કાતરા : રોમપક્ષ (Lepidoptera) શ્રેણીના Arctiidae કુળની, રૂંછાંવાળી ઇયળ (hairy caterpillar) તરીકે ઓળખાતી જીવાત. આ કાતરા 3થી 40 મિમી. લાંબા અને 5થી 6 મિમી. જાડા હોય છે. તેના શરીર ઉપર લાંબા, કાળા તેમજ ટૂંકા તપખીરિયા રંગના જથ્થાદાર વાળ હોય છે. આ જીવાતની ફૂદીનો રંગ સફેદ હોય છે. તેની પાંખની પહેલી જોડ આગળની કિનારી, વક્ષ અને ઉદરપ્રદેશ લાલ રંગનાં હોય છે. પાંખની ઉપર કાળા પટ્ટા અને ટપકાં હોય છે. નર કરતાં માદા ફૂદી કદમાં મોટી હોય છે. ગુજરાતમાં ખાસ કરીને સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ખેડા, વડોદરા અને પંચમહાલ જિલ્લામાં રેતાળ જમીન ધરાવતા ભાગમાં કાતરાનો ઉપદ્રવ વધુ જોવા મળે છે.

કાતરા એક બહુભોજી કીટકની અવસ્થા છે અને તે દરેક પ્રકારની વનસ્પતિ ખાય છે. ચોમાસામાં તેના જીવનક્રમની શરૂઆત થાય છે. તેથી તે પહેલી વાવણીથી થતા પાકો તેમજ ધરુવાડિયામાં નુકસાન કરે છે. મકાઈ, બાજરી, ચોળા, મગ, મઠ, અડદ, તુવેર, તલ, મગફળી, દિવેલા, કપાસ, શણ અને તમાકુનું ધરુ જેવા પાક પર તે સવિશેષ જોવા મળે છે.

ચોમાસાની શરૂઆતનો પ્રથમ ભારે વરસાદ પડતાં જમીનની અંદર રહેતા સુષુપ્ત કોશેટાના વિકાસથી ફૂદીઓ બહાર આવવા માંડે છે. ત્યારબાદ પુખ્ત ફૂદીઓનાં નર અને માદા વચ્ચે સમાગમ થતાં માદા શેઢા પરના ઘાસ અથવા નીંદણમાં પાન ઉપર પીળાશ પડતાં સફેદ રંગનાં ગોળ ઈંડાં મોટી સંખ્યામાં મૂકવાનું શરૂ કરે છે. દરેક માદા 1500થી 1600 ઈંડાં મૂકતી હોય છે. 3થી 4 દિવસમાં વિકાસ થતાં ઈંડાં ઇયળમાં રૂપાંતર પામે છે. ઇયળ પાકમાં દાખલ થઈને સમૂહમાં પાન ખાય છે. કાતરાની ઇયળ-અવસ્થા પૂરી થવામાં 15થી 27 દિવસનો સમય લાગે છે. પાકને માટે કાતરાની આ અવસ્થા ખૂબ જ નુકસાનકારક નીવડે છે. ઇયળ-અવસ્થા પૂરી થવાના સમયે તે વાડ તથા શેઢાપાળા તરફ જઈ જમીનમાં સરેરાશ 10 સેમી. જેટલી ઊંડાઈએ પ્રવેશે છે અને કોશેટામાં રૂપાંતર પામે છે. આ અવસ્થામાં તે બીજા ચોમાસાની શરૂઆત સુધી પડી રહે છે. ત્યારબાદ પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરીને ફૂદામાં રૂપાંતર પામે છે.

કાતરા

આ જીવાતનું સંકલિત નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે. તે માટે પહેલો વરસાદ થતાં હેક્ટરદીઠ એકને ધોરણે અલ્ટ્રાવાયોલેટ ટ્યૂબલાઇટોનાં પ્રકાશપીંજરાં ગોઠવી દશેક દિવસ સુધી આખી રાત ચાલુ રાખવામાં આવે છે. ખેતરના શેઢા પર 1.5 % ક્વિનૉલફૉસ ભૂકો છાંટવાથી નાની ઇયળોનો નાશ કરી શકાય છે. 5 % લીમડાની લિંબોળીનાં મીજનું પ્રવાહી મિશ્રણ તમાકુ, ટમેટાં અને મરચીના ધરુવાડિયામાં છાંટવાથી, કાતરા ધરુને નુકસાન કરી શકતા નથી. ટિલોનિમસ પ્રૉડિટર કીટકના કાતરા ઈંડાં ખાતા હોય છે, જ્યારે થેલેરિયા અને કેજીરિસ્ટા કંઝેન્થેસ્પિસ કાતરા-ઇયળનું પ્રાશન કરતા હોય છે. આમ કુદરતી રીતે પણ આ જીવાતથી પાકને રક્ષણ મળી શકે છે.

પરબતભાઈ ખી. બોરડ

પી. એ. ભાલાણી