કવિ ચક્રવર્તી, દેવીપ્રસાદ (જ. 1883, કાશી; અ. 1938) : સંસ્કૃતના પ્રકાંડ પંડિત. ભારતના પ્રસિદ્ધ પંડિત દામોદરલાલજી પાસે શાસ્ત્રાધ્યયન, એમના પ્રસિદ્ધ અને સિદ્ધ પિતા દુઃખભંજનજીના આશીર્વાદથી કાશીના પંડિત સમાજમાં ટૂંકા ગાળામાં તેમની ખ્યાતિ ફેલાઈ. તેમને 30 વર્ષની વયે મહામહોપાધ્યાયની પદવી પ્રાપ્ત થઈ. તેમણે કાશીના હિંદુ વિશ્વવિદ્યાલયમાં સંસ્કૃતનું અધ્યાપનકાર્ય કર્યું. તેમની અસાધારણ પ્રતિભાને પિછાણીને પંડિત સમાજે તેમને ‘કવિ ચક્રવર્તી’નું બિરુદ આપી તેમનું વિશિષ્ટ સન્માન કર્યું. તેમણે સંસ્કૃત સમાજનું સંગઠન કરવા ઉપરાંત સંસ્કૃત સાહિત્યની ઉન્નતિ માટે ઘણા વિદ્વાનોને પ્રેરણા આપી. એમના પ્રસિદ્ધ શિષ્યોમાં શ્રી કેદારનાથ શાસ્ત્રી ‘સારસ્વત’ અને હિંદીના અમૃતપુત્ર ગણાતા શ્રી જયશંકર પ્રસાદ પણ હતા.
કવિ ચક્રવર્તીની રચનાઓમાં ‘શારદા-પચ્ચીસી’, ‘કવિત્ત સુધાનિધિ’, દશ મહાવિદ્યાઓને લગતાં શતક અને અષ્ટક ઉપરાંત સંસ્કૃત અને વ્રજભાષામાં સેંકડો સ્ફુટ કવિતાઓ પણ લખી છે.
પ્રવીણચંદ્ર પરીખ