કાંસકી : દ્વિદળી વર્ગમાં આવેલા માલ્વેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Abutilon indicum (Linn) Sweet. (સં. અતિબલા; હિં. કંગઈ, કકહિયા, પેટારી; બં. પેટારી; મ. પેટારી, મુદ્રાવળ, મુદ્રિકા, કાસલી; ગુ. કાંસકી, ડાબલી, પેટારી, અં. કન્ટ્રી મૅલો) છે. તેના સહસભ્યોમાં ગુલખેસ, પારસપીપળો, જાસૂદ, બલા વગેરેનો સમાવેશ થાય છે. ભારતમાં તેની 18 જેટલી જાતિઓ થાય છે. બહુ થોડી વિદેશી જાતિઓ શોભન વનસ્પતિઓ તરીકે ઉદ્યાનોમાં ઉછેરવામાં આવે છે.
તે શાકીય કે ક્ષુપીય, કેટલીક વાર 3 મી. સુધીની ઊંચાઈ ધારણ કરતી, મૃદુ રોમિલ બહુવર્ષાયુ વનસ્પતિ છે. તે ઉપ-હિમાલયી પ્રદેશમાં, 1200 મી. ઊંચાઈ સુધી અન્ય પહાડી વિસ્તારોમાં અને ભારતના ઉષ્ણ પ્રદેશોમાં અપતૃણ તરીકે મળી આવે છે. પ્રકાંડ ગોળાકાર અને ઘણીવાર જાંબલી છાંટવાળું હોય છે. પર્ણો સાદાં, એકાંતરિક, અંડાકારથી માંડી વર્તુલમય હૃદયાકાર (orbicular-cordate) હોય છે અને દંતુર (serrate) કિનારી તથા મુક્ત પાર્શ્ર્વસ્થ (free lateral) ઉપપર્ણો (stipules) ધરાવે છે. પુષ્પો પીળાં કે નારંગી-પીળાં અને એકાકી (solitary) હોય છે. પર્ણોમાં થતા ઘટાડાને કારણે ઘણીવાર ગુચ્છ જેવો અગ્રસ્થ પુષ્પવિન્યાસ પણ જોવા મળે છે. ફળો ર્દઢલોમી (hispid) અને વિદીર્ણફલી (schizocarpic) કાર્સેરુલસ (carcerulus) પ્રકારનાં હોય છે. બીજ મૂત્રપિંડ આકારનાં, ઘેરાં-બદામી કે કાળાં હોય છે. તેઓ ગાંઠોવાળાં કે સૂક્ષ્મ તારાકાર રોમમય હોય છે.
આ જાતિ પરિવર્તી (variable) છે અને ‘indicum’, ‘albescens’ અને guineese નામની ઉપજાતિઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે.
કાંસકી ઊસરભૂમિમાં વિપુલ પ્રમાણમાં થાય છે. પાક તરીકે તે આશરે 127 દિવસોમાં પરિપક્વ બને છે. Puccinia abutili, P. heterospora, Oidium spp. અને Leveillula taurica નામની ફૂગ કાંસકીને ચેપ લગાડે છે.
પુષ્પ અને ફળનિર્માણ સમયે તેના છોડોમાંથી રેસાઓ મેળવવામાં આવે છે. પર્ણો અને મૂળને કાપીને અને થડની ભારીઓ બનાવીને ઋતુ અને થડની પરિપક્વતાને આધારે પાણીમાં છથી આઠ દિવસ સુધી કોહવાવા દેવામાં આવે છે. શણની જેમ હાથ વડે રેસાઓ અલગ કરી તેમને ધોવામાં આવે છે. ત્યારબાદ તેમને સૂકવીને ભારી બનાવવામાં આવે છે. રેસાનું પ્રમાણ 11 %થી 14 % જેટલું હોય છે અને તેનું સરેરાશ ઉત્પાદન 494 કિગ્રા./હેક્ટર જેટલું હોય છે.
કાંસકીના રેસાનું શણના રેસા સાથેનું એક તુલનાત્મક રાસાયણિક વિશ્ર્લેષણ આ પ્રમાણે છે : સેલ્યુલોઝ 87.48 %, 89.40; લિગ્નિન 13.18 %, 12.30%; લિપિડ અને મીણ 0.5 %, 1.2 %; નાઇટ્રોજન 0.21 %, 0.39 % અને ભસ્મ 1.29 %, 1.25 %. રેસાના અંતિમ કોષો લગભગ 1.9 મિમી. લાંબા હોય છે અને 14.8 માઇક્રોનનો વ્યાસ ધરાવે છે; અને લંબાઈ અને વ્યાસનો ગુણોત્તર 128 હોય છે. શણ કરતાં તે હલકી ગુણવત્તાવાળો રેસો છે, કારણ કે તેમાં સેલ્યુલોઝનું પ્રમાણ ઓછું અને લિગ્નિન દ્રવ્ય વધારે પ્રમાણમાં હોય છે, પરંતુ Malachra capitata Linn.ના તંતુ સાથે વધારે સામ્ય ધરાવે છે.
રેસો સફેદ અને ચળકતો હોવા છતાં શણ કરતાં જાડો હોય છે અને તેનો શુષ્કન-મરોડ (dryins twist) વામાવર્ત (anticlockwise) હોય છે. તેને શણ સાથે મિશ્ર (10 %થી 73 %) કરી શકાય છે. કાંસકીનો રેસો દોરડાં બનાવવામાં વધારે ઉપયોગી છે.
કાંસકીનો આયુર્વેદ અને યુનાની પદ્ધતિમાં ઔષધ તરીકે ઉપયોગ થાય છે. વર્ષા ઋતુ પછી ફળ બેસે ત્યારે તેને એકત્રિત કરવામાં આવે છે. ભારતમાં પ્રતિવર્ષ આશરે 7.4 ટન જેટલું ઉત્પાદન થાય છે. ઔષધ જ્વરઘ્ન (febrifuge), કૃમિનાશક (anthelmintic) અને શોથરોધી (anti-inflammatory) તરીકે ઉપયોગી છે. તેનો ઉપયોગ મૂત્રાશય અને ગર્ભાશયના સ્રાવોમાં, મસામાં અને કટિવા(lumbago)માં થાય છે. વનસ્પતિનો રસ નાનાં બાળકોના નિતંબ પર થયેલા વ્રણ પર લગાડવામાં આવે છે. વનસ્પતિનો ઇથેનોલીય નિષ્કર્ષ પ્રતિકૅન્સર (anticancer) અને અલ્પતાપી (hypothermic) સક્રિયતા દાખવે છે અને ઉંદરના મધ્યસ્થ ચેતાતંત્ર ઉપર અસર કરે છે. છાલ સંકોચક (astringent) અને મૂત્રલ (diuretic) હોય છે. વનસ્પતિ ફુક્ટોઝ, ગૅલેક્ટોઝ, ગ્લુકોઝ, n-આલ્કેન મિશ્રણ (C22-C34), આલ્કેનૉલ ઘટક, β-સીટોસ્ટેરૉલ, વેનિલિક ઍસિડ, p-કૉઉમેરિક ઍસિડ, p-હાઇડ્રૉક્સિબેન્ઝોઇક ઍસિડ, કૅફેઇક ઍસિડ, ફ્યુમેરિક ઍસિડ, p-β-D-ગ્લાયકો સિલઑક્સિબેન્ઝોઇક ઍસિડ, લ્યુસિન, હિસ્ટિડિન, થ્રિયોનિન, સેરિન, ગ્લુટામિક ઍસિડ, ઍસ્પાર્ટિક ઍસિડ અને ગેલે-કચ્યુરોનિક ઍસિડ ધરાવે છે.
તેનાં પર્ણો શ્લેષ્મ ધરાવે છે. તે રાંધીને દૂઝતા હરસમાં ખવાય છે. તેનો નિષ્કર્ષ મૂત્રલ અને શામક (demulcent) ગુણધર્મ ધરાવે છે. તેમનો શેક (fomentation) માટે ઉપયોગ કરવામાં આવે છે. તેને ઘી સાથે લેવાથી અતિસાર (diarrhoea) મટે છે. પર્ણોનો કાઢો દાંતના દુ:ખાવામાં અને પેઢાં માટે વપરાય છે. તેનો પરમિયા(gonorrhoea)માં, મૂત્રાશયના સોજામાં, ઘા અને ચાંદાં ધોવામાં તેમજ બસ્તિ (enema) અને યોનિમાં પિચકારી આપવામાં ઉપયોગ થાય છે. પર્ણ અને પ્રકાંડમાં વિટામિન ‘સી’ (31.1 મિગ્રા./ 100 ગ્રા.) હોય છે.
તેનાં પુષ્પો કાચાં ખવાય છે. તે દાઝ્યા પર અને ચાંદાં પર લગાડાય છે. લોહીની ઊલટી અને કફમાં પુષ્પોનું ચૂર્ણ ઘી સાથે લેવામાં આવે છે. પુષ્પો અને ફળોનો આલ્કોહૉલીય નિષ્કર્ષ Micrococcus pyogenes var. aureus અને Escherichia coli સામે સક્રિયતા દર્શાવે છે. તેનાં દલપત્રો સાયનિડિન-3-રુટિનોસાઇડ, ગૉસિપેટિન-8-ગ્લુકોસાઇડ અને ગૉસિપેરિન-7-ગ્લુકોસાઇડ ધરાવે છે.
મૂળ ચેતાતંત્ર માટે પુષ્ટિકારક અને જ્વરહર (antipyretic) છે અને મસામાં આપવામાં આવે છે. તેનું મધ, ચોલમૂગ્રા તેલ અને ચંદનની તાજી લૂગદીનું મિશ્રણ સફેદ ડાઘ (leucoderma) માટે અસરકારક ગણાય છે. તેમાં બાવચી(Psoralea corylifolia)નું તેલ ઉમેરવાથી આ ચિકિત્સા વધારે અસરકારક બને છે. મૂળનો આસવ તાવમાં, બિંદુમૂત્રકૃચ્છ્ર (strangury) અને રક્તમેહ(haematuria)માં આપવામાં આવે છે. તેનો ક્વાથ મૂત્રાશયની પથરીમાં આપવામાં આવે છે અને નેત્રના રોગોમાં તેના વડે આંખો ધોવામાં આવે છે.
બીજમાં જલદ્રાવ્ય શ્લેષ્મ (6.0 %) અને અશુદ્ધ પ્રોટીન (18.57 %) હોય છે. મસામાં તે રેચક ગણાય છે. તે શામક ગુણધર્મ ધરાવે છે અને કફ, પરમિયો, ગ્લીટ (પરમિયાને કારણે શિશ્ન કે યોનિમાંથી થતો શ્લેષ્મી સ્રાવ) અને દીર્ઘકાલીન મૂત્રાશયશોથ(cystitis)માં ઉપયોગી છે. બીજા આછા પીળા રંગનું અર્ધ-શુષ્કન (semi-drying) તેલ (5.0 %થી 14.3 %) ઉત્પન્ન કરે છે.
કાંસકીની ભારતમાં થતી બીજી જાતિઓમાં Abutilon theophrastili Medic. syn. A. avicennae Gaertn. (અમેરિકન શણ, ઇંડિયન મેલો), A. glaucum (cav.) Sweet (મ. કારંડી, કાસીલી), A. bedfordianum st Hil., A. bidertatun Hochst. ex A. Rich., A. fraticosum Guillem et al., A. grandifolium (Willd.) Sweet, A. hirtum (Lam.) Sweet (બં. કંગની) અને A. persicum (Burm. f.) Merrill.નો સમાવેશ થાય છે.
પ્રાગજી મો. રાઠોડ
બળદેવભાઈ પટેલ