કાક્કનાડન, જી. વી.

January, 2006

કાક્કનાડન, જી. વી. (જ. 23 એપ્રિલ 1935, તિરુવલ્લા, કેરળ; 19 ઑક્ટોબર 2011, કોલમ, કેરળ) : મલયાળમ નવલકથાકાર અને વાર્તાકાર. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘જાપ્પાણ પુકયિલા’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે બી.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ 1957–1961 સુધી દક્ષિણ રેલવે, 1961–1967 સુધી રેલવે મંત્રાલયમાં કાર્યરત રહ્યા. 1967–68 સુધી ભાષા-વિજ્ઞાન સંબંધી અધ્યયન માટે લીપઝીગ, પૂર્વ જર્મનીની કાર્લ માર્કસ યુનિવર્સિટીમાં રહ્યા હતા.

તેઓ તમિળ, અંગ્રેજી, હિંદી અને જર્મન ભાષાની જાણકારી ધરાવતા હતા. 1957–58થી તેમણે વાર્તાઓ લખવી શરૂ કરેલી. તેઓ મલયાળમના આધુનિકતાવાદી વાર્તાસાહિત્યના એક મહત્વના અગ્રયાયી ગણાય છે. તેમણે 20 નવલકથાઓ, 5 વાર્તાસંગ્રહો, એક પ્રવાસવર્ણન જેવા ગ્રંથો આપ્યા છે. તેમની મુખ્ય કૃતિઓ આ પ્રમાણે છે : ‘શ્રીચક્રમ’ ‘ચુવર ચિત્રંગલ’, ‘એળામ મુદ્રા’, ‘પરંકિમલા’, ‘ઉરોતા’ અને ‘ઉષ્ણમેખલા’ (બધી નવલકથાઓ); ‘માળયુદે જવાલકળ’, ‘કાક્કનાડન કથકળ’ અને ‘જાપ્પાણ પુકયિલા’ વાર્તાસંગ્રહ છે. તેમને કેરળ સાહિત્ય અકાદમી પુરસ્કાર, મુટ્ટતુ વરકી ફાઉન્ડેશન પુરસ્કાર અને પદ્મપ્રભા પુરસ્કાર સહિત અનેક પુરસ્કાર અને સન્માનોથી સન્માનિત કરવામાં આવ્યા છે.

જી. વી. કાક્કનાડન

તેમની પુરસ્કૃત કૃતિ ‘જાપ્પાણ પુકયિલા’ વાર્તાસંગ્રહ તેની ઓજસ્વી શૈલી અને વિષયવસ્તુને કારણે ઉલ્લેખનીય છે. તેમાં લેખકનો વિસ્તૃત અનુભવ અનન્ય રીતે અભિવ્યક્ત થયો છે. રોજિંદી ઘટનાઓના જાદુઈ મિશ્રણ દ્વારા પ્રત્યેક વાર્તા કલાત્મક અનુભવની નવી દુનિયામાં ડોકિયું કરાવતી હોવાથી આ કૃતિ મલયાળમમાં લખાયેલ ભારતીય કથાસાહિત્યમાં ઉલ્લેખનીય બની છે.

બળદેવભાઈ કનીજિયા