કસરા મંદિર : કસરા(તા. કાંકરેજ, જિ. બનાસકાંઠા)નું પૂર્વાભિમુખ ઊભેલું સોલંકીકાલીન મંદિર. મધ્યમાં એક મંડપ અને તેની ત્રણે બાજુએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ માટે એક એક ગર્ભગૃહ ધરાવતું ત્રિપુરુષપ્રાસાદ પ્રકારનું છે. તેની પૂર્વ બાજુની પ્રવેશચોકી નાશ પામી છે. ત્રણેય ગર્ભગૃહો પર શિખરની અને મંડપ પર સંવર્ણાની રચના છે. પ્રત્યેક ગર્ભગૃહની દ્વારશાખના લલાટબિંબ પર તે તે દેવને લગતાં શિલ્પો છે. ગર્ભગૃહની સેવ્ય પ્રતિમાઓ નષ્ટ થઈ છે. મંદિરની પીઠ પરના ગજથર, નરથર અને કુંભી પરનાં દેવદેવીઓનાં શિલ્પો તેમજ ભોગાસનોનાં શિલ્પો ઊંચું કલાકૌશલ દાખવે છે.
પ્રવીણચંદ્ર પરીખ