કાથી(coir fibre)-ઉદ્યોગ

January, 2006

કાથી(coir fibre)-ઉદ્યોગ : નારિયેળ(Cocos nucifera)નાં છોડાં-રેસામાંથી બનાવાતી પેદાશને લગતો ઉદ્યોગ. જોકે ઉષ્ણ (tropic) અને ઉપોષ્ણ (subtropic) કટિબંધ પ્રદેશોમાં કોપરા માટે નારિયેળી ઉગાડવામાં આવે છે. કાથી અને તેની નીપજોની 95 % ઉપરાંત નિકાસ ભારત અને શ્રીલંકામાંથી થાય છે. થાઇલૅન્ડ, ટાન્ઝાનિયા, મેક્સિકો, ફિલિપાઇન્સ, મલેશિયા, કેન્યા, ટ્રિનિડાડ અને ટોબાગો પણ કાથી અને તેની નીપજની થોડી નિકાસ કરે છે. અન્ય દેશો પોતાના ઉપયોગ માટે કાથીનું ઉત્પાદન કરી લે છે. કાથીના કોષ (cell) સરેરાશ 0.7 મિમી. લંબાઈ અને 20 માઇક્રોમિટર પહોળાઈ ધરાવે છે. કોષના છેડા બુઠ્ઠા અથવાå ધારદાર હોઈ શકે છે. કોષની દીવાલ છિદ્રાળુ હોય છે. કાથીમાં ગુહા-પહોળાઈ અને કોષદીવાલની જાડાઈ સરખી હોય છે. કાથી લિગ્નિનયુક્ત તાંતણા છે અને પાકટ થતાં તેનું વધુ પ્રમાણમાં લિગ્નીકરણ થાય છે. નારિયેળનાં છોડાંમાંથી બે રીતે કાથી મેળવવામાં આવે છે. નારિયેળનાં છોડાંને કાચલીથી છૂટાં પાડ્યા પછી તેનાં ચારથી પાંચ કટકા કરી અતંતુક (non-fibrous) ભાગ પાણીમાં કોહડાવી (rotting) દૂર કરવામાં આવે છે, જેને ઘણી વખતે 5થી 6 મહિના અને કોઈ વખતે 10 મહિના પણ લાગે છે. આ પ્રક્રિયા નદીના ખારા પાણીમાં કે તળાવ, ટાંકાં, સરોવર અને ધરામાં કરવામાં આવે છે. ત્યારપછી તેને ચોખ્ખા પાણીથી સાફ કરી, સૂકવી અને મોગરી, લાકડી કે મોટા પથ્થર વડે કૂટીને કાથીના તંતુઓને છૂટા પાડવામાં આવે છે. કેટલીક વખતે લોખંડના કાંસકા (steel comb) વડે તેને છૂટા પાડવામાં આવે છે. આમ પરંપરાગત પદ્ધતિથી છૂટા પાડેલા તાંતણાને હાથથી વણી લેવામાં આવે છે. આ રીતે મળેલા કાથીના તાંતણાને સફેદ તાંતણા (white fibre) અથવા યાર્ન ફાઇબર કહેવામાં આવે છે. બીજી પદ્ધતિમાં કોહડાવ્યા વગરનાં સૂકાં કે લીલાં છોડાંમાંથી યંત્ર દ્વારા તાંતણા મેળવવામાં આવે છે. તેમને તપખીરિયા તાંતણાં (brown fibre) કહેવામાં આવે છે. પરંપરાગત પદ્ધતિથી જુદી આ પદ્ધતિમાં મળતા કાથીના તાંતણા ટૂંકા હોય છે. કાથી સૂકી કે ભેજવાળી હવામાં પણ કોહવાતી નથી. તેના પર સૂક્ષ્મ જીવાણુઓની અસર થતી નથી અને તે મજબૂત હોય છે. તે અનેકવિધ ઉપયોગિતા ધરાવે છે.

ભારતીય કાથી-ઉદ્યોગ, કાથીમાંથી વિવિધ પ્રકારનાં માપ, આકાર અને ડિઝાઇન મુજબ પગલુછણિયાં બનાવે છે. તેમાંથી ફર્શની જાજમ, દીવાલ પરની જાજમ (wall carpets), ક્રિકેટની પિચ પર વપરાતી મૅટ, વ્યાયામશાળામાં વપરાતી જાજમો વગેરે બનાવવામાં આવે છે. તેમાંથી બનાવેલ દોરડાં અત્યંત મજબૂત હોઈ વાહનવ્યવહારમાં વપરાય છે. આ ઉપરાંત હોપ નામની વેલના ઉછેરમાં તે વપરાય છે. તેનો ઉપયોગ ગાંસડી અને પાલખ બાંધવામાં કરવામાં આવે છે. રબરયુક્ત કાથી બસ, કાર, રેલના ડબ્બામાં બેસવાની ગાદીઓ બનાવવા, સૂવા માટેનાં ગાદલાં, ઓશીકાં, ફિલ્ટર-પૅડ વગેરેની બનાવટમાં વપરાય છે. કૉયર બોર્ડે આરંભિક સંયંત્ર (pilot plant) માટે પરદેશથી સંયંત્ર અને ટેક્નૉલૉજી મંગાવી સોયથી કાથી ગૂંથીને ફેલ્ટ પૅડ બનાવ્યાં છે; તેનો ઉપયોગ ગાદી માટેના પૅકિંગમાં, મકાનમાં, ઉષ્મા-વિસંવાહકો (heat insulators) બનાવવામાં, અવાજનું નિયમન કરવામાં, ઉદ્યોગમાં વપરાતાં ગાળણો બનાવવામાં, પૅકેજિંગમાં થાય છે. ભારતમાં કાથી-ઉદ્યોગ કુટીર-ઉદ્યોગ ગણાય છે.  કાથી એક કૃષિ-કુટિર-ઉદ્યોગ છે. પર્યાવરણમિત્રના હોવાને કારણે વિશ્વભરમાં તેની માગ વધતી જાય છે. ભારતમાં તેનું ઉત્પાદન કેરળ, કર્ણાટક અને તમિલનાડુ રાજ્યોમાં થાય છે. નારિયેળીના છોડમાંથી તાંતણા, તાર, દોરડાં, સફેદ તાર, રબરમિશ્રિત કાથી તેમજ પગલુછણિયાં, જાજમ, મજ્જા વગેરે બનાવવામાં આવે છે. રબર સાથે મિશ્ર કરી તેમાંથી ગાદલાં, તકિયા, બેઠકો વગેરે તૈયાર કરવામાં આવે છે. કાથીની વસ્તુઓ સુશોભન તેમજ ગૃહઉપયોગી વસ્તુઓના ઉપયોગમાં લેવાય છે.

ભારતમાં નારિયેળીના છોડાનો ઉપયોગ કરનાર આશરે 9000 એકમો કાથી બોર્ડ પાસે નોંધાયેલા છે. તે ઉપરાંત તાંતણાનું નિષ્કર્ષન કરતા અને તેમાંથી તાર બનાવતા હજારો ગૃહઉદ્યોગો ત્રણ રાજ્યોમાં કાર્યશીલ છે. આ ઉદ્યોગ કેરળના 3 લાખ સહિત કુલ 5 લાખ કામદોરોને રોજી પૂરી પાડે છે. 1999-2000ના વર્ષ દરમિયાન 3,56 લાખ ટન તાંતણા, 2.22 લાખ ટન તાર, 49 હજાર ટન દોરડાં, 30 હજાર ટન સફેદ તાંતણા, 46 હજાર ટન રબરમિશ્રિત તાંતણા અને આશરે 65,000 ટનનાં જાજમ, પગલુછણિયાં વગેરે વસ્તુઓનું કુલ 7.68 લાખ ટન ઉત્પાદન કરવામાં આવ્યું હતું. તેમાંથી ભારતે રૂ. 303 કરોડની કિંમતની 61 હજાર ટન કાથીની વસ્તુઓની નિકાસ કરી હતી. તેમાં પગલુછણિયાંનો 51 ટકા, જાજમનો 14 ટકા અને તારનો 13 ટકા હિસ્સો હતો; જે કુલ કાથી ઉત્પાદનનો ફક્ત 8 ટકા હિસ્સો ધરાવે છે; બાકીની 92 ટકા વસ્તુઓ સ્થાનિક વપરાશમાં ઉપયોગમાં લેવાઈ હતી. 1994-95ની સરખામણીમાં 1999-2000ના વર્ષમાં નિર્યાતની કિંમતમાં 77 ટકા વૃદ્ધિ થઈ હતી; જ્યારે તેના જથ્થામાં ફક્ત 27 ટકાનો વધારો નોંધાયો હતો. કાથીના વિશ્વવ્યાપારમાં ભારતનો હિસ્સો ફક્ત 4 ટકા હતો. આ પર્યાવરણમિત્ર વસ્તુની માગ જ્યારે વિશ્વભરમાં વધી રહી છે, ત્યારે ભારતે નિર્યાતમાં વૃદ્ધિ કરવા વસ્તુઓની ગુણવત્તા અને કિફાયત કિંમત સાથે પ્રયત્નોમાં વધારો કરવો અનિવાર્ય છે.

પ્રવીણસાગર સત્યપંથી