કહકોસુ (કથાકોશ) (ઈ. અગિયારમી સદી ઉત્તરાર્ધ આશરે) : અપભ્રંશ ભાષાની 190 કથાઓનો કોશ. પ્રસિદ્ધ દિગંબરાચાર્ય કુન્દકુન્દાચાર્યની પરંપરાના વીરચન્દ્રના શિષ્ય શ્રીચંદ્રમુનિએ ‘કહકોસુ’ નામક કૃતિની રચના કરી હતી. કવિએ ‘દંસણકહરયણકરંડ’ (દર્શનકથારત્નકરંડ) નામે અન્ય કૃતિ પણ શ્રીમાલપુર(ભીન્નમાલ)માં રાજા કર્ણના રાજ્યકાળમાં 1066માં રચેલી મળી આવે છે. આથી કથાકોશની રચના પણ તે સમયની આસપાસ થઈ હોવાનું અનુમાન કરી શકાય છે.

કથાકોશ અપભ્રંશ ભાષામાં કરાયેલ પદ્યબદ્ધ રચના છે. તેમાં 53 સંધિઓમાં 1,053 કડવકોમાં નાનીમોટી 190 કથાઓ આપવામાં આવી છે. બધી જ કથાઓ ધાર્મિક અને ઉપદેશપ્રદ છે. આમાં મગધરાજ શ્રેણિક, મગધદેશ, પાટલિપુત્ર અને રાજગૃહનગર સંબંધી અનેક કથાઓ છે. અનેક લૌકિક કથાઓ અને ર્દષ્ટાંતો છે. કથાનકો મૌલિક કલ્પનાવાળાં અને રસપ્રદ છે. કથાઓમાં પશુપક્ષીઓ પણ પાત્ર રૂપે આવે છે. કથાઓનો ઉદ્દેશ મનુષ્યહૃદયમાં નિર્વેદભાવ જાગ્રત કરવાનો છે.

શ્રીચન્દ્રે ‘કહકોસુ’ની રચનામાં આ. શિવકોટિની ‘મૂલારાધના’ કે ભગવતી આરાધનાનો આધાર લીધો છે. તેની 43 ગાથાઓ પરથી 43 સંધિ સુધીની કથાઓ તેમણે આપી છે. આ ઉપરાંત તેમણે પૂર્વાચાર્યવિરચિત એક કથાકોશનો આધાર લીધો હોવાનું જણાવ્યું છે. ડૉ. આ. ને. ઉપાધ્યેએ હરિષેણાચાર્યના સંસ્કૃત ભાષાબદ્ધ ‘બૃહત્કથાકોશ’ સાથે ‘કહકોસુ’ની તુલના કરીને બંને વચ્ચે અત્યંત સામ્ય રહેલું હોવાનું તારવ્યું છે. ‘બૃહત્કથાકોશ’ની રચના 971-72માં વર્ધમાનપુર(વઢવાણ)માં થઈ હતી. આથી સ્પષ્ટ છે કે શ્રીચન્દ્ર સામે ‘બૃહત્કથાકોશ’ હતો અને ‘કહકોસુ’ની રચનામાં તેનો પણ પ્રભાવ છે. ગ્રંથની ભાષામાં પદયોજના સંસ્કૃત-પ્રાકૃતની સમાન છે. કવિએ વંશસ્થ, સમાનિકા, દુહડઉ (દોહો), માલિની, પદ્ધડિયા, અલિલ્લહ આદિ છંદોનો પ્રયોગ કર્યો છે. છંદોમાં ક્વચિત્ નવીનતા પણ દાખવવાનો પ્રયોગ કવિએ કર્યો છે.

રમણિકભાઈ મ. શાહ