કવિ કર્ણપૂર (1524) : સંસ્કૃત નાટ્યકાર અને અલંકારશાસ્ત્રી. બંગાળના નદિયા જિલ્લાના વતની. બીજું નામ પરમાનન્દદાસ સેન. પિતાનું નામ શિવાનંદ અને ગુરુનું નામ શ્રીનાથ. ‘ચૈતન્યચંદ્રોદય’ નાટક તથા અન્ય આઠ કૃતિઓના કર્તા. એ ઉપરાંત ‘અલંકારકૌસ્તુભ’ નામનો તેમનો ગ્રન્થ અત્યન્ત જાણીતો છે. જોકે અન્ય લેખકોના પણ આ જ (‘અલંકારકૌસ્તુભ’) નામ ધરાવતા ચાર ગ્રંથો મળી આવે છે.
‘અલંકારકૌસ્તુભ’માં બધાં મળીને દસ ‘કિરણ’ (અધ્યાય) છે. તેમાં કાવ્ય-લક્ષણ, શબ્દ તથા અર્થ, ધ્વનિ અને ગુણીભૂત વ્યંગ્ય, રસ તથા ભાવના ભેદો, અલંકારો, રીતિ અને દોષોનું નિરૂપણ થયેલું છે. આમાં વિષયની વિશદતા માટે જે ઉદાહરણો છે તે રાધા તથા કૃષ્ણની સ્તુતિવાળાં છે. ‘અલંકારકૌસ્તુભ’ ઉપર સંસ્કૃતમાં ત્રણ ટીકાઓ પણ લખાયેલ છે. વિશ્વનાથની સારબોધિની, સાર્વભૌમની ટિપ્પણી, વૃંદાવન-ચંદ્રની દીધિતિપ્રકાશિકા અને લોકનાથની ટીકાનો તેમાં સમાવેશ થાય છે.
ભગવતીપ્રસાદ પંડ્યા