કસ્તૂરીભૈરવરસ

January, 2006

કસ્તૂરીભૈરવરસ : રસૌષધિ. શુદ્ધ હિંગળોક, શુદ્ધ વછનાગ, ફુલાવેલ ટંકણખાર, જાવંત્રી, જાયફળ, મરી, લીંડીપીપર અને કસ્તૂરી સરખે ભાગે લેવામાં આવે છે. પ્રથમ કસ્તૂરી સિવાયની બાકીની વસ્તુઓનાં ચૂર્ણ ખરલમાં નાખી, તેમાં બ્રાહ્મીનો ક્વાથ નાખી, ત્રણ દિવસ સતત ઘૂંટવામાં આવે છે. પછી તેમાં કસ્તૂરી ભેળવી, તેમાં નાગરવેલના પાનનો રસ નાખી 3 કલાક દવાની ઘૂંટાઈ કરી, મરી જેવડી કે તેથી નાની ગોળી બનાવવામાં આવે છે. આ પાઠમાં ‘કપૂર’ પણ ભેળવાય, તો પરિણામ વધુ સારું મળે છે. માત્રા : 1થી 2 ગોળી દર્દીની ઉંમર મુજબ 2થી 3 વાર પાણી, મધ કે યોગ્ય અનુપાન સાથે આપવામાં આવે છે.

આયુર્વેદની આ એક ખૂબ પ્રભાવશાળી અને ઉત્તમ રસ-ઔષધિ છે; જે જટિલ અને ગંભીર દર્દોમાં ચમત્કારી પરિણામ આપે છે. રસવૈદ્યોની આ એક ખાસ વધુ વપરાતી ઔષધિ છે. આ રસાયન તાવની તરુણ અવસ્થામાં આમદોષના પાચન માટે અને તાવના શમન માટે અપાય છે. આ ઔષધિનું સેવન 14 દિવસના મુદતિયા તાવમાં, પ્રલાપક સન્નિપાત તાવમાં, 21 દિવસના મુદતિયા તાવ અને આંત્રિક સન્નિપાતમાં કરવાથી રોગીની શક્તિ ટકી રહે છે અને મુદતી તાવ મટી જાય છે. જેમની જીવવાની આશા મૂકી દીધી હોય તેવા મોતીઝરા(ટાઇફૉઇડ)ના ઘણા દર્દીઓને બ્રાહ્મીક્વાથ (કે સિરપ) સાથે આ ઔષધિ આપવાથી સાજા થઈ જાય છે. આ રસાયન નાજુક પ્રકૃતિવાળા રોગી અને બાળકોને પણ હિતકર છે. ખાસ કરી કફ અને વાતપ્રધાન સન્નિપાત કે જેમાં દર્દી શરદી, નિદ્રાનાશ, ત્રિદોષજ તાવ અને વાયુના પ્રકોપથી પીડિત હોય છે ત્યાં આ રસૌષધિ ઉત્તમ કામ આપે છે. એ જ રીતે કફ-વાતજન્ય ન્યુમોનિયા, સસણી, વરાધ, ઠંડી લાગી જવી, હિમમાં સપડાઈ જવું, શરીર ઠંડું પડી જવું, નાડી ડૂબી જવી જેવી કટોકટીભરી સ્થિતિમાં રસવૈદ્યોનું આ પ્રથમ પસંદગીનું સચોટ ઔષધ છે.

પ્રસૂતા સ્ત્રીને થતા ધનુર્વાત્ (ટિટનસ), કંપવા, દાંત બંધાઈ જવા; અને શ્વાસ, ખાંસી તથા હૃદયાવરોધ(હાર્ટ બ્લૉકેજ)ને પણ તે મટાડે છે. તે ઉપરાંત આ રસ હિસ્ટીરિયા, અપસ્માર (વાઈ), ઉન્માદ (ગાંડપણ) અને મૂર્ચ્છા(Coma)ની સ્થિતિમાં પણ તત્કાલ લાભપ્રદ થાય છે. તે મગજને શાંત રાખે છે અને હૃદયને બળવાન બનાવે છે. વાઈ, હિસ્ટીરિયા જેવા રોગોમાં આ દવા માંસ્યાદિ ક્વાથ કે બ્રાહ્મી સિરપ સાથે અને હૃદયરોગમાં અર્જુનારિષ્ટ સાથે આપવી વધુ લાભપ્રદ થાય છે. કફપ્રધાન તમામ દર્દોમાં આદાના કે તુલસીપત્રના રસ તથા મધના અનુપાન સાથે આ દવા આપવી વધુ લાભદાયી છે. વાયુનાં દર્દોમાં દશમૂલારિષ્ટ સાથે આ દવા આપવી વધુ ઇષ્ટ છે.

બળદેવપ્રસાદ પનારા

મધુકાન્ત ભગવાનજી પંડ્યા