કાત્યાયનની ઋક્સર્વાનુક્રમણી

January, 2006

કાત્યાયનની ઋક્સર્વાનુક્રમણી : કાત્યાયને સંકલિત કરેલી ઋગ્વેદની શાકલશાખીય સંહિતાની સર્વગ્રાહી અનુક્રમણી. આ સર્વાનુક્રમણીના બે વિભાગ છે. બાર કંડિકાના પ્રથમ વિભાગમાં ગ્રંથપ્રયોજન અને ઋષિ, દેવતા અને છંદ અંગેના પારિભાષિક નિયમો આપ્યા છે. સૂક્તપ્રતીક, ઋક્સંખ્યા, ઋષિ, દેવતા, છંદ આદિ વિગતો એકત્ર આપી હોઈ તેનું ‘સર્વાનુક્રમણી’ નામ યથાર્થ છે. ઐતરેયાદિ બ્રાહ્મણ અને આરણ્યકો, આશ્વલાયનનાં કલ્પસૂત્રો, શૌનકની વિવિધ અનુક્રમણીઓ આદિ પૂર્વસૂરિઓની રચનાઓ અનુસાર આ અનુક્રમણીનું સંકલન થયું હોઈ તેનું પ્રામાણ્ય અસંદિગ્ધ છે. મંત્રોના ઋષિ, દેવતા, છંદ અને વિનિયોગનું સમ્યગ્ જ્ઞાન જેને ન હોય તેનાં શ્રૌત સ્માર્ત કર્મો સફળ થતાં નથી. જ્ઞાનપૂર્વક કરેલાં યજન-યાજન અને અધ્યયન-અધ્યાપન સફળ અને શ્રેયસ્કર થાય છે. ઋષિ આદિના જ્ઞાન વિના મંત્રપ્રયોગ કરનારા મંત્રો યાતયામ (વાસી) થઈને નિષ્ફળ બને છે, તેને પાપ લાગે છે એમ અનુશ્રુતિ (પરંપરા) કહે છે. આમ પ્રથમ કંડિકામાં અનુક્રમણીના જ્ઞાનનું પ્રયોજન કહ્યું છે.

બીજી કંડિકામાં મંત્રોના ઋષિ અને દેવતાઓ વિશેની પરિભાષા છે. જેણે મંત્રવાક્યનું દર્શન કર્યું હોય તે એ મંત્રવાક્યનો ઋષિ કહેવાય. ઋક્સંહિતાનાં દસ મંડળોમાંના સર્વપ્રથમ મંડળમાંના ઋષિઓ ‘શતર્ચી’ (એકસો ઋચાઓનું દર્શન કરનાર) કહેવાય છે. થોડા ન્યૂનાધિક મંત્રોનું દર્શન કરનાર ઋષિ પણ શતર્ચી કહેવાય. અંતિમ દસમા મંડળમાં નાસદીયસૂક્ત (ઋ. 10-129) પૂર્વેનાં સૂક્તો, મહાસૂક્તો અને તે પછીનાં ક્ષુદ્ર સૂક્તો ગણાય છે. તેમના દર્શન કરનાર ઋષિઓ મહાસૂક્ત ઋષિ અને ક્ષુદ્રસૂક્ત ઋષિ કહેવાય છે. બેથી નવ સુધીનાં મધ્યમ મંડળોના ઋષિઓ માધ્યમ કહેવાય. ઋષિઓનો નામોલ્લેખ તેમનાં ગોત્રનામો સહિત કરાયો છે. કોઈ ઋષિના ગોત્રનામનો ઉલ્લેખ ન હોય તેનું આંગિરસ ગોત્ર જાણવું.

મંત્રમાં જેને વિશે કહેવાયું હોય તે એ મંત્રનો દેવતા કહેવાય અને મંત્રોના અક્ષરોની ઇયત્તા કે અક્ષરસંખ્યાનું પ્રમાણ તે છંદ કહેવાય. છંદોબદ્ધ મંત્રો વડે ઋષિઓ ઇષ્ટ અર્થની સિદ્ધિની ઇચ્છાથી દેવોની પ્રાર્થના કરતા. દેવતાઓ મુખ્યત્વે પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગ એ સ્થાનોમાં નિવાસ કરનાર અગ્નિ, વાયુ અને સૂર્ય એમ ત્રણ છે. ભૂ:, ભુવ: અને સ્વ: એ વ્યાહૃતિઓનો સંબંધ અનુક્રમે આ ત્રણ દેવતાઓ સાથે છે. ત્રણ વ્યાહૃતિઓ જ્યારે સમસ્તપદ હોય ત્યારે તેમનો દેવતા પ્રજાપતિ છે. અગ્નિ, વાયુ, સૂર્ય એ પ્રજાપતિનાં જ સ્વરૂપો છે. ઓમકાર આ સર્વ દેવોનો વાચક છે. તે પ્રજાપતિનો, બ્રહ્મનો, આત્માનો વાચક છે. આમ અતિસંક્ષેપમાં બ્રહ્મ એ જ એકમાત્ર દેવતા છે અને સર્વ દેવો તેની જ વિભૂતિઓ છે એમ કહ્યું છે. સૂર્ય વિશ્વના આત્મારૂપે એકમાત્ર દેવ પરબ્રહ્મ છે. મંત્રોમાં જે વિવિધ દેવોની સ્તુતિઓ જણાય છે, તે વાસ્તવમાં બ્રહ્મરૂપ સૂર્યનાં વિવિધ સ્વરૂપોની સ્તુતિઓ છે.

મોટેભાગે ઇન્દ્રનાં સૂક્તોમાં મરુતોની પણ સ્તુતિ હોય છે. પ્રથમ મંડલમાં મધુચ્છંદાએ છઠ્ઠા સૂક્તમાં કરેલી ઇન્દ્રસ્તુતિમાં મરુતોનો પણ ઉલ્લેખ છે. ઇન્દ્રસૂક્તોમાં પ્રાય: આમ હોય છે. દાનસ્તુતિના મંત્રોના દેવતા તે તે મંત્રોમાં સ્તવાયેલા રાજાઓ છે.

ત્રણથી અગિયાર કંડિકાઓમાં છંદો વિશેની વિગતો છે. અક્ષરપરિમાણ એ છંદ એમ કહ્યું. ગાયત્રી, ઉષ્ણિક, અનુષ્ટુપ, બૃહતી, પંક્તિ, ત્રિષ્ટુપ, જગતી, અતિજગતી, શકવરી, અતિશકવરી, અષ્ટિ, અત્યષ્ટિ, ધૃતિ અને અતિધૃતિ એમ ચૌદ છંદો ઋગ્વેદમાં વપરાયા છે. મોટેભાગે છંદનાં ચાર ચરણ એટલે પાદ ગણાય. ચારેય પાદની કુલ અક્ષરસંખ્યા તે છંદની અક્ષરસંખ્યા સમજવાની છે. ઓછાવત્તા પાદનો ઉલ્લેખ તે તે સ્થળે કરવામાં આવે છે. ત્રણ પાદવાળા ગાયત્રી છંદના ચોવીસ અક્ષરોથી આરંભી ચાર ચાર અક્ષરોની વૃદ્ધિથી છોંતેર અક્ષર સુધીના અતિધૃતિ સુધીના છંદો બને છે. છંદની સમસ્ત અક્ષરસંખ્યામાં એક અક્ષર ઓછો હોય તો તે છંદ નિચૃત્ કહેવાય; જેમ કે, નિચૃત્ ગાયત્રી. જો એક અક્ષર વધારે હોય તો તે ભૂરિક્ કહેવાય. એ જ રીતે, બે અક્ષર ઓછા હોય તો તે વિરાટ્ કહેવાય. બે અક્ષર વધારે હોય તો સ્વરાટ્ કહેવાય. મંત્રમાં કોઈ ચરણમાં નિર્ધારિત સંખ્યા કરતાં અક્ષર ઓછો હોય તો સંખ્યા પૂર્ણ કરવા સારુ ‘ય’ અને ‘વ’ વર્ણો સાથેના સંયોગને જુદો પાડવો અને સવર્ણ, પૂર્વરૂપ, પરરૂપ, ગુણ, વૃદ્ધિ એ સંધિઓને છૂટી પાડી બે સ્વરોને જુદા ગણવા. કાત્યાયનનો આ નિયમ શૌનક કરતાંય પૂર્વથી ચાલ્યો આવતો હશે. નિચૃત્, ભૂરિક્, વિરાટ્, સ્વરાટ્ એ સંજ્ઞાઓ ગાયત્રીથી જગતી સુધીના સાત છંદો સાથે જ વપરાય છે; અતિજગતી આદિ સાથે વપરાતી નથી. છંદનાં ચારમાંનાં કોઈ એક-બે ચરણોના અક્ષરોની ન્યૂનાધિકતા અનુસાર તે છંદોનાં નામો સાથે યવમધ્યા, પિપીલિકા આદિ નામો વપરાય છે. ત્રિષ્ટુપ છંદની એ વિશેષતા છે કે તેના સમસ્ત 44 અક્ષરોમાંથી પાંચ, ચાર કે ત્રણ અક્ષરો ઓછા હોય એટલે કે 39, 40 કે 41 અક્ષરો હોય તોપણ તેને વિરાટ્ વગેરે સંજ્ઞાઓ લગાડાતી નથી. તે ત્રિષ્ટુપ જ કહેવાય છે. કોઈ છંદનો કોઈ એક પાદ દસ અક્ષરોનો હોય તો તે વૈરાજ પાદ કહેવાય. અગિયારનો હોય તો ત્રૈષ્ટુભ અને બારનો હોય તો જાગત પાદ કહેવાય. આ સંજ્ઞાઓ અનુક્રમણીમાં વપરાઈ છે. જ્યાં પાદની અક્ષરસંખ્યાનો ઉલ્લેખ ન હોય ત્યાં આઠ અક્ષરનો પાદ સમજવો. ચાર પાદની ઋચા સમજવી. ઓછાંવત્તાં ચરણોનો ઉલ્લેખ તે તે સ્થળે કરાયો છે; જેમ કે, ‘ગાયત્રી ત્રિપદા છે.’ તેના એક ચરણના આઠ અક્ષર થાય. ચારથી દસ કંડિકાઓમાં જગતી સુધીના છંદો અને ન્યૂનાધિક અક્ષરોને લીધે તેમની સંજ્ઞાઓ કહી. અગિયારમીમાં પ્રગાથ છંદની વિવિધતા કહી. આગળ આવનારાં મંડળ અને સૂક્તવાર વિધાનો સમજવા સારુ કેટલાક સ્વીકૃત નિયમો (પરિભાષાઓ) બારમી કંડિકામાં બતાવ્યા છે. તદનુસાર એક સૂક્તની ઋક્સંખ્યા, ઋષિ આદિ કહ્યા પછી પાછળનાં જેટલાં સૂક્તોમાં આવું વિધાન ન હોય ત્યાં ઋક્સંખ્યા અને ઋષિની અનુવૃત્તિ કરવી. ઋક્સંખ્યામાં ‘પાંચ ઓછી’ આદિ શબ્દોનો પ્રયોગ હોય ત્યાં વીસમાંથી તેટલી સંખ્યા ઓછી એમ સમજવું. સંખ્યાનિર્દેશ ન હોય ત્યાં વીસ ઋચાઓ એમ સમજવું. સૂક્ત વિશેના વિધાનમાં જો ‘तु’ શબ્દનો પ્રયોગ હોય તો ઋક્સંખ્યા કે ઋષિની અનુવૃત્તિ આગળનાં બે સૂક્ત સુધી છે એમ સમજવું. ‘हि’નો પ્રયોગ હોય તો ત્રણ સૂક્તો સુધી, ‘ह’નો પ્રયોગ હોય તો ચાર સૂક્તો સુધી અને ‘तत्’નો પ્રયોગ હોય તો પાંચ સૂક્તો સુધી અનુવૃત્તિ સમજવી. દેવતાનિર્દેશ ન હોય ત્યાં ઇન્દ્રદેવતા અને છંદનિર્દેશ ન હોય ત્યાં ત્રિષ્ટુપ છંદ સમજવા. પ્રગાથ છંદની કોઈ વિશેષતા ન બતાવી હોય ત્યાં તેને બાર્હત પ્રગાથ સમજવો. બે પાદવાળી, સમસ્ત વીસ અક્ષરોવાળી ઋચાને દ્વિપદા વિરાટ્ કહેવી અને એક પાદની દસ અક્ષરવાળીને એકપદા વિરાટ્ કહેવી. અધ્યયનકાળે બે દ્વિપદાઓ મેળવી એક ઋચા તરીકે ભણવાનો આમ્નાય (પરિપાટી) છે. અગિયાર અને વધારે એકી સંખ્યાના અક્ષરોના પાદવાળી ઋચાઓમાંની છેલ્લીને જ દ્વિપદા ગણવી. તે પહેલાંની ઋચાઓને દ્વિપદા ન ગણવી. મંડળોમાં ઐન્દ્ર સૂક્તોની પૂર્વે આગ્નેય સૂક્તો જાણવાં. ત્રિષ્ટુપ છંદવાળાં સૂક્તોમાંની ઋચાઓના બીજા છંદનો નામોલ્લેખ ન હોય તો તે જગતી છંદ છે એમ સમજવું. પ્રથમ મંડલમાં હિરણ્યસ્તૂપના સૂક્ત (1.31) પહેલાંનાં સૂક્તોમાં ગાયત્રી છંદ છે એમ સમજવું. અમુક છંદવાળા સૂક્તમાં વચ્ચે અન્ય છંદનો નામોલ્લેખ કરેલો જ હોય છે.

મંડલ અને સૂક્તના અનુક્રમથી દસેય મંડલોની વિગતવાળી ચોસઠ કંડિકાઓનો બીજો વિભાગ છે. આ કંડિકાઓમાં પ્રત્યેક સૂક્તના સૂક્તપ્રતીક, ઋક્સંખ્યા, ઋષિ, દેવતા અને છંદ આપ્યાં છે; જેમ કે, પ્રથમ મંડલના એકત્રીસમા સૂક્ત વિશે ‘त्वमग्ने’ એ સૂક્તપ્રતીક, ‘द्वयूना:’ એ વીસમાં બે ઓછી (અઢાર) ઋચાઓ, ‘हिरण्यस्तूप’ એ ઋષિનામ, ‘आग्नेय’ એ શબ્દમાં સૂક્તના અગ્નિદેવતાનું નામ, ‘त्रिष्टुबन्त्याडष्टमीषोलश्यौच’ એ જગતી છંદના સૂક્તમાં આઠમી, સોળમી અને છેલ્લી ઋચા ત્રિષ્ટુપ છે એમ સૂક્ત વિશેની પૂરી વિગત છે. આ રીતે સર્વત્ર સમજવાનું છે. આપ્રીસૂક્તનો નામથી નિર્દેશ કરાયેલો છે. સંજ્ઞાન વગેરે સૂક્તવિશેષનાં પ્રચલિત નામોનો પણ નિર્દેશ છે. ક્વચિત્ દેવો વિશેની પુરાકથા કે પ્રસંગ અંગેના ઇતિહાસનો સંક્ષિપ્ત ઉલ્લેખ છે; જેમ કે પ્રથમ મંડલના એકાવનમા સૂક્તમાં ઋષ્યાદિ કહ્યા પછી કહ્યું કે, ‘‘ઋષિ સવ્ય અંગિરાએ ઇન્દ્ર જેવો પુત્ર પ્રાપ્ત કરવાની કામનાથી ઇન્દ્રની સ્તુતિ કરી અને ઇન્દ્ર જ તેને ત્યાં પુત્ર થઈ જન્મ્યો.’’ આ સર્વાનુક્રમણી સ્વયંપૂર્ણ છે.

નટવરલાલ યાજ્ઞિક