કસીદા : અરબી, ફારસી, ઉર્દૂ તથા તુર્કી ભાષાઓમાં પ્રચલિત અને લોકપ્રિય કાવ્યપ્રકાર. એમાં કોઈ વ્યક્તિ અથવા વસ્તુની પ્રશંસા કરવામાં આવે છે. આ કાવ્યપ્રકારનો ઉદભવ અરબી ભાષામાં ઘણા પ્રાચીન કાળમાં થયો હતો. ઈ.સ.ની આઠમી સદીમાં ઇસ્લામ ધર્મની સાથે સાથે અરબી ભાષાનો ફેલાવો થવાથી આ કાવ્યપ્રકાર ફારસી અને તુર્કી ભાષાઓમાં પ્રવેશ્યો હતો. ભારતમાં અરબી અને ફારસીના આગમન બાદ હિન્દી-ઉર્દૂમાં પણ કસીદાનું ખેડાણ શરૂ થયું હતું.
કસીદાની રચનાના નિયમો : (क) કસીદા કાવ્યની પ્રથમ પંક્તિના બન્ને મિસ્રા પ્રાસયુક્ત હોય છે અને ત્યારપછીની દરેક પંક્તિના છેલ્લા મિસ્રા એકબીજા સાથે પ્રાસ મેળવે છે. કસીદા કાવ્ય અરબી, ફારસી, ઉર્દૂના કોઈ પણ છંદમાં લખી શકાય છે. તેમાં પંક્તિઓની સંખ્યા ઉપર કોઈ મર્યાદા હોતી નથી. (ख) કસીદા કાવ્યમાં કુલ પાંચ ભાગ હોય છે : (1) મત્લઅ : એટલે પ્રથમ પંક્તિ. આમાં કોઈ નવીન વાત એવી રીતે રજૂ કરવામાં આવે છે કે વાચક કાવ્ય તરફ આકર્ષાય છે. (2) તશબીબ : આ ભાગમાં કવિ પોતાના કાવ્યની પ્રસ્તાવના બાંધે છે. તેમાં યુવાની, જુદી જુદી ઋતુઓ, સ્ત્રીસૌંદર્ય વગેરેનું વિગતવાર વર્ણન કરવામાં આવે છે. કસીદાના આ ભાગમાંથી ગઝલ કાવ્યપ્રકારની ઉત્પત્તિ થઈ હોવાનું માનવામાં આવે છે. આ વિભાગને નસીબ પણ કહેવામાં આવે છે. (3) ગુરેઝ : કવિ કસીદાના તશબીબ વિભાગને જ્યારે વળાંક આપે છે અને તેને આગળના વિભાગ સાથે જોડે છે ત્યારે વચ્ચેની કડીસમાન પંક્તિ અથવા પંક્તિઓને ગુરેઝ કહેવામાં આવે છે. આ કસીદાનો સૌથી મુશ્કેલ ભાગ હોય છે. આથી જ તેને કસીદાનો આત્મા કહેવામાં આવે છે. અરબીમાં આ વિભાગને મુખ્લિસ કહેવામાં આવે છે. (4) મદહ : એટલે પ્રશંસા. આ વિભાગમાં કવિ પસંદ કરેલ વ્યક્તિ અથવા વિષયની પ્રશંસા કરે છે. (5) મક્તઅ : છેલ્લી પંક્તિ અથવા દુઆ. આમાં કવિ પ્રશંસિત વ્યક્તિના કલ્યાણ માટે શુભેચ્છા પ્રગટ કરે છે.
પ્રાચીન કાળમાં કવિઓ કસીદાઓ લખીને રાજાઓ, અમીર-ઉમરાવો વગેરેની પ્રશંસા દ્વારા તેમને લોકપ્રિય બનાવવામાં મદદ કરતા હતા. એ રીતે કવિઓ પોતાની આજીવિકા મેળવતા હતા. કસીદા કાવ્યમાં અતિશયોક્તિ અને અલંકારોનો છૂટથી ઉપયોગ થતો હતો અને કવિને પોતાના વિચારો વ્યક્ત કરવાની પૂરી સ્વતંત્રતા રહેતી હતી. તેનાથી ભાષાનો વિકાસ થવા ઉપરાંત શબ્દભંડોળમાં વૃદ્ધિ થતી. તેમાં મહત્વના પ્રસંગો પણ રજૂ કરવામાં આવતા. તેથી તેમનું ઐતિહાસિક મહત્વ પણ છતું થયું છે.
કસીદા પ્રશંસા ઉપરાંત શોક અને નિંદા માટે પણ પ્રયોજાય છે. શોકાત્મક કસીદાને મર્સિયા અને નિંદાત્મક કસીદાને હિજવિયા કહે છે.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી