કવન કૌમુદી (1905) : સાંગોપાંગ કવિતામાં પ્રગટ થયેલું મલયાળમ સામયિક. ભારતમાં વીસમી સદીની પહેલી પચીસીનું કદાચ એ પ્રકારનું એકમાત્ર સામયિક ગણાય. 1905માં શરૂ થયેલા આ કાવ્ય-સામયિકનું પ્રકાશન પંદરેક વર્ષ ચાલ્યું અને ખૂબ પ્રતિષ્ઠા પામ્યું. એમાં તંત્રીલેખ, તંત્રીનોંધ, સમાચાર તથા જાહેરાત સુધ્ધાં કવિતામાં જ પ્રગટ થતાં, તે સમયના તમામ નામાંકિત કવિઓ આ સામયિક માટે લખવામાં ગૌરવ અનુભવતા. નવોદિત તેમ જ નામી કવિઓ માટે એ મિલનસ્થાન બની રહ્યું હતું. મલયાળમ ભાષાની કેટલીય જાણીતી કાવ્યરચનાઓ સૌપ્રથમ આ સામયિકમાં પ્રગટ થઈ હતી. કવિતાને અભિવ્યક્તિનું સૌથી લોકભોગ્ય માધ્યમ બનાવવાનો ઉમદા હેતુ તેણે સુપેરે પાર પાડ્યો હતો.

અક્કવુર નારાયણન