કલિંગપત્તન : વિશાખાપત્તનમના ઉદય પૂર્વે આંધ્રપ્રદેશનું વંશધારા નદી ઉપર આવેલું બંદર. શ્રીકાકુલમ્ જિલ્લામથકથી 26 કિમી. દૂર, 18o 19′ ઉ. અ. અને 84o 07′ પૂ. રે. ઉપર આવેલું આ શહેર પૂર્વીય ગંગ રાજાઓની રાજધાની હતું. શણ, ડાંગર, મગફળી, જીંજરલીનાં બિયાં, અને કઠોળ મુખ્ય પાક છે. મુસ્લિમ શાસનકાળ દરમિયાન તે સૂબેદારનું મથક હતું. ગોવળકોંડાના કુતુબશાહી સુલતાનો, મુઘલો અને નિઝામના શાસન દરમિયાન પણ તે મહત્વનું શહેર હતું. અહીંના દરિયાકિનારાની રેતીમાં મોનેઝાઇટ તથા યુરેનિયમના અંશો રહેલા છે. આ ખુલ્લા બંદર ખાતે સ્ટીમરો કે વહાણો દૂર લંગર નાખે છે. અનાજ, કઠોળ, હળદર અને હરડેની નિકાસ થતી હતી જ્યારે સૂતર તથા પાકો માલ યુરોપીય દેશોથી આયાત થતો હતો. અંગ્રેજ વેપારીઓ 1780 પછી અહીં વેપાર અર્થે વસ્યા હતા. રેલવેના આગમન તથા વિશાખાપત્તનમના ઉદય સાથે આ બંદરનો વેપાર ઘટી ગયો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આયાતનિકાસ બંધ થઈ હતી. 1952 પછી આ બંદરનો ઉપયોગ થતો નથી.
શિવપ્રસાદ રાજગોર