કળણભૂમિ (ભૂગોળ) : પાણીના ભરાવાવાળો, કાદવકીચડ અને ભેજવાળી ભૂમિનો પ્રદેશ. તેમાં સંપૂર્ણપણે અથવા અંશત: પાણી, તાજી અથવા સડેલી વનસ્પતિ તથા જમીનના બનેલા વિશાળ કાંઠાળ વિસ્તારો હોય છે. સપાટી પર તેમાં પાણીના સમતલ પ્રદેશનો ભાસ થાય છે. કળણભૂમિના પ્રદેશમાં વૃક્ષો તથા જંગલો હોય છે તો કાદવવાળી, નીચાણની ભેજવાળી જમીન અને પોચી જમીનવાળા પ્રદેશમાં ઘાસ, શેવાળ અને વૃક્ષો તથા પથ્થર પર જામતી લીલ પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેના કિનારા પર ખારા પાણીનાં સરોવર તથા છીછરા પાણીવાળા ઉપસાગર હોય છે અને તેને લીધે કિનારા પરના પાણીમાં ખારાશ હોવા છતાં તેના પર ઘાસ તથા વનસ્પતિ અને વનસ્પતિજન્ય પદાર્થો પેદા થાય છે. દરિયાની ભરતીના સીમાક્ષેત્રમાં આવેલા નદીના મુખ તથા ખાડીઓને ભરતી તથા ઓટનો સામનો કરવો પડતો હોય છે અને તેને લીધે કિનારા પર ઊગેલી વનસ્પતિનો પ્રદેશ ભરતીના પાણી હેઠળ ઢંકાઈ જાય છે તો ઓટ દરમિયાન તે ઉઘાડો થઈ જાય છે. કિનારા પરનો સપાટ અથવા દરિયા તરફ ઢળતો પ્રદેશ ભરતીજન્ય કળણભૂમિ તરીકે ઓળખાય છે. ભરતી દરમિયાન જે દ્રવ્ય એકઠું થાય છે તે ઉપસાગરના પ્રદેશમાં જમા થાય છે, તેનાથી કાદવવાળી સપાટ ભૂમિ બને છે અને ભરતી દરમિયાન ઊંચાં મોજાં આવે છે ત્યારે જ આવી ભૂમિ પાણીથી ઢંકાઈ જાય છે. આમાંથી ખારાશવાળી કળણભૂમિ બને છે. આવી ભૂમિ પરના પાણીનો નિકાલ કરવાથી તેને કૃષિઊપજ માટે યોગ્ય બનાવી શકાય છે અને તેને લીધે તે મહત્વની ગણાય છે.
કૃષ્ણમૂર્તિ કુલકર્ણી
અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે