કાંટી (કાંટાવાળાં) ગોખરુ : દ્વિદળી વર્ગમાં આવેલા ઝાયગોફાયલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Tribulus terrestris Linn. (સં. વનશૃંગાટક, ઇક્ષુગંધા; હિં. છોટે ગોખરુ, બં, ગોક્ષુરી, છોટ ગોખુરી; ક. – તે. ચિરિપિલેરૂ; તા. નેરંજીલ; મલા. નેરિનિલ; અં. લૅન્ડ કેલ્ટ્રોપ્સ, પંક્ચર વાઇન) છે. તેના સહસભ્યોમાં ધમાસો, જવાસો, પંગણી, સીતાનિયા, પટલાણી અને અથેલીનો સમાવેશ થાય છે.
તે પરિવર્તી (variable), ભૂપ્રસારી, લગભગ 90 સેમી. સુધી લાંબી એકવર્ષાયુ વનસ્પતિ છે. ભારતમાં તે સર્વત્ર થાય છે અને 5400 મી.ની ઊંચાઈ સુધી જોવા મળે છે. મૂળ પાતળાં, નળાકાર, રેસામય, 10-15 સેમી. લાંબાં, આછાં બદામી અને અલ્પ સુરભિત (aromatic) હોય છે. પર્ણો યુગ્મ પિચ્છાકાર હોય છે. પર્ણિકાઓ 5-8 જોડ, અસમાન, લંબચોરસ(oblong)થી રેખીય-લંબચોરસ (linear-oblong) હોય છે. પુષ્પો કક્ષીય એકાકી અને આછા પીળાથી પીળા રંગનાં હોય છે. ફળો ગોળાકાર અને 5-12 કાષ્ઠીય ફલાંશક(coccus) ધરાવે છે. પ્રત્યેક ફલાંશક બે જોડ સખત અને તીક્ષ્ણ કંટક ધરાવે છે. કંટકની એક જોડ બીજી જોડ કરતાં લાંબી હોય છે. પ્રત્યેક ફલાંશકમાં કેટલાંક બીજ હોય છે. આ ફલાંશકો વચ્ચે આડા પડદાઓ જોવા મળે છે.
પહેલા વરસાદ પછી તરત જ ઊગી નીકળતું તે સામાન્ય અપતૃણ છે અને લગભગ સમગ્ર વર્ષ દરમિયાન પુષ્પ અને ફળ નિર્માણ કરે છે. પુષ્પનિર્માણની શરૂઆત 20-35 દિવસમાં અને ફળ બીજ બન્યા પછી 14 દિવસમાં પાકે છે. આ અપતૃણનું નિયંત્રણ 2-4-Dના છંટકાવ દ્વારા થઈ શકે છે.
પર્ણો અને નાજુક પ્રરોહોનો ગરીબ લોકો શાકભાજી તરીકે ઉપયોગ કરે છે. દુષ્કાળમાં ફળોના લોટમાંથી રોટલા બનાવવામાં આવે છે. લીલાં પર્ણોનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 79.09 %, પ્રોટીન 7.22 %, ઈથર-નિષ્કર્ષ 0.54 %, કુલ ભસ્મ 4.63 %, કૅલ્શિયમ 1.55 % અને ફૉસ્ફરસ 0.08 %, લોહ 9.22 મિગ્રા અને વિટામિન ‘સી’ 41.53 મિગ્રા./100 ગ્રા.
કાંટી ગોખરુનો ચારા તરીકે પણ ઉપયોગ થાય છે. પુષ્પનિર્માણ પછી લીલો છોડ ઢોરો માટે વધારે સ્વાદુ હોય છે. તેનું શુષ્ક રાસાયણિક વિશ્ર્લેષણ આ પ્રમાણે છે : અશુદ્ધ પ્રોટીન 12.06 %, ઈથર-નિષ્કર્ષ 2.61 %, અશુદ્ધ રેસો 27.78 %, નાઇટ્રોજન-મુક્ત નિષ્કર્ષ 40.83 %, કુલ ભસ્મ 16.72 %, કૅલ્શિયમ 4.21 %, ફૉસ્ફરસ 0.25 %, પાચ્ય અશુદ્ધ પ્રોટીન 9.07 %, કુલ પાચ્ય પોષકો 55.63 %.
કંટકમય ફળો પ્રાણીઓના જઠરને ઈજા પહોંચાડી શકે છે. આ વનસ્પતિ દ્વારા નાનાં ઢોરો પ્રકાશ-સંવેદનશીલતા અનુભવે છે અને દક્ષિણ આફ્રિકામાં ઘેટામાં થતો ‘ગિલ્ડીક્કોથ’ (ડીકગીલ) રોગ માટે જવાબદાર છે. આ રોગનાં લક્ષણોમાં માથાનો શોફ (oedema), તાવ અને કમળાનો સમાવેશ થાય છે અને અંતે પ્રાણી મૃત્યુ પામે છે. કાંટી ગોખરુ એવો પદાર્થ ધરાવતી હોવી જોઈએ જે પ્રાણીઓના યકૃતને નુકસાન કરે છે; જેથી ક્લોરોફિલના વ્યુત્પન્ન, ફાઇલોઇરિથ્રિન દ્વારા પ્રકાશ-સંવેદનશીલતા અનુભવે છે. ભારતમાં આ રોગ નોંધાયો નથી, પરંતુ જ્યાં કાંટી ગોખરુ પુષ્કળ પ્રમાણમાં થતું ત્યાં નાનાં પ્રાણીઓ ખાય ત્યારે તેઓમાં એ રોગ થવાની શક્યતા રહે છે.
કાંટી ગોખરુમાંથી હર્મન અને બીજમાંથી હર્મિન નામનું આલ્કેલાઇડ મળી આવે છે. વનસ્પતિ સેપોનિન ધરાવે છે; જેના જલાપઘટન(hydrolysis)થી ડાયૉસ્જેનિન, ગીટોજેનિન, ક્લોરોજેનિ-ન, રસ્કોજેનિન અને 25D-સ્પાઇરોસ્ટા-3, 5-ડાયેઇન જેવાં સ્ટૅરોઇડલ સેપોજેનિન ઉત્પન્ન થાય છે. સેપોનિન પર્ણો અને મૂળમાં હોય છે, પરંતુ પ્રકાંડ અને બીજમાં હોતાં નથી અને તેઓ રુધિરલયી આંક (haemolytic index) ઊંચો ધરાવે છે. પર્ણમાંથી ત્રણ અને મૂળમાંથી બે પ્રકારનાં સેપોનિન ઓળખાયાં છે. પર્ણો અને મૂળમાંથી કૅમ્પ્ફેરોલ, કૅમ્પ્ફેરોલ, કૅમ્પ્ફેરોલ-3-ગ્લુકોસાઇડ, કૅમ્પ્ફેરોલ -3-રુટિનોસાઇડ અને નવું ફ્લેવોનૉઇડ ટ્રિબ્યૂલોસાઇડ (C30H26O13) અલગ કરવામાં આવ્યાં છે.
ફળ બલ્ય અને મૂત્રલ ગણાય છે અને પથરીની અસરો પર અને વેદનાપૂર્ણ લઘુશંકા(micturition)માં વપરાય છે. તે ‘બ્રાઇટ’ના રોગમાં પણ આપવામાં આવે છે. ફળ આલ્કેલૉઇડ, રાળ, સ્થાયી તેલ (3.5 % – 5.0 %) ટેનિન, રિડ્યુસિંગ શર્કરાઓ, સ્ટૅરોલ, બાષ્પશીલ તેલ, નાઇટ્રેટ, પૅરૉક્સિડેઝ, ડાયસ્ટેઝ અને અતિ અલ્પપ્રમાણમાં ગ્લુકોસાઇડ ધરાવે છે. મેદીય તેલ શુષ્કન ગુણધર્મો ધરાવે છે. બીજના ખોળમાં ફૉસ્ફરસ અને નાઇટ્રોજન સારા પ્રમાણમાં હોય છે.
પર્ણો ક્ષુધાપ્રેરક (stomachic) ગણાય છે. પર્ણોમાંથી બનાવેલી લૂગદી મૂત્રાશયમાં થયેલી પથરીની સારવારમાં આપવામાં આવે છે. મૂળ મૃદુરેચક (aperient) અને બલ્ય હોય છે. કેટલાક રોગમાં આપવામાં આવતાં ખૂબ જાણીતાં આયુર્વેદિક ઔષધો ‘દશમૂલારિષ્ટ’ અને ‘અમૃત પ્રાસ ઘૃત’નો તે એક ઘટક છે.
આયુર્વેદ અનુસાર તેના ગુણ બોડા ગોખરુ જેવા જ છે. તેનો ઉપયોગ ભ્રમપિત્ત, ગર્ભિણીની ધૂપણી, શરીરમાં થયેલાં ગરમીનાં ચાંદાં, મૂત્રકૃચ્છ્ર, પથરી, તંતુપ્રમેહ, ધાતુસ્થાનની કડકી, ધાતુવિકાર, પ્રદર વગેરે ઉપર થાય છે.
તેની બીજી એક જાતિ Tribulus alatus Del. કચ્છમાંથી મળ્યાની નોંધ બ્લૅટરે (1908) કરી છે. બોડા ગોખરુ જુદી વનસ્પતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ Pedalium murex Linn. છે.
મ. દી. વસાવડા
બળદેવભાઈ પટેલ