કાકરાપાર (પરમાણુ) વિદ્યુતમથક (Kakarapar Atomic Power Station) : તારાપુર (મુંબઈ નજીક), રાવત ભાટા (રાજસ્થાનમાં કોટા નજીક), કલ્પક્કમ (ચેન્નાઈ નજીક) અને નરોરા (યુ.પી.) પછીના ક્રમે આવતું, દક્ષિણ ગુજરાતમાં કાકરાપાર નજીક બંધાયેલ ભારતનું પરમાણુ વિદ્યુતમથક. આ સંકુલમાં બંધાયેલ બે એકમો(unit-1 and unit-2)માં પ્રત્યેક એકમમાં 235 મેગાવૉટ વિદ્યુત (MWe) ઉત્પન્ન કરી શકાય તેવી ઊંચા દબાણે ભારે પાણી વડે કાર્ય કરતી પરમાણુભઠ્ઠીઓ (Pressurised Heavy Water Reactors – PHWRs) ગોઠવવાનું કાર્ય પૂરું થયું છે. બન્ને પરમાણુભઠ્ઠીઓ (reactors) 1993થી કામ કરતી થઈ છે. ઉપર જણાવેલાં વિદ્યુતમથકો પૈકી તારાપુર સિવાયનાં અન્ય મથકો PHWR પ્રકારનાં છે, જ્યારે તારાપુરના વિદ્યુતમથકમાં ભારે પાણી(heavy water)ને સ્થાને ઊકળતા પાણી(boiling water)નો ઉપયોગ કરવામાં આવે છે.
ન્યૂક્લિયર પ્રોગ્રામનું આયોજન 1950ના ગાળામાં શરૂ થયું. તે વખતે પ્રચલિત એવી ત્રણ પ્રકારની પરમાણુભઠ્ઠીઓમાંથી પસંદગી કરવાની હતી : (1) વાયુ-કૂલનવાળી બ્રિટનમાં વપરાતી પરમાણુભઠ્ઠીઓ; (2) ભારે પાણીને બદલે સામાન્ય પાણી દ્વારા કામ આપતી, અમેરિકામાં વપરાતી ભઠ્ઠીઓ અને (3) કૅનેડાના – કૅન્ડુ (Canada Can Do It – CANDU) પ્રકારના PHWRs. ઉપર જણાવ્યા પ્રમાણે ભારતમાં તારાપુર સિવાય અન્ય યોજનાઓમાં PHWRનો ઉપયોગ કરવાનું નક્કી થયા પછી, તેમને માટેના જરૂરી ભારે પાણીનું ઉત્પાદન, નાંગલ (પંજાબ), વડોદરા તથા સુરત પાસે હજીરા (ગુજરાત), તુતીકોરિન (તામિલનાડુ), કોટા (રાજસ્થાન) તાલચેર (ઓરિસા) અને થાલ(મહારાષ્ટ્ર)માં કરવામાં આવે છે.
ભારતની PHWR પ્રકારની ભઠ્ઠીમાં સલામતી માટે એક એવી વિશિષ્ટ ગોઠવણ કરવામાં આવેલી છે જેને લઈને, ચાલુ પ્લાન્ટે પણ દૂર રહીને યાંત્રિક પદ્ધતિથી બળતણ ભરી શકાય છે તેમજ વપરાયેલું બળતણ બહાર કાઢી શકાય છે.
[નોંધ : 1 મેગાવૉટ = 106 = દસ લાખ વૉટ]
કાકરાપાર પરમાણુ પાવર મથકના એકમ-Iએ 3 સપ્ટેમ્બર 1992ના રોજ અને એકમ-IIએ 8 જાન્યુઆરી 1995ના રોજ ક્રાંતિકતા પ્રાપ્ત કરી. કાકરાપાર પરમાણુ પાવર મથકનો એકમ-I, ઉત્તમ કાર્યરત એકમ તરીકેની, પ્રતિષ્ઠાને પાત્ર બન્યો છે; ખાસ કરીને PHWR વિભાગમાં. 1 ઑક્ટોબર 2001થી 1 સપ્ટેમ્બર 2002 સુધી, 12 મહિના માટે તેણે આ સ્થાન જાળવી રાખ્યું. વિશ્વના 5 PHWR એકમોમાં NPCLના ત્રણ એકમો જેમાં એક કાકરાપારનો એકમ અગ્રસ્થાને રહ્યો છે. કાકરાપાર પરમાણુ મથકના એકમો I અને IIને ISO-14001 તરફથી પર્યાવરણ પ્રબંધનને લગતું પ્રમાણપત્ર 2002માં મળેલું છે.
કોઈ પણ સમયે આવનાર ન્યૂક્લિયર આપત્તિને પહોંચી વળવા માટે, પરમાણુ ઊર્જા વિભાગે સંકટ સમયે કાર્ય કરનાર પ્રબંધન જૂથ(crisis management group)ની રચના કરેલી છે. કટોકટીને પહોંચી વળવા માટે પ્રશિક્ષણ અપાયેલા લોકોને તૈયાર રાખવામાં આવે છે. 2002માં કાકરાપાર ખાતે ઑફ-સાઇટ (off-site) સંકટને પહોંચી વળવા માટે કવાયતનું આયોજન કરવામાં આવ્યું. તેમાં સંચારણ, આગ-કટોકટી, પ્લાન્ટ-કટોકટી અને સ્થળની કટોકટીને પહોંચી વળવા માટેની કવાયતોનો સમાવેશ થાય છે.
સુરેશ ર. શાહ
પરંતપ પાઠક
પ્રહલાદ છ. પટેલ