કવિલોક : કવિતાની સંસ્થા અને કવિતાનું પ્રથમ દ્વિમાસિક. 1955 પછી મુંબઈમાં કવિ રાજેન્દ્ર શાહના નેજા નીચે કાવ્યો અને કાવ્યસંગ્રહો પ્રકાશિત કરવાના મનસૂબા સાથે શરૂ થયેલી આ કાવ્યસંસ્થાનું નામાભિધાન નિરંજન ભગતે કરેલું. ‘શ્રુતિ’ (રાજેન્દ્ર શાહ), ‘આર્દ્રા’ (‘ઉશનસ્’) અને ‘રાનેરી’ (મણિલાલ દેસાઈ) કાવ્યસંગ્રહોનાં છૂટક છૂટક પ્રકાશનો ઉપરાંત 1957ના ગ્રીષ્મમાં ‘કવિલોક’ નામનો ક્રાઉન કદનો કવિતાનો પ્રથમ દ્વિમાસિક અંક પ્રકટ કર્યો ત્યારે તેના તંત્રીઓ હતા રાજેન્દ્ર શાહ, જશુભાઈ શાહ અને સુરેશ દલાલ. પછી દર બે મહિને તે આજ સુધી (2005) નિયમિત પ્રકટ થતું રહ્યું છે. હાલ તેના તંત્રી છે ધીરુ પરીખ. એના 32મા અંકથી એના તંત્રીમંડળમાં જશુભાઈ શાહને સ્થાને રમેશ જાની અને જયંત પારેખ ઉમેરાયેલા. સળંગ અંક 67થી આ દ્વિમાસિક એક વર્ષ માટે જયંત પારેખના તંત્રીપદ નીચે ડિમાઈ કદમાં પ્રકટ થયું. વચ્ચે 37મા અંકથી 66મા અંક સુધી જયંત પારેખ સાથે તંત્રી તરીકે પ્રિયકાન્ત મણિયાર હતા. સળંગ અંક 73થી એટલે કે 1970ના જાન્યુઆરીથી ‘કવિલોક’ દ્વિમાસિકનું પ્રકાશન બચુભાઈ રાવત અને રાજેન્દ્ર શાહના તંત્રીપદે ફૂલસ્કૅપ કદમાં અમદાવાદમાંથી થવા લાગ્યું. વર્ષની છ ઋતુઓમાં પ્રકટ થતું હોવાથી એને હવે ‘ગુજરાતી કવિતાનું ઋતુપત્ર’ કહેવામાં આવ્યું છે અને નવા સ્વરૂપે પ્રગટ થયું હોવાથી તેને ‘દ્વિજ’ સંજ્ઞા મળી. અમદાવાદથી એના પ્રકાશનનો આરંભ થયા પછી થોડો કાળ નિરંજન ભગત પણ એના તંત્રીમંડળમાં હતા.
આરંભથી જ આ દ્વિમાસિકમાં કાવ્યો અને કવિતાવિષયક લેખો તેમજ અનુવાદ-અવલોકનો પ્રકટ થતાં રહે છે. એ દ્વિજ સ્વરૂપ પામ્યું ત્યાર પછી કવિ ન્હાનાલાલ, જર્મન કવિ રિલ્કે, અમેરિકન કવિ રૉબર્ટ ફ્રૉસ્ટ, પ્રિયકાન્ત મણિયાર, ટી. એસ. એલિયટ આદિને વિષયરૂપ બનાવી કેટલાક દળદાર ઉપયોગી વિશેષાંકો પ્રગટ કર્યા છે. વિશ્વનાં સાત મહાકાવ્યો અને સંસ્કૃતનાં પાંચ મહાકાવ્યો તેમજ આધુનિકતા અને ગદ્યકાવ્ય જેવા વિષયને આવરી લેતા ખૂબ જ મહત્વના વિશેષાંકો પણ પ્રકટ કર્યા છે. હાલ ધીરુ પરીખ તેના તંત્રી છે.
ધીરુ પરીખ