કાગઝ કે ફૂલ (રજૂઆત – 1959) : ભારતનું પ્રથમ સિનેમાસ્કોપમાં ઉતારાયેલું ગુરુદત્ત ફિલ્મ્સનું શ્વેતશ્યામ ચલચિત્ર. મુખ્ય કલાકારોમાં ગુરુદત્ત ઉપરાંત વહીદા રહેમાન, બેબી નાઝ, જૉની વૉકર, મહેશ કૌલ, વીણા, મહેમૂદ વગેરે હતાં. સંગીતકાર સચિનદેવ બર્મન અને ગીતકાર શાયર કૈફી આઝમી. સંગીતમાં પ્રલંબસ્વરો અને સમૂહ-સ્વરોનો ઉત્તમ પ્રયોગ થયો હતો. ગાયક કલાકારો મોહમ્મદ રફી, સુધા મલ્હોત્રા, ગીતા દત્ત અને આશા ભોસલે હતાં. ‘દેખી જમાને કી યારી’ અને ‘વક્તને કિયા ક્યા હસીં સિતમ’ ગીતો વિશેષ રૂપે લોકપ્રિય થયાં હતાં.
ગુરુ દત્તે (1925-1964) ચાર ચલચિત્રોમાં નિર્માણ, નિર્દેશન અને અભિનયની જવાબદારી સંભાળેલી એમાંનું આ છેલ્લું હતું. એની કથા મોટાભાગે એમના પોતાના જીવનની કારુણી પર આધારિત હતી. તેઓ ફિલ્મનિર્માણના કલાકેન્દ્રી ગણાતા છતાં તદ્દન અર્થનિર્ભર વ્યવસાયમાં કોઈ અતિશય ઋજુ-હૃદયી અને સંવેદનપૂર્ણ વ્યક્તિ આવી ચડે અને પોતાના કાર્યના જ એક ભાગ રૂપે નાયિકા સાથે અંગત જીવનમાં પણ હૃદયભાવોની અતિશય તદ્રૂપતા અનુભવે તેને પરિણામે એના લગ્નજીવનમાં પણ ઝંઝાવાત સર્જાય; કાળક્રમે પેલી નાયિકા અને અન્ય સાથીદારો પરત્વેના એના ભ્રમનું નિરસન થાય; છેવટે એ પલાયન
શોધે-પામે અને પછડાય; એવી કથાના અંતભાગે નાયક, જે ચલચિત્રમાં પણ એક દિગ્દર્શક જ છે – તેનું મૃત્યુ ફિલ્મના સેટ પર થાય ત્યારે એના મૃત્યુની પણ ઘોર અવહેલના થાય. આવી કથા ધરાવતું ચલચિત્ર સરેરાશ સ્તરના પ્રેક્ષકવર્ગની રુચિના બરનું ન હોવાના કારણે અને એના સાદ્યંત નિરાશાના ધ્વનિને કારણે, અન્ય અનેક રીતે ઉત્કૃષ્ટ કોટિનું હોવા છતાં ટિકિટબારી ઉપર નિષ્ફળ ગયું. ગુરુ દત્તનું પણ એ પછી પાંચ જ વર્ષમાં લગભગ એવી જ વિષાદાવસ્થામાં અવસાન થયું (એ આત્મઘાત હતો એમ પણ મનાય છે). ચલચિત્રમાં ઠેરઠેર કોમળ ભાવોની અત્યંત કાવ્યમય – કલાત્મક અભિવ્યક્તિ જોવા મળતી હતી. અંતિમ ર્દશ્ય તો ફિલ્મીકરણની કલાના એક ઉત્તમોત્તમ નમૂનારૂપ હતું. એમાં છબીકાર વી. કે. મૂર્તિએ આયનાઓની મદદ લઈને પ્રકાશ ને છાયાનો સચોટ અને સમજપૂર્વક ઉપયોગ કર્યો હતો.
રજનીકુમાર પંડ્યા