કવિચર્યા : કવિની દૈનંદિની. રાજશેખરે કાવ્યમીમાંસાના 10મા અધ્યાયમાં કવિચર્યાનું વિસ્તૃત વર્ણન કર્યું છે. રાજશેખરનું કહેવું છે કે કવિએ નિરંતર શાસ્ત્રો અને કલાઓનો અભ્યાસ – પારાયણ કરવું જોઈએ. મન, વાણી, કર્મથી પવિત્ર રહેવું, સ્મિતપૂર્વક બોલવું કે સંલાપ કરવો, તેનું ભવન સ્વચ્છ અને સર્વ ઋતુઓને અનુકૂળ હોય. તેના પરિચારકો અપભ્રંશ ભાષામાં બોલે અને અંતઃપુરના લોકોને સંસ્કૃત-પ્રાકૃતનું જ્ઞાન હોય. લખવા માટે ખડિયો, કલમ, પાટી, ભૂર્જપત્ર વગેરે સાધનસામગ્રી હંમેશાં હાથવગી હોય. કવિ પોતાની અધૂરી રચના બીજાઓ સમક્ષ ક્યારેય રજૂ ન કરે. તે પોતાની દિનચર્યાના ચાર ભાગ કરે. પ્રથમ પ્રહર એટલે કે પ્રાતઃ સંધ્યાથી પરવારી સૂક્તપાઠ કરે, પછી અધ્યયન કક્ષમાં જઈ વિદ્યાઓ અને કાવ્યોનું અનુશીલન કરે. બીજા પ્રહરમાં કાવ્ય-રચના કરે. મધ્યાહને સ્નાન કરીને ભોજન કરે અને ભોજન પછી ત્રીજા પ્રહરમાં કાવ્યગોષ્ઠી કરે. ચોથા પ્રહરમાં સ્વરચિત કાવ્ય કે રચનાની પરીક્ષા–સમીક્ષા કરે. રાજશેખરનું આ વર્ણન વાત્સ્યાયન કામસૂત્ર(1/4)માં વર્ણિત નાગરિક-વૃત્ત અને કૌટિલ્યના અર્થશાસ્ત્ર(1/19)માં વર્ણિત રાજવૃત્તને મળતું આવે છે. વસ્તુતઃ આ વિવરણથી તત્કાલીન સામાજિક જીવન પર પ્રકાશ પડે છે.

પ્રવીણચંદ્ર પરીખ