કલગારી (કંકાસણી) : એકદળી વર્ગમાં આવેલા લિલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Gloriosa superba Linn. (સં. કલિકારી, અગ્નિમુખી કલિહારી; મ. કળલાવી; હિં. કલિહારી, કલિયારી, કલહંસ; બં. વિષલાંગલા, ઇષલાંગલા; ગુ. દૂધિયો વછનાગ, કંકાસણી, વઢકણી, વઢવાડિયો; ક. રાડાગારી, લાંગલિકે; મલા. મેટોન્નિ; અં. મલબારગ્લોરી લીલી) છે. તેના સહસભ્યોમાં ધોળી-કાળી મૂસળી, જંગલી કાંદો, એળિયો, ડુંગળી, લસણ વગેરેનો સમાવેશ થાય છે.

તે શાખિત, આરોહી અને શાકીય વનસ્પતિ છે અને ભારતમાં 1,800 મી.ની ઊંચાઈ સુધી અને આંદામાનના ટાપુઓમાં બધે જ થાય છે. તે વાડ, થોરિયા કે વાંસની વચ્ચે  ઊગે છે. પ્રકાંડ પાતળું અને 6 મી. જેટલું લાંબું હોય છે તથા ભૂમિગત બહુવર્ષાયુ, માંસલ ગાંઠામૂળી (rhizome) ધરાવે છે. ગાંઠામૂળી નળાકાર, ‘V’ આકારે દ્વિશાખિત અને લગભગ 30 સેમી. લાંબી હોય છે અને 3.5 સેમી. વ્યાસ ધરાવે છે. પર્ણો સાદાં, એકાંતરિક કે સંમુખ, અદંડી અને અંડ-ભાલાકાર (ovate-lanceolate) હોય છે. તેના પર્ણાગ્રો પાતળા, કુંતલાકાર, અમળાયેલા સ્પર્શ-સંવેદી સૂત્ર(tendril)માં રૂપાંતર પામેલા હોય છે, જેના વડે તે આધાર સાથે વીંટળાય છે અને અશક્ત પ્રકાંડને આરોહણમાં મદદ કરે છે. પુષ્પનિર્માણ ઑગસ્ટથી ઑક્ટોબર દરમિયાન થાય છે. પુષ્પો સુંદર, મોટાં અને એકાકી (solitary) હોય છે. પરિદલપુંજ (perianth) છ પરિદલપત્રો(sepals)નો બનેલો હોય છે. તેઓ સુંદર મિશ્ર રંગના, સિંદૂરી લાલ અને પીળા હોય છે તથા તેમની કિનારી તરંગિત હોય છે. પુંકેસરચક્ર છ પુંકેસરોનું બનેલું અને તેમના તંતુઓ લાંબા હોય છે. પરાગાશય મધ્યડોલી (versatile) હોય છે. સ્ત્રીકેસરચક્ર ત્રિયુક્ત સ્ત્રીકેસરી હોય છે. તેનું બીજાશય ઊર્ધ્વસ્થ હોય છે અને ત્રિકોટરીય અક્ષવર્તી (axile) જરાયુવિન્યાસ (placentation) ધરાવે છે. ફળ પ્રાવર પ્રકારનું, લગભગ 5 સેમી. જેટલું લાંબું હોય છે. અને અનેક ગોળ બીજ ધરાવે છે.

કલગારી : પુષ્પ સહિતની શાખા

તેની ગાંઠામૂળી બલ્ય, ક્ષુધાવર્ધક અને કૃમિનાશક (anthelmintic) છે. તે 0.075 મિગ્રા.થી 0.15 મિગ્રા.થી વધારે માત્રામાં લેવાથી અત્યંત ઝેરી છે. ઔષધ તરીકે ઉપયોગમાં લેવા માટે તેની ગાંઠામૂળીઓ ચોમાસા પછી લણવામાં આવે છે. તેને સ્વચ્છ કરી લગભગ 7.5 સેમી. લાંબા ટુકડા કરી સૂકવવામાં આવે છે. ભારતમાં પશ્ચિમ બંગાળ અને હરદ્વારનાં જંગલો તેનો મુખ્ય સ્રોત છે અને ત્યાંથી અમૃતસરના ઔષધ-બજારમાં મોકલવામાં આવે છે.

આ ઔષધ જઠરાંત્રીય (gastro-intestinal) ઉત્તેજક (irritant) છે અને તેનાથી ઊલટીઓ અને વિરેચન (purging) થાય છે. તેનો ઉપયોગ ગર્ભસ્રાવક (abortifacient) તરીકે અને પ્રસૂતિ-પ્રેરક તરીકે થાય છે. તે શૂલ (colic), ચાંદાં અને મસામાં ઉપયોગી છે. તે ત્વચાના રોગો પર લગાડવામાં આવે છે. તેનું સ્ટાર્ચયુક્ત ચૂર્ણ પરમિયામાં આપવામાં આવે છે. ઢોરોમાં કૃમિઓ કાઢવા માટે તેનો ઉપયોગ થાય છે. પર્ણનો રસ વાળમાં થતી જૂ મારવામાં ઉપયોગી છે. તે અતિવિષ(aconite)ના અપમિશ્રક (adulterant) તરીકે વપરાય છે.

તેના વિષાળુ ગુણધર્મો મુખ્યત્વે કોલ્ચિસિન (C22H25O6N) જેવા આલ્કેલૉઇડની હાજરીને લીધે છે. બીજું આલ્કેલૉઇડ ગ્લોરિયોસિન (C22H26O6N) પણ અલગ કરવામાં આવ્યું છે. કોલ્ચિસિન સેલિસિલેટ સ્વરૂપે ગાઉટ (gout) અને સંધિવામાં વપરાય છે. તેનો વનસ્પતિઓમાં બહુરંગસૂત્રતા (polyploidy) પ્રેરવા માટે ઉપયોગ થાય છે. દેશી શણ(crotolaria juncea)માં ગ્લોરિયોસિન દ્વારા કોલ્ચિસિન કરતાં વધારે અસરકારક રીતે બહુરંગસૂત્રતા પ્રેરવામાં આવી છે. ગાંઠામૂળીનો તાજો નિષ્કર્ષ મકાઈમાં બહુરંગસૂત્રતા પ્રેરે છે.

આલ્કેલૉઇડ ઉપરાંત, ગાંઠામૂળીમાં થોડા પ્રમાણમાં બાષ્પશીલ તેલ, સ્ટિગ્મેસ્ટેરોલ જેવા વનસ્પતિજન્ય સ્ટેરોલ, સ્ટિગ્મેસ્ટેરોલ ગ્લુકોસાઇડ જેવા ફાઇટોસ્ટેરોલિન અને રાળદ્રવ્ય મળી આવ્યાં છે. ગાંઠામૂળીનો નિષ્કર્ષ staphylococcus aureus સામે પ્રતિજૈવિક સક્રિયતા દર્શાવે છે.

આયુર્વેદ અનુસાર તે સારક, કડવી, તીખી, ખારી, પિત્તકર, તીક્ષ્ણ, ઉષ્ણ, તૂરી અને લઘુ હોય છે. તે કફ, વાયુ, કૃમિ, બસ્તિશૂળ, વિષ, કુષ્ઠ, અર્શ, કંડૂ, વ્રણ, સોજો, શોષ, શૂળ, શુષ્ક, ગર્ભ અને ગર્ભનો નાશ કરે છે.

તેનો કાખમાંજરી, વાળો, અપચી (ગંડમાળનો ભેદ), વ્રણ, કાળી પુળી, બદ, પ્રસવ, કમળો, યોનિશૂળ, પુષ્પાવરોધ, કર્ણકૃમિ, સર્પદંશ, ખરજવું, સોજો અને ગાંઠમાં ઉપયોગ થાય છે. તેનું ગોમૂત્રમાં શોધન કરી શકાય છે. તેના રસમાં સિદ્ધ કરેલું તેલ નાકમાં નાખવામાં આવે છે. તેનાં મૂળ ઘસીને તે ઘસારો માથાની ટાલમાં લગાડવાનો ઉલ્લેખ વાગ્ભટે કરેલો છે.

આ વનસ્પતિ અસલ વછનાગ (Aconitum) નથી.

પ્રાગજી મો. રાઠોડ

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ