કાચગુપ્ત : સંભવત: ગુપ્તવંશનો રાજા. જોકે ગુપ્તોની વંશાવલીમાં એનો સમાવેશ થયો નથી. તેના સોનાના સિક્કા મળ્યા છે. તેના અગ્રભાગમાં રાજાની ઊભી આકૃતિ છે, એમાં એ જમણા હાથે અગ્નિમાં આહુતિ આપતો અને ડાબા હાથે ધ્વજદંડ ધારણ કરેલો દેખાય છે. વળી આ ભાગમાં ‘પૃથ્વી જીતીને કાચ ઉત્તમ કાર્યો વડે સ્વર્ગને જીતે છે’ એ મતલબનું સંસ્કૃતમાં લખાણ છે. પૃષ્ઠભાગમાં દેવીની ઊભી આકૃતિ અને ‘સર્વરાજોચ્છેત્તા’ (બધા રાજાઓનો ઉચ્છેદ કરનાર) એવો ઉલ્લેખ છે. આ રાજા સમુદ્રગુપ્તના સમય આસપાસ થયેલો જણાય છે. ‘મંજુશ્રીમૂલકલ્પ’માં જણાવેલ સમુદ્રગુપ્તનો ભાઈ ‘ભસ્મ’ તે આ કાચ હોય. આ ઉપરથી બહુમતી વિદ્વાનો કાચગુપ્તને સમુદ્રગુપ્તનો પ્રતિસ્પર્ધી પુરોગામી રાજા હોવાનું માને છે.
પ્રવીણચંદ્ર પરીખ