કર્મ : વૈદિક ક્રિયાકર્મ. કર્મ એટલે ક્રિયાવ્યાપાર, ચેષ્ટા. ધાતુના તિઙન્ત કે કૃદન્તનો અર્થ. ‘દેવદત્ત ફળ ખાય છે’ : એ વાક્યમાં ‘ખાય છે’ એટલે ખોરાક મુખમાંથી ગળે ઉતારવારૂપ વ્યાપાર કરે છે, તે કર્મ કહેવાય. ‘કર્મ’ એ નામશબ્દ છે અને કારક સંબંધે તે ક્રિયા સાથે જોડાયેલો હોય છે. ઉપરના વાક્યમાં ‘ફળ’ એ નામશબ્દ છે અને કર્મકારક સંબંધે તે ‘ખાય છે’ ક્રિયા સાથે જોડાયેલો છે. કારક સંબંધે ઇપ્સિતતમ, અનીપ્સિત, અકથિત અને કર્મ-પ્રવચનીય યોગમાં થતું એમ વિવિધ કર્મપ્રકારો વ્યાકરણશાસ્ત્રમાં છે. વૈશેષિક દર્શનના મતે કર્મ ચલનાત્મક-હલનચલનાત્મક છે અને ઉત્ક્ષેપણ, અપક્ષેપણ, આકુંચન, પ્રસારણ અને ગમન એમ પાંચ પ્રકારનું છે. ભ્રમણ, રેચન, સ્પર્શન, તિર્યગગમન વગેરે પ્રકારો અને અન્ય સર્વ ક્રિયાવ્યાપારોનો આ પાંચ વિભાગોમાં અન્તર્ભાવ થાય છે. નોદન, અભિઘાત, ગુરુત્વ, વેગ, પ્રયત્ન, સંયોગ, દ્રવત્વ અને સંસ્કાર વગેરેથી કર્મ ઉત્પન્ન થાય છે. ‘અષ્ટ’ એ પણ મનુષ્યોના કર્મનું એક કારણ છે. આ બધાં ભૌતિક કર્મો છે. કણાદે દાન, યજ્ઞ, પુણ્યકર્મ, પાપકર્મ એ બધાં ધર્મ કે અધર્મરૂપ કર્મો પણ ગણાવ્યાં છે. દાન વગેરે કર્મ ધર્માનુકૂલ અને હિંસા વગેરે અધર્માનુકૂલ કર્મ કહેવાય. ધર્માનુકૂલ કર્મથી અભ્યુદય અને મોક્ષ પ્રાપ્ત થાય. કેટલાંક કર્મ પ્રત્યક્ષ ફળ આપનારાં અને કેટલાંક અષ્ટ ફલ આપનારાં છે. અષ્ટમાંથી ‘અપૂર્વ’નું નિર્માણ થાય છે. વૈદિક પૌરાણિક કર્મકાંડમાં ‘કર્મ’ ધાર્મિક ક્રિયાવિધિવાચક છે. ‘સંધ્યાકર્મ’, ‘યજ્ઞકર્મ’, ‘વિવાહકર્મ’ એ શબ્દોમાં કર્મ વિધિક્રિયાનો વાચક છે. મીમાંસા, ધર્મશાસ્ત્ર આદિ અનુસાર કર્મ નિત્ય, નૈમિત્તિક અને કામ્ય – એ ત્રણ પ્રકારનું છે. નિષિદ્ધ અને પ્રાયશ્ચિત્ત એવા બે પ્રકાર પણ છે (જુઓ કર્મકાંડ). પ્રતિદિન કરવાનાં આવશ્યક કર્મ તે નિત્યકર્મ. સંધ્યા, સ્વાધ્યાય એ નિત્યકર્મ છે. અમુક નિમિત્તને અનુલક્ષી કરવાનાં કર્મ તે નૈમિત્તિક, જેમ કે, જનનાશૌચ, પિતૃશ્રાદ્ધ, ગ્રહણસ્નાન, ચૌલ વગેરે સંસ્કાર એ સર્વ નૈમિત્તિક કર્મો છે. કોઈ ફલવિશેષની ઇચ્છાથી કરાતાં કર્મો કામ્યકર્મો છે; જેમ કે, પુત્રેષ્ટિ, અશ્વમેધ, કારીરી ઇષ્ટિ વગેરે.

લગભગ બધાંય દર્શનો અનુસાર પ્રત્યેક કર્મનું કંઈક ને કંઈક ફળ મળે જ છે. કર્તાએ ફળ ભોગવવું પડે છે. ઈશ્વરાર્પણબુદ્ધિથી કરેલ કર્મનું ફળ બંધનરૂપ નીવડતું નથી. ઇચ્છા, આકાંક્ષા એ કર્મનાં પ્રેરક બળો છે. કર્મ અનુસાર મૃત્યુ પછી જુદી જુદી યોનિમાં જન્મ મળે છે. કર્મનું ફળ ભોગવવું જ પડે. સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ  એમ કર્મના ત્રણ પ્રકાર છે. જે કર્મનાં ફળ હજી પ્રગટ થયાં નથી તે સંચિત કર્મ, જે કર્મને આધારે સાંપ્રત જન્મ અને તેમાં પ્રાપ્ત થતાં સુખદુ:ખ ભોગવાય છે તે પ્રારબ્ધ કર્મ અને વર્તમાન જન્મમાં જે કર્મો થાય છે અને જેનું ફળ ભવિષ્યમાં ક્યારેક મળશે તે ક્રિયમાણ કર્મો છે. પ્રકૃતિના ગુણો અનુસાર ફલાસક્તિ વિના કરાતું સત્વગુણપ્રેરિત કર્મ તે સાત્વિક, રાગ કે અહંકારથી પ્રેરાયેલું રજોગુણપ્રેરિત કર્મ તે રાજસિક અને અવિવેક તેમજ અજ્ઞાનથી કરાતું તમોગુણપ્રેરિત કર્મ તે તામસિક કર્મ છે. આ કર્મોના ચક્રથી સંસારચક્ર ચાલે છે.

કર્મ (બૌદ્ધ મત) : ભવચક્ર છે તેથી પુન: પુન: જન્મ થાય છે. ભવચક્ર તૃષ્ણાઓના સંસ્કારોનું પરિણામ છે. તૃષ્ણાના સંસ્કારને લીધે કર્મ થાય છે. કર્મ જો તૃષ્ણાપ્રેરિત હોય તો તેનું ફળ આ કે અન્ય જન્મમાં મળે છે. તૃષ્ણા ન હોય તો સમૂળા ઊખડી ગયેલા વૃક્ષને જેમ ફળ આવતાં નથી તેમ તૃષ્ણારહિત કર્મનું ફળ મળતું નથી. સંસારની પ્રિય, રુચિકર વસ્તુઓ પ્રત્યેની આસક્તિને લીધે તૃષ્ણા જન્મે છે. અનાસક્તિ વડે તૃષ્ણામાંથી મુક્ત થવાય. તૃષ્ણા શાન્ત થઈ જવાથી અજ્ઞાન, આસક્તિ અને દ્વેષ સમૂળાં શાન્ત થઈ જાય છે. તૃષ્ણાજનિત કર્મનું ફળ અર્હન્તોએ પણ ભોગવવું પડે છે. અજ્ઞાનીઓ કે મૂઢ લોકોને તૃષ્ણાજનિત કર્મને લીધે ભવચક્રની ઘટમાળમાં ફસાવું પડે છે.

કાયિક, વાચિક અને માનસિક એમ ત્રણ પ્રકારનાં કર્મ છે. કાયા, વાણી અને મનની નિર્મળતા હોય તો કામના અને કામનાના સંસ્કાર જન્મે નહિ. પરિણામે ભવચક્રમાંથી મુક્તિ મળે. પરિણામની ર્દષ્ટિએ કર્મ ચાર પ્રકારનું છે : (1) અશુદ્ધિ જન્માવનાર દુષ્કર્મ, (2) શુદ્ધિ જન્માવનાર સત્કર્મ, (3) શુદ્ધાશુદ્ધતા જન્માવનારું મિશ્ર કર્મ, અને (4) કર્મના નાશના હેતુરૂપ એવું ન શુદ્ધ કે ન અશુદ્ધ કર્મ. છેલ્લા પ્રકારનું કર્મ કામનાની સમૂળી શાન્તિ કરનારું છે. એને પરિણામે નિર્વાણ પ્રાપ્ત થાય. નિર્વાણ એટલે સર્વથા શોકનાશ. પશ્ચિમના વિદ્વાનોએ બૌદ્ધ ગ્રંથોમાંથી નિર્વાણ શબ્દના વિવિધ અર્થો કર્યા છે, જેમાંના કેટલાક તર્કસંગત છે અને કેટલાક બૌદ્ધ વિચારસરણીમાં બંધ ન બેસે એવા છે. નિર્વાણ એટલે આનન્દની અવસ્થા અથવા માત્ર દુ:ખનાશ, અથવા કોઈ અનિર્વચનીય સ્થિતિ કે અવ્યય સનાતન સ્થિતિ. આ અર્થો બૌદ્ધ ગ્રંથોમાંના છે. બીજા એક વિદ્વાને એવો અર્થ કર્યો છે કે મનુષ્ય અંતકાલે આકાશ કે વિજ્ઞાનની એટલે નિરાકાર વિભુતાની કે પૂર્વસંસ્કારોની સ્મૃતિઓના પ્રવાહની જે કોઈ કામના રાખી મૃત્યુ પામે અને મૃત્યુ પછી સ્વસત્તાને કાયમ રાખી આકાશરૂપ કે વિજ્ઞાનરૂપ થાય તે નિર્વાણ. પણ આવો અર્થ બૌદ્ધ મતને અનુકૂળ નથી. વસ્તુત: નિર્વાણ એટલે સર્વ શોકોમાંથી મુક્તિ. બૌદ્ધ વિચારસરણીમાં શાશ્વતતા જેવું કંઈ નથી. નિર્વાણ પણ શાશ્વત નથી.

નારાયણ કંસારા

વસંત પરીખ