કાદરી સૈયદ જમાલુદ્દીન પથરી (અ. 1563) : ભારતમાં આવનાર કાદરીઓના પ્રથમ પૂર્વજ. તે હજરત પીરાને પીર અબ્દુલ કાદિર જીલાનીના પ્રપૌત્ર હતા. સૈયદ જમાલુદ્દીન ઈરાની અખાતના હુરમુઝ્દ બંદરેથી દક્ષિણ હિંદમાં આવ્યા હતા. 1530માં ગુજરાતના સુલતાન બહાદુરશાહે તેમને ઘણા માનમરતબા સાથે અમદાવાદ ખાતે આમંત્ર્યા હતા. એમની કબર રાયખડમાં ગાયકવાડ હવેલીની બહાર સૈયદવાડાની પશ્ચિમે આવેલી છે. એમના પુત્ર અને ગાદીનશીન સૈયદ યતીમુલ્લાહ મહાન સૂફી થઈ ગયા – 1600માં તે ગુજરી ગયા. સૈયદ અબ્દુલ ફત્તાહ અસકરી પણ આ જ ખાનદાનના નબીરા છે. તેમણે મૌલાના રૂમીની મસ્નવી ઉપર ટિપ્પણી લખી છે.
એહમદહુસેન નૂરમોહમંદ કુરેશી