કર્બી ઍંગલૉંગ (Karbi Anglong) : આસામ રાજ્યનો પહાડી જિલ્લો. તે 25o 50′ ઉ. અ. અને 93o 30′ પૂ. રે.ની આજુબાજુનો 10,434 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ક્ષેત્રફળની ર્દષ્ટિએ તે આસામનો સૌથી મોટો જિલ્લો છે. તેની ઉત્તરે મારિયાગાંવ, નાગાંવ અને ગોલાઘાટ જિલ્લા; પૂર્વ તરફ ગોલાઘાટ જિલ્લો અને નાગાલૅન્ડ રાજ્યની સીમા;  દક્ષિણે ઉત્તર કચાર જિલ્લો તથા પશ્ચિમે મેઘાલય રાજ્યની સીમા આવેલાં છે. દીફુ આ જિલ્લાનું મુખ્ય વહીવટી મથક છે. દીફુ જિલ્લાના દક્ષિણ ભાગમાં આવેલું છે.

ભૂપૃષ્ઠ : જિલ્લાનું મોટાભાગનું સમગ્ર ભૂપૃષ્ઠ પહાડી છે, માત્ર નદીકાંઠાની કેટલીક સાંકડી ભૂમિપટ્ટીઓ સમતળ ભૂપૃષ્ઠ ધરાવે છે. કોપિલી, જમુના અને ધનસીરી નદી-ખીણોનું ભૂપૃષ્ઠ અસમતળ છે, તેમની ઊંચાઈ સ્થાનભેદે 75થી 250 મીટર જેટલી છે. ફાચર આકારનો આ નીચાણવાળો ભાગ ઉત્તર તરફની મિકિર ટેકરીઓ, અગ્નિ તરફની બરેઇલ હારમાળા અને દક્ષિણ તરફની ઉત્તર કચાર ટેકરીઓની વચ્ચે આવેલો છે. નોંગલોઈ (354 મીટર), સમખેર (374 મીટર), ઇંગ્લાગન્ગિરિ (457 મીટર) તેમજ ઝુમડિંગની ઉત્તરે આવેલી નાની ટેકરીઓ, પૂર્વ તરફની ધનસીરી ખીણ, ઉત્તર તરફની જમુના ખીણ અને પશ્ચિમ તરફની કોપિલી ખીણ વચ્ચેનો જળવિભાજક રચે છે.

કર્બી ઍંગલૉંગ જિલ્લો

જળપરિવાહ : આ જિલ્લાની નદીઓ ઉત્તર તરફ વહીને બ્રહ્મપુત્ર નદીને મળે છે; તેમાં ધનસીરી, કોપિલી, દિયુંગ અને જમુનાનો સમાવેશ થાય છે. ધનસીરી નદી આ જિલ્લો, ગોલાઘાટ જિલ્લો અને નાગાલૅન્ડ રાજ્ય વચ્ચેની સીમા રચે છે. મોટાભાગની નદીઓ નાગા ટેકરીઓ અને બરેઇલ હારમાળામાંથી નીકળે છે.

ખેતી : જિલ્લાની આશરે 12% જમીન ખેતી હેઠળ છે. 27% ભૂમિ જંગલ-આચ્છાદિત છે, જ્યારે 61% ભૂમિ પડતર છે (ખેડાણ યોગ્ય નથી). અહીંનો મુખ્ય કૃષિપાક ડાંગર છે, વર્ષમાં તેનું ત્રણ વાર વાવેતર થાય છે. અન્ય કૃષિપાકોમાં મકાઈ, ઘઉં, બીજા ધાન્ય-પાકો, ઝીણી બાજરી, કઠોળ અને તેલીબિયાંનો સમાવેશ થાય છે. વીસમી સદીના છેલ્લા દાયકામાં 30,000 હેક્ટર જેટલી જમીનને સિંચાઈની સુવિધા અપાયેલી.

પશુપાલન : આ જિલ્લાના પશુધનમાં ગાય, બળદ, ભેંસ, ઘેટાં-બકરાં, ઘોડા, ટટ્ટુ, વછેરા, ડુક્કર અને બતકાંનો સમાવેશ થાય છે. જિલ્લાખાતે પશુદવાખાનાં, પશુચિકિત્સાલયો, કૃત્રિમ ગર્ભાધાનકેન્દ્રો, મરઘાં-બતકાં ઉછેર-કેન્દ્રો, ઘેટા-ઉછેર-કેન્દ્રો તથા ગૌ-નિદર્શન-કેન્દ્રોની સગવડ છે. જિલ્લાનાં આશરે 860 ગામોમાં રેશમના કીડા ઉછેરવાની પ્રવૃત્તિ ચાલે છે.

ઉદ્યોગવેપાર : આ જિલ્લાના મુખ્ય ઉદ્યોગોમાં ખાદ્યપેદાશો, ઊન અને ઊનની પેદાશો, રસાયણો અને રાસાયણિક પેદાશો, અધાત્વિક ખનિજ-પેદાશો અને હાથસાળનો સમાવેશ થાય છે. જિલ્લામાં સિમેન્ટ ફૅક્ટરી, ચોખાની મિલો તથા પ્લાયવૂડની ફૅક્ટરીઓ આવેલી છે.

1980ના દાયકાનું નિષ્ક્રિય ગામ દીફુ ક્રમે ક્રમે આ જિલ્લાનું વ્યસ્ત નગર અને ઔદ્યોગિક મથક બન્યું છે. બોકાજાન – એ આ જિલ્લાનું ખરીદ-વેચાણનું મુખ્ય મથક બની રહેલું છે. તે સિમેન્ટ ફૅક્ટરી અને શેરડીની ખેતી માટે જાણીતું છે. અહીં ચોખાની મિલો તથા પ્લાયવૂડની ફૅક્ટરીઓ આવેલી છે.

પરિવહન : જિલ્લામથક દીફુ અહીંનાં મહત્વનાં મેદાની સ્થળો સાથે સડકમાર્ગોથી સંકળાયેલું છે. જિલ્લામાં આવેલા સડકમાર્ગોની લંબાઈ આશરે 2800 કિમી. જેટલી છે, તે પૈકી 170 કિમી.ના રાષ્ટ્રીય ધોરી માર્ગો, 184 કિમી.ના રાજ્ય ધોરી માર્ગો અને બાકીના જાહેર માર્ગ બાંધકામ હેઠળના રસ્તાઓ છે. આસામ રાજ્ય પરિવહન નિગમ તરફથી ચાલતી બસ સેવા દ્વારા જિલ્લાનાં બધાં જ નગરો એકબીજા સાથે જોડાયેલાં છે.

પ્રવાસન : નાની ટેકરીને મથાળે વસેલા નાના નમૂનેદાર ગામ નિજ-રોંગ ખાન્ગમાં હજી કર્બી સંસ્કારો અને પરંપરાઓ જળવાઈ રહેલી જોવા મળે છે. અહીંથી આશરે 16 કિમી. અંતરે આવેલું સોચેન્ગ ગામ કર્બી રાજા રોંગબોંગ ફૉને વસાવ્યું હોવાનું કહેવાય છે. આજે આ ગામ ઉજ્જડ બની ગયું છે, તે ગીચ જંગલોથી આચ્છાદિત છે અને ત્યાં રીંછનો ઉપદ્રવ રહે છે. આ ગામમાં કર્બી વીરોનાં પાષાણ-બાવલાં તેમજ સર્પોની પાષાણ-મૂર્તિઓ જોવા મળે છે. દીફુથી આશરે 40 કિમી. અંતરે આવેલા તરબાસા ખાતે ખંડિત સ્તંભો તેમજ કંડારેલા પાષાણ ટુકડાઓ ધરાવતા જૂના મંદિરનાં ખંડિયેરો જોવા મળે છે. પુરાતત્વની ર્દષ્ટિએ એવા જ અવશેષો ફુલાની, દિઘલપાની, મૌદંગા અને દેવપાની ખાતે પણ મળે છે.

આ જિલ્લાના લોકો મૃત્યુ પાછળ મૃતકના સંબંધીઓને થયેલી ખોટ ન સાલે તે માટે નૃત્ય અને સંગીત સાથે સ્મશાન વિધિ કરે છે. ખેડૂતો વાવણીની શરૂઆત વખતે વૈભવ વધે અને આફતો ન આવે તે માટે રજની ગોબ્રા અને હરણી ગોબ્રા નામનો ઉત્સવ યોજે છે. બિહુ નામનો જાણીતો કૃષિ-ઉત્સવ પણ અહીં યોજાય છે.

વસ્તી : 2011 મુજબ આ જિલ્લાની વસ્તી 9,65,280 જેટલી છે. સ્ત્રી-પુરુષોની વસ્તી લગભગ સરખી છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 90% અને 10% જેટલું છે. જિલ્લામાં હિન્દુ, ખ્રિસ્તી અને મુસ્લિમ વસ્તી વિશેષ છે, જ્યારે બૌદ્ધ, શીખ અને જૈન વસ્તી ઓછી છે. આસામી અહીંની મુખ્ય ભાષા છે. જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ શહેરોમાં 74% અને ગ્રામીણ વિસ્તારોમાં 42% જેટલું છે. જિલ્લાનાં આશરે 33% ગામડાંઓમાં શિક્ષણ સુવિધા છે. દીફુ ખાતે કાયદાની કૉલેજ છે. વહીવટી સરળતાની ર્દષ્ટિએ જિલ્લાને ત્રણ ઉપવિભાગો (દીફુ, બોકાજાન અને હામરેન) તથા છ મંડળોમાં વિભાજિત કરેલો છે. જિલ્લામાં દસ સમાજવિકાસ-ઘટકો, છ શહેરો તથા 2563 જેટલાં ગામ આવેલાં છે, વહીવટી સુગમતાને લક્ષમાં રાખીને આ જિલ્લાને પૂર્વ કર્બી ઍંગલૉંગ અને પશ્ચિમ કર્બી ઍંગલૉંગ એમ 2 વિભાગમાં વહેંચવાનું વિચારાયું છે.

ઇતિહાસ : તાજેતરનાં વર્ષોમાં જૂના સંયુક્ત મિકિર અને ઉત્તર કચાર પહાડી જિલ્લાને કર્બી અગલાગ અને ઉત્તર કચાર જિલ્લાઓમાં વિભાજિત કર્યો છે. માતૃ જિલ્લો 1951માં રચવામાં આવેલો, તેમાંથી આ વિભાજન કરેલું છે.

ગિરીશભાઈ પંડ્યા