કાજુ : દ્વિદળી વર્ગમાં આવેલા એનાકાર્ડિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Anacardium occidentale Linn. (સં. કાજૂતક, અગ્નિકૃત; ગુ., હિં. કાજુ; બં. હિગલી-બદામ; ક. ગેરૂ; મલા. ચુમાક; તે. જીડિમામિ; તા. મુદિરિકૈ; અં. કૅશૂનટ) છે. તેના સહસભ્યોમાં અમાની, આંબો, કામઠી, ચારોળી, સમેટ, ભિલામા, પિસ્તાં વગેરેનો સમાવેશ થાય છે. તે એક નાનું, પ્રસરતું, સદાહરિત (evergreen) વૃક્ષ છે અને કેટલીક વાર 12 મી. સુધીની ઊંચાઈ સુધી પહોંચે છે. તે ઉષ્ણકટિબંધીય અમેરિકાનું મૂલનિવાસી છે અને ભારતના ઉષ્ણપ્રદેશોમાં ખાસ કરીને દરિયાની નજીક પ્રાકૃતિક બન્યું છે. તેનાં પર્ણો સાદાં, એકાંતરિક, પ્રતિઅંડાકાર (obovate) કે પ્રતિઅંડ-લંબચોરસ (obovate – oblong), મજબૂત, બરડ અને અરોમિલ (glabrous), ટોચેથી ગોળાકાર, તલભાગેથી સ્ફાનાકાર (cuneate) અને 10 સેમી.થી 20 સેમી. લાંબાં હોય છે. પુષ્પનિર્માણ જાન્યુઆરીથી માર્ચમાં થાય છે. પુષ્પો 15 સેમી.થી 25 સેમી. લાંબા અગ્રસ્થ લઘુપુષ્પગુચ્છ (panicle) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. તેઓ નાનાં, ગુલાબી પટ્ટીઓ સહિત પીળા રંગનાં, નર કે દ્વિલિંગી અને પંચાવયવી (pentamerous) હોય છે. ફળ કાષ્ઠફળ (nut) પ્રકારનું, 2.5 સેમી. લાંબું અને વૃક્કાકાર હોય છે અને 5.0 સેમી.થી 7.5 સેમી. લાંબા ચળકતા પીળાથી સિંદૂરી લાલ રંગના નાસપતી આકારના માંસલ પુષ્પાસન (કૅશૂ ઍપલ) પર ઉદભવે છે. ફળ ભૂખરું લીલું, સખત, લીસું અને ચળકતું તૈલી ફલાવરણ ધરાવે છે; જેમાં આવેલું એક વાંકું બીજ સફેદ રંગના મીંજ અને રતાશ પડતાં બદામી બીજાવરણનું બનેલું હોય છે.

કાજુ – પર્ણ, પુષ્પ, ફળ

ભારતમાં કાજુનો પ્રવેશ 16મી સદીના ઉત્તરાર્ધમાં ફિરંગીઓ દ્વારા થયો હોવાનું માનવામાં આવે છે. ક્રિસ્ટેવૉઉ દ કોસ્ટાએ 1578માં કોચીનમાં કાજુ ઉગાડવામાં આવતાં હતાં, તેની નોંધ આપી છે. આમ, ભારતમાં અને દક્ષિણ-પૂર્વ એશિયામાં કોચીન કાજુના પરિક્ષેપણ (dispersal) માટેનું કેન્દ્ર ગણવામાં આવે છે. દેશના દરિયાકિનારાના વિસ્તારોમાં ભૂક્ષરણ(soil erosion)ના નિયમન માટે કાજુનો પ્રવેશ કરાવાયો હતો. કાજુનું ઔષધ-મૂલ્ય અને અન્ય ઉપયોગો ફિરંગીઓ બ્રાઝિલમાંથી શીખ્યા અને ભારતમાં તેના પાક-ઉત્પાદનની ક્ષમતા વધારે હોવાનું તેમને જણાઈ. તેથી ફિરંગીઓને પરોક્ષ રીતે તેમને મળનાર લાભના સંદર્ભમાં કાજુના વાવેતરનો પ્રારંભ દક્ષિણ ભારતમાં કર્યો હતો.

કાજુ દક્ષિણ ભારતના પૂર્વ અને પશ્ચિમ દરિયાકિનારે અને ઉત્તરમાં રત્નાગિરિ અને મહાનદીના મુખત્રિકોણ (delta) સુધી પ્રાકૃતિક રીતે ઊગે છે. તે દક્ષિણ ભારતના પશ્ચિમ દરિયાકિનારાનાં જંગલોમાં પૂર્ણપણે પર્યનુકૂલિત (acclimatized) થયું છે. તેના વાવેતરનો 4,23,196 હેક્ટરનો વિસ્તાર મુખ્યત્વે કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગોવા અને મહારાષ્ટ્ર રાજ્યોમાં છે. ગુજરાતમાં મુખ્યત્વે વલસાડ અને થોડા પ્રમાણમાં મહુવા, જૂનાગઢ તથા દાદરા-નગરહવેલીમાં તેનું વાવેતર થાય છે.

ભારતમાં વવાતી કાજુની કેટલીક જાતો સારણી 1માં આપવામાં આવી છે.

રાજ્ય જાત/પસંદગી મીંજમાં

પ્રોટીન-

દ્રવ્ય (%)

નોંધ
કર્ણાટક ‘એગુમ્બે’

‘ME 4/4 સિલેક્શન 1/40¢

‘તીર્થાબાલ્લી’

‘વાઇટ્ટલ’

16.28

16.63

21.28

22.40

કેરળ ‘કસારાગોડે’ 20.15
મહારાષ્ટ્ર ‘વેન્ગુર્લા 1’

 

 

 

 

‘વેન્ગુર્લા 37-3’

મધ્યમ, મોડું પુષ્પ-

નિર્માણ, પુષ્પાસન

60 ગ્રા., ફળ મધ્યમ,

160થી 170 કિગ્રા.,

13 કિગ્રા. ફળ/વૃક્ષ

મધ્યમ – મોડું પુષ્પ-

નિર્માણ, પુષ્પાસન

36 ગ્રા., ફળ

240-250 કિગ્રા.,

28 કિગ્રા. ફળ/વૃક્ષ

તમિલનાડુ ‘M 26/1 એદાયાનચાવડી’

‘M 26/2 એદાયાનચાવડી’

‘M 27/2 એદાયાનચાવડી’

‘M 54/4 ગંગાદેવાકુપમ’

‘M 44/3 કટ્ટુપલ્લી’

‘M 46/3 કટ્ટુપલ્લી’

‘M 3/2 નારુમનમ્’

‘M 6/1 પેપ્પારિયામકુપ્પમ્’

‘રામાપુરમ્-કુડ્ડાલોર બિગ’

‘રામાપુરમ્-કુડ્ડાલોર ઇરિગેટેડ’

‘M 35/4 રંગિયામ્’

‘M 10/4 વાઝીસોદામોનપાલાયમ્’

19.08

19.08

20.65

23.28

22.20

18.90

13.13

21.18

15.58

20.65

14.88

25.03

ગરમ અને ભેજવાળું હવામાન તેને વધુ માફક આવે છે. સૂકા તથા અર્ધસૂકા વિસ્તારમાં ઓછા પાણીએ થઈ શકે તેવો પાક છે. સામાન્ય રીતે 600 મિમી. વરસાદમાં તે સારી રીતે ઊછરી શકે છે. ફૂલ આવવાના સમયે વધુ તાપમાન અથવા કમોસમી વરસાદ કે હિમ નુકસાનકર્તા બને છે.

સારા નિતારવાળી પરંતુ કાળી તથા ખારી જમીન સિવાયની બધા પ્રકારની જમીન તેને માફક આવે છે. લાલ, રેતાળ, ગોરાડુ અને હલકી જમીન સારી માફક આવે છે.

કર્ણાટક રાજ્યના વિરુલ કેન્દ્ર ખાતે તથા મહારાષ્ટ્રના વેન્ગુર્લા (કોંકણ) કેન્દ્ર ખાતે પસંદગીથી વિકસેલ તથા સંકર જાતો વાવેતરલાયક ગણાય છે. વેન્ગુર્લા 1, 2 પસંદગીથી તૈયાર કરેલી જાતો અને વેન્ગુર્લા 3, 4, 5 સંકર જાતો છે.

જમીનની જાત મુજબ 8 × 8 મીટર અથવા 9 × 9 મીટરના અંતરે ઉનાળામાં ખોદેલ 45 × 45 × 45 સેમી. માપના ખાડામાં, સારો વરસાદ થયેથી જૂન-જુલાઈ માસમાં રોપા અથવા કલમોથી તેનું વાવેતર થાય છે.

પ્રથમ વર્ષે છોડદીઠ મે-જૂન માસમાં 50 ગ્રામ નાઇટ્રોજન તથા 40 ગ્રામ ફૉસ્ફરસ તત્વના રૂપમાં મળે તે મુજબ રાસાયણિક ખાતરો નાખવામાં આવે છે. ઑક્ટોબરમાં ફરીથી તેટલો જથ્થો આપવામાં આવે છે. બીજા વર્ષે ઝાડદીઠ 50 ગ્રામ નાઇટ્રોજન, 40 ગ્રામ ફૉસ્ફરસ, 30 ગ્રામ પોટાશ જૂન-જુલાઈ માસમાં તથા તેટલો જ જથ્થો સપ્ટેમ્બરમાં નાખવો પડે છે. ત્રીજા વર્ષે, ઝાડદીઠ 100 ગ્રામ નાઇટ્રોજન, 60 ગ્રામ ફૉસ્ફરસ તથા 60 ગ્રામ પોટાશના બે હપતા અપાય છે. ચોથા વર્ષે તથા ત્યારબાદ પ્રતિવર્ષે ઝાડદીઠ 125 ગ્રામ નાઇટ્રોજન, 60 ગ્રામ ફૉસ્ફરસ તથા 60 ગ્રામ પોટાશના બે હપતા અપાય છે.

સામાન્ય રીતે તેને પિયતની જરૂરિયાત રહેતી નથી. શરૂઆતમાં ઉછેરતી વખતે ઝાડને એક-બે વર્ષ ચોમાસા સિવાય શિયાળા, ઉનાળા દરમિયાન 10થી 15 દિવસે પિયત જરૂરી.

કાજુને પશ્ચક્ષય (die-back) અથવા ગુલાબી રોગ Pellicularia salmonicolor (Corticum salmonicolor) દ્વારા થાય છે. આ રોગમાં શાખાઓ પર ગુલાબી ભાગે ઉત્પન્ન થાય છે, જેથી શાખાઓ કરમાઈને સુકાઈ જાય છે. રોગનિયંત્રણ માટે પ્રરોહના તંદુરસ્ત ભાગના આશરે 3 સેમી. નીચેથી રોગગ્રસ્ત શાખાઓ કાપી નાખવામાં આવે છે. વૃક્ષો પર 1 % બોર્ડો મિશ્રણ છાંટવામાં આવે છે. ધરુનો કરમાવો Cylindrocladium scoparium દ્વારા થાય છે. આ રોગમાં ધરુ સુકાય છે અને કરમાઈ જાય છે. જમીનમાં રહેલા પ્રકાંડના ભાગનો સડો થાય છે. શ્યામવ્રણ(anthracnose)નો મહામારી-(epidemic)નો રોગ Colletotrichum gloeosporioides દ્વારા થાય છે. અસરગ્રસ્ત ભાગો પર ઘેરા બદામી રંગના જખમ ઉત્પન્ન થાય છે અને રાળનો સ્રાવ થાય છે. તેથી નાજુક શાખાઓ, પર્ણો અને પુષ્પવિન્યાસ મૃત્યુ પામે છે. બોર્ડો મિશ્રણ કે લાઇમ-સલ્ફરનો છંટકાવ, ચેપગ્રસ્ત ભાગોનો નાશ અને વાતરોધ (wind-break) બનાવવાથી રોગનું નિયંત્રણ થાય છે. કાજુના સૂકા પ્રકાંડ પર કાળી ફૂગ (Diatrypella indica) થાય છે. Gloeosporium sp. દ્વારા પુષ્પાસનનો સડો થાય છે અને તેઓ પરિપક્વ બનતાં પહેલાં ખરી પડે છે. ફળ પણ ઘેરા લીલા રંગનાં બને છે. 1 % બોર્ડો મિશ્રણ કે કૉપર ફૂગનાશક અસરકારક છે. પ્રરોહ અને પુષ્પવિન્યાસ Gloeosporium mangiferae દ્વારા સુકાઈ જાય છે. કાર્બોલિક ઍસિડ અને બોર્ડો મિશ્રણ છાંટતાં રોગનું નિયંત્રણ થાય છે. Phytophthora palmivora દ્વારા કાજુના રોપાઓનું આર્દ્રપતન (damping off) થાય છે. Cephaleuros mycoidia નામની લીલ દ્વારા પર્ણો પર રાતો ગેરુ થાય છે. તેનું નિયંત્રણ ચેપની શરૂઆતની અવસ્થાઓમાં નિકલ ક્લોરાઇડનું ડસ્ટિંગ (dusting) કરવાથી થાય છે.

પાન-ખાણિયું (leaf miner, Acrocercops syngramma) કીટક નવા પર્ણસમૂહ પર આક્રમણ કરે છે, જેથી પર્ણો અપરિપક્વ સ્થિતિમાં જ ખરી પડે છે. પેરેથિયૉન(0.025 %)ના છંટકાવથી તેનું નિયંત્રણ થાય છે. જંગલી રેશમના ફૂદા(Cricula trifenestrata)ની પાન-ખાઉ ઇયળના ઉપદ્રવથી કાજુનાં વૃક્ષો પર મોટા પાયે વિપત્રણ (defoliation) થાય છે અને ખૂબ નુકસાન થાય છે. પાન પર Salenothrips rubrocinctus અને Rhipiphorothrips cruentatusના થ્રીપ થાય છે. તે પાનના રસમાંથી પોષણ મેળવે છે. તેથી પાન બદામી રંગનાં બને છે અને ‘કોકડવા’(crinckling)નો રોગ થાય છે. વૃક્ષની વૃદ્ધિ અવરોધાય છે. BHC (0.05 %) અથવા પેરેથિયૉનના છંટકાવથી રોગનું નિયંત્રણ કરી શકાય છે. Parasa lepida નામના વાદળી પટ્ટીઓવાળા ડંખીલા કીડાની ઇયળ કાજુનાં પાન ખાઈ જાય છે. Oligonychus mangiferus નામની ઇતડી પાન પર થાય છે અને તેના આક્રમણથી પાન બદામી રંગનાં બને છે.

ચાનો પ્રાણઘાતક માંકડ (Helopeltis antonii) કાજુ પર આક્રમણ કરે છે. તે સક્રિય અને રતાશ પડતો બદામી હોય છે. પ્રરોહ અને પુષ્પવિન્યાસ પર ઉત્પન્ન થતાં નાનાં કાળાં ટપકાં આ માંકડ દ્વારા થયેલા આક્રમણનું સૂચન કરે છે. ડિંભક (nymph) અને પુખ્ત નાજુક પ્રરોહોમાંથી રસ ચૂસે છે, જેથી તેઓ સુકાય છે અને કરમાઈ જાય છે. તે પુષ્પવિન્યાસદંડોમાં છિદ્રો પાડે છે અને પુષ્પો કરમાઈ જતાં ઉત્પાદન પર અસર કરે છે. BHC (0.03 %) કે પેરેથિયૉન(0.02 %)નો છંટકાવ માંકડનું અસરકારક નિયંત્રણ કરે છે. DDT(0.2 %)ના નિલંબન(suspension)નો પ્રથમ છંટકાવ ચિહ્નો જણાય ત્યારે અને ત્યારબાદ બીજો છંટકાવ 15 દિવસ બાદ કરવાથી શ્રેષ્ઠ નિયંત્રણ થાય છે.

કાજુની ઇયળ કે થડવેધક (Plocaederus ferrugineus) તેના થડ અને મૂળને કોરીને ખૂબ નુકસાન પહોંચાડે છે. રોગગ્રસ્ત વૃક્ષનાં પર્ણો આછાં પીળાં બની જાય છે અને વૃક્ષ મૃત્યુ પામે છે. ક્રિયોસોટથી ભીંજવેલા રૂ વડે કાણાં બંધ કરતાં અથવા પાયરોકૉન(1 %)નું કાણાંમાં અંત:ક્ષેપણ કરતાં જીવાતનું નિયંત્રણ થાય છે. BHC(0.1 %)નો થડના તલભાગે અને મૂળ પર છંટકાવ પણ તેના નિયંત્રણમાં મદદ કરે છે. Chelaria haligramma, Anarsia epotias અને Nephopteryx sp.ની ઇયળો, પાનની ઇયળો, ક્રાઇસોમેલીડ ભમરા, લાલ કીડીઓ, તજના મચ્છર વગેરે કાજુને નુકસાન કરતા કીટકો છે.

કાજુ વાવ્યા પછી ત્રણ વર્ષ પછી ઉત્પાદન શરૂ થાય છે. નવેમ્બર માસથી પુષ્પનિર્માણ શરૂ થાય છે, જે જાન્યુઆરી માસ સુધી ચાલુ રહે છે. પુષ્પનિર્માણની ક્રિયા બેથી ત્રણ તબક્કામાં પૂરી થાય છે. શરૂઆતમાં આવેલાં પુષ્પોમાંથી 60 દિવસે, જ્યારે પાછળથી આવેલાં પુષ્પોમાંથી 45 દિવસે ફળો તૈયાર થાય છે. ફળ બેઠા પછી 45 દિવસથી 65 દિવસે લણણી ચાલુ થાય છે. કાજુનાં ફળ દરરોજ ઉતારવાં હિતાવહ ગણાય છે. માર્ચ અને એપ્રિલ માસમાં કાજુ મોટા પ્રમાણમાં તૈયાર થઈ જાય છે. લીસા, ભૂરા અને ભૂખરા રંગનાં ફળ સારાં ગણવામાં આવે છે.

કાજુના ઉત્પાદનમાં દરેક વૃક્ષે અને દરેક બગીચે તફાવત હોય છે. એક વૃક્ષ દ્વારા 2 કિગ્રા.થી 5 કિગ્રા. અને પ્રતિ હેક્ટરે 175 કિગ્રા.થી 770 કિગ્રા. ફળનું ઉત્પાદન થાય છે. પરંતુ સામાન્ય રીતે આશરે 330 કિગ્રા./હેક્ટર ઉત્પાદન થાય છે. વ્યક્તિગત વૃક્ષનું ઉત્પાદન 75 કિગ્રા.થી 80 કિગ્રા. જેટલું થાય છે. ફળ ઉપરાંત, કાજુનું એક વૃક્ષ આશરે 35 કિગ્રા. ખાદ્ય પુષ્પાસનનું ઉત્પાદન કરે છે.

કાજુનો મીઠાઈમાં ખૂબ ઉપયોગ થાય છે. કાજુ કાચાં, શેકીને કે તળીને અથવા મીઠાવાળાં કરીને ખવાય છે. તેની પૂરીઓ, ખીર વગેરે બનાવાય છે. શેકેલાં અને મીઠાવાળાં કાજુ છ માસ સુધી સંગ્રહી શકાય છે. કાજુ માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ ઘણું પોષણમૂલ્ય પણ ધરાવે છે. તેઓ પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન ધરાવે છે.

કાજુનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 5.9 %, પ્રોટીન 21.2 %, લિપિડ 46.9 %, રેસો 1.3 %, કાર્બોહાઇડ્રેટ 22.3 %, ખનિજ 2.4 % અને ઊર્જા 596 કિલો કૅલરી/100 ગ્રા. અને ખનિજ-દ્રવ્યોમાં કૅલ્શિયમ 50.0 મિગ્રા., ફૉસ્ફરસ 450 મિગ્રા., લોહ 5.0 મિગ્રા./100 ગ્રા. હોય છે. થાયેમિન 0.63 મિગ્રા., રાઇબૉફ્લેવિન 0.16 મિગ્રા., નાયેસિન 1.2 મિગ્રા., પ્રજીવક ‘સી’ 1.2 મિગ્રા./100 ગ્રા. અને કૅરોટિન 60.0 માઇક્રોગ્રામ/100 ગ્રામ હોય છે.

પ્રોટીનમાં આવશ્યક ઍમિનોઍસિડનું પ્રમાણ નીચે મુજબ હોય છે : આર્જિનિન 10.4 ગ્રા., હિસ્ટિડિન 2.08 ગ્રા., લાયક્ટિન 4.64 ગ્રા., ફિનિલ એલેનિન 4.32 ગ્રા., મિથિયૉનિન 1.4 ગ્રા., થ્રિયૉનિન 3.2 ગ્રા., ટ્રિપ્ટોફેન 1.76 ગ્રા., લ્યૂસિન 8.16 ગ્રા., આઇસોલ્યૂસિન 5.12 ગ્રા. અને વેલાઇન 5.76 ગ્રા./16 ગ્રા. N. વળી એલેનિન 3.18 ગ્રા., ઍસ્પાર્ટિક ઍસિડ 10.78 ગ્રા., સિસ્ટાઇન 1.02 ગ્રા., ગ્લુટામિક ઍસિડ 28.0 ગ્રા., ગ્લાયસિન 5.33 ગ્રા., સેરિન 5.76 ગ્રા. અને ટાયરોસિન 3.2 ગ્રા./16 ગ્રા. N.

મીંજ 40 %થી 53 % જેટલું તેલ ઉત્પન્ન કરે છે. તેનું પોષણમૂલ્ય બદામના તેલ જેટલું હોય છે અને ઑલિવ તેલ કરતાં તે ઊંચી ગુણવત્તાવાળું ગણાય છે. તે ઉત્તેજક વિષ માટે સારું યાંત્રિક અને રાસાયણિક વિષઘ્ન છે.

બીજાવરણ ટેનિન(24 %-26 %)નો સારો સ્રોત છે. કાજુની છાલના નિષ્કર્ષ વડે કરેલા ચર્મશોધનથી ચામડું સારો રંગ ધારણ કરે છે અને EI ચર્મશોધિત ચામડા સાથે તેની તુલના થઈ શકે છે. બીજાવરણમાં મળી આવેલા પૉલિફિનૉલમાં (+) કૅટેચિન, (-) એપીકૅટેચિન, ઇથાઇલગેલેટ, લ્યુકોસાયનિડિન, પ્રોએન્થોસાયનિડિન, લ્યુકોડેલ્ફીનિડિન અને (-) એપિયેફેઝેલ્ચિનનો સમાવેશ થાય છે.

તેનું પુષ્પાસન વધુ પાકી ગયેલા સફરજન જેવું દેખાય છે. તે રેસામય, રસાળ, પોષક અને સુગંધિત હોય છે. કાચું હોય ત્યારે ખાટું અને ખૂબ સંકોચક (astringent) હોય છે. પૂર્ણ પરિપક્વ થાય ત્યારે તે મીઠું અને મંદ સંકોચક બને છે. તે ખાદ્ય હોય છે અને તેનું સ્વાદિષ્ટ પીણું બનાવી શકાય છે. તે સારા પ્રમાણમાં ઍસ્કૉર્બિક ઍસિડ (150-350 મિગ્રા./100 ગ્રા.) અને ડૅક્સ્ટ્રૉઝ સ્વરૂપે શર્કરાઓ (10 %થી 12 %) ધરાવે છે. તેના રસનું આથવણ કરીને દારૂ બનાવાય છે, જેમાં લગભગ 8.3 % આલ્કોહૉલ હોય છે. દારૂનું નિસ્યંદન કરી બ્રાન્ડી બનાવવામાં આવે છે. તેનો ઔષધ-ઉદ્યોગમાં પણ ઉપયોગ કરી શકાય છે. પુષ્પાસનના રસમાંથી શરબત, કૅન્ડી અને અથાણું બનાવવામાં આવે છે. તેમાંથી બનાવેલી કૅન્ડી અંજીરની કૅન્ડી જેવી આકર્ષક હોય છે. તાજાં ફળોનો વિનેગાર-ઉદ્યોગમાં ઉપયોગ થાય છે. પુષ્પાસન-અવશેષમાંથી પૅક્ટિનનું નિષ્કર્ષણ કરવામાં આવે છે.

પાકા પુષ્પાસનનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 86.3 %, પ્રોટીન 0.2 %, લિપિડ 0.1 %, રેસો 0.9 %, કાર્બોદિતો 12.3 %, ખનિજો 0.2 %, કૅલ્શિયમ 10.0 મિગ્રા., ફૉસ્ફરસ 10 મિગ્રા., લોહ 0.2 મિગ્રા., થાયેમિન 23.0 મિગ્રા., રાઇબૉફ્લેવિન 0.05 મિગ્રા., નાયેસિન 0.4 મિગ્રા., વિટામિન ‘સી’ 180 મિગ્રા., કૅરોટિન 23.0 માઇક્રોગ્રામ અને ઊર્જા 51.0 કિ.કૅલરી/100 ગ્રા.. પુષ્પાસનના રસમાં એલેનિન, ઍસ્પાર્ટિક ઍસિડ, ઍસ્પર્જિન, ગ્લુટામિક ઍસિડ, ગ્લાયસિન, લ્યુસિન, પ્રોલિન, સેરિન, થ્રિયૉનિન, ટ્રિપ્ટોફેન અને વેલાઇન નામના ઍમિનોઍસિડ મુક્ત સ્વરૂપે મળી આવે છે. રસના મુખ્ય પૉલિફિનૉલિક ઘટકમાં લ્યુકોડેલ્ફિનિડિનનો સમાવેશ થાય છે.

પુષ્પાસન અને તેનો રસ પ્રતિસ્કર્વી (antiscorbutic) ગુણધર્મ ધરાવે છે. રસ મૂત્રલ (diuretic) હોય છે અને મૂત્રપિંડની તકલીફોમાં તેમજ કૉલેરાના કિસ્સાઓમાં ઉપયોગી છે.

કાજુના કાષ્ઠફળના કવચમાંથી સ્ફોટકકારી (vesicant) રસ ઉત્પન્ન થાય છે. તેને કૅશૂનટ શેલ લિક્વિડ (CNSL) કહે છે. તે કુદરતી રીતે થતા ફિનૉલનો સારો સ્રોત ગણાય છે. તેના કવચનું તેલ (25 %થી 30 %) કાજુનાં કાષ્ઠફળોના ભૂંજવાથી પ્રાપ્ત થાય છે. તે ઘેરું બદામી, ઘટ્ટ અને મોટાભાગના કાર્બનિક દ્રાવકોમાં સરળતાથી દ્રાવ્ય હોય છે. તેલના રાસાયણિક ઘટકો અને તેમનું પ્રમાણ (ટકાવારીમાં) આ મુજબ છે : ઍનાકાર્ડિક ઍસિડ 71.3 %, કાર્ડોલ 18.7 %, કાર્ડેનોલ 4.7 %, ફિનૉલ 2.7 % અને બે અજ્ઞાત ગૌણ પદાર્થો 2.2 %.

CNSL અસંખ્ય ઔદ્યોગિક નીપજોના નિર્માણ માટે જરૂરી કીમતી કાચું દ્રવ્ય છે. પહેલાં તેનો ઉપયોગ હોડી અને જાળીઓના પરિરક્ષક (preservative) તરીકે અને કાષ્ઠ પર થતી ઇતડીથી રક્ષણ આપવા માટે થતો હતો. ઍસિડની અસર હેઠળ તેનું ‘રબર’ જેવા પદાર્થમાં બહુલકીકરણ (polymerization) થાય છે અને આલ્ડિહાઇડ સાથે વિવિધ સંઘનિત (condensation) નીપજોનું નિર્માણ થાય છે. આ નીપજો સામાન્ય રીતે સખત, દુર્ગલનીય (infusible) અને ઍસિડ અને આલ્કલી માટે અત્યંત અવરોધક હોય છે. રોધી (insulating) વાર્નિશ, રાળ, રંગ, પાર્ટિકલ બૉર્ડ આસંજકો (adhesives), પ્લાયવૂડ-આસંજકો, તાપસુઘટ્ય (thermoplastic) અને તાપર્દઢ (thermosetting) રાળ, પ્લાસ્ટિક, ટાઇપરાઇટર રોલ, તેલ અને ઍસિડ સહ (oil and acid proof), શીતર્દઢ (cold setting) સિમેન્ટ, બ્રેકલાઇનિંગ, ઊંજણો, રબર-રસાયણો, પોસ્ટલ સ્ટૅમ્પિંગ અને તેને મળતી શાહી વગેરે CNSLની નીપજો છે. CNSL અને ભીલવાનકવચના પ્રવાહીના મિશ્ર બહુલીકરણ (polymerization) પર આધારિત રાળનો ઉપયોગ ઇનેમલ, વાર્નિશ, જલસહ (waterproof) પદાર્થો અને બીબાકામ (moulding) માટેનો પાઉડર બનાવવામાં થાય છે. CNSLમાંથી મેળવેલી બીજી એક રાળ આલ્કલી, ઍસિડ અને પાણીનો પુષ્કળ અવરોધ કરતો બેકિંગ ઇનેમલ બનાવવામાં ઉપયોગી છે. CNSLના ફિનૉલમાંથી બનાવાયેલી ઍપોક્સી (epoxy) રાળ, ઢાળણ (casting), વિદ્યુત-ઉપકરણોના સંપુટન (encapsulation), પટલન(lamination)માં, આસંજકો અને સપાટી-વિલેપન(surfac-coating)માં વપરાય છે. CNSLના ફિનૉલીય ઘટકોમાંથી કેટલાક નવા જંતુનાશકો, રંગો અને ઔષધો તૈયાર કરવામાં આવે છે. CNSLના m-આલ્કાઇલ ફિનૉલમાંથી તૈયાર કરેલાં ચતુર્થક (quaternary) નાઇટ્રોજન-સંયોજનો અસામાન્યપણે ઉચ્ચ રોગાણુનાશક (germicidal) સક્રિયતા દર્શાવે છે.

કવચનું તેલ મંદ રેચક હોય છે અને અંકુશકૃમિની સારવારમાં વપરાય છે. તે પગને તળિયે પડતા વાઢિયા, ગાંઠ અને રક્તપિત્તના વ્રણ પર લગાડવામાં આવે છે.

છાલમાં ટેનિન 9 % અને બિન-ટેનિન 9 % અને b-સિટોસ્ટેરોલ હોય છે. તેનો નિષ્કર્ષ પ્રતિ-અતિરક્તદાબી (anti-hypertensive) ગુણધર્મ ધરાવે છે અને મોં દ્વારા લેવાથી રુધિર શર્કરાનું પ્રમાણ ઘટાડે છે. છાલનો ક્ષીરરસ હવાના સંપર્કમાં આવતાં કાળો બને છે. તેનો ઉપયોગ ભૂંસી ન શકાય તેવી શાહી તરીકે કરવામાં આવે છે.

છાલમાંથી આછો પીળોથી માંડી રતાશ પડતો ગુંદર સ્રવે છે. ગુંદર પાણીમાં અંશત: દ્રાવ્ય અને દક્ષિણાવર્તધૂર્ણક (dextrorotatory) હોય છે. તે કીટનાશક ગુણધર્મ ધરાવે છે અને બુક-બાઇન્ડિંગમાં ઉપયોગી છે. તેનો ઔષધીય (pharmaceutical) ઉપયોગ કરવામાં આવે છે અને બાવળના ગુંદરની અવેજીમાં વપરાય છે.

કાજુના વૃક્ષની કલિકાઓ અને નાજુક પર્ણો શાકભાજી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તેમનો ઉપયોગ લીલા ખાતર તરીકે પણ થાય છે. પર્ણોનો ત્વચાની તકલીફોમાં પ્લાસ્ટરમાં ઉપયોગ કરવામાં આવે છે. પર્ણોનો આલ્કોહૉલીય નિષ્કર્ષ ન્યૂનમધુરક્ત (hypoglycaemic) સક્રિયતા દાખવે છે. તે ઉંદરોમાં હિપેટોમા 129 સામે પ્રતિ-કૅન્સર (anticancer) સક્રિયતા દર્શાવે છે.

પુષ્પો ઇથાઇલ ગેલેટ, ક્વિર્સેટિન, હાઇપરોસાઇડ અને m-ડાઇગેલિક ઍસિડ ધરાવે છે. બીજમાં રહેલો રાળયુક્ત રસ માનસિક અવ્યવસ્થા (mental derangement), જાતીય નિર્બળતા (sexual debility), હૃદયનાં સ્પંદનો અને રૂમેટી હૃદયાવર શોથ(rheumatic pericartis)ના કિસ્સાઓમાં ઉપયોગી છે. તેનો ઉપયોગ શીતળાને કારણે ગુમાવાયેલી સ્મૃતિના કિસ્સાઓમાં થાય છે.

કાજુનાં વૃક્ષો વનીકરણ(afforestation)ના હેતુસર ઉછેરવામાં આવે છે. તેનું કાષ્ઠ રતાશ પડતું બદામી, સખત અને ભારે (વજન, 608 કિગ્રા/ઘ.મી.), સંકુલિત કણયુક્ત (close-grained) હોય છે. તેનો પરિવેષ્ટન (packing) માટેનાં ખોખાં, હોડી વગેરે બનાવવામાં ઉપયોગ થાય છે. તે બળતણ તરીકે પણ વાપરવામાં આવે છે.

આયુર્વેદ અનુસાર કાજુ તૂરું, મધુર, ઉષ્ણ, લઘુ અને ધાતુવર્ધક છે. તે વાયુ, કફ, ગુલ્મ, જ્વર, કૃમિ, વ્રણ, અગ્નિમાંદ્ય, કોઢ, શ્વેતકોઢ, સંગ્રહણી, અર્શ અને આનાહનો નાશ કરે છે. તેનાં પાકાં ફળ નળવિકારનાશક હોય છે. કાજુનો ઉપયોગ પગે ઓસાર થાય તે ઉપર, ઢોરોને પગ સૂજી જવાથી તેનાથી ચલાતું નથી તે ઉપર, મણિયારીના વિષ ઉપર અને બદ જલદી ફૂટે તે માટે થાય છે.

સુનીલ ઠાકર

બળદેવભાઈ પટેલ