કલ્હણ (બારમી સદી) : ઐતિહાસિક કાવ્ય ‘રાજતરંગિણી’ના રચનાર કાશ્મીરી કવિ. કાશ્મીરના રાજા હર્ષ(1089-1101)ના મહામાત્ય ચણપકના તે પુત્ર હતા. તે કાશ્મીરના બ્રાહ્મણ હતા. એમના કાકા કણ પણ રાજા હર્ષના માનીતા હતા. રાજકીય સંઘર્ષના વિષમ સંયોગોમાં કલ્હણે રાજદરબારથી અલિપ્ત રહી કાશ્મીરના પ્રાદેશિક ઇતિહાસ ‘રાજતરંગિણી’ની રચના કરી હતી. આ કૃતિ રાજા જયસિંહના રાજ્યકાલ દરમિયાન 1148-50માં રચાઈ હતી.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી