કહો, મકનજી ક્યાં ચાલ્યા ? : સિતાંશુ યશશ્ચન્દ્રનું ત્રિઅંકી નાટક. મકનજી જેવો સીધોસાદો સંવેદનશીલ માણસ સત્યને (અમથાલાલને) શોધવા, પામવા અને પરિતૃપ્ત થવા પરિભ્રમણયાત્રાએ નીકળી પડે છે; પરંતુ ઉર્ફેસાહેબ જેવા ભ્રષ્ટ શાસકો અને સત્તાધારીઓ અમથાલાલનું મહોરું પહેરી વિવિધ પ્રલોભનોથી કે પછી ધાકધમકીથી મકનજીને ખરીદી લઈ તેનો સાધન તરીકે ઉપયોગ કરે છે. મકનજીને વાસ્તવિકતા સમજાતાં તેની સામે વિદ્રોહ કરે છે પણ અંતે સ્વઅસ્તિત્વ ટકાવી રાખવા અને પત્ની, બાળકો વગેરે આત્મીયજનોને ખુશ રાખવા જાત સાથે છેતરપિંડી કરી આત્મદ્રોહી બની સમાધાનનો સસ્તો માર્ગ સ્વીકારી લે છે.
પરંપરિત લોકનાટ્યના સ્વરૂપનો એમાં વિનિયોગ થયો છે. સુદામાના તાંદુલે ભગવાન શ્રીકૃષ્ણ પામવાના મકનજીના પ્રયત્નો એને આર્થિક-સામાજિક પરિબળો સામે મૂકી દે છે અને આખો સંઘર્ષ કટાક્ષકારુણ્યના રંગો ઘૂંટતો આગળ વધે છે. પદ્ય અને વૃંદગેયતત્વ એમાં સુપેરે પ્રયોજાયું છે. આ નાટકમાં નટપ્રેક્ષક સંબંધ એ રીતે સ્થાપિત થયો છે કે નાટ્યારંભે તેનું એક પાત્ર પ્રેક્ષકસમૂહમાંથી રંગમંચ ઉપર ચડે છે; નવીન નાટ્યલેખોમાં એ રીતે આ નાટક નોંધપાત્ર બન્યું છે. લોકબોલીની સાથોસાથ ભદ્ર નાગરી ઢોળ ચડેલી એની વાગ્મિતા નોંધપાત્ર છે. આ નાટક નાટ્યભાષા માટે કવિની શોધનું એક મહત્વનું ઉદાહરણ પૂરું પાડે છે. નાયકની આખ્યાનકારની શૈલી, સાંપ્રત સમાજમાં છાશવારે ઉચ્ચારાતાં સૂત્રોના લહેકા, ગોવાળની અવળવાણી, મકનજીના અંતરાત્માનો અવાજ વગેરેના સર્જનાત્મક વિનિયોગને કારણે નાટકની અભિવ્યક્તિ વધુ સંકુલ, કલામય અને સૂક્ષ્મ બને છે. 1988માં અમદાવાદની ‘કોરસ’ સંસ્થા દ્વારા આ નાટકનો પ્રયોગ થયો હતો. તેના પ્રયોગો અન્યત્ર પણ થતા રહ્યા છે.
હસમુખ બારાડી
લવકુમાર દેસાઈ