કાગઝ તે કૅન્વાસ

January, 2006

કાગઝ તે કૅન્વાસ (1970) : પંજાબનાં કવયિત્રી અમૃતા પ્રીતમનો કાવ્યસંગ્રહ. તેને 1981માં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. આ સંગ્રહમાં અમૃતા પ્રીતમ તેમનાં અગાઉનાં કાવ્યો કરતાં જુદો વળાંક લે છે. તે લોકબિંબો અને રૂઢિપ્રયોગોને સ્થાને આધુનિક બિંબો અને રૂઢિપ્રયોગો તથા લોકઢાળ અને પ્રણાલીગત છંદોને બદલે મુક્ત છંદોનો ઉપયોગ કરે છે. નિરાશાવાદ સુધી પહોંચતો વ્યંગ ઊર્મિમયતાનું અને જીવનોલ્લાસનું સ્થાન લે છે. આમ છતાં તેમનું સામાન્ય વલણ નિરાશાવાદી કે પલાયનવાદીને બદલે માનવવાદી રહે છે. તે ઘટનાઓ અને વ્યક્તિઓ દ્વારા પોતાને અભિવ્યક્ત કરે છે. પુસ્તકમાં તેમના વર્તુળના લેખકો, કલાકારો અને મૅરિલિન મનરો, એઈન રેન્દ, માર્ટિન લ્યૂથર કિંગ, લેનિન તથા અન્ય આંતરરાષ્ટ્રીય વ્યક્તિઓની પણ કંઈક સામાન્ય પ્રકારની ગણાય તેવી છબીઓ છે. પરંપરાવિરોધી એવાં અમૃતા પ્રીતમ એક કાવ્યમાં ગુરુ નાનકનાં માતાની (ગર્ભાધાનથી નાનક્ધાા જન્મ સુધીની) લાગણીઓના આરોહઅવરોહ વ્યક્ત કરે છે. આ કાવ્યસંગ્રહમાં અસ્તિત્વવાદની અસર સ્પષ્ટ વરતાય છે.

ગુરુબક્ષસિંહ