કાદમ્બરી (ઈસુની સાતમી સદી) : ભારતવર્ષના છેલ્લા ચક્રવર્તી સમ્રાટ હર્ષવર્ધન(606-647)ના રાજકવિ બાણે રચેલી કથા. સંસ્કૃત લલિત ગદ્યસાહિત્યની તે શિરમોર કૃતિ છે. સંસ્કૃત લલિત ગદ્યના બે મુખ્ય પ્રકારો કલ્પિત વૃત્તાન્તાત્મક ‘કથા’ અને સત્ય વૃત્તાન્તાત્મક ‘આખ્યાયિકા’ – માં બાણરચિત ‘કાદમ્બરી’ને આદર્શ કથા તરીકેની અને તેણે રચેલ ‘હર્ષચરિત’ને આદર્શ આખ્યાયિકા તરીકેની પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ છે. બાણ પૂર્વે આ લલિત ગદ્યપ્રકારો પ્રચલિત હતા. સ્વયં બાણે જ આ બન્ને કૃતિઓની પ્રસ્તાવનામાં કથા અને આખ્યાયિકાનાં લક્ષણોનો ઉલ્લેખ કરી ‘કાદમ્બરી’ને કથા અને ‘હર્ષચરિત’ને આખ્યાયિકા કહી છે.
‘કાદમ્બરી’ કથા પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એમ બે ભાગોમાં વિભક્ત છે. કથાનો પૂર્વાર્ધ રચ્યા પછી બાણનું અવસાન થયું ત્યારે બાણની ઇચ્છાનુસાર તેના પુત્ર પુલિન – પુલિન્દ કે ભૂષણ ભટ્ટે ઉત્તરાર્ધની રચના કરી કથાને પૂર્ણ કરી છે. બે લેખકોની રચના હોવાથી કથાના પૂર્વાર્ધ-ઉત્તરાર્ધ કાવ્યગુણની ર્દષ્ટિએ થોડાક જુદા લાગે છતાં એકંદરે કથાપ્રવાહ, વર્ણનશૈલી, ચરિત્રચિત્રણ આદિનું સામ્ય અને સાતત્ય જળવાયાં છે.
વિદિશાના રાજા શૂદ્રકની રાજસભામાં એક ચાંડાલકન્યા વૈશમ્પાયન નામનો એક પોપટ રાજાને ઉપહાર તરીકે આપે છે. આ પોપટ મનુષ્યવાણીમાં પોતાનો વૃત્તાન્ત કહે છે ત્યાંથી ‘કાદમ્બરી’ કથાનો આરમ્ભ થાય છે. મુખ્ય વાર્તાના અવાન્તર વૃત્તાન્તમાં મહર્ષિ જાબાલિ પોપટના પૂર્વજન્મનો વૃત્તાન્ત કહે છે. આ વૃત્તાન્તમાં ગન્ધર્વકન્યા મહાશ્વેતાનો આત્મવૃત્તાન્ત, વૃત્તાન્તની અન્તર્ગત ઋષિકુમાર પુંડરીકનો વૃત્તાન્ત, ગન્ધર્વરાજકન્યા કાદમ્બરીનો વૃત્તાન્ત, શાપગ્રસ્ત ચન્દ્રના ઉજ્જયિનીના રાજકુમાર તરીકેના જન્મનો વૃત્તાન્ત અને કપિંજલ, ચાંડાલકન્યાના જન્મપુનર્જન્મના એવા અનેક અવાન્તર વૃત્તાન્તોની જટિલ ગૂંથણી છે. વૈશમ્પાયન પોપટ જાબાલિ મુનિ પાસેથી પોતાના પૂર્વજન્મનો વૃત્તાન્ત સાંભળે છે ત્યારે જ એને પોતાના પૂર્વજન્મોની સ્મૃતિ થાય છે. પૂર્વજન્મે આ શુક ઉજ્જયિનીના મહામાત્યનો વૈશમ્પાયન નામે પુત્ર હતો અને સ્વયં વૈશમ્પાયન પૂર્વજન્મે પુંડરીક નામે સિદ્ધર્ષિકુમાર હતો. પુંડરીક ગન્ધર્વકન્યા મહાશ્વેતાના અનુરાગમાં વિરહાકુલ થઈ મૃત્યુ પામે છે અને મરતાં પહેલાં વિરહવ્યથાને ઉત્કટ કરનાર ચન્દ્રને શાપ આપતો જાય છે. શપ્ત ચન્દ્ર ઉજ્જયિનીના રાજપુત્ર ચંદ્રાપીડ તરીકે જન્મે છે અને પુંડરીક મહામાત્યના પુત્ર વૈશમ્પાયન તરીકે જન્મે છે. દિગ્વિજયયાત્રામાં નીકળેલ રાજકુમાર ચંદ્રાપીડ અને તેનો સુહૃદ વૈશમ્પાયન હિમાલયની ઉપત્યકામાં પડાવ નાખે છે. ત્યાં ચંદ્રાપીડ અશ્વમુખ યક્ષના યુગલને કુતૂહલવક્ષ અનુસરતાં અચ્છોદ સરોવર પાસે વિરહાકુલ તપસ્વિની મહાશ્વેતાને મળે છે. પરસ્પર પરિચય થયા પછી મહાશ્વેતા ચંદ્રાપીડને પોતાની સખી કાદમ્બરી પાસે લઈ જાય છે. ચન્દ્રાપીડ અને કાદમ્બરી પરસ્પર પ્રેમમાં મગ્ન થાય છે. ચંદ્રાપીડને શોધવા આવેલ વૈશમ્પાયન મહાશ્ર્વેતાને જોતાં જ પૂર્વભવની સ્મૃતિ થતાં તેની પાસે પ્રણયયાચના કરે છે. વૈશમ્પાયનના પૂર્વજન્મથી અજાણી મહાશ્ર્વેતા તેને પોપટ થવાનો શાપ આપે છે. વૈશમ્પાયનનું મૃત્યુ ન સહી શકતાં ચન્દ્રાપીડ પણ મૃત્યુ પામે છે. અંતે શાપમુક્ત પુંડરીક અને મહાશ્વેતા તથા ચંદ્રાપીડ અને કાદમ્બરીના સુખદ મિલનમાં કથાની પૂર્ણાહુતિ થાય છે અને જન્મજન્માન્તરનો તેમનો પ્રેમ સફળ થાય છે.
સંસ્કૃત લલિતસાહિત્યનાં વિરલ ગદ્યકાવ્યોમાં ‘કાદમ્બરી’નું સ્થાન અદ્વિતીય છે. કથાલેખક બાણે આ કથામાં પાંચાલી શૈલીનો અતિ સફળ પ્રયોગ કર્યો છે. તેમની શૈલી અલંકારસમૃદ્ધ, સમાસપ્રચુર, સુદીર્ઘ વાક્યાવલિ ધરાવે છે. બહુમુખી વિદ્વત્તા, બાળપણના રઝળપાટમાં થયેલ વિવિધ વ્યક્તિઓના અનુભવ, નિસર્ગશ્રીનો પ્રત્યક્ષ અનુભવ, ભવ્યોદાત્ત અને રમણીય કલ્પનાવૈભવ આદિને લીધે ‘કાદમ્બરી’ અદભુત કાવ્યકૃતિ બની છે. જોકે સૂક્ષ્મ વિગતપ્રચુર અતિદીર્ઘ વર્ણનોને લીધે બાણના પ્રમાણભાનની ટીકા થયેલી છે; પણ એ પ્રાચીન કવિપરિપાટીને અનુસર્યા છે. ઊલટું એ કારણે બાણની કૃતિઓ પ્રશંસાપાત્ર બની છે. ‘बाणोच्छिष्टं जगत् सर्वम्’ અને ‘कादम्बरीसज्ञानां आहारोडपि न रोचते ।’ જેવાં શ્લેષપૂર્ણ વિધાનો કર્તા અને કૃતિનું ગૌરવ પ્રગટ કરે છે
બાણની ‘કાદમ્બરી’ને આધારે ગુજરાતીમાં આખ્યાનબંધમાં રચાયેલી કવિ ભાલણ(પંદરમી સદી)ની કૃતિ ‘કાદમ્બરી’ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. સંસ્કૃત કાદમ્બરીનો પ્રથમ શ્રદ્ધેય અને નોંધપાત્ર ગુજરાતી અનુવાદ 1882માં નડિયાદના વિદ્વાન છગનલાલ હરિલાલ પંડ્યાએ કરેલો.
શાંતિકુમાર પંડ્યા