કાતરિયું ગેપ

January, 2006

કાતરિયું ગેપ : અદી મર્ઝબાનનું લોકપ્રિય પારસી પ્રહસન. 1954ના અંતમાં અદી મર્ઝબાન અમેરિકાની કૅલિફૉર્નિયાની પેસેડેના અકાદમીમાં અભ્યાસ કરી પરત આવ્યા પછી ભારતીય વિદ્યાભવન કલાકેન્દ્રમાં નાટ્યવિભાગના વડા નિમાયા. ત્યારબાદ તેમણે રજૂ કરેલું ત્રીજું, સહુથી સરસ અને હેતુલક્ષી પ્રહસન હતું. કૉફમૅન હાર્ટનાં બે નાટકો ‘મિ. વૉશિંગ્ટન સ્લેપ્ટ હિયર વન નાઇટ’ના રૂપાંતર ‘પીરોજા ભવન’ અને ‘યુ કાન્ટ ટેક ઇટ વિથ યુ’ના રૂપાંતર ‘મોટા દિલના મોટા બાવા’ પછી આવ્યું આ ‘કાતરિયું ગેપ’. મુંબઈના દૈનિક ‘પ્રજાતંત્ર’ તરફથી બરજોર પાવરી, કાન્તિ મડિયા અને જગદીશ શાહની સમિતિએ ‘કાતરિયું ગેપ’ને 1957માં મુંબઈના શ્રેષ્ઠ નાટક તરીકે પસંદ કર્યું હતું. આ નાટકની રજૂઆતમાં નાવીન્ય હતું. પ્રારંભમાં અદી મર્ઝબાન જીમી પોચા નામના કલાકારને બોલાવી તખ્તા ઉપરના ખંડનો કચરો સાફ કરવાનું કહીને જાય, પછી જીમી પોચા કચરો કાઢી આજુબાજુ જોઈ ફર્નિચર જેના ઉપર ગોઠવાયું હતું તે શેતરંજી ઊંચી કરી બધો કચરો એમાં સરકાવી દે, ત્યારબાદ અદીને બોલાવે અને અદી પૂછે – સાફ થઈ ગયું, કચરો ગયો ? તો જીમી હા પાડી ચાલ્યો જાય અને અદી કહે : ‘કચરો ગયો નથી. દેખાય છે ગયેલો, પણ શેતરંજીની નીચે છે. આવું જ મનની મૂંઝવણ અને મનના અમુક વહેમનું છે. મનમાંથી કાઢી નાખ્યો કહીએ પણ એ વાત નીકળતી નથી. સંઘરાઈને પડી જ હોય છે આ શેતરંજીની નીચે ભરાયેલા કચરાની જેમ !’

આ પ્રસ્તાવના પછી નાટકને માણવાની વધુ મજા આવે અને નાટક મનોવૈજ્ઞાનિક પશ્ચાદભૂ સાથેનું હોવાથી દિગ્દર્શન કરતાં પણ કલાકારોનો ફાળો વધારે રહેતો. બરજોર પટેલ, રુબી પટેલ અને દીનશા દાજીના અભિનયથી અતિ સફળ અને યાદગાર બનેલું આ નાટકનું દસકા પછી પારસી-ગુજરાતીના બદલે અદીની ભાષામાં હિંદુ ગુજરાતી સ્વરૂપ ‘સુકાઈ ગયેલા સુંદરલાલ’ થયેલું. પદ્મારાણી, અમૃત પટેલ, નામદેવ લહુટે અને ભરત દવેની ભૂમિકા હતી. ‘કાતરિયું ગેપ’ શીર્ષક સાવ પાગલ માટે વપરાતા શબ્દના કારણે રમૂજ પેદા કરે, પણ હકીકતમાં આ નાટક મનમાં ઘર કરી ગયેલી અમુક ગ્રંથિઓનું હતું.

પ્રબોધ જોશી