કલ્કિ/કલ્કી : પૌરાણિક માન્યતા અનુસાર કલિયુગના અંતે હવે પછી થનારો ભગવાન વિષ્ણુનો અંતિમ અવતાર. અવતારો અનેક છે, તેમાં બહુમાન્ય દસ. તે પૈકી આ અંતિમ અવતાર શ્રાવણ સુદ છઠના દિવસે એટલે કે ઈ.સ. 1944 પછી 4,26,136 વર્ષો પૂરાં થયા બાદ કલ્કીનો અવતાર થશે એવો કેટલાકનો અંદાજ છે, કલિયુગના અંતભાગમાં અધર્મની અત્યંત વૃદ્ધિ થશે, એ યુગાંત સમયે જ્યારે સૂર્ય, ચંદ્ર, બૃહસ્પતિ અને શુક્ર એકસાથે પુષ્ય નક્ષત્રમાં અને એક રાશિમાં આવશે, ત્યારે કાળની પ્રેરણાથી સંભલ ગામમાં એક બ્રાહ્મણને ત્યાં વિષ્ણુયશા કલ્કિ અવતાર ધારણ કરશે અને તે કૃતયુગ (સત્યયુગ)

કલ્કિ

પ્રવર્તાવશે એમ પુરાણોમાં ઉલ્લેખ છે. કલ્કિ મનથી ઇચ્છશે કે તત્કાળ વાહનો, શસ્ત્રાસ્ત્રો, યોદ્ધાઓ અને કવચો તેમની પાસે ઉપસ્થિત થઈ જશે; એ બ્રાહ્મણોથી વીંટાઈને સર્વત્ર વિચરશે; અધર્મી રાજાઓ (શાસકો), ચોર-લૂંટારા અને મ્લેચ્છગણોનો ઉચ્છેદ કરીને ધર્મવિજયી ચક્રવર્તી સમ્રાટ થશે; દુ:ખથી પીડિત જગતને આનંદ આપશે; અશ્વમેધ યજ્ઞ કરશે; અધર્મનો નાશ થશે અને કલિયુગનો અંત આવશે; સત્યયુગનો પ્રારંભ થશે. મનુષ્યો દીર્ઘાયુ અને સત્યપરાયણ થશે; અવતારકાર્ય પૂર્ણ કરીને ભગવાન કલ્કિ તપસ્યા કરવા વનમાં જશે અને ત્યાં સમાધિસ્થ થશે, એવું પુરાણોમાં નિરૂપણ છે.

મહાભારત અને અનેક પુરાણોમાં કલ્કિ અવતારનો નિર્દેશ છે. મહાભારત, ‘વાયુપુરાણ’, ‘વિષ્ણુધર્મોત્તર’ વગેરેમાં વિષ્ણુયશા કલ્કિ નામ છે; જ્યારે ભાગવત, ‘વિષ્ણુપુરાણ’, ‘અગ્નિપુરાણ’ અને ‘નૃસિંહપુરાણ’માં તેમને વિષ્ણુયશા બ્રાહ્મણના પુત્ર કહ્યા છે.

શત્રુઓનો ઘાત કરવા કલ્કિપૂજાનું વિધાન ‘વરાહપુરાણ’માં છે. (48-20થી 22).

‘કલ્કિપુરાણ’ નામનું પાછળથી લખાયેલું (અઢારમી સદી પહેલાંનું) એક પુરાણ છે. તેમાં કલ્કિ અવતાર વિશે વિસ્તૃત નિરૂપણ છે.

ઉ. જ. સાડેસરા