કાઝી, એહમદમિયાં અખ્તર જૂનાગઢી

January, 2006

કાઝી, એહમદમિયાં અખ્તર જૂનાગઢી (જ. ?, ઉના; અ. 6 ઑગસ્ટ 1955) : ઉર્દૂ કવિ અને વિદ્વાન. પિતાનું નામ કાઝી અબ્દુલ્લાહ. તેમની જમીનજાગીર જૂનાગઢના નવાબી રાજ્યમાં કણઝરી ગામમાં હતી અને તે જૂનાગઢના કાઝીવાડા મહોલ્લામાં ‘અખ્તર મંઝિલ’માં રહેતા હતા. તે 1947 પહેલાં જૂનાગઢમાં પુરાતત્વ વિભાગના નાયબ નિયામક તથા નગરપાલિકાના પ્રમુખ પણ રહ્યા હતા. તેઓ દેશના ભાગલા પછી કરાંચી જતા રહ્યા હતા. તેમને કરાંચીના ‘મેવાશાહ’ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા.

કાઝી એહમદમિયાં ઉર્દૂ, ફારસી, અરબી, ગુજરાતી, અંગ્રેજી તથા સંસ્કૃત ભાષા અને સાહિત્યના ઉચ્ચ કોટિના અભ્યાસી હતા અને ઉર્દૂમાં કાવ્યો લખતા હતા. તેમનું ઉપનામ ‘અખ્તર’ હતું. તેમના બે કાવ્યસંગ્રહો ‘સીપાર-એ દિલ’ અને ‘લમ્આતે અખ્તર’ 1934માં પ્રગટ થયા હતા. તેમણે મૌલાના અબૂ ઝફર નદવીના સહયોગમાં જૂનાગઢથી ‘શિહાબ’ નામનું ઉર્દૂ સામયિક પણ શરૂ કર્યું હતું. દેશના ભાગલા પૂર્વે તેમના સંશોધનલેખો પ્રથમ પંક્તિનાં ઉર્દૂ સામયિકોમાં પ્રગટ થતા હતા. કરાંચી ગયા પછી, મૌલવી અબ્દુલ હક સાથે રહીને અંજુમને તરક્કીએ ઉર્દૂના વિકાસમાં અમૂલ્ય ફાળો આપ્યો હતો. તેઓ 1952થી 1955 સુધી હૈદરાબાદમાં સિંધ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રાધ્યાપક પણ રહ્યા હતા.

સંશોધનક્ષેત્રે તેમનું મુખ્ય પ્રદાન ઉર્દૂ કવિ વલી ગુજરાતી વિશેનું ગણાય છે. ઉર્દૂ ભાષાના પ્રથમ સાહિબે દીવાન શાયર વલી મૂળ ગુજરાતી હતા એ વાત તેમણે સબળ પુરાવા સાથે ભાર દઈને રજૂ કરી હતી. તેમના સંશોધનલેખોના બે સંગ્રહો ‘મકાલાતે અખ્તર’ અને ‘મઝામીને અખ્તર’ કરાંચીથી અનુક્રમે 1972 અને 1988માં પ્રગટ થયા હતા. દેશના અગ્રગણ્ય વિદ્વાનો અને લેખકો-કવિઓ સાથેના તેમના પત્રવ્યવહારમાંથી કેટલાક પત્રો, ઉર્દૂના બે પ્રમુખ પત્રસંગ્રહો ‘રાહી ઔર રાહનુમા’ (સંપાદક : સૈયદ અલ્તાફ બરેલવી કરાંચી, 1964) અને ‘મેરે નામ’(સંપાદક : અબ્દુર્રહમાન ખુશતર માંગરોલી, ઢાકા, 1988)માં પ્રગટ થઈ ચૂક્યા છે. આ પત્રો કાઝી અખ્તરની વિદ્વત્તા, દેશના અગ્રગણ્ય લેખકો-કવિઓ સાથેના તેમના સંબંધો તથા તેમના અંગત જીવનનાં અનેક પાસાં ઉપર પ્રકાશ પાડે છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી