કાંગ : એકદળી વર્ગમાં આવેલા પોએસી (ગ્રેમીની) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Setaria italica (Linn.) Beauv. (સં. કંગુની, કંગુનિકા, પ્રિયંગુ; હિં. કંગ્ની, કાલા કંગ્ની, કંગુની; બં. કંગુ, કોરા; મ. નાવારી, કંગુ, રાળા, ચેન્ના; ગુ. કાંગ, કારંગ; ક. નવણી, કાંગો; તે. કોરાલુ, કોરા; તા. તેનાઈ; મલા. તેના, થિના; અં. ઇટાલિયન અથવા ફૉક્સ ટેઇલ મિલેટ) છે.
તે એક ટટ્ટાર, મજબૂત, ગુચ્છિત 0.6 મી.થી 1.5 મી. ઊંચું એકવર્ષાયુ તૃણ છે અને સ્પષ્ટ સંધિમય (jointed) સાંઠાવાળું પ્રકાંડ ધરાવે છે. કેટલીક વાર પ્રકાંડ તલસ્પર્શી (decumbent) અને નીચેની ગાંઠો પરથી અસ્થાનિક મૂળ ઉત્પન્ન કરે છે. પર્ણો ચપટાં, એકાંતરિત, રેખીય (linear) કે ભાલાકાર (lanceolate), ટોચેથી શૂકમય (setaceous), 15 સેમી.થી 45 સેમી. લાંબાં અને 0.75 સેમી.થી 3.3 સેમી. પહોળાં અને અરોમિલ હોય છે. પુષ્પગુચ્છ (panicle) ટટ્ટાર, સળંગ અને નળાકાર અથવા વધતે ઓછે અંશે ખંડિત હોય છે; જે 2થી 4 શુકિકા (spikelet) ધરાવે છે. શુકિકા કરતાં બેગણા લાંબા 2થી 9 ર્દઢલોમ (bristles) જોવા મળે છે; તેઓ રોમિલ હોય છે. શુકિકા દીર્ઘસ્થાયી (persistent), લંબચોરસ(oblong)થી માંડી ઉપવલયી (ellpsoidal), 2.0 મિમી.થી 3.5 મિમી. લાંબી હોય છે. શુકિકામાં નીચેનું પુષ્પક ખાલી હોય છે. ઉપરનું પુષ્પક દ્વિલિંગી હોય છે. ફળ ધાન્ય ફળ (caryopsis), ઉપવલયી કે ગોળ-ઉપવલયી (globose-ellipsoidal), 1.8 મિમી.થી 2.5 મિમી. લાંબું અને સ્થાયી તુષનિપત્રો(glumes)વાળું, લીસું, ચળકતું અને વિવિધરંગી હોય છે.
કાંગ ઘણા પ્રાચીન સમયથી ધાન્ય પાક તરીકે વવાય છે અને પૂર્વ એશિયા, સંભવત: ચીનમાં તેનો પથ્થરયુગમાં ઉદભવ થયો હોવાનું અને ત્યાંથી યુરોપમાં તેનો પ્રવેશ થયો હોવાનું મનાય છે. તેનું વિતરણ ભારત, ચીન, જાપાન, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ અને પૂર્વ યુરોપ અને ઉત્તર અમેરિકામાં સર્વત્ર થયેલું છે. ચીનમાં તેનું વાવેતર ઈ.સ. પૂર્વે 2700 વર્ષ પહેલાં થતું હતું. પથ્થરયુગમાં સ્વિટ્ઝર્લૅંડના સરોવર પાસેનાં રહેઠાણોના કચરામાંથી કાંગના દાણાઓ મળી આવ્યા છે.
તેના લાંબા સમયના વાવેતરને કારણે તે પુષ્કળ પ્રમાણમાં પરિવર્તી (variable) છે. Setaria viridis કાંગનું પૂર્વજ-તૃણ છે, જે દાણાના કદ પરથી ઓળખી શકાય છે. કાંગના પુષ્પગુચ્છ વધારે મોટા અને ખંડિત હોય છે, જે લીસાં અને ચળકતાં બીજ ઉત્પન્ન કરે છે; જેની વિસંધિ (disarticulation) તુષનિપત્રો અને વંધ્યપુષ્પકની ઉપર થાય છે. S. viridisમાં વિસંધિ તુષનિપત્રની નીચે થાય છે અને ફળાઉ પુષ્પીય તુષનિપત્ર (lemma) ખરબચડી સપાટી (rugose) ધરાવે છે.
ભારતમાં કાંગ આંધ્રપ્રદેશ, ગુજરાત, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને મૈસૂરમાં વાવવામાં આવે છે. ગુજરાતમાં ખેડા, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને પંચમહાલ જિલ્લામાં; મહારાષ્ટ્રમાં નાસિક, અહમદનગર, શોલાપુર અને ખાનદેશ જિલ્લામાં; પંજાબમાં કાંગ્રા જિલ્લામાં; હરિયાણામાં કરનાલ જિલ્લામાં; આંધ્રપ્રદેશમાં ગુન્ટુર, કુર્નૂલ, અનંતપુર અને કુડાપ્પાહ જિલ્લામાં; મૈસૂરમાં બેલ્લારી, ચિત્રદૂર્ગ અને તુંકુર જિલ્લામાં અને તામિલનાડુમાં સાલેમ, કોઇમ્બતુર અને મદૂરાઈ જિલ્લામાં ઉગાડવામાં આવે છે. સારણી 1માં ભારતના વિવિધ પ્રદેશોમાં ઉગાડવામાં આવતી કાંગની જાતો આપવામાં આવી છે. ઉત્તર અમેરિકામાં કાંગનું ચારા માટે મર્યાદિત પ્રમાણમાં અને મધ્ય અને પૂર્વીય યુરોપમાં પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે.
સારણી 1 : ભારતના વિવિધ પ્રદેશોમાં ઉગાડવામાં આવતી કાંગની જાતો
ક્રમ | રાજ્ય | જાત | વાવેતરનો સમય | પરિપક્વતા
માટે લાગતો સમય (દિવસ) |
1. | આંધ્રપ્રદેશ | G. 1
N. 1 H. 1 |
જૂન-ઑક્ટોબર (પુનાસા)
સપ્ટે. -જાન્યુ. (પાયરુ) જૂન-સપ્ટે. (પુનાસા) જુલાઈ-સપ્ટે., નવે. -ડિસે. |
80-95
90 |
2. | તામિલનાડુ | Co. 1
Co. 2 Co. 3 SI. 349780 |
માર્ચ-જુલાઈ (સિંચિત)
સપ્ટે. -ડિસે. (વરસાદ) માર્ચ-જુલાઈ (સિંચિત) સપ્ટે. -ડિસે. |
100
90 100 |
3. | મહારાષ્ટ્ર
અને ગુજરાત |
– | – | – |
4. | ઉત્તરપ્રદેશ | T4 | – | – |
કાંગની કુલ 1328 જાતો નોંધવામાં આવી છે. સુધારેલી જાત તરીકે AZJ-86, AZJ-11 અને CSI-32 જાણીતી છે.
કાંગ સૂકી ભૂમિનો પાક છે અને સમગ્ર વર્ષ દરમિયાન તેનું વાવેતર થઈ શકે છે. 50 સેમી.થી 75 સેમી. જેટલો ઓછો વાર્ષિક વરસાદ થતો હોય તેવાં સ્થાનોએ, હિમાલયમાં 1,800 મી.ની ઊંચાઈ સુધી; પંજાબમાં 125 સેમી. વાર્ષિક વરસાદ અને 3,300 મી.ની ઊંચાઈ સુધી તેને વાવવામાં આવે છે. પશ્ચિમ આંધ્રપ્રદેશમાં વરસાદનો સમયગાળો બે માસ જેટલો ટૂંકો હોવા છતાં કાંગ ઉછેરી શકાય છે. જલસભર ભૂમિમાં પાક ટકી શકતો નથી.
આ પાક વિવિધ પ્રકારની મૃદામાં થઈ શકે છે. વરસાદ-આધારિત વિસ્તારમાં લાલ અને કાળી – એમ બંને પ્રકારની મૃદામાં ઉગાડવામાં આવે છે. લાલ મૃદામાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના પ્રારંભ સાથે જૂન-જુલાઈમાં અને ઉત્તર-પૂર્વીય ચોમાસાના પ્રારંભ સાથે કાળી મૃદામાં સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં વાવવામાં આવે છે. સામાન્ય વરસાદવાળા વિસ્તારમાં લાલ-ગોરાડુ મૃદા પસંદ કરવામાં આવે છે. વાવેતર માટે ખૂબ હલકી અને ભૂખરી-રાખ જેવી મૃદાનો પણ ઉપયોગ કરી શકાય છે. જુવાર પછી, કાળી-કપાસ મૃદા પર ઉગાડાતો આ એક મહત્ત્વનો ધાન્ય પાક છે.
કાંગની વાવણી શુદ્ધ, ગૌણ કે મિશ્ર પાક તરીકે કરવામાં આવે છે. આંધ્રપ્રદેશમાં કપાસ સાથે મિશ્ર પાક તરીકે જુવારના વાવેતર બાદ એકાંતરિક વર્ષે કરવામાં આવે છે. મૈસૂરમાં તેને શુદ્ધ પાક તરીકે જુલાઈમાં વાવવામાં આવે છે. મૈસૂરમાં રાગી કે કપાસની સાથે તેનો ગૌણ પાક પણ લેવામાં આવે છે. તેમાં પુષ્પનિર્માણ શરૂ થાય ત્યારે કાંગની હરોળોની વચ્ચે જુવાર ઉગાડાય છે. તામિલનાડુમાં મગફળીની વચ્ચે નીંદણ-સમયે કાંગનું વાવેતર થાય છે. લાલ મૃદામાં વાલની સાથે મિશ્ર પાક તરીકે તે ઉગાડવામાં આવે છે. રાગી કે જોલા ઉગાડ્યા પછી તેનો શુદ્ધ પાક લેવામાં આવે છે. જોલા પછી કાંગ અને કપાસનો મિશ્ર પાક લઈ શકાય છે. આમ, આ પાક જુદા જુદા પ્રદેશોમાં 21 અન્ય પાકો સાથે મિશ્ર પાક તરીકે ઉગાડાય છે.
વાવણી પહેલાં ખેતર સારી રીતે તૈયાર કરવામાં આવે છે. કાળી-કપાસ મૃદાને ભાગ્યે જ ખાતર આપવામાં આવે છે; પરંતુ જ્યાં આ પાક સિંચાઈ દ્વારા લેવાય છે અને કાળી-કપાસ મૃદા સિવાય અન્ય પ્રકારની મૃદા હોય ત્યારે ખેતરને ઢોરોનું ખાતર અથવા ઘેટાંની લીંડીનું ખાતર અથવા બંને આપવામાં આવે છે. શુષ્ક મૃદા હોય તો ઍમોનિયમ સલ્ફેટનું પ્રતિ હેક્ટરે 123 કિગ્રા. જેટલું ખાતર અપાય છે. કાંગ ઢોરોના ખાતરનું વધારે સારું પરિણામ આપે છે.
કાંગની વાવણી તેના દાણા છૂટે હાથે વેરીને અથવા ઓરીને કરવામાં આવે છે. વહેલી ઉગાડાતી જાતનું વાવેતર મે માસમાં, વરસાદી જાતનું જૂન-જુલાઈમાં અને મોડી ઉગાડાતી જાતનું ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં કરવામાં આવે છે. સિંચિત ગરમ આબોહવાનો પાક જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વવાય છે. શુદ્ધ પાક તરીકે કાંગના 58 કિગ્રા./હેકટર દાણા અને મિશ્ર પાક તરીકે 36 કિગ્રા./હેકટર દાણાની જરૂર પડે છે. બે છોડ વચ્ચેનું અંતર લગભગ 20 સેમી.થી 30 સેમી.નું રાખવામાં આવે છે. સિંચિત પાક તરીકે જો કાંગની વાવણી કરવામાં આવી હોય તો છોડ પરિપકવ બને ત્યાં સુધી 710 દિવસમાં એક વાર સિંચવામાં આવે છે. પાકની પ્રારંભિક અવસ્થામાં બે વાર અપતૃણો(weeds)નો નાશ કરવામાં આવે છે. થોડુંક હિમ પણ કાંગ માટે પ્રાણઘાતક હોય છે.
કાંગને Ustilago crameri દ્વારા અંગારિયાનો રોગ થાય છે અને તે પાકને ભારે નુકસાન પહોંચાડે છે. વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા દરેક પ્રરોહ અને દાણાને ચેપ લાગે છે. પછીની અવસ્થાઓમાં તે કંચુકબીજાણુઓ(chlamydospores)નો મોટો જથ્થો ઉત્પન્ન કરે છે. આ ફૂગનો ફેલાવો બીજ કે મૃદા દ્વારા થાય છે. આ ફૂગ સર્વાંગી (systemic) છે. સેરેસન અને એગ્રોસન-GN 2.5 ગ્રા./કિગ્રા. બીજની માત્રાએ બીજચિકિત્સા આપવામાં આવે છે. બીજને 6 મિનિટ માટે 58o સે. તાપમાનવાળા ગરમ પાણીની ચિકિત્સા આપવાથી ફૂગની કવકજાળનો નાશ થાય છે. જોકે રાસાયણિક ચિકિત્સાથી વધારે સારાં પરિણામ આવે છે. વળી, રોગનું નિયંત્રણ કરવા રાસાયણિક ચિકિત્સા આપવાથી દાણાનું ઉત્પાદન ઘણું વધે છે.
Sclerospora graminicola દ્વારા પર્ણોને તળછારો (downy mildew) અને લીલા કણસલાનો રોગ થાય છે. પ્રાથમિક ચેપ બીજાંકુર અવસ્થાએ અને દ્વિતીયક ચેપ પરિપક્વ અવસ્થાએ લાગુ પડે છે. પ્રાથમિક ચેપ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં હરિમાહીનતા (chlorosis) ઉત્પન્ન થાય છે અને તે સર્વાંગી હોય છે. રોગગ્રસ્ત છોડ ભાગ્યે જ સામાન્ય કણસલાં ઉત્પન્ન કરે છે. કણસલામાં લીલી પર્ણ જેવી રચનાઓ ઉદભવે છે, પરંતુ દાણા ઉત્પન્ન થતા નથી. બીજને 55o સે. તાપમાનવાળા પાણીમાં એક કલાક માટે રાખવાથી અને 0.1 % મર્ક્યુરિક ક્લોરાઇડના દ્રાવણમાં રાખવાથી રોગનું અસરકારક નિયંત્રણ થાય છે. આ રોગના નિયંત્રણ માટે રોગ-અવરોધક જાતોનું વાવેતર અને ચેપગ્રસ્ત છોડોના નાશની ભલામણ કરવામાં આવે છે.
Uromyces setariae-italieae દ્વારા ગેરુનો રોગ થાય છે. ગેરુનો રોગ પાકની વૃદ્ધિની પ્રત્યેક અવસ્થાએ થાય છે. દાણા બેસી ગયા પછી ચેપ લાગુ પડે તો ખાસ નુકસાન થતું નથી. પ્રારંભિક અવસ્થામાં ભારે ચેપ લાગેલો હોય તો પર્ણો પરિપક્વ બને તે પહેલાં સુકાઈ જાય છે; અને કણસલાં બેસતાં નથી. કણસલાં બેસે તો બહુ થોડા દાણા ધરાવે છે. રોગ-અવરોધક જાતો – SI. 3756, SI. 3779 અને SI. 4054નું વાવેતર આ રોગનું નિયંત્રણ કરે છે.
પાનનાં ટપકાંનો રોગ Pyricularia setariae નામની ફૂગ દ્વારા અને Xanthomonas eleusineae અને X. indica નામના જીવાણુઓ દ્વારા થાય છે. આ રોગથી કોઈ ગંભીર નુકસાન થતું નથી. Ephelis sp. દ્વારા કણસલાની વૃદ્ધિ કુંઠિત થાય છે અને તેઓ ઘણાં નાનાં બને છે. શુકિકાઓ પણ ઘણી નાની અને પરસ્પર ચોંટેલી રહે છે.
જુવાર, બાજરી અને રાગીને ચેપ લગાડતાં કીટકો આ પાકને પણ નુકસાન પહોંચાડે છે. ઇતડી કાંગની સંવેદી જાતના બીજાંકુરો પર આક્રમણ કરે છે.
કાંગ તેની જાતને આધારે 90-120 દિવસમાં પરિપક્વ બને છે. લણણી કર્યા પછી ઢોરોના પગ નીચે કે પથ્થરનું રોલર ફેરવીને કણસલામાંથી દાણા કાઢવામાં આવે છે. તેનું સામાન્ય ઉત્પાદન 400 કિગ્રા./હેકટર જેટલું થાય છે. તેનું અનુકૂળ સ્થિતિમાં 1100 કિગ્રા.થી 1300 કિગ્રા./હેકટર જેટલું; સિંચાઈ હેઠળ 1800 કિગ્રા./હેકટર અને Co. 2 જાતનું 2200 કિગ્રા./હેક્ટર ઉત્પાદન થાય છે.
તુષવિહીન (dehusked) દાણા(સમગ્ર દાણાનું 79 % વજન)ના શુષ્ક વજનને આધારે કરેલા એક રાસાયણિક વિશ્લેષણ મુજબ, તે પાણી 11.2 %, પ્રોટીન 12.3 %, લિપિડ 4.3 %, ખનિજદ્રવ્ય 3.3 %, અશુદ્ધ રેસો 8 %, અન્ય કાર્બોદિતો 60.9 % અને કૅલરી-મૂલ્ય 331 % ધરાવે છે. તેના ખનિજ-બંધારણમાં કૅલ્શિયમ 31 મિગ્રા., મૅગ્નેશિયમ 120 મિગ્રા., ફૉસ્ફરસ 290 મિગ્રા., ફેરસ (લોહ) 12.9 મિગ્રા., સોડિયમ 4.6 મિગ્રા., પોટૅશિયમ 250 મિગ્રા., Cu 0.55 મિગ્રા., સલ્ફર 171 મિગ્રા., ક્લોરાઇડ 37.0 મિગ્રા. અને આયોડિન 27 માઇક્રોગ્રામ/100 ગ્રા. હોય છે. વિટામિન-દ્રવ્યનું મૂલ્ય આ પ્રમાણે છે : વિટામિન ‘A’ 54 ઈ.યુ., થાયેમિન 0.59 મિગ્રા., રાઇબોફ્લેવિન 0.08 મિગ્રા., નિકોટિનિક ઍસિડ 0.7 મિગ્રા., ફૉલિક ઍસિડ 15.00 માઇક્રોગ્રામ/100 ગ્રા..
દાણાનું મુખ્ય ઘટક કાર્બોહાઇડ્રેટ છે, જે સ્ટાર્ચ સ્વરૂપે અને અલ્પ જથ્થામાં અપચાયી (raducing) શર્કરાઓ (2.0 %) સ્વરૂપે જોવા મળે છે. કાંગનું મુખ્ય પ્રોટીન પ્રોલેમિન (48 %), આલ્બ્યુમિન અને ગ્લોબ્યુલિન 13 %થી 14 % અને ગ્લુટેલિન 37 % છે. પ્રોટીનનું જૈવિક મૂલ્ય 77, પાચ્યતા-આંક (coefficient of digestibility) 91 અને પ્રોટીન-ક્ષમતા ગુણોત્તર (protein efficiency ratio, P.E.R.) 0.8 હોય છે. પ્રોટીનમાં રહેલા આવશ્યક એમીનોઍસિડમાં આર્જિનિન (3.6 %), હિસ્ટિડિન (2.1 %), લાયસિન (2.2 %), ટ્રિપ્ટોફેન (1.0 %), ફિનિલ ઍલેનિન (6.7 %), મિથિયૉનિન (2.8 %), થ્રિયૉનિન (3.1 %), લ્યુસિન (16.7 %), આઇસોલ્યુસિન (7.6 %) અને વેલાઇન(6.9 %)નો સમાવેશ થાય છે. કાંગના પ્રોટીનમાં લાયસિનનું પ્રમાણ ઓછું હોય છે. દાણામાં ટ્રિપ્સિન-અવરોધકની હાજરી હોય છે.
ખોરાકમાં તે પ્રોટીન, વિટામિન અને ખનિજના જ સ્રોત તરીકે કાર્ય કરે ત્યારે કાંગનું પોષણમૂલ્ય ઘઉંના પોષણમૂલ્ય કરતાં ઓછું હોય છે. લાયસિન વડે સંપૂરિત (supplemented) કરતાં તેના પોષણમૂલ્યમાં વધારો થાય છે. આફ્રિકી દેશો, જ્યાં પેલાગ્રા સ્થાનિક (endemic) છે અને લોકોનો ખોરાક મોટેભાગે મકાઈ છે, ત્યાં મકાઈ સાથે કાંગ આપતાં આ રોગનું પ્રમાણ ઘટે છે. કાંગમાં મકાઈ કરતાં ટ્રિપ્ટોફેનનું પ્રમાણ વધારે હોય છે અને તે કેટલેક અંશે મકાઈની નાયેસિનની ન્યૂનતામાં ઘટાડો કરે છે. ઇજિપ્તમાં ખોરાકમાં કાંગનો ઉપયોગ કરતા વિસ્તારોમાં પેલાગ્રા થતો નથી.
શુષ્ક અને ચૂર્ણિત (powdered) બીજમાંથી ઘેરા પીળા રંગના તેલનું નિષ્કર્ષણ (ઉત્પાદન 2 %થી 6 %) કરવામાં આવે છે.
ઉત્તર અમેરિકામાં તેનો લીલા ચારા તરીકે ઉપયોગ થાય છે. પુષ્પનિર્માણ-સમયે તેની લણણી કરવામાં આવે છે. પ્રથમ પુષ્પનિર્માણના સમયથી બીજની દૂધ-અવસ્થાના ગાળા દરમિયાન તેનું પોષણમૂલ્ય સૌથી વધારે હોય છે. ચારાનું એક વિશ્ર્લેષણ આ પ્રમાણે છે : કુલ શુષ્ક દ્રવ્ય 88.5 %, કુલ પ્રોટીન 11.4 %, પાચ્ય પ્રોટીન 7.3 %, કુલ લિપિડ 2.4 %, કુલ પાચ્ય પોષકો 61.0 %. દાણા ઘોડા માટે નુકસાનકારક છે. કાંગના વધુ પડતા આહારથી મૂત્રપિંડને અસર થાય છે અને સાંધાઓમાં સોજા ઉત્પન્ન થાય છે.
શિયાળા દરમિયાન ખુલ્લા રહી ગયેલા દાણાઓ ખાવાથી septic tonsilitis થાય છે. તેની વિષાળુતાનું કારણ દાણામાં રહેલા અસંતૃપ્ત ફૅટીઍસિડોના ઑક્સિડેશનથી ઉત્પન્ન થતી નીપજો છે. 10o સે.થી 12o સે. તાપમાને 90 % આલ્કોહૉલ દ્વારા નિષ્કર્ષણ કરતાં મુક્ત ફૅટીઍસિડની સાથે સાથે વિષાળુ નીપજો પણ દૂર થાય છે. ઝેરી દાણાના સ્થાયી તેલમાં સામાન્ય દાણામાંથી મેળવેલા તેલ કરતાં ઍસિડ અને પેરૉક્સાઇડ વધારે પ્રમાણમાં હોય છે.
દાણાનો ઉપયોગ ખોરાક તરીકે કરવામાં આવે છે. તેની પૂરીઓ, ભાત, ખીચડી કે ઘેંશ બનાવવામાં આવે છે. ઉકાળેલા દૂધ સાથે રોગિષ્ઠ વ્યક્તિઓને આપવામાં આવે છે. તેના લોટમાંથી રોટલીઓ બનાવાય છે. પાંજરામાં રહેતાં પક્ષીઓને અને મરઘાં-બતકાંને તે ખોરાક તરીકે આપવામાં આવે છે.
તે કડવું અને વાજીકર (aphrodisiac) છે અને અંડપૂર્ણ (gravia) ગર્ભાશય માટે શામક (sedative) તરીકે કાર્ય કરે છે. દાણો ઉષ્ણ ગુણધર્મો ધરાવે છે. એકલું લેવાથી કેટલીક વાર અતિસાર (diarrhoea) થાય છે. તે સંકોચક (astringent), મૂત્રલ (diuretic) અને રેચક (laxative) હોય છે અને સંધિવાના બાહ્યોપચારમાં ઉપયોગી છે. તે પ્રસવના દર્દને નરમ પાડવા માટે વપરાય છે.
આયુર્વેદ અનુસાર, કાંગ શીતળ, વાતકારક, રુક્ષ, વૃષ્ય, તૂરી, ધાતુવર્ધક, સ્વાદુ, ભાંગેલા હાડકાને સાંધનારા અને ગર્ભપાત અટકાવવામાં હિતાવહ છે. તે કફ અને પિત્તનો નાશ કરે છે. આ ધાન્ય કાળું, લાલ, સફેદ અને પીળું હોય છે. અન્નદ્રવશૂળ ઉપર તેની ખીર બનાવીને આપવામાં આવે છે. મધુપ્રમેહથી પીડાતા દર્દીઓને ચોખાને બદલે કાંગ અને કોદરી આપવાનું હિતાવહ ગણાય છે.
કાંગમાં રંગસૂત્રની સંખ્યા Zn = 18 હોય છે.
રમણભાઈ પટેલ
બળદેવભાઈ પટેલ