કળણભૂમિ (ભૂસ્તર)

January, 2006

કળણભૂમિ (swamp) (ભૂસ્તર) : ભેજ કે જળ-સંતૃપ્ત, નીચાણવાળા, પોચા ભૂમિ-વિસ્તારો. નીચાણવાળી ભૂમિનો તે એવો ભાગ છે, જ્યાં ભૂગર્ભ જળસપાટી તેની લગોલગ સુધી પહોંચેલી હોય. આવી જળસંતૃપ્ત નરમ ભૂમિને કળણભૂમિ તરીકે ઓળખાવાય છે.

કળણભૂમિની ઉત્પત્તિ નીચે મુજબની ચાર કે પાંચ જગાઓમાં સંભવી શકે છે : (1) પૂરનાં મેદાનો, (2) ત્રિકોણપ્રદેશના વિસ્તારો, (3) અર્વાચીન હિમનદીના વિસ્તારો, (4) કંઠાર પ્રદેશો અને ક્યારેક (5) ટેકરીઓ નજીકના ઊંચાઈએ આવેલા વિભાગો. આ વિસ્તારોના સંદર્ભમાં જોતાં કળણભૂમિને બે પ્રકારોમાં વહેંચી શકાય –  દરિયાઈ કળણભૂમિ અને સ્વચ્છ જળજન્ય કળણભૂમિ. દરિયાકાંઠે સમુદ્રસપાટીથી નજીવી ઊંચાઈએ આવેલા વિસ્તારો કાયમ માટે જળસંતૃપ્ત રહેતા હોય છે. ભારતના પશ્ચિમ કિનારે ‘કચ્છના રણ’ તરીકે જાણીતો ગુજરાતનો વિશાળ ભૂમિપટ, યુ.એસ.નો પૂર્વનો તેમ જ દક્ષિણનો કંઠાર પ્રદેશ દરિયાઈ ઉત્પત્તિવાળી કળણભૂમિનાં શ્રેષ્ઠ ઉદાહરણો છે (જુઓ કચ્છનું રણ). સ્વચ્છ જળજન્ય કળણભૂમિમાં દરિયાથી દૂરને અંતરે રહેલાં નીચાણવાળાં થાળાં, મેદાનો કે તદ્દન આછા ઢોળાવવાળા ભૂમિવિસ્તારોનો સમાવેશ કરી શકાય. ત્રિકોણપ્રદેશો કાયમ માટે જળસંતૃપ્ત રહે છે. ગંગાના ત્રિકોણપ્રદેશમાં તૈયાર થયેલા ‘સુંદરવન’નો સમગ્ર વિસ્તાર કળણભૂમિનું ઉત્તમ ઉદાહરણ છે, જેને અંશત: દરિયાઈ પ્રકારનું પણ ગણાવી શકાય. તે અર્વાચીન ઉત્પત્તિવાળું છે, જેનું અધસ્તલ પિટનું બનેલું છે. અહીં વર્ષો અગાઉ વનસ્પતિદટણ થવાથી પિટ તરીકે ઓળખાતો કનિષ્ઠ કક્ષાનો કોલસો બનેલો છે.

અર્વાચીન હિમનદીઓનો બરફ ઓગળી જઈ પાણી વહી જતાં, જે વિસ્તાર જળસંતૃપ્ત રહી જાય તે મુદતી કળણભૂમિમાં ફેરવાઈ જાય છે. યુ.એસ., કૅનેડા, બ્રિટિશ ટાપુઓના તેમજ ઉત્તર યુરોપના કેટલાક હિમનદીજન્ય વિસ્તારોમાં આ પ્રકારની કળણભૂમિ જોવા મળે છે.

દક્ષિણ ભારતના નીલગિરિ વિસ્તારમાં વરસાદ વધુ પ્રમાણમાં પડતો હોવાથી કેટલીક જગ્યાઓ જળસંતૃપ્ત રહે છે અને કળણભૂમિ તૈયાર થાય છે. પૂરનાં મેદાનો પૈકીના કેટલાક વિસ્તારો પણ કળણભૂમિ રચાવા માટે ગ્રાહ્ય બની રહે છે.

કળણભૂમિ જ્યારે સુકાઈ જાય ત્યારે ખેતીની પેદાશો માટે ખૂબ જ ફળદ્રૂપ બની રહે છે. ક્યારેક આવા વિસ્તારો ડાયેટમયુક્ત માટીથી સમૃદ્ધ હોય છે, જે ડાયનેમાઇટ અને ઘર્ષકોની બનાવટમાં વપરાય છે.

કળણભૂમિની રચના માટે જરૂરી પર્યાવરણમાં જૈવિક પરિબળો મુખ્ય ભાગ ભજવે છે. તેના નરમ નિક્ષેપોનો મોટો ભાગ વનસ્પતિ-અવશેષોનો બનેલો હોય છે. આ દ્રવ્યોની ઉત્પત્તિ માટેની ઊર્જા રાસાયણિક પ્રક્રિયા અને સૂર્યની ઉષ્માશક્તિ દ્વારા મળી રહે છે. અહીં દટાયેલી વનસ્પતિ સમય જતાં પિટમાં રૂપાંતરિત થાય છે. પિટ તૈયાર થવા માટે કળણભૂમિ જેવું ભેજસંતૃપ્ત પર્યાવરણ આવશ્યક હોય છે, જે સાહજિક રીતે મળી રહે છે, કારણ કે આ વિભાગમાં ઑક્સિજનનું પ્રમાણ તદ્દન ઓછું હોય છે, જે પ્રારંભિક કક્ષાનો કોલસો બનવા માટેની પૂર્વપ્રાથમિક જરૂરિયાત છે.

એક અંદાજ એવો મુકાયો છે કે દુનિયાભરમાં કળણભૂમિ-વિસ્તારોનું ક્ષેત્રફળ 26 લાખ ચોરસ કિમી.થી વધુ છે. આ પ્રકારના પર્યાવરણવાળા વિસ્તારો આજે જેટલા પ્રમાણમાં છે તેના કરતાં ભૂસ્તરીય ભૂતકાળમાં વધુ વિસ્તૃત હતા. અંતિમ પેલિયોઝોઇક કાળ દરમિયાન તે એટલા તો વિસ્તરેલા હતા કે તેમાં કાર્બનદ્રવ્યયુક્ત નિક્ષેપની મોટા પાયા પર જમાવટ થયેલી; તેની સમૃદ્ધિ પરથી તો કોલસાના થરો સમાવિષ્ટ કરતી ‘કાર્બોનિફેરસ રચના’નું નામાભિધાન થયેલું છે.

ગિરીશભાઈ પંડ્યા