કલિકા (bud) : પ્રકાંડ (stem) અને શાખા(branch)ની ટોચ ઉપર વસેલું, સતત વિકાસ અને વૃદ્ધિ દર્શાવતું સંકુચિત અને અવિકસિત પ્રરોહ (shoot).

કલિકાના બંધારણમાં તેની ટોચ ઉપર વર્ધનશીલ પેશી (meristem) અને ખૂબ જ પાસે પાસે ગોઠવાયેલાં કુમળાં પર્ણો હોય છે. પ્રકાંડની ટોચ ઉપર ઉદભવતી અગ્રકલિકા (terminal bud) અને પર્ણના કક્ષમાં આવેલી કક્ષકલિકા (axillary bud) કહેવાય છે. એક કરતાં વધારે કલિકાઓ હોય ત્યારે તેમને સહાયક કલિકાઓ (accessory buds) કહે છે. શક્કરિયાંનાં મૂળ ઉપર તથા પાનફૂટી અને બિગોનિયામાં પર્ણ ઉપર ઉત્પન્ન થતી અસ્થાનિક કલિકાઓ વર્ધિપ્રજનનનું કાર્ય કરે છે. ખોરાકનો સંગ્રહ કરતી પ્રકલિકા (bulbil) ચાંદાપોળી(dioscorea)માં પર્ણના કક્ષમાં, રામબાણ(agave)માં પુષ્પથી અને કેલેનચોઈમાં પર્ણની કિનારી પર ઉત્પન્ન થાય છે. નવાં પ્રકાંડ અને પર્ણો સર્જતી વાનસ્પતિક કલિકા (vegetative bud) સમય જતાં પુષ્પકલિકા(floral or reproductive apex)રૂપે પ્રગટે છે.

સરોજા કોલાપ્પન

બળદેવભાઈ પટેલ