કશ્યપ : ગોત્રકાર સપ્તર્ષિઓમાંના એક, પ્રજાપતિઓમાંના એક, મંત્રદ્રષ્ટા ઋષિ. તે મરીચિ ઋષિના પુત્ર હતા. દક્ષ પ્રજાપતિએ પ્રજાવૃદ્ધિ અર્થે અદિતિ, દિતિ, દનુ, કાલા, દનાયુ, સિંહિકા, ક્રોધા, પ્રાધા, ઇલા, વિનતા, કપિલા, મુનિ અને કદ્રુ નામની તેર કન્યાઓ કશ્યપને પરણાવી હતી. પુરાણોમાં આ તેર કન્યાઓનાં અનેક નામાંતરો મળે છે. કશ્યપને આ પત્નીઓથી આદિત્ય, દૈત્ય, દાનવ, કાલેય, ક્રૌધેય, ગન્ધર્વો અને અપ્સરાઓ, વૈનતેય, મૌન, કાદ્રવેય આદિ અનેક સંતાનો થયાં. તેમાં વૈનતેય ગરુડ હતો અને કાદ્રવેયો સર્પો કે નાગ હતા. આમ એ પ્રાણીમાત્રના ઉદભાવક ગણાય છે. કશ્યપ પરશુરામ જામદગ્ન્યના અશ્વમેધમાં અધ્વર્યુ હતા. ક્ષત્રિયો સાથેનાં યુદ્ધોમાં જીતેલી સમસ્ત પૃથ્વી પરશુરામે કશ્યપને દાનમાં આપી હતી. પોતાને મળેલી પૃથ્વી પર રહ્યા સહ્યા ક્ષત્રિયોના રક્ષણ સારુ કશ્યપે પોતાની પૃથ્વી ઉપરથી અન્યત્ર વસવા રામને કહેલું. આ રીતે તેમણે ક્ષત્રિય જાતિની રક્ષા કરી અને પૃથ્વી પર ફરી સુરાજ્ય સ્થાપ્યું. તેથી પૃથ્વી કાશ્યપી કહેવાય છે.
ભારતી શેલત