અહીં તેઓ તર્કબુદ્ધિ(reason)ને સમજણશક્તિ(understanding)થી જુદી પાડે છે તર્કબુદ્ધિના વિચારો સાપેક્ષ ઉપરથી નિરપેક્ષનિરુપાધિક (unconditioned) વિશેના છે. આત્મા, સૃષ્ટિ, ઈશ્વર વગેરે તર્કબુદ્ધિના વિચારો (ideas), કાન્ટની ર્દષ્ટિએ, ઇન્દ્રિયાતીત તત્વો વિશેના દાવા કરતા હોવાથી કશાનું જ્ઞાન આપતા વિચારો નથી. તેથી કાન્ટ અહીં તર્કનિષ્ઠ મનોવિજ્ઞાન, તર્કનિષ્ઠ સૃષ્ટિવિચાર (cosmology) અને તર્કનિષ્ઠ ઈશ્વરવિચાર(theology)નો અને તેથી કેવળ તર્કબુદ્ધિવાદનો અસ્વીકાર કરે છે. ઈશ્વર અંગેની તમામ સાબિતીઓનું કાન્ટે અહીં ખંડન કર્યું છે. જોકે નૈતિક ક્ષેત્રે કાન્ટ ઈશ્વરને ગૃહીતતત્વ (postulate) તરીકે સ્વીકારે છે.

કાન્ટના પ્રથમ ‘ક્રિટિક’ સિવાયના તે પછીના ગ્રંથો પણ મહત્વના છે; પણ પ્રથમ ‘ક્રિટિક’ પછી આવતા ગ્રંથોને સમજવામાં પ્રથમ ‘ક્રિટિક’માં કાન્ટે દર્શાવેલા કેટલાક ભેદો સમજવાનું જરૂરી છે; જેમ કે,

  • પ્રાગનુભવાત્મક અને અનુભવોત્તર જ્ઞાન;
  • વિશ્લેષક અને સંશ્લેષક વિધાનો;
  • સંશ્લેષક પ્રાગનુભવાત્મક અને સંશ્લેષક અનુભવોત્તર વિધાનો;
  • પ્રત્યક્ષો અને વિભાવનાઓ;
  • શુદ્ધ અને અનુભવાશ્રિત વિભાવનાઓ;
  • અનુભવવિષયક અને પારગામી તત્વમીમાંસા;
  • પ્રતિભાસમાન અને અપ્રતિભાસમાન જગત.

મધુસૂદન બક્ષી