કાકોરી ષડ્યંત્ર : ભારતના સ્વાતંત્ર્યસંગ્રામ દરમિયાન ક્રાન્તિકારી નવયુવાનો દ્વારા રેલવે દ્વારા જતી સરકારી રોકડ લૂંટવાનો અભૂતપૂર્વ બનાવ. આ ઉગ્રદળના ક્રાંતિકારી યુવાનોને નાણાકીય કટોકટી વારંવાર સતાવતી. તે દૂર કરવા દળના મુખ્ય નેતા રામપ્રસાદ બિસ્મિલે રેલગાડીમાં આવતી સરકારી રોકડ લૂંટવાનું નક્કી કર્યું. તે સમયે કલકત્તા મેલ દ્વારા રેલવે સ્ટેશનની આવક લખનઉ મોકલવામાં આવતી. આ રેલગાડીમાંની રોકડ લૂંટવાનું ક્રાંતિકારીઓએ ગોઠવ્યું. તે મુજબ 9 ઑગસ્ટ 1925ના રોજ આ યોજનામાં જોડાયેલા જુવાનો બાલામાઉ જંક્શને પહોંચ્યા અને ત્યાંથી કોલકાતાથી આવતા મેલમાં રામપ્રસાદ બિસ્મિલ, ચંદ્રશેખર આઝાદ અને અસફ્ઉલ્લા પ્રથમ વર્ગના ડબામાં અને બાકીના ક્રાંતિકારીઓ ત્રીજા વર્ગના ડબામાં ચડ્યા. અગાઉ નક્કી કર્યા મુજબ કાકોરી સ્ટેશનથી થોડે દૂર સલામતી-સાંકળ ખેંચી ગાડી થોભાવી. શસ્ત્રો સાથે આવેલા ક્રાંતિકારીઓએ યોજના મુજબ રોકડની તિજોરીઓ નીચે ઉતારી લઈ ગાડીને આગળ જવા દીધી. અસફ્ઉલ્લાએ બહાદુરીથી તિજોરીઓ તોડી રોકડ લઈ લીધી અને પોતાના સાથીઓ સાથે પોતપોતાનાં સ્થાને પહોંચી ગયા. પોલીસે ઠેર-ઠેર છાપા માર્યા. કેટલાક પકડાયા. શારીરિક યાતનાઓ અને પીડાથી કેટલાકે ક્રાંતિકારીઓનાં નામ જાહેર કર્યાં. એકમાત્ર ચંદ્રશેખર આઝાદ સિવાય તમામ ક્રાંતિકારીઓ પકડાઈ ગયા. દોઢ વર્ષ સુધી લખનઉની ખાસ અદાલતમાં 29 આરોપીઓ સામે મુકદ્દમો ચાલ્યો. જોકે આ દરમિયાન પકડાયેલા ક્રાંતિકારીઓને જેલમાંથી મુક્ત કરાવવા અને ત્યાંથી ભગાડી મૂકવાનો પ્રયત્ન ભગતસિંહ અને તેમના સાથીદારોએ કર્યો હતો પરંતુ તેમાં તેમને સફળતા મળી નહિ. પકડાયેલા ચાર ક્રાંતિકારીઓને ફાંસીની સજા થઈ. એમાં રામપ્રસાદ બિસ્મિલ, રોશનસિંહ, રાજેન્દ્રનાથ લાહિડી અને અસફ્ઉલ્લાનો સમાવેશ થતો હતો. ચારને દેશનિકાલની સજા થઈ. બાકીનાને 5થી 14 વર્ષની સજા થઈ. ક્રાંતિકારીઓમાં આ બનાવના પડઘા પડ્યા. ભગતસિંહ અને તેમના સાથીઓએ ઉગ્ર રીતે પોતાની પ્રવૃત્તિ વિસ્તારી.
કિરીટકુમાર જે. પટેલ