કાકાદેવતાર હાડ

January, 2006

કાકાદેવતાર હાડ (1973) : અસમિયા નવલકથા. નવકાન્ત બરુઆલિખિત આ નવલકથાની પાર્શ્વભૂમિ નવગોંગ જિલ્લાની છે. કથાસમય અઢારમી સદીનો ઉત્તરાર્ધ છે. એ કથા દાદીમાના પોતાના કુટુંબના પૂર્વકાલીન ઇતિહાસનાં સંસ્મરણો રૂપે નિરૂપાઈ છે. નવલકથા રાજદરબારના એક પુરુષ ભોગઈ બરુઆ અને એક ધનાઢ્ય પુરુષ ભાખર બોરાના ઉગ્ર કલહની કથા છે. તેમાં આખરે દરબારના પુરુષ ભોગઈ બરુઆ વિજયી બને છે. તેમાં નવલકથાકાર એ સમયના ઉપલા વર્ગના લોકોની સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક પરિસ્થિતિનું કુશળતાથી ચિત્રાંકન કરે છે, તેથી તત્કાલીન સમાજનું ર્દશ્ય તાર્દશ થાય છે. સામંતશાહી સમાજમાં સમાજનો ઉપલો વર્ગ જેમ નચાવે તેમ સામાન્ય જન કેવો નાચે છે, અને લાચારીથી જીવ્યે જાય છે તેનું નિરૂપણ આકર્ષક રીતે કર્યું છે. ઉપલા અને નીચલા થરના લોકો વચ્ચે મધ્યમવર્ગ હતો જેમાં કેટલાક સંસ્કારસંપન્ન અને વિદ્વાન લોકો હતા. તેમનું આદરણીય સ્થાન હતું.

આ ઐતિહાસિક નવલકથા હોવા છતાં, એમાં ઐતિહાસિક તથ્યો પર ઝાઝો આધાર રખાયો નથી. ઇતિહાસમાં તો માત્ર બે કુટુંબોનાં નામો જ મળે છે, જ્યારે તેમની વચ્ચેનો ઝઘડો, વૈરવૃત્તિ અને ભાખર બોરાના મૃત્યુ વિશેની હકીકતો લોકસાહિત્યમાંથી મેળવી છે. બીજું બધું લેખકની કલ્પનામાંથી નીપજે છે. આ નવલકથાને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1975ના વર્ષનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

ઈન્દિરા ગોસ્વામી