કાત્યાયન (ઈ. પૂ. 400થી ઈ. પૂ. 350) : પાણિનિ પછી વ્યાકરણશાસ્ત્રમાં બીજું મહત્વપૂર્ણ સ્થાન ધરાવનાર વાર્તિકકાર. અન્ય નામ વરરુચિ. જોકે તેમનાં જન્મ, જીવન અને કાર્યસ્થળ અંગે કોઈ પ્રમાણભૂત સામગ્રી મળતી નથી, છતાં તે અંગેની કેટલીક દન્તકથાઓ ‘કથાસરિત્સાગર’ જેવા ગ્રંથોમાં મળી આવે છે. કાત્યાયન એ ગોત્ર-નામ છે. દક્ષિણ ભારતના આ વિદ્વાને પાણિનિની અષ્ટાધ્યાયીમાં આવેલાં 1500 જેટલાં, તો કેટલાકના મતે 1254 જેટલાં સૂત્રો ઉપર લગભગ 4200 વાર્તિકો લખ્યાં છે.

વાર્તિકના પ્રચલિત લક્ષણ પ્રમાણે સૂત્રકાર દ્વારા જે કહેવાયું હોય, કે કહેવાનું રહી ગયું હોય અથવા સૂત્રના અર્થ માટે ખેંચતાણ કરવી પડતી હોય તે સર્વને સ્પષ્ટ કરનાર ગ્રંથને ‘વાર્તિક’ કહેવાય. આ પદ્ધતિ ધરાવનારાં કાત્યાયનનાં વાર્તિકો પાણિનીય વ્યાકરણનું અત્યંત મહત્વપૂર્ણ અંગ છે. આ વાર્તિકોનો પાઠ સ્વતંત્ર રૂપે ઉપલબ્ધ થતો નથી, પણ મહર્ષિ પતંજલિના ‘વ્યાકરણમહાભાષ્ય’માં તે સંગૃહીત થયેલાં છે. કાત્યાયન માટે પ્રાચીન વૈયાકરણ ભર્તૃહરિ, જિનેન્દ્રબુદ્ધિ, હેલારાજ, હરદત્ત આદિ વિદ્વાનો ‘વાક્યકાર’ એવા શબ્દનો પ્રયોગ કરે છે. કાત્યાયને વાર્તિકો ઉપરાંત ‘વાજસનેયી પ્રાતિશાખ્ય’ અને અન્ય સૂત્રસાહિત્યની રચના કરી છે એમ કહેવાય છે. પ્રાકૃત ભાષાની કેટલીક રચનાઓ તેમજ ‘કાતંત્ર’ વ્યાકરણના લેખક તરીકે પણ વરરુચિનું નામ પ્રસિદ્ધ છે છતાં તેમને કાત્યાયન(વરરુચિ)થી ભિન્ન ગણવામાં આવે છે. એ જ રીતે ‘ઋગ્વેદસર્વાનુક્રમણી’ તથા ‘કાત્યાયન શ્રૌતસૂત્રો’ના લેખક પણ પ્રસ્તુત કાત્યાયનથી ભિન્ન છે. વરરુચિ(કાત્યાયન)એ વાર્તિકપાઠ સિવાય ‘સ્વર્ગારોહણ’ નામના એક કાવ્યની રચના કરી છે તેવા નિર્દેશો ‘સૂક્તિમુક્તાવલી’, ‘શાર્ઙ્ગધર-પદ્ધતિ’ આદિ ગ્રન્થોમાં મળી આવે છે.

ભગવતીપ્રસાદ પંડ્યા