કલોલ : ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાનો તાલુકો તથા તાલુકામથક. ભૌગોલિક : સ્થાન. 23o 15′ ઉ. અ. અને 72o 30′ પૂ. રે. તે અમદાવાદથી ઉત્તરે, મહેસાણાથી દક્ષિણે અને ગાંધીનગરથી પશ્ચિમે આવેલું છે. શહેરનું ક્ષેત્રફળ 17.2 ચોકિમી. જેટલું છે.

તે અમદાવાદ-મહેસાણા-દિલ્હી બ્રૉડગેજ રેલવેનું સ્ટેશન છે. મહેસાણાથી 42 કિમી., ગાંધીનગરથી 28 કિમી. અને અમદાવાદથી 30 કિમી. દૂર છે. અમદાવાદ-પાલનપુર થઈને રાજસ્થાન અને દિલ્હી જતો રાજ્ય ધોરીમાર્ગ કલોલ થઈને પસાર થાય છે.

તેની સમુદ્રતળથી ઊંચાઈ 70 મીટર છે. આબોહવા વિષમ છે. તાપમાન ઉનાળા દરમિયાન સરેરાશ 40o સે. અને શિયાળા દરમિયાન સરેરાશ 15o સે. જેટલું રહે છે. સરાસરી વાર્ષિક વરસાદ 694 મિમી. છે. બાજરી, કપાસ, શાકભાજી, તમાકુ, ઘઉં, વરિયાળી વગેરે મુખ્ય પાકો છે. આઝાદી પછી કલોલ ક્ષેત્રમાંથી તેલ અને ગૅસ મળી આવ્યાં છે. આ તેલક્ષેત્રની નીચેના સ્તરમાં કોલસાનું ક્ષેત્ર છે. તેનું ગૅસમાં રૂપાંતર કરી ઉપયોગ કરવા વિચારાયું છે. આ કૂવાઓ પ્રથમ શેરથા અને કલોલ નજીક શોધાયા હતા.

સૈજ-શેરથા નજીક યુરિયા અને ડી.એ.પી. ખાતરનું ઉત્પાદન 4થી 5 લાખ ટન થાય છે. અગાઉના વડોદરા રાજ્યમાં બ્રિટિશ મુલક કરતાં કરવેરા ઓછા હોવાથી અહીં ચારેક મિલો હતી, જે પૈકી હાલ બે ચાલુ છે. આ ઉપરાંત હળવા ઇજનેરી ઉદ્યોગો, લોખંડનું ફર્નિચર, બૉબિન, કાપડની મિલનાં યંત્રોના ભાગો, સાબુ, ઑઇલ એન્જિન, રબરની વસ્તુઓ ને કાપડની પ્રક્રિયા કરવાનાં કારખાનાં વગેરે છે. આજે કલોલના ગૅસના કારણે કલોલ-છત્રાલ અને નંદાસણ વચ્ચે અનેક ઉદ્યોગો સ્થપાતાં કલોલનું ઔદ્યોગિક મહત્વ વધ્યું છે. વસ્તી : તાલુકો : 3,87,746 (2011) શહેર : 1,33,737 (2011)  કલોલ નજીક ભારતમાં જાણીતું IFFCO ખાતરનું કારખાનું સ્થપાયેલું છે.

કલોલ અને નજીકનાં ગામો વાઘેલા રજપૂતોના શાસન નીચે હતાં. મુસ્લિમ સુલતાન અહમદશાહના સમયમાં જેતા કે જૈતસિંહ વાઘેલાએ બહારવટું ખેડી તેનો ગરાસ પાછો મેળવ્યો હતો. અઢારમી સદીમાં તેના વંશજે પ્રથમ અનગઢ અને પછી ભાદરવામાં અલગ રાજ્ય સ્થાપ્યું હતું. મુઘલ સત્તા નબળી પડતાં 1753 પછી જવાંમર્દખાન બાબી પાસેથી કલોલ વગેરે પ્રદેશ દામાજીરાવ બીજાએ જીતી લીધો હતો. અમદાવાદમાં લૉર્ડ મિન્ટો ઉપર તેમની સવારી વખતે બૉમ્બ નાખનાર ક્રાંતિકારી કલોલનો હતો. 1916માં વડોદરા રાજ્ય પ્રજામંડળની સ્થાપના થઈ હતી. 1919માં રૉલેટ ઍક્ટ વિરોધી ચળવળ દરમિયાન કલોલના મહાશંકર નરસિંહરાવ પંડ્યાએ લશ્કરના જમાદાર ઇમામખાનને મારી નાખતાં 1920માં તેમને આજીવન કેદની સજા થઈ હતી અને આંદામાનમાં તેમને દેશપાર કર્યા હતા. 14-1-1937ના રોજ તેમને મુક્ત કરાયા હતા. 1931માં વડોદરા પ્રજામંડળનું અધિવેશન કલોલમાં ભરાયું હતું. ડૉ. સુમંત મહેતાએ શેરથામાં આશ્રમ સ્થાપ્યો હતો.

કલોલમાં  આર્ટ્સ, સાયન્સ અને કૉમર્સ કૉલેજો ઉપરાંત પાંચેક હાઈસ્કૂલો, ટૅકનિકલ સ્કૂલ, પ્રાથમિક શાળાઓ તથા તાલુકા, મહિલા અને બાલ પુસ્તકાલયો આવેલાં છે. નારદીપુરમાં ગ્રામસેવામંદિર, બે હાઈસ્કૂલો, સ્ત્રીઅધ્યાપન મંદિર અને મહિલા ગ્રામ વિદ્યાપીઠનું સંચાલન કરે છે.

વસંત ચંદુલાલ શેઠ

શિવપ્રસાદ રાજગોર