કર્મ (ચિત્રપટ) : એકસાથે હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં ઉતારેલું પ્રથમ બોલપટ. હિમાંશુ રાય ઇંડો-ઇંટરનેશનલ ટૉકીઝ, બૉમ્બેના ઉપક્રમે બનેલું વેશભૂષાપ્રધાન બોલપટ. તે ઇંગ્લૅન્ડના સહયોગમાં બનેલું પ્રથમ ચલચિત્ર હતું. અંગ્રેજી અને હિન્દી એમ બંને ભાષાઓમાં બનેલા આ બોલપટનું અંગ્રેજી નામ ‘ફેઈટ’ અને હિંદીમાં એનું બીજું નામ ‘નાગિન કી રાગિની’ હતું. બે વરસની જહેમતથી તૈયાર થયેલા આ ચિત્રનું બહારી ચિત્રીકરણ ભારતમાં અને ભીતરી ચિત્રીકરણ ઇંગ્લૅન્ડમાં થયેલું. દિગ્દર્શક જે. જે. ફ્રિયર હન્ટ અને સંગીતકાર અર્નેસ્ટ બ્રૉડહર્સ્ટના આ ચિત્રની કથા દીવાન શરરની હતી. તેમણે એમાં એક ભૂમિકા પણ ભજવી હતી. અન્ય પાત્રોમાં હિમાંશુ રાય, દેવિકારાણી અને બર્દવાની રાજકુમારી સુધાકુમારી હતાં. ચિત્રનાં કુલ ચાર ગીતોમાંથી એક અંગ્રેજીમાં હતું, ને બધાં જ ગીતો દેવિકારાણીએ ગાયાં હતાં.

ચિત્રની રજૂઆત 1933માં લંડનમાં લૉર્ડ અર્વિનના મુખ્ય અતિથિપદે અને 1934માં મુંબઈમાં સરોજિની નાયડુના મુખ્ય અતિથિપદે થઈ હતી. સરોજિનીદેવીએ આ ચિત્ર પાછળ ઉઠાવાયેલા પરિશ્રમની પ્રશંસા કરી હતી. સીતાપુરની મહારાણી અને જયનગરના રાજકુમારનાં પાત્રોની પ્રેમકથામાં દેશને આબાદ કરવાનો સંદેશો ગૂંથી લેવાયો હતો. આમ છતાં ઇંગ્લૅન્ડમાં અતિ વખણાયેલા આ ચલચિત્રની, તેમાં દર્શાવાયેલી ભારતની ગરીબીને કારણે, સખત ટીકા થઈ હતી.

રજનીકુમાર પંડ્યા