કલ્કિ [જ. 9 સપ્ટેમ્બર 1899, પુત્તમંગલમ (તામિલનાડુ); અ. 5 ડિસેમ્બર 1954, ચેન્નાઈ] : જાણીતા તમિળ લેખક, પત્રકાર, વાર્તાકાર અને નવલકથાકાર. મૂળ નામ રા. કૃષ્ણમૂર્તિ. એ કૉલેજમાં ભણતા હતા ત્યારે ગાંધીજીનું ‘અસહકાર આંદોલન’ (1921) શરૂ થયું. તેમણે આંદોલનમાં ઝંપલાવ્યું ને જેલમાં ગયા (1922, 1930, 1942). છૂટ્યા પછી કૉંગ્રેસ કાર્યાલયમાં કામ કરતાં કરતાં તમિળ સાહિત્યમાં લેખન શરૂ કર્યું. સાથે સાથે ‘નવશક્તિ’ સામયિકના સહસંપાદક બન્યા. મદ્યનિષેધના પ્રચાર માટે શરૂ કરાયેલી ‘વિમોચન’ પત્રિકાનું પણ તંત્રીપદ એમણે સંભાળેલું. તમિળના ‘આનંદ વિકટન’ સામયિકમાં એમણે હાસ્ય-વ્યંગના લેખો લખ્યા તથા એમની શક્તિશાળી લેખિની દ્વારા જનતામાં દેશપ્રેમની ભાવના જાગ્રત કરી. થોડા સમય પછી એમણે એમના ઉપનામ ‘કલ્કિ’ના નામથી એક સામયિક શરૂ કર્યું. કલ્કિ બહુમુખી પ્રતિભાશાળી લેખક હતા. પરંતુ એમણે સવિશેષ ખ્યાતિ પ્રાપ્ત કરી નવલકથાકાર તરીકે. એમની જાણીતી નવલકથાઓ છે : ‘કળવનિન કાટલી’, ‘પાર્ટ્ટિપનકનવું’, ‘શિવકામિયીન શપતમ્’, ‘અલૈઓશૈ’. એમણે ગાંધીજી તથા રાજાજીનાં જીવનચરિત્રો પણ લખ્યાં છે. કલ્કિનો સંબંધ તમિળ સંગીત આંદોલન સાથે પણ હતો. એમના ‘સંગીતયોગમ્’ પુસ્તકમાં તમિળ સંગીતસભાઓ જોડે સંકળાયેલી વ્યક્તિઓ વિશે વ્યંગાત્મક શૈલીમાં રેખાચિત્રો છે. તમિળ ભાષામાં તે ઐતિહાસિક નવલકથાઓ માટે ખૂબ જાણીતા છે. તેઓ તમિળમાં ઐતિહાસિક નવલકથાના પિતા ગણાયા. હાસ્યકાર તથા કટાક્ષકાર તરીકે એમની આગવી પ્રતિષ્ઠા છે.

તેમણે ગાંધીજીના આત્મકથનાત્મક નિબંધો ‘સતિયા સોતનાઈ’ ગ્રંથરૂપે, લાલા લજપતરાયના ‘હિસ્ટરી ઑવ્ ઇન્ડિયન નૅશનલ મુવમેન્ટ’ અને સ્વામી વિવેકાનંદના ‘અવર મધરલૅન્ડ’ને તમિળમાં અનૂદિત કર્યા છે. તેમને 1956ના વર્ષનો મરણોત્તર કેન્દ્રીય સાહિત્ય અકાદમી એવૉર્ડ તેમની ઉત્કૃષ્ટ કલાકૃતિ ‘અલૈઓશૈ’ બદલ આપવામાં આવ્યો હતો.

કે. એ. જમના