કલહરીનું રણ : દક્ષિણ આફ્રિકામાં આવેલો વિશાળ રણપ્રદેશ. આશરે 2,60,000 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવતું આ રણ ઝિમ્બાબ્વે, બોટ્સવાના અને નામિબિયા જેવા દેશોમાં વિસ્તરેલું છે. દ. ગોળાર્ધમાં વિષુવવૃત્તથી દક્ષિણે દ. અક્ષાંશ (મકરવૃત્ત) ઉપર આ રણપ્રદેશ આવેલ છે.
આ રણપ્રદેશની ઉત્તરે ઝાંબેઝી નદી, પૂર્વમાં ટ્રાન્સવાલ અને ઝિમ્બાબ્વેનો ઉચ્ચપ્રદેશ જ્યારે દક્ષિણમાં ઑરેંજ નદી આવેલી છે. આ રણપ્રદેશની પશ્ચિમે નામિબિયાનો ભૂમિભાગ આવેલો છે.
સરેરાશ 900થી 1100 મીટરની ઊંચાઈ ધરાવતા આ પ્રદેશમાં પવનના ઘસારા અને નિક્ષેપણ દ્વારા રેતાળ ભૂમિ રચાયેલી છે. આ રણપ્રદેશમાં કેટલીક જગ્યાએ રણદ્વીપો આવેલા છે જ્યાં મીઠા પાણીનાં ઝરણાં સાથે લીલી વાડીઓ અને સ્થિર વસવાટ જોવા મળે છે. આ રણપ્રદેશમાં બુશમૅન તથા બાંટુ જાતિના હબસીઓ વસવાટ કરે છે. આ પ્રદેશના લોકો મોટેભાગે શિકાર દ્વારા ગુજરાન ચલાવે છે. સ્વતંત્રતા મળ્યા બાદ આ પ્રદેશમાં ખનિજપ્રાપ્તિ જેવી અનેક પ્રવૃત્તિઓ વિકાસ પામી છે તેમ છતાં વસ્તીનું પ્રમાણ અહીં અત્યંત ઓછું છે.
મહેશ મ. ત્રિવેદી