કાદરખાન, અબ્દુલ

January, 2006

કાદરખાન, અબ્દુલ (જ. 27 એપ્રિલ 1936, ભોપાલ, મધ્યપ્રદેશ) : ઇસ્લામી અણુબાબના જનક ગણાતા પાકિસ્તાની વૈજ્ઞાનિક. શિક્ષકના પરિવારમાં જન્મ. ભારતના ભાગલા પડ્યા પછી સમગ્ર પરિવારે 1952માં પાકિસ્તાનમાં કાયમી સ્થળાંતર કર્યું ત્યારે અબ્દુલ કાદરખાન 17 વર્ષના હતા. યુવા-અવસ્થાથી જ તેઓ કટ્ટર ઇસ્લામવાદી વિચારસરણીને વરેલા. કરાંચી યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં પદવી પ્રાપ્ત કર્યા પછી તેઓ જર્મની ગયા. આ દેશમાં અને બેલ્જિયમમાં તેમણે ઉચ્ચ શિક્ષણ લીધું. 1972માં ડૉક્ટરેટની ઉપાધિ મેળવી, પણ તે પૂર્વે બે વર્ષ સુધી તેમણે નેધરલૅન્ડ્ઝના ઍમસ્ટરડૅમ નગરમાં આવેલ ‘ફિઝિકલ ડાઇનેમિક્સ રિસર્ચ લૅબોરેટરી’માં નોકરી કરી ડૉક્ટરેટની પદવી મેળવ્યા પછી તેઓ યુરેન્કો ખાતે હાથ ધરવામાં આવેલ અણુઊર્જા પ્રકલ્પમાં જોડાયા. અહીંની પ્રયોગશાળા સહકારી ધોરણે ઊભી કરવામાં આવેલ કંપની હતી; જેનું નિર્માણ ડચ, બ્રિટિશ અને જર્મન વૈજ્ઞાનિકોએ સહિયારા ધોરણે કર્યું હતું. યુરેન્કો ખાતે આલ્મેલો નામક ઉપપ્રકલ્પનું અત્યંત ગોપનીય કામકાજ થઈ રહ્યું હતું, જ્યાંથી કાદરખાને વિસ્તારપૂર્વક પણ ગુપ્ત રીતે માહિતી ભેગી કરી. તે જ અરસામાં નેધરલૅન્ડ્ઝ ખાતે નિવાસ કરી રહેલી આફ્રિકન મૂળની મહિલા હિંડરીના સાથે તેઓ વિવાહબદ્ધ થયા. સોળ વર્ષ નેધરલૅન્ડ્ઝમાં કામ કર્યા પછી 1976માં પરિવાર સાથે તેઓ પાકિસ્તાન પાછા આવ્યા. ત્યારબાદ લાંબા સમયની માંદગીને કારણે તેઓ નેધરલૅન્ડ્ઝના તેમના સહકાર્યકરો સાથે સંપર્કમાં રહી શક્યા નહિ અને છેવટે તેમણે પોતાનું રાજીનામું મોકલી આપ્યું.

જુલ્ફિકાર અલી ભુટ્ટો પાકિસ્તાનના પ્રધાનમંત્રી હતા ત્યારે પાકિસ્તાનની લશ્કરી તાકાત વધારવાની ઝુંબેશ પુરજોશથી હાથ ધરવામાં આવેલી. તેમના પ્રોત્સાહનથી પાકિસ્તાનમાં ‘ખાન રિસર્ચ લૅબોરેટરી’(KRL)ની સ્થાપના કરવામાં આવી જેના અધ્યક્ષપદે અબ્દુલ કાદરખાનની વરણી કરવામાં આવી. તેમના માર્ગદર્શન હેઠળ ઊર્જા-પ્રકલ્પો પણ હાથ ધરવામાં આવ્યા. તેમના નેજા હેઠળ અણુબૉમ્બ બનાવવાનું કામકાજ સિફતપૂર્વક હાથ ધરવામાં આવ્યું. 1984માં પાકિસ્તાનની અણુબાબનો પ્રાયોગિક વિસ્ફોટ કરવા માટેની યોજનાઓ ઘડવામાં આવી. તે પૂર્વે 1978માં યુરેનિયમ એન્રિચમેન્ટ પ્રકલ્પના પ્રભારિ તરીકે અબ્દુલ કાદરખાનની નિમણૂક કરવામાં આવી હતી. તેમના માર્ગદર્શન હેઠળ પાકિસ્તાને ઘોરી–1 અને ઘોરી–2 નામના અણુપ્રક્ષેપાસ્ત્રો વિકસાવ્યાં. તે માટે કાદરખાનને બિરદાવવા માટે પાકિસ્તાને એક ટપાલ-ટિકિટ બહાર પાડી અને પાકિસ્તાનની ફૂટબૉલ-ટીમને ‘એક્યૂ. ખાન ટીમ’ નામ આપવામાં આવ્યું. પુરસ્કાર રૂપે

અબ્દુલ કાદરખાન

ખાનને મળેલા નાણાંમાંથી તેમણે બ્રિટન, નેધરલૅન્ડ્ઝ, સાઉદી અરેબિયા જેવા દેશોમાં થ્રી-સ્ટાર અને ફાઇવ-સ્ટાર હૉટેલો અને અન્ય ભવ્ય ગણાય એવી મિલકતો ઊભી કરી. રાવળપિંડી ખાતે તો તેમનાં નામ જોડાયેલાં હોય એવી નાઇટ ક્લબો પણ ઊભી થઈ. પાકિસ્તાનના મહત્ત્વાકાંક્ષી અણુકાર્યક્રમો માટે ધનાઢ્ય ઇસ્લામી દેશો પાસેથી કરોડો ડૉલરોની સહાય મેળવવામાં આવી, જેના સહારે અણુશસ્ત્રો માટે વિદેશોમાંથી તંત્રજ્ઞાન પ્રાપ્ત કરવામાં આવ્યું. કમનસીબે જે દલાલો મારફત પાકિસ્તાને આ તંત્રજ્ઞાન મેળવ્યું હતું તે જ દલાલોએ તે તંત્રજ્ઞાન બીજા દેશોને વેચવાનો ઉપક્રમ શરૂ કર્યો અને એ રીતે પાકિસ્તાનના ગુપ્ત અણુશસ્ત્ર-કાર્યક્રમની આંતરરાષ્ટ્રીય સ્તરે સૌને જાણ થઈ અને તે એટલે સુધી કે પાકિસ્તાનના આ ચોરીછૂપીથી ચાલતા કાર્યક્રમની વિગતો કાદરખાનને નાછૂટકે રાષ્ટ્રસંઘની આંતરરાષ્ટ્રીય અણુઊર્જા સંસ્થાને બાર પાનાના અહેવાલ દ્વારા પૂરી પાડવી પડી. અમેરિકાના દબાણને કારણે વર્ષ 2001માં રાષ્ટ્રાધ્યક્ષ મુશર્રફે કાદરખાનને કે. આર. એલ. સંસ્થામાંથી રુખસદ આપી અને તેનાથી તદ્દન ગૌણ પદ પર પાકિસ્તાન સરકારના સલાહકાર તરીકે તેમને નીમવામાં આવ્યા. સમયાંતરે આ પદ પરથી પણ તેમને હઠાવવામાં આવ્યા અને અણુશસ્ત્ર તંત્રજ્ઞાનના ‘તસ્કર’ તરીકે વિશ્વભરમાં તેમની બદનામી થઈ.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે