કલાશિક્ષણ : લલિત કલાઓનું શિક્ષણ. કલાના વ્યવસ્થિત શિક્ષણ માટે તત્કાલીન મુંબઈ રાજ્યમાં 1857માં જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટ, વડોદરામાં 1890માં કલાભવન અને કચ્છમાં 1877માં કલાશાળા ખોલવામાં આવેલ. પ્રથમ બે કલાશાળાઓ ચિત્રકલા, પેઇન્ટિંગ, મૉડેલિંગ, ઍપ્લાઇડ આર્ટ વગેરે વિષયો શીખવતી હતી. સંગીત વ્યક્તિગત સંગીતકાર પાસેથી ગુરુ પરંપરાનુસાર શીખવાતું હતું. 1935માં વ્યાવસાયિક કલાને સ્થાન અપાયું હતું. માધ્યમિક શાળામાં 1879થી અને પ્રાથમિક શાળામાં 1901થી ચિત્રને અભ્યાસક્રમમાં સ્થાન અપાયું હતું. પ્રાથમિક શાળાંત પરીક્ષામાં તેનો એક ફરજિયાત પ્રશ્નપત્ર હતો ને અધ્યાપનમંદિરમાં પણ તે વિષય શીખવાતો હતો. માધ્યમિક શાળાંત પરીક્ષામાં હાલ તે વૈકલ્પિક વિષય છે. ભૂતપૂર્વ મુંબઈ રાજ્ય અને ગુજરાત રાજ્યમાં પ્રાથમિક અને માધ્યમિક એમ ચિત્રની બે પરીક્ષા લેવાય છે. ચિત્રકલાના શિક્ષકો માટેના ટૂંકા ગાળાના વર્ગો પ્રથમ મુંબઈમાં ચલાવાતા હતા પણ ત્યારબાદ મુંબઈ અને અમદાવાદમાં એસ.એસ.સી.ઈ. કે મૅટ્રિક પછી ચિત્રશિક્ષક માટે એક વરસનો અભ્યાસક્રમ શરૂ કરાયો હતો. હાલ તે બે વરસનો છે. કલાના વિષયોની કલાશિક્ષક વગેરેની ઉચ્ચકક્ષાની તાલીમ વલ્લભવિદ્યાનગર અને સી. એન. કલા મહાવિદ્યાલય, અમદાવાદમાં અપાય છે. નારગોળ, અમલસાડ, ભરૂચ, ધોળકા, અમદાવાદ, પાટણ, મહેસાણા, વઢવાણ વગેરે 11 શહેરોમાં ચિત્રશિક્ષકો માટેની તાલીમી સંસ્થાઓ છે. વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં 1950થી ફાઇન આર્ટ્સ ફૅકલ્ટીના લલિતકલા વિભાગના ઉપક્રમે ડિપ્લોમા અને ડિગ્રી કક્ષાનું પેઇન્ટિંગ વગેરેનું શિક્ષણ અપાય છે.

સંગીતનું શિક્ષણ વ્યક્તિગત ગવૈયાઓ દ્વારા ગુરુપરંપરા પ્રમાણે અપાતું હતું. વડોદરા રાજ્યે 1866માં સંગીત વિદ્યાલય શરૂ કરેલ અને નામી સંગીતકારોને આશ્રય આપ્યો હતો. નવસારી, પાટણ અને અમરેલીમાં સંગીતશાળાઓ હતી. ભાવનગરમાં ખાનગી વર્ગો ચાલતા હતા. પંડિત ભાતખંડેએ સંગીતનો પુનરુદ્વાર કરતાં સંગીતની પરીક્ષાઓ શરૂ થઈ. હાલ પાટણ, વડોદરા અને રાજકોટ ખાતે સંગીત મહાવિદ્યાલયો આવેલાં છે. વિવિધલક્ષી શાળાઓ સંગીતનો વિષય શીખવે છે અને માધ્યમિક શાળાંત પરીક્ષાનો તે એક વિષય છે. વડોદરામાં નૃત્ય, સંગીત અને નાટ્યકલા માટે મ. સ. યુનિવર્સિટી સાથે સંલગ્ન સંગીત નૃત્ય નાટ્ય મહાવિદ્યાલય ડિપ્લોમા અને ડિગ્રી પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરે છે. વિવિધ નૃત્યશૈલીઓ માટે અમદાવાદમાં દર્પણ, કદંબ, નર્તન, નૃત્યભારતી, મુદ્રા વગેરે ખાનગી શિક્ષણસંસ્થાઓ છે. ભાવનગર, વડોદરા, સૂરતમાં નૃત્ય માટેની ખાનગી શિક્ષણસંસ્થાઓ છે. નાટ્યકલાના શિક્ષણ માટે અમદાવાદમાં ગુજરાત કૉલેજ નાટ્યવિભાગ તરફથી ડિપ્લોમા અભ્યાસક્રમ શીખવાય છે. ગુજરાત રાજ્ય તરફથી ગુજરાત સંગીત નૃત્ય નાટ્ય અકાદમીના ઉપક્રમે વીસનગર ખાતે ભવાઈ તાલીમ કેન્દ્ર પણ ચલાવવામાં આવે છે. ગુજરાતમાં નાયક, ભોજકની જ્ઞાતિ સંગીત અને અભિનયકલાને વરેલી છે, જેણે ઘણા સંગીતકાર અને નટો પેદા કર્યા છે.

શિવપ્રસાદ રાજગોર