કર્મ અને પુનર્જન્મ
વ્યાકરણમાં ‘કર્મ’ શબ્દનો શું અર્થ છે તે સુવિદિત છે. સાત વિભક્તિઓમાંની એક કર્મવિભક્તિ છે. ક્રિયાપદો સકર્મક કે અકર્મક હોય છે. પરિભાષામાં ઊંડા ઊતરવું જરૂરી નથી. દાર્શનિક ક્ષેત્રમાં ‘કર્મ’નો અર્થ ક્રિયા થાય છે. ક્રિયાના મુખ્ય બે વિભાગ છે – પરિણમનક્રિયા અને ગતિક્રિયા. સાંખ્ય-યોગમાં અને જૈનદર્શનમાં પરિણમનક્રિયા(પરિણામ)નું વિસ્તૃત અને વિશદ વિવેચન મળે છે. વૈશેષિક દર્શન તેના સાત પદાર્થોમાં કર્મ નામનો એક પદાર્થ માને છે. તેનો અર્થ ક્રિયા છે. તે બધી ક્રિયાઓને પાંચ વિભાગમાં વહેંચે છે – ઉત્ક્ષેપણ, અવક્ષેપણ, આકુંચન, પ્રસારણ અને ગમન. જડ પણ ક્રિયા કરે છે અને ચેતન જીવો પણ ક્રિયા કરે છે. જડની ક્રિયા ઇચ્છાપૂર્વિકા નથી હોતી જ્યારે જીવોની ક્રિયા ઇચ્છાપૂર્વિકા હોય છે. જીવમાં પણ ઇચ્છાપૂર્વકની ન હોય તેવી ક્રિયાઓ (involuntary) પણ હોય છે. દાર્શનિક ક્ષેત્રમાં જીવની ઇચ્છાપૂર્વિકા ક્રિયાઓનું (પ્રવૃત્તિઓનું) મહત્વ છે અને તેમને અનુલક્ષી મહત્વના કર્મસિદ્ધાન્તનો ઉદભવ થયો છે. આ કર્મસિદ્ધાન્ત અનુસાર કર્મનો એક અર્થ જીવની ક્રિયા યા પ્રવૃત્તિ છે, અને તેનો બીજો અર્થ છે તે ક્રિયા યા પ્રવૃત્તિએ પાડેલા સંસ્કારો. આ સંસ્કારરૂપ કર્મોનું વહન જન્મજન્માન્તરમાં સૂક્ષ્મશરીર દ્વારા થાય છે. આ સૂક્ષ્મશરીરની ધારા અનાદિ કાળથી વચ્ચે તૂટ્યા વિના સતત એકધારી મોક્ષપ્રાપ્તિ સુધી ચાલ્યાં જ કરે છે.
જેમ ભૌતિક જગતમાં કાર્યકારણનો નિયમ કાર્ય કરે છે તેમ નૈતિક જગતમાં પણ કાર્યકારણનો નિયમ કાર્ય કરે છે. તેને કર્મનો નિયમ – કર્મસિદ્ધાન્ત કહેવામાં આવે છે. દરેક ક્રિયાને તેનું ફળ હોય છે. ‘જેવું કરશો તેવું પામશો’ – આ ભાવના ભારતીય સંસ્કૃતિમાં વ્યાપ્ત છે. કર્મસિદ્ધાન્તની પાયાની વાત આ જ છે. પરંતુ આ નિયમ કેવી રીતે કામ કરે છે તે સમજવું કઠણ છે. કર્મની ગતિ વિચિત્ર છે, ન કળી શકાય એવી છે.
ઘણી વાર એવું જોવામાં આવે છે કે સજ્જન માણસ સુકાર્યો કરવા છતાં આ જન્મમાં તેના ફળરૂપ સુખ પામતો નથી અને દુર્જન માણસ કુકર્મ કરવા છતાં આ જન્મમાં ભરપૂર સુખ ભોગવે છે. આવી પરિસ્થિતિને લઈ મનુષ્યની શ્રદ્ધા કર્મસિદ્ધાન્તમાંથી ન ડગે ? આનો ઉત્તર એ છે કે સુકાર્યોનાં કે કુકર્મોનાં ફળ મળે જ છે – આ જન્મમાં નહિ તો પછીનાં જન્મોમાં. કેટલાંક કર્મો આ જન્મમાં ફળે છે, કેટલાંક પછીનાં જન્મોમાં.
આ માટે તો પુનર્જન્મ સાબિત કરવો જરૂરી છે. ચિંતક પુનર્જન્મ આ પ્રમાણે સાબિત કરે છે : તાજા જન્મેલા બાળકને ભયંકર પદાર્થના દર્શનથી ભય અને ત્રાસ થાય છે. આ ભય અને ત્રાસ દુ:ખની સ્મૃતિ થવાના પરિણામે થાય છે. તે સ્મૃતિ સંસ્કાર વિના તો સંભવે નહિ અને સંસ્કાર પૂર્વાનુભવ વિના બને નહિ અને તાજા જન્મેલામાં વર્તમાન જન્મમાં તો પૂર્વે દુ:ખાનુભવ થયો હોવાનો સંભવ નથી. તેથી તે પૂર્વજન્મમાં થયો હોવો જોઈએ. આમ તાજા જન્મેલા બાળકને ભયંકર પદાર્થ જોઈ થતો ભય અને ત્રાસ પૂર્વજન્મને સાબિત કરે છે. વળી, કેટલાકને પૂર્વજન્મનું સ્મરણ પણ આ જન્મમાં થાય છે. આ સ્મરણને જાતિસ્મરણ કહેવામાં આવે છે. જાતિસ્મરણ પણ પૂર્વજન્મ સિદ્ધ કરે છે. પૂર્વજન્મ સિદ્ધ થતાં પુનર્જન્મ આપોઆપ સિદ્ધ થઈ જાય છે.
કરેલું કોઈ પણ કર્મ ફળ આપ્યા વિના રહેતું નથી. કર્મનો આ અટલ નિયમ જન્મજન્માન્તર સુધી વિસ્તરે છે. એ જ નિયમ આપણાં ભૂત, ભાવિ અને વર્તમાનને સમજાવે છે.
આમ કર્મ અને પુનર્જન્મને એકબીજાથી છૂટા પાડી શકાય એમ નથી.
ઋગ્વેદમાં કર્મ અને પુનર્જન્મ : ઋગ્વેદમાં એક જ ઋચા (10.15.3) એવી મળી છે જેમાં કર્મનું (કર્મસિદ્ધાન્તના સારતત્ત્વનું) અને પુનર્જન્મનું સ્પષ્ટ સૂચન મળે છે. તે કર્મ અને પુનર્જન્મની માન્યતાનો માનવજાતનો સૌથી પ્રાચીન લિખિત દસ્તાવેજી પુરાવો છે એટલે તે ઋચાને અક્ષરશ: ટાંકવી જરૂરી છે. તે નીચે પ્રમાણે છે :
सूर्यं चक्षुर्गच्छतु वातमात्मा धां च गच्छ पृथिवी च धर्मणा ।
आपो वा गच्छ यदि तत्र ते हितमोषधीयु प्रति तिष्ठा शरीरै: ।।
અહીં આત્માને તેના ધર્મ સાથે (શુભ કર્મ સાથે) પૃથ્વીમાં, સ્વર્ગમાં, પાણીમાં કે વનસ્પતિમાં જવાનું (અવતરવાનું) અને શરીરો ધારણ કરવાનું કહેવામાં આવ્યું છે. કર્મનું આવું સ્પષ્ટ સૂચન ઋગ્વેદમાં બીજે ક્યાંય નથી.
ઉપનિષદોમાં કર્મ અને પુનર્જન્મ : કઠોપનિષદમાં (1.1.5-6) નચિકેતા જણાવે છે કે, જેમ અનાજના દાણા પાકે છે, નાશ પામે છે અને પુન: ઉત્પન્ન થાય છે તેમ જીવ પણ જીવે છે, મરે છે અને પુન: જન્મે છે. બૃહદારણ્યક 4.4.1-2માં સ્પષ્ટપણે કહ્યું છે કે મૃત્યુકાળે આત્મા ચક્ષુ, મૂર્ધા કે અન્ય શરીરદેશમાંથી નીકળી ઉત્ક્રમણ કરે છે; તે આત્માને તેનાં વિદ્યા, કર્મ અને પૂર્વપ્રજ્ઞા અનુસરે છે. તે જ ઉપનિષદમાં 4.4.3માં કહ્યું છે કે જેમ તૃણજલાયુકા મૂળ તૃણના છેડે જઈ અન્ય તૃણને પકડી લીધા પછી મૂળ તૃણને છોડી દે છે તેમ આત્મા વર્તમાન શરીરમાં અંતે પહોંચ્યા પછી અન્ય આધારને (શરીરને) પકડી તેમાં જાય છે. કઠોપનિષદ 2.2.6-7 કહે છે કે આત્માઓ પોતાનાં કર્મ અને શ્રુત અનુસાર ભિન્ન ભિન્ન યોનિઓમાં જન્મે છે. બૃહદારણ્યક 4.4.5 કર્મનો સરલતમ છતાં સારભૂત ઉપદેશ આપે છે કે આત્મા જેવું કર્મ કરે છે તેવો તે બને છે. સત્કર્મ કરે છે તો સારો બને છે, પાપકર્મ કરે છે તો પાપી બને છે, પુણ્યકર્મ કરે છે તો પુણ્યશાળી બને છે. મનુષ્ય જેવી ઇચ્છા કરે છે તે અનુસાર તેનો સંકલ્પ થાય છે, જેવો સંકલ્પ કરે છે તે અનુસાર તેનું કર્મ થાય છે અને જેવું કર્મ કરે છે તે અનુસાર તે બને છે. છાન્દોગ્ય 5.10.7 કહે છે કે જેનું આચરણ રમણીય છે તે શુભ યોનિમાં જન્મે છે અને જેનું આચરણ દુષ્ટ છે તે કૂતરો, સૂકર, ચાંડાલ જેવી અશુભ યોનિમાં જન્મે છે. કૌષીતકી ઉપનિષદ 1.2 જણાવે છે કે પોતાનાં કર્મ અને વિદ્યા પ્રમાણે આત્મા કીટ, પતંગ, મત્સ્ય, પક્ષી, વાઘ, સિંહ, સર્પ, અન્ય કોઈ પ્રાણી કે માનવ તરીકે જન્મે છે.
ગીતામાં કર્મ અને પુનર્જન્મ : પૂર્વજન્મ અને પુનર્જન્મ છે જ એ હકીકત ગીતા ભારપૂર્વક જણાવે છે. જન્મેલાનું મૃત્યુ થાય છે જ અને મરેલાનો જન્મ પણ થાય છે જ (2.27). આત્મા નિત્ય છે પણ તેનાં શરીરો નાશવંત છે (2.18). જેમ મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યજી નવાં વસ્ત્રો ધારણ કરે છે તેમ આત્મા જૂનાં શરીરો ત્યજી નવાં શરીરો ધારણ કરે છે (2.22). કૃષ્ણ કહે છે, ‘હે અર્જુન ! મારા અને તારા ઘણા જન્મ વીતી ગયા છે.’ (4.5)
કોઈ પણ મનુષ્ય કર્મ કર્યા વિના ક્ષણમાત્ર પણ રહી શકતો નથી (3.5). કર્મ ન કરવાથી તો શરીરનિર્વાહ પણ નહિ થાય (3.8). કર્મ સ્વયં બંધનકારક નથી પણ કર્મફલની આસક્તિ જ બંધનકારક છે. કર્મફળની ઇચ્છા ન રાખનારા જ્ઞાનીઓ જન્મરૂપ બંધનથી મુક્ત થાય છે (2.51). તેથી ગીતા ફળની આસક્તિ છોડી, સિદ્ધિ-અસિદ્ધિમાં સમભાવ ધરી કર્મ કરવાનો આદેશ આપે છે (2.48). કર્મનો આરંભ ન કરવાથી મનુષ્ય નિષ્કર્મતા પામતો નથી અને કર્મનો ત્યાગમાત્ર કરવાથી તે સિદ્ધિ પામતો નથી (3.4). કર્મનો અનારંભ કે ત્યાગ નથી કરવાનો પણ આસક્તિનો ત્યાગ કરવાનો છે. તે આસક્તિનો ત્યાગ જે કરે છે તે નિષ્કર્મતા અને સિદ્ધિ પામે છે. કર્મફળની આસક્તિ ત્યજી મનુષ્ય કર્મમાં પ્રવૃત્ત રહે તોપણ તે કંઈ કર્મ કરતો નથી (4.20). જે દ્વેષ કરતો નથી કે કંઈ ઇચ્છતો નથી તેને સદા કર્મસંન્યાસી (કર્મત્યાગી) જાણવો (5.3). કૃષ્ણ પોતાને વિશે કહે છે, ‘મને કર્મો લેપતાં નથી કારણ કે મને કર્મફળમાં સ્પૃહા નથી’ (4.14). વિવેકજ્ઞાનરૂપ અગ્નિ કર્મફળની સ્પૃહાને આસક્તિને બાળી નાખે છે એટલે તેને કર્મને બાળીને ભસ્મ કરનાર ગણ્યો છે (4.37). કર્મ કરવામાં જ મનુષ્યનો અધિકાર છે. અર્થાત્ કર્મ કરવામાં મનુષ્ય સ્વતન્ત્ર છે. કેવું કર્મ કરવું અને તે કેવી રીતે કરવું તેમાં તે સ્વતન્ત્ર છે (2.47); પરંતુ ફળની બાબતમાં તેનો અધિકાર નથી અર્થાત્ તે પરતન્ત્ર છે. કર્મ કર્યું એટલે તેનું મુકરર ફળ મળવાનું જ, તે ભોગવ્યે જ છૂટકો, એમાં તેનું કંઈ ન ચાલે (2.47). કર્મ કરતી વખતે કર્મના ફળને જ નજરમાં રાખી કર્મ ન કરવું જોઈએ, પણ ફળની કામના – તેની સફળતા-નિષ્ફળતાનો વિચાર – કર્યા વિના કર્મને જ કુશળતાથી કરવું જોઈએ (2.47). તદ્દન કર્મ ન કરવામાં – આળસમાં સંગ ન રાખવો જોઈએ. કર્મ પણ નથી કરવું અને ફળ પણ નથી જોઈતું એમ વિચારી આળસમાં અકર્મણ્ય થઈ રહેવા જેવું ભૂંડું બીજું કંઈ નથી (2.47). તારે ફળ ન જોઈતું હોય તોપણ કર્મ કર. પરાર્થે કર્મ કર, લોકસંગ્રહ માટે કર્મ કર (3.13, 3.20). ત્યાં પણ ફળની આસક્તિ ન રાખવી જોઈએ.
ગીતાએ કર્મોના ત્રણ વિભાગ પાડ્યા છે – કર્મ, અકર્મ અને વિકર્મ (4.17). કર્મ એટલે ફળની ઇચ્છાથી કરવામાં આવતું સત્કર્મ. અકર્મ એટલે ફળની ઇચ્છા વિના કરવામાં આવતું સત્કર્મ. ફળની ઇચ્છાથી રાગદ્વેષપૂર્વક કરવામાં આવતું દુષ્ટ કર્મ વિકર્મ છે. કર્મ એ પુણ્યકર્મ છે, વિકર્મ એ પાપકર્મ છે અને અકર્મ એ પુણ્યકર્મ પણ નથી કે પાપકર્મ પણ નથી. અકર્મમાં ક્રિયા (કર્મ) કરવામાં આવતી હોવા છતાં કર્તાપણાનું અભિમાન, રાગદ્વેષ, ફલાસક્તિ ન હોવાથી તે અકર્મ બની જાય છે. તેથી અકર્મ બંધનકારક નથી. કર્મ અને વિકર્મ બંને અનુક્રમે સોનાની બેડી અને લોખંડની બેડી સમ છે, બંને બંધનકારક છે.
કર્મનો નિયમ બીજા કોઈના હસ્તક્ષેપ વિના સ્વાભાવિકપણે જ કાર્ય કરે છે. ઈશ્વર પણ તેમાં કોઈ હસ્તક્ષેપ કરતો નથી. ઈશ્વર કોઈની પાસે બળજબરીથી કર્મ કરાવતો નથી, તે કર્મોને ઉત્પન્ન કરતો નથી, તે કર્મને ફળ સાથે જોડતો નથી કે તે કર્મ કરનાર સાથે કર્મફળને જોડતો નથી. વળી ઈશ્વર કોઈનું પાપ કે પુણ્ય લેતો નથી. અજ્ઞાનપ્રસૂત મોહના કારણે લોકો તેને તેવો માને છે. (5.14-15).
બૌદ્ધ ધર્મદર્શનમાં કર્મ અને પુનર્જન્મ : કર્મસિદ્ધાન્ત ભગવાન બુદ્ધના નૈતિક આદર્શવાદની આધારશિલા છે. પ્રતીત્યસમુત્પાદનું ચક્ર કર્મના નિયમના આધારે જ ચાલે છે. દ્વાદશાંગ ભવચક્રની ધરી કર્મસિદ્ધાન્ત છે. કર્મ અને ફળના પારસ્પરિક સંબંધને લીધે ભવચક્ર ફર્યાં કરે છે.
પુનર્જન્મને સ્વીકાર્યા વિના ચાલે નહિ. જે કર્મોનું ફળ આ જન્મમાં નથી મળતું તેમનું ફળ પછીના જન્મોમાં મળે છે. બોધિ પ્રાપ્ત કર્યા પછી બુદ્ધને પોતાના પૂર્વજન્મોનું સ્મરણ થયું હતું. વળી, પોતપોતાનાં કર્મથી પ્રેરિત પ્રાણીઓને વિવિધ યોનિઓમાં જતાં-આવતાં તેમણે પ્રત્યક્ષ જોયાં હતાં. અમુક પ્રાણી તેના કર્મ અનુસાર કઈ યોનિમાં જન્મશે એનું જ્ઞાન તેમને હતું. આમ કર્માનુસાર કોને કયો પુનર્જન્મ પ્રાપ્ત થશે એનું જ્ઞાન એમને સાક્ષાત્ દર્શનરૂપ હતું. (જુઓ ‘મજઝિમનિકાય’નાં ‘તેવિજ્જવચ્છગોત્તસુત્ત’ અને ‘બોધિરાજ-કુમારસુત્ત’ તથા ‘અંગુત્તરનિકાય’નું ‘વેરંજકબ્રાહ્મણસુત્ત’.) મહાત્મા બુદ્ધને એક વખત ચાલતાં ચાલતાં કાંટો વાગ્યો, ત્યારે તેમણે ભિક્ષુઓને કહ્યું, ‘હે ભિક્ષુઓ ! આ ભવથી એકાણુમા ભવમાં મેં એક પુરુષને શક્તિથી હણ્યો હતો. એ કર્મના વિપાકે મારો પગ વીંધાયો.’ ભગવાન બુદ્ધના શિષ્ય-શિષ્યાઓને પણ પોતાના પૂર્વજન્મોનું જ્ઞાન હતું. ભિક્ષુણી ઋષિદાસીએ થેરીગાથામાં (ગાથા 400-447) પોતાનાં પૂર્વજન્મોનું માર્મિક વર્ણન કર્યું છે.
જગતમાં મનુષ્યો બુદ્ધિમાન-મન્દદ્ધિ, ગરીબ-તવંગર, અલ્પાયુ-દીર્ઘાયુ જણાય છે. કર્મને સ્વીકાર્યા વિના આ વિષમતાનો ખુલાસો થઈ શકતો નથી. વિશ્વની વ્યવસ્થામાં કર્મ જ પ્રધાન છે. સત્કર્મોને કુશલ કર્મો કહે છે, કારણ કે તેમનું ફળ કુશળ (સારું) છે. કુશલ કર્મો કાં તો થોડા વખત માટે દુ:ખથી બચાવે છે કાં તો હંમેશ માટે. પ્રથમ પ્રકારનાં કુશલ કર્મોને સાસ્રવ કુશલ કર્મો કહેવામાં આવે છે અને બીજા પ્રકારનાં કુશલ કર્મોને નિરાસ્રવ કુશલ કર્મો કહેવામાં આવે છે. પાપકર્મો અકુશલ છે, કારણ કે તેમનું ફળ અનિષ્ટ યા દુ:ખ છે. સાસ્રવ કુશલ કર્મોનું ફળ સુખ, અભ્યુદય અને સુગતિ છે. નિરાસ્રવ કુશલ કર્મનું ફળ જ નથી, તે વિપાકરહિત છે, દુ:ખની આત્યન્તિક નિવૃત્તિને ઉત્પન્ન કરે છે, આ દુ:ખનિવૃત્તિને જ નિર્વાણ કહે છે. ગીતાની પરિભાષામાં કહેવું હોય તો કહી શકીએ કે સાસ્રવ કુશલ કર્મો કર્મ છે, નિરાસ્રવ કુશલ કર્મો અકર્મ છે અને અકુશલ કર્મો વિકર્મ છે.
અભિધર્મકોશ 4.59માં કર્મના ચાર પ્રકારો ગણાવ્યા છે – કૃષ્ણ, શુક્લ, શુક્લકૃષ્ણ અને અશુક્લઅકૃષ્ણ. કૃષ્ણ કર્મો અકુશલ કર્મો છે, શુક્લ કર્મો સાસ્રવ કુશલ કર્મો છે અને અકુશલઅકૃષ્ણ કર્મો નિરાસ્રવ કુશલ કર્મો છે.
બીજી રીતે કર્મના ત્રણ પ્રકાર છે : માનસ, વાચિક અને કાયિક. આ ત્રણમાં માનસ કર્મ પ્રધાન છે કારણ કે બાકીનાં બધાં કર્મોનું કારણ માનસ કર્મ છે. તેથી ભગવાને કર્મને વસ્તુત: ચેતનામય કહ્યાં છે. કાયિક કે વાચિક કર્મ કુશલ છે કે અકુશલ એ નક્કી કરવાની કસોટી માનસ કર્મ (આશય) છે. દાક્તર તીક્ષ્ણ ધારવાળા સાધનથી દરદીનું પેટ ચીરી નાખે છે અને એક માણસ પોતાના દુશ્મનના પેટમાં છરો હુલાવી દે છે. બંને કાયિક કર્મ બાહ્ય ર્દષ્ટિએ એકસરખાં છે; પરંતુ કાયિક કર્મોનાં કારણરૂપ આશયો (માનસ કર્મો) જુદાં છે. એકનું માનસ કર્મ દરદીને રોગમુક્ત કરવાની ભાવનારૂપ છે અને બીજાનું માનસ કર્મ વૈરભાવનારૂપ છે. તેથી દાક્તરનું કાયિક કર્મ કુશલ છે જ્યારે પેલા માણસનું કાયિક કર્મ અકુશલ છે. (જુઓ ‘બૌદ્ધ ધર્મદર્શન’, આચાર્ય નરેન્દ્રદેવ, પૃ. 224-225, 256-257; ધમ્મપદ 1.1.)
આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ તે કર્મ કહેવાય છે અને તેના પરિણામે જે સંસ્કાર (વાસના) ચિત્તમાં પડે છે તે પણ કર્મ કહેવાય છે. આ વાસનારૂપ કર્મ પુનર્જન્મનું કારણ છે.
કર્મના બીજી એક ર્દષ્ટિએ બે વર્ગ પાડવામાં આવ્યા છે – કૃત અને ઉપચિત. જે કર્મ કરાઈ ગયું હોય તે કર્મ કૃત કહેવાય છે. જે કૃત કર્મ ફળ આપવા લાગે તે ઉપચિત કર્મ કહેવાય છે. બધાં જ કૃત કર્મો ફળ આપતાં નથી. જે કર્મો ઇરાદાપૂર્વક સ્વેચ્છાએ કર્યાં હોય છે તે જ ફળ આપે છે. ઇરાદાપૂર્વક પાપકર્મ કર્યા પછી જો અનુતાપ થાય તો કૃત કર્મ પોતાનું ફળ આપતાં નથી. પાપની કબૂલાત કરવાથી પાપની માત્રા ઘટે છે યા પાપનો ક્ષય થાય છે. પાપવિરતિનું વ્રત લેવાથી, શુભનો અભ્યાસ કરવાથી, બુદ્ધ વગેરે સંતોને શરણે જવાથી કૃત પાપકર્મ ઉપચિત થતાં નથી અર્થાત્ પોતાનાં ફળ આપતાં નથી. કેટલાંક કૃત કર્મો પોતાનાં ફળ અવશ્ય આપે છે. આ કૃત કર્મો નિયતવિપાકી કહેવાય છે. કેટલાંક કૃત કર્મો પોતાનાં ફળ આપશે જ એવું નક્કી નથી અર્થાત્ અનિયતવિપાકી છે. આ અનિયતવિપાકી કૃત કર્મોને મનુષ્ય સ્વપ્રયત્નથી ફળ આપતાં રોકી શકે છે. (જુઓ ‘અભિધર્મકોશ’ 4.120 તથા ‘બૌદ્ધધર્મદર્શન’, પૃ. 250.)
વળી કર્મના બે વિભાગ પાડવામાં આવે છે : નિયત કર્મ અને અનિયત કર્મ. નિયત કર્મના ત્રણ ભેદ છે : (1) ર્દષ્ટધર્મવેદનીય અર્થાત્ વર્તમાન જન્મમાં જ ફળ આપે છે તે કર્મ. આ કર્મ દુર્બળ છે. આ કર્મ પુનર્જન્મમાં કારણભૂત નથી. (2) ઉપપદ્યવેદનીય અર્થાત્ તરત પછીના જન્મમાં જે ફળ આપે છે તે કર્મ. આને આનન્તર્ય કર્મ પણ કહેવામાં આવે છે. (3) અપરપર્યાયવેદનીય અર્થાત્ જે બીજા જન્મ પછી ગમે ત્યારે ફળ આપે છે તે કર્મ. અનિયત કર્મના પણ બે ભેદ છે : (1) નિયતવિપાક અર્થાત્ જે કર્મનો વિપાકકાળ અનિયત છે પરંતુ વિપાક નિયત છે તે કર્મ. જે કર્મ પોતાનું ચોક્કસ ફળ આપવાનું જ છે પરંતુ તે પોતાનું ફળ ક્યારે આપશે તે નિયત નથી તે કર્મ. (2) અનિયતવિપાક અર્થાત્ જે કર્મ પોતાનું ફળ આપશે જ એવું નિયત નથી તે કર્મ. આ કર્મના ફળનું ઉલ્લંઘન થઈ શકે છે. (જુઓ ‘બૌદ્ધધર્મદર્શન’, પૃ. 267 તથા ‘અભિધર્મકોશભાષ્ય’ 4.50.)
બીજની જેમ કર્મ પોતાના સામર્થ્યથી જ પોતાનું ફળ ઉત્પન્ન કરે છે; પરંતુ બૌદ્ધ ધર્મ અમુક કર્મોનાં ફળનું ઉલ્લંઘન શક્ય છે એમ સ્વીકારે છે. બૌદ્ધ ધર્મ અનુસાર કર્મની પુણ્યતા-અપુણ્યતાનો આધાર આશય ઉપર છે. કર્મના ફળની કટુતા-મધુરતાની માત્રાનો આધાર અનેક બાબતો ઉપર છે. કર્મ પોતાનું ફળ કેવી રીતે આપે છે અને તે ફળનાં નિર્ણાયક બળો કયાં છે તે જાણવું મુશ્કેલ છે. કર્મવિપાક દુર્વિજ્ઞેય છે. જ્યારે કાળ પાકે છે અને કારણસામગ્રી ઉપસ્થિત હોય છે ત્યારે કર્મનો વિપાક થાય છે. કર્મ બીજતુલ્ય છે. તે પોતાની જાતિ પ્રમાણે, વહેલાં કે મોડાં, અલ્પ યા મહાન, કટુ કે મધુર ફળ આપે છે. ઈશ્વરવાદી કહે છે કે બીજને ફળદ્રૂપ જમીનમાં વાવ્યું હોય પરંતુ વર્ષા વિના તેમાંથી અંકુર ફૂટતું નથી; જેમ વર્ષાના સામર્થ્યથી બીજમાંથી અંકુર ફૂટે છે તેમ ઈશ્વરના સામર્થ્યથી કર્મમાંથી તેનું ફળ જન્મે છે, કર્મને વિપાકપ્રદાનનું સામર્થ્ય ઈશ્વર આપે છે. બૌદ્ધો આનો પ્રતિષેધ કરે છે. તેઓ કહે છે કે તૃષ્ણાથી પ્રેરાઈને કરેલાં કર્મમાં જ વિપાકપ્રદાનનું સામર્થ્ય હોય છે, તૃષ્ણા જ કર્મને વિપાકપ્રદાનનું સામર્થ્ય આપે છે. જે તૃષ્ણારહિત બની કર્મ કરે છે તે કર્મથી લિપ્ત થતો નથી, તેને કર્મોનાં ફળ ભોગવવા પડતાં નથી. (જુઓ ‘બૌદ્ધધર્મદર્શન’, પૃ. 272-273.)
બૌદ્ધ ધર્મ અપરિવર્તિષ્ણુ નિત્ય આત્માને ન માનતો હોવા છતાં કર્મ અને પુનર્જન્મને માને છે. તેના અનુસાર જે ચિત્તસન્તતિ કર્મ કરે છે તે જ તેનું ફળ ભોગવે છે અને ચિત્તસન્તતિ જ પુનર્જન્મ પામે છે. (જુઓ ‘તત્વસંગ્રહ’ગત ‘કર્મફલસમ્બન્ધપરીક્ષા’.)
ઈશ્વરવાદી દર્શનોમાં જે સ્થાન ઈશ્વરનું છે તે સ્થાન બૌદ્ધ ધર્મમાં કર્મનું છે. પોતાનાં કર્મને અનુરૂપ સુખદુ:ખ પ્રાણી ભોગવે છે. કોઈ કોઈને સુખ કે દુ:ખ દેતું નથી. આમ કર્મસિદ્ધાન્ત દ્વેષનો નાશક છે અને પુરુષાર્થ તેમજ સ્વતન્ત્ર સંકલ્પશક્તિનો પોષક છે. કર્મનું ફળ ભોગવતી વખતે સમતા ધારણ કરવી કે વિક્ષિપ્ત થવું એ બાબતે પણ મનુષ્ય સ્વતન્ત્ર છે. શુભ સંકલ્પ કરવા કે અશુભ એ બાબતે પણ તે સ્વતન્ત્ર છે. મનુષ્ય અત્યારે જેવો છે તેની સંપૂર્ણ જવાબદારી તેની પોતાની છે અને ભવિષ્યમાં તે જેવો થવા ઇચ્છે તે થવાનો સંપૂર્ણ આધાર પણ તેના ઉપર છે.
પ્રાણીઓનાં કર્મોથી જગતની જડ વસ્તુઓમાં પણ અનુરૂપ પરિવર્તન થાય છે, કારણ કે તે જડ જગત પ્રાણીઓના ભોગનો વિષય છે. પ્રાણીઓનાં કર્મોનો પ્રભાવ પ્રાણીઓના ભોગ્ય જડ જગત પર પણ અવશ્ય પડે છે. પ્રાણીઓનાં પાપકર્મોથી ઔષધિ, ભૂમિ વગેરે અલ્પવીર્ય, રસહીન બની જાય છે, ઋતુઓ વિષમ બને છે, ઇત્યાદિ. (જુઓ ‘બૌદ્ધધર્મદર્શન’, પૃ. 264). આમાં સામૂહિક કર્મ જેવું કંઈક સૂચિત થાય છે.
પાતંજલ યોગદર્શનમાં કર્મ અને પુનર્જન્મ : યોગદર્શન પુનર્જન્મ સ્વીકારે છે. નવજાત શિશુને ભયંકર પદાર્થને જોઈ થતા ભય અને ત્રાસ ઉપરથી અનુમાન દ્વારા યોગભાષ્યકાર વ્યાસ (4.10 અને 2.9) પૂર્વજન્મને સિદ્ધ કરે છે. વળી, સંસ્કારોમાં સંયમ (= ધારણા, ધ્યાન અને સમાધિ) કરવાથી પૂર્વજન્મનું જ્ઞાન થાય છે એમ સૂત્રકાર પતંજલિએ સૂત્ર 3.18માં જણાવ્યું છે. આમ પૂર્વજન્મ સિદ્ધ થતાં પુનર્જન્મ પણ સિદ્ધ થાય છે.
જીવ જે પ્રવૃત્તિ કરે છે તેના સંસ્કાર ચિત્તમાં પડે છે. આને કર્મસંસ્કાર, કર્માશય કે માત્ર કર્મ કહેવામાં આવે છે. આ કર્મો પ્રાકૃતિક છે. તે ચાર પ્રકારનાં છે : કૃષ્ણ, શુક્લકૃષ્ણ, શુક્લ અને અશુક્લઅકૃષ્ણ. દુર્જનોનાં કર્મો કૃષ્ણ હોય છે કારણ કે તેઓ કાળાં કામોના કરનારા છે. સામાન્ય જનોનાં કર્મો શુક્લકૃષ્ણ હોય છે કારણ કે તેઓ પરપીડારૂપ કાળાં અને પરોપકારરૂપ ધોળાં કામોના કરનારા હોય છે. યજ્ઞયાગરૂપ બાહ્ય સાધનોના અનુષ્ઠાનથી ઊપજતાં કર્મો પણ શુક્લકૃષ્ણ હોય છે કારણ કે આ બાહ્ય સાધનોના અનુષ્ઠાનમાં પરપીડન અવશ્યપણે રહેલું હોય છે. તપ, સ્વાધ્યાય, ધ્યાનરૂપ આંતર સાધનોના અનુષ્ઠાનથી ઊપજતાં કર્મો શુક્લ હોય છે, કારણ કે આ આંતર સાધનોના અનુષ્ઠાનમાં પરપીડન હોતું નથી. જેમના રાગાદિ ક્લેશો ક્ષીણ થઈ ગયા હોય છે તે ચરમદેહ વિવેકી પુરુષનાં કર્મો અશુક્લઅકૃષ્ણ હોય છે. આ વિવેકી પુરુષ પરોપકાર રૂપ શુભ પ્રવૃત્તિ કરતા હોવા છતાં તેમનાં કર્મો શુક્લ નથી હોતાં કારણ કે તેમની પ્રવૃત્તિ નિષ્કામ હોય છે. વળી, પરપીડનરૂપ કાળી પ્રવૃત્તિ પણ કરતા નથી. બાહ્ય ર્દષ્ટિએ તેમની પ્રવૃત્તિ પરપીડાજનક જણાય તોપણ તેમનો તેની પાછળનો આશય તો પરોપકારનો અને પરકલ્યાણનો જ હોય છે તેમનાં કર્મો કૃષ્ણ નહિ પણ અકૃષ્ણ ગણાય. આમ તેમનાં કર્મો અશુક્લઅકૃષ્ણ જ હોય છે. વિવેકી પુરુષ સિવાયના પુરુષોમાં પ્રથમ ત્રણેય પ્રકારનાં કર્મો સંભવે છે. આ બધું વિવેચન યોગભાષ્ય 4.7માં છે. વળી, યોગભાષ્યકાર જણાવે છે કે કેટલીક વાર કૃષ્ણ કર્મોનો (કર્મસંસ્કારોનો) નાશ શુક્લ કર્મોથી થઈ શકે છે (2.13).
ક્લેશપૂર્વક પ્રવૃત્તિ કરીએ તો જ કર્મસંસ્કારો ચિત્તમાં પડે છે. જો પ્રવૃત્તિ ક્લેશરહિત હોય તો કર્મસંસ્કારો ચિત્તમાં પડતા નથી. આમ ક્લેશ જ કર્મબંધનું કારણ છે. કર્મસંસ્કારો ક્લેશમૂલક છે (2.12).
કર્મસંસ્કારો (કર્મો) પુણ્યરૂપ અને પાપરૂપ – એમ બે પ્રકારના હોય છે. પુણ્યરૂપ કર્મો અને પાપરૂપ કર્મો બંને ક્લેશમૂલક છે. દાખલા તરીકે, રાગ-ક્લેશને લો. સ્વર્ગ, વગેરે પ્રત્યેના રાગથી પ્રેરાઈ આપણે ધર્મપ્રવૃત્તિ કરીએ છીએ અને પરિણામે પુણ્યરૂપ કર્મ બાંધીએ છીએ. ધન, વગેરે પ્રત્યેના રાગથી પ્રેરાઈ આપણે ચોરી વગેરે દુષ્કૃત્યો કરીએ છીએ અને પરિણામે પાપરૂપ કર્મો બાંધીએ છીએ (યોગભાષ્ય, 2.12).
કર્મોનો બીજી રીતે પણ વિભાગ થાય છે. આ રીતે વિભાગ કરતાં કર્મો બે વર્ગોમાં વહેંચાઈ જાય છે ર્દષ્ટજન્મવેદનીય અને અર્દષ્ટજન્મવેદનીય કર્મો. જે કર્મો પોતાનું ફળ વર્તમાન જન્મમાં જ આપી દે તે કર્મો ર્દષ્ટજન્મવેદનીય કહેવાય. જે કર્મો પોતાનું ફળ ભાવિ જન્મોમાં આપે તે કર્મો અર્દષ્ટજન્મવેદનીય કહેવાય. નારકોને ર્દષ્ટજન્મવેદનીય કર્મો હોતાં નથી અને ક્ષીણક્લેશવાળાને અર્દષ્ટજન્મવેદનીય કર્મો હોતાં નથી, કારણ કે તેને પુનર્ભવ સંભવતો નથી (યોગભાષ્ય, 2.12).
યોગસૂત્ર 2.13 અનુસાર કર્મો ત્રણ જાતનાં ફળો આપે છે – જાતિ (જન્મ), આયુ અને ભોગ (સુખદુ:ખવેદન). આને બીજી રીતે કહેવું હોય તો આમ કહી શકાય કે કેટલાંક કર્મો જાતિરૂપ ફળ આપે છે, કેટલાંક કર્મો આયુરૂપ ફળ આપે છે અને કેટલાંક કર્મો ભોગરૂપ ફળ આપે છે. આમ કર્મના ત્રણ પ્રકારો થયા જાતિવિપાકી કર્મ, આયુવિપાકી કર્મ અને ભોગવિપાકી કર્મ. 2.13 સૂત્ર ઉપરના ભાષ્યમાં વધુમાં જણાવ્યું છે કે નવો જન્મ, તેને અનુરૂપ આયુ અને તેને અનુરૂપ ભોગ આ ત્રણેય વિપાકો આપનાર તે તે કર્મો મૃત્યુથી અભિવ્યક્ત થાય છે. અર્થાત્ જે પ્રકારનું આયુ અને જે પ્રકારનો ભોગ અમુક જ જાતિમાં સંભવે બીજીમાં નહિ તેવા આયુ અને તેવા ભોગને નિયત કરનાર કર્મો જ મૃત્યુથી અભિવ્યક્ત થાય છે, બીજાં નહિ. જાતિવિપાકી કર્મ અર્દષ્ટજન્મવેદનીય જ હોય જ્યારે આયુવિપાકી અને ભોગવિપાકી કર્મો ર્દષ્ટજન્મવેદનીય અને અર્દષ્ટજન્મવેદનીય – એમ બંને પ્રકારનાં સંભવે છે. આમ અર્દષ્ટજન્મવેદનીય કર્મો ત્રિવિપાકી હોય છે, જ્યારે ર્દષ્ટિજન્મવેદનીય કર્મો એકવિપાકી કે બેવિપાકી હોય છે. એકવિપાકી હોય ત્યારે માત્ર ભોગરૂપ વિપાક્ધો જ આપે છે અને દ્વિવિપાકી હોય ત્યારે ભોગરૂપ અને આયુરૂપ એ બે જ વિપાકો આપે છે.
ર્દષ્ટજન્મવેદનીય કર્મોને એકભવિક હોવાનો અર્થાત્ મૃત્યુથી અભિવ્યક્ત થઈ સાથે મળી એક ભવનો (જન્મનો) આરંભ કરનાર હોવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો, કારણ કે તે ર્દષ્ટજન્મવેદનીય હોઈ વર્તમાન જન્મમાં જ પોતાનું ફળ આપી નિવૃત્ત થાય છે. પરંતુ અર્દષ્ટજન્મવેદનીય કર્મો બધાં જ એકભવિક હોય છે કે નહિ તે પ્રશ્ન ઊભો થાય છે. જે અર્દષ્ટજન્મવેદનીય કર્મો છે તેમાં અનેક જાતિવિપાકી, અનેક આયુવિપાકી અને અનેક ભોગવિપાકી હોવાનાં જ. આમાંથી કેટલાંક જાતિવિપાકી, કેટલાંક આયુવિપાકી અને કેટલાંક ભોગવિપાકીએ પૂર્વજન્મમાં મૃત્યુથી અભિવ્યક્ત થઈ ભેગાં મળી વર્તમાન જન્મનો આરંભ કર્યો છે. હવે વર્તમાન જન્મમાં મૃત્યુ વખતે અભિવ્યક્ત થઈ ભેગાં મળી બીજાં કેટલાંક જાતિવિપાકી, આયુવિપાકી અને ભોગવિપાકી કર્મો પછીના જન્મને આરંભશે અને આમ આ જ ક્રમે બધાં જ અર્દષ્ટજન્મવેદનીય કર્મો એકભવિક જ બનશે ? આ પ્રશ્નનો ઉત્તર યોગભાષ્ય 2.13માં છે. તે આ પ્રમાણે છે : અર્દષ્ટજન્મવેદનીય કર્મો બે પ્રકારનાં હોય છે – નિયતવિપાકી અને અનિયતવિપાકી. આમાંથી જે નિયતવિપાકી છે તે જ એકભવિક છે, જ્યારે જે અનિયતવિપાકી છે તે એકભવિક નથી જ. અર્દષ્ટજન્મવેદનીય અનિયતવિપાકી કર્મોની બાબતમાં ત્રણ વિકલ્પો સંભવે છે (1) અપક્વ દશામાં જ તેમનાં વિરોધીથી નાશ, (2) પ્રધાન કર્મમાં આવાપગમન અને (3) નિયતવિપાકવાળા પ્રધાન કર્મથી અભિભવ પામી ચિત્તમાં (સૂક્ષ્મશરીરમાં) લાંબા સમય સુધી પડી રહેવું. કેટલાંક અર્દષ્ટજન્મવેદનીય અનિયતવિપાકી કર્મોનો તેમનાં વિરોધી કર્મોથી નાશ થાય છે; દાખલા તરીકે, કૃષ્ણ કર્મોનો નાશ શુક્લ કર્મોથી થવો સંભવે છે. કેટલાંક અર્દષ્ટજન્મવેદનીય અનિયતવિપાકી કર્મોનું પ્રધાન કર્મ પોતાનું ફળ આપે છે ત્યારે જ તે પ્રધાન કર્મનાં અંગભૂત કર્મો ફળ આપે છે, તે પહેલાં કે તે પછી નહિ. કેટલાંક અર્દષ્ટજન્મવેદનીય અનિયતવિપાકી કર્મો અસમાન યા વિરોધી કર્મો વડે અભિભૂત થઈને માત્ર બીજભાવે લાંબા વખત સુધી ચિત્તમાં પડી રહે છે અને જ્યારે તેમનાં સમાન યા અવિરોધી કર્મો બળવાન બને છે ત્યારે તેમનાંથી તેઓ અભિવ્યક્ત થઈ પોતપોતાનું ફળ આપવા લાગે છે. આ અભિભવને પામેલાં કર્મોને અભિવ્યક્ત કરી વિપાકોન્મુખ બનાવનાર નિમિત્તરૂપ અવિરોધી કર્મો કયાં છે એનો નિશ્ર્ચય કરવો કઠિન છે.
સૂત્રકાર સૂત્ર 3.22માં જણાવે છે કે કર્મો બે પ્રકારનાં હોય છે – સોપક્રમ અને નિરુપક્રમ. ભાષ્યકાર વ્યાસ સ્પષ્ટતા કરે છે કે સૂત્રકાર અહીં માત્ર આયુકર્મની વાત કરે છે. એટલે આયુકર્મ બે પ્રકારનાં છે – સોપક્રમ અને નિરુપક્રમ. વળી ભાષ્યકાર સ્પષ્ટતા કરે છે કે બધાં આયુકર્મ નહિ, પરંતુ અર્દષ્ટજન્મવેદનીય નિયતવિપાકી એકભવિક આયુકર્મો જ બે પ્રકારનાં હોય છે. સોપક્રમ એટલે એક વાર ફળ આપવાનું શરૂ કર્યું એટલે ઝડપથી ફળ આપી નિવૃત્ત થનાર. નિરુપક્રમ એટલે ફળ આપવાનું શરૂ કર્યા પછી ધીમે ધીમે પોતાનું ફળ આપી નિવૃત્ત થનાર.
અનુભવજન્ય સંસ્કાર વાસના યા જ્ઞાનસંસ્કાર છે અને પ્રવૃત્તિજન્ય કર્મસંસ્કાર કર્મ છે. વાસના સ્મૃતિ જન્માવે છે. કર્મ (ક્લેશયુક્ત હોય તો) જાતિ, આયુ અને ભોગરૂપ વિપાક જન્માવે છે. યોગસૂત્ર 4.8 કહે છે કે વાસના વિપાકને અનુરૂપ જ જાગે છે. આ વાતને વિસ્તારથી સમજીએ : જીવ અમુક જાતિવિપાકી કર્મને પરિણામે અમુક જાતિમાં જન્મે છે. ઉદાહરણાર્થ, એક એવું જાતિવિપાકી કર્મ છે જેના વિપાકના કારણે જીવ વર્તમાન જન્મમાં કૂતરો બને છે. જ્યારે જીવ કૂતરો બને છે ત્યારે કૂતરાજાતિને અનુરૂપ ભોગવિપાકી કર્મો વિપાકોન્મુખ બન્યાં હોઈ તે કૂતરારૂપે જન્મેલો જીવ કૂતરાજાતિને અનુરૂપ ભોગ ભોગવે છે. તે હાડકાં ચાટે છે ને કરડે છે, વગેરે. આ બધું તે કરવા માંડે છે, કારણ કે તે જાતિમાં જન્મેલા જીવને તેમ કરવામાં સુખ થાય છે; પરંતુ કૂતરારૂપે જન્મેલો જીવ પ્રથમ વાર હાડકું ચાટવા-કરડવા જાય ત્યારે તેને તે જ્ઞાન હોવું જોઈએ કે તેમ કરવાથી તેને સુખ થશે. આવું જ્ઞાન તેને તો જ સંભવે જો તેણે પહેલાં હાડકું ચાટ્યું-કરડ્યું હોય અને તેથી તેને સુખાનુભવ થયો હોય. હકીકતમાં, આ પહેલાં તે અનંત વાર કૂતરારૂપે જન્મી ચૂકેલો છે અને તેને તેવો અનુભવ થઈ ચૂકેલો છે. એ અનુભવના સંસ્કારો ચિત્તમાં પડેલા હતા. એ સંસ્કારો કૂતરાજાતિમાં જન્મ કરાવનાર જાતિવિપાકી કર્મોએ જેવું પોતાનું ફળ આપવા માંડ્યું તેવા જ તે જાગ્રત થઈ ગયા. તે સંસ્કારો જાગ્રત થવાથી તેને સ્મૃતિ થઈ કે હાડકું ચાટવા-કરડવાથી સુખ થાય છે અને તે હાડકું ચાટવા-કરડવા લાગી સુખ ભોગવવા લાગ્યો. જ્યારે મનુષ્ય પ્રવૃત્તિ કરે છે ત્યારે કર્મસંસ્કારો ચિત્તમાં પડે છે અને પ્રવૃત્તિકાળે થયેલા અનુભવના સંસ્કારો પણ તે જ વખતે પડે છે. આમ अ-પ્રવૃત્તિ अ-કર્મસંસ્કારોને અને अ-અનુભવસંસ્કારોને એકસાથે ચિત્તમાં પાડે છે. એટલે अ—કર્મસંસ્કારો જ્યારે વિપાકોન્મુખ બને છે ત્યારે પોતાની સાથે अ-અનુભવના સંસ્કારોને પણ જગાડે છે બીજા અનુભવસંસ્કારોને જગાડતા નથી.
ન્યાય–વૈશેષિક દર્શનમાં કર્મ અને પુનર્જન્મ : ન્યાય-વૈશેષિક દાર્શનિકો આત્માને નિત્ય ગણે છે. નિત્યનો અર્થ છે અનાદિ-અનન્ત. આનો અર્થ એ કે આત્મા વર્તમાન દેહની પહેલાં અસ્તિત્વ ધરાવતો હતો અને વર્તમાન દેહના પાત પછી પણ અસ્તિત્વમાં રહેવાનો છે જ. બીજા શબ્દોમાં, પૂર્વજન્મ અને પુનર્જન્મ બંને છે. પૂર્વજન્મ પુરવાર થાય એટલે પુનર્જન્મ પુરવાર થઈ જ જાય છે, તેથી ન્યાય-વૈશેષિકો પૂર્વજન્મને ચીવટપૂર્વક પુરવાર કરે છે. તેમની મુખ્ય દલીલ નીચે પ્રમાણે છે :
નવજાત શિશુના મુખ પર હાસ્ય દેખી તેને થયેલ હર્ષનું અનુમાન થાય છે. ઇષ્ટ વિષયની પ્રાપ્તિ થતાં જે સુખ જન્મે છે તેને હર્ષ કહેવામાં આવે છે. વિષયને ઇષ્ટ ત્યારે જ ગણવામાં આવે છે જ્યારે મનુષ્યને સ્મરણ થાય કે તજ્જાતીય વિષયે પહેલાં સુખાનુભવ કરાવેલો. આમ વર્તમાન વિષય ઇષ્ટ છે એવું ભાન તો જ શક્ય બને. જો તજ્જાતીય વિષયનો પૂર્વાનુભવ થયો હોય, તે અનુભવના સંસ્કારો પડ્યા હોય, તે સંસ્કારો વર્તમાન સર્દશ વિષય ઉપસ્થિત થતાં જાગ્રત થયા હોય અને પરિણામે સ્મરણજ્ઞાન થયું હોય કે વર્તમાન વિષયની જાતિના વિષયે મને પહેલાં સુખદ અનુભવ કરાવેલો. નવજાત શિશુ અમુક વિષયને ઇષ્ટ કેવી રીતે ગણી શકે ? આ જન્મમાં તજ્જાતીય વિષયનો પહેલાં એને કદી અનુભવ થયો ન હોઈ, તે અનુભવના તેવા સંસ્કારો પડ્યા નથી, તેથી તેવા પ્રકારની સ્મૃતિ જન્મી શકે નહિ. એટલે તજ્જાતીય વિષયનો અનુભવ પૂર્વજન્મમાં તેને થયેલો અને તે અનુભવના જે સંસ્કાર પૂર્વજન્મમાં પડેલા તે આ જન્મમાં શિશુના આત્મામાં છે એમ સ્વીકારવું પડે છે. આ રીતે પૂર્વજન્મ સિદ્ધ થાય છે (જુઓ ‘ન્યાયસૂત્ર’ 3.1.19).
જો જન્મપ્રવાહ અનાદિ હોય તો જીવે અનંત વાર મનુષ્ય, બળદ, વાનર અને કૂતરા રૂપે જન્મ ધારણ કર્યો હોવો જોઈએ અને તે બધા જન્મોના સંસ્કાર પણ તેનામાં હોવા જોઈએ. તો પછી તે બધા સંસ્કારો વર્તમાન એક જન્મમાં જાગવા જોઈએ અને પરિણામે તેને એક જન્મમાં અન્ન, ઘાસ, લીમડા અને હાડકા તરફ પણ રાગ થવો જોઈએ; પરંતુ એવું તો છે નહિ. આના ઉત્તરમાં ન્યાય-વૈશેષિક જણાવે છે કે જીવ પોતાનાં પૂર્વ કર્મ અનુસાર જ્યારે નવો દેહ ધારણ કરે છે ત્યારે તે દેહને ઉત્પન્ન કરનાર કર્મોનો વિપાક થયો હોય છે અને આ દેહોત્પાદક કર્મોના વિપાકની સાથે તે દેહને અનુરૂપ કર્મો જ વિપાકોન્મુખ બને છે અર્થાત્ તે દેહને અનુરૂપ સંસ્કારો જ જાગ્રત થાય છે જ્યારે બાકીના અભિભૂત જ રહે છે. કોઈ માનવનો આત્મા માનવ જન્મ પછી નિજ કર્મ અનુસાર જો વાનર જન્મ પામે તો અનંત પૂર્વજન્મોમાંથી પૂર્વકાલીન વાનરજન્મોમાં પ્રાપ્ત કરેલા સંસ્કારો જ જાગ્રત થાય છે. તેથી તે વખતે તેને માનવોચિત રાગ જન્મતો નથી. આમ કેવળ જાતિ જ રાગનું કારણ નથી. રાગનું કારણ પૂર્વસંસ્કારો છે અને તે સંસ્કારોની જાગૃતિનું એક નિયામક કારણ જાતિ છે. એટલે જ કણાદે કહ્યું છે કે અમુક પ્રકારની જાતિ (જન્મ યા દેહ) અમુક પ્રકારના રાગ ઉત્પન્ન કરે છે. (‘વૈશેષિક સૂત્ર’, 6.2.13).
જીવોમાં જુદી જુદી જાતનાં શરીરો, જુદી જુદી જાતની શક્તિઓ અને જુદી જુદી જાતના સ્વભાવો જણાય છે. આ વૈચિત્ર્યનું કારણ તેમણે પૂર્વજન્મોમાં કરેલાં જુદી જુદી જાતનાં કર્મો છે. આમ પૂર્વજન્મોનાં કર્મવૈચિત્ર્યને માન્યા વિના જીવોમાં જણાતા વૈચિત્ર્યનો ખુલાસો થઈ શકતો નથી. એક જ માબાપનાં જોડિયાં બાળકોમાં જણાતા ભેદનો ખુલાસો પૂર્વજન્મમાં કરેલાં કર્મો અને તેમના સંસ્કારો (કર્મસંસ્કારો) માન્યા વિના થઈ શકતો નથી. (‘ન્યાયસૂત્ર’ 3.2.60)
જો પૂર્વજન્મ હોય તો પૂર્વજન્માનુભૂત કોઈ કોઈ વિષયનું જ (ઉપર જણાવ્યું તેવું જ) સ્મરણ કેમ થાય છે ? પૂર્વજન્માનુભૂત બધા વિષયોનું સ્મરણ કેમ થતું નથી ? પૂર્વજન્મમાં હું કોણ હતો, ક્યાં હતો, કેવો હતો, વગેરેનું સ્મરણ કેમ થતું નથી ? આના ઉત્તરમાં ન્યાય-વૈશેષિક ચિંતકો જણાવે છે કે આત્મગત જે પૂર્વસંસ્કારો આ જન્મમાં ઉદબુદ્ધ થાય છે તે સંસ્કારો જ સ્મૃતિને ઉત્પન્ન કરે છે. ઉદબુદ્ધ સંસ્કારો જ સ્મૃતિનું કારણ છે. જે સંસ્કારો અભિભૂત રહે છે તે સ્મૃતિ જન્માવતા નથી. સંસ્કાર હોય એટલે સ્મૃતિ થાય જ એવું નથી. સ્મૃતિ થવા માટે પૂર્વ સંસ્કારની જાગૃતિ થવી આવશ્યક છે. શું આ જન્મમાં પણ જે વસ્તુઓ બાળપણમાં અનુભવી હોય તે બધીનું સ્મરણ મનુષ્યને વૃદ્ધાવસ્થામાં થાય છે ? ના, બાળપણમાં અનુભવેલ વિષયોના સંસ્કાર વૃદ્ધાવસ્થામાં હોય છે પણ તે બધા જાગ્રત થતા નથી. વળી, દુ:ખને કારણે કેટલીક વ્યક્તિઓ પરિચિત વ્યક્તિને પણ ભૂલી જાય છે, કારણ કે દુ:ખે તે પરિચિત વ્યક્તિના પડેલા સંસ્કારોને અભિભૂત કરી દીધા હોય છે. તેવી જ રીતે, જીવનું મૃત્યુ થતાં તે મૃત્યુ તેના અનેક સુર્દઢ સંસ્કારોને અભિભૂત કરી દે છે; પરંતુ પુનર્જન્મ યા દેહાન્તર-પ્રાપ્તિ થતાં તેના અનેક પૂર્વસંસ્કારો જાગ્રત થાય છે. જેઓ સંસ્કારોને ઉદબુદ્ધ કરે છે તેમને સંસ્કારના ઉદબોધક કહેવામાં આવે છે. આ ઉદબોધક અનેક જાતના છે અને તેઓ ખાસ પ્રકારના સંસ્કારોને જ જાગ્રત કરે છે. આ ઉદબોધકોમાં એક ઉદબોધક જાતિ (જન્મ) છે. જે પ્રકારનો જન્મ જીવ પ્રાપ્ત કરે છે તેને અનુરૂપ સંસ્કારોનો જ ઉદબોધક તે જન્મ (જાતિ) છે. આ વસ્તુ જોઈ ગયા છીએ. જાતિ ઉપરાંત ધર્મ પણ અમુક પ્રકારના સંસ્કારોનો ઉદબોધક છે. પૂર્વજન્મના જાતિવિષયક સંસ્કારોનો ઉદબોધક ધર્મ છે. અહીં એ નોંધવું રસપ્રદ થશે કે ‘મનુસ્મૃતિ’માં (4.148) મનુ પૂર્વજન્મના જાતિવિષયક સંસ્કારોના ઉદબોધક તરીકે વેદાભ્યાસ, શૌચ, તપ અને અહિંસાને ગણાવે છે. તેથી પૂર્વજન્મના જાતિવિષયક સંસ્કારોનું ઉદબોધક કારણ જે પ્રાપ્ત કરે છે તેને જ પૂર્વજન્મમાં પોતે કોણ હતો, કેવો હતો, ક્યાં હતો, વગેરેનું સ્મરણ થાય છે. આવા સ્મરણને ‘જાતિસ્મરણ’ કહેવામાં આવે છે. (‘ન્યાયભાષ્ય’, 3.2.41)
આત્માનો પૂર્વજન્મ સિદ્ધ થતાં તેનો પુનર્જન્મ આપોઆપ સિદ્ધ થઈ જાય છે. શરીરની ઉત્પત્તિ સાથે આત્મા ઉત્પન્ન થતો નથી તેમજ શરીરના નાશ સાથે આત્મા નાશ પામતો નથી. આત્મા તો એક શરીર છોડી નવું શરીર ધારણ કરે છે. પૂર્વશરીરનો ત્યાગ મૃત્યુ છે અને નૂતન શરીરને ધારણ કરવું એ જન્મ છે. જો શરીરના નાશ સાથે આત્માનો નાશ અને નૂતન શરીરની ઉત્પત્તિ સાથે નૂતન આત્માની ઉત્પત્તિ સ્વીકારવામાં આવે તો કૃતહાન અને અકૃતાભ્યાગમ દોષો આવે. શરીરના નાશ સાથે આત્માનો નાશ થઈ જતો હોય તો તેણે કરેલાં કર્મોનું ફળ તેને ભોગવવા નહિ મળે. શરીરની ઉત્પત્તિ સાથે આત્મા પણ ઉત્પન્ન થતો હોય તો તે જે ભોગવશે તે તેનાં પોતાનાં કર્મનું ફળ નહિ ગણાય. આમ શરીરના નાશ સાથે આત્માનો ઉચ્છેદ અને શરીરની ઉત્પત્તિ સાથે આત્માની ઉત્પત્તિ માનતાં કર્મસિદ્ધાન્ત ઠાલો ઠરે અને સાધના ફોગટ ઠરે. આ દર્શાવે છે કે પૂર્વજન્મો અને પુનર્જન્મો છે જ. (‘ન્યાયભાષ્ય’ 4.1.10)
જન્મ કેમ થાય છે ? અર્થાત્ દેહોત્પત્તિનું કારણ શું છે ? આ પ્રશ્નના ઉત્તરમાં ન્યાય-વૈશેષિક દાર્શનિકો જણાવે છે કે પૂર્વ શરીરમાં કરેલાં કર્મોના સંસ્કારો (જેને ન્યાયવૈશેષિકો અર્દષ્ટ યા ધર્માધર્મ કહે છે) – જે આત્મામાં સમવાયસંબંધથી રહેલા હોય છે તે – જન્મનું દેહોત્પત્તિનું કારણ છે. ધર્માધર્મરૂપ અર્દષ્ટથી પ્રેરિત ભૂતોમાંથી દેહ ઉત્પન્ન થાય છે, ભૂતો સ્વત: દેહને ઉત્પન્ન કરતા નથી. (‘ન્યાયસૂત્ર’ 3.2.60)
અહીં ભૌતિકવાદી કહી શકે કે કેવળ પૃથ્વી આદિ ભૂતોના સંયોગથી જ શરીર બની જાય છે. તો પછી શરીરોત્પત્તિના નિમિત્તકારણ તરીકે પૂર્વકર્મ માનવાની શી જરૂર છે ? જેમ પુરુષાર્થ કરી વ્યક્તિ ભૂતોમાંથી ઘટ વગેરે બનાવે છે તેમ પુરુષાર્થ કરી સ્ત્રી-પુરુષનું યુગલ ભૂતોમાંથી દેહને ઉત્પન્ન કરે છે. સ્ત્રી-પુરુષના યુગલના પુરુષાર્થથી શુક્ર અને શોણિતનો સંયોગ થાય છે અને પરિણામે તેમાંથી દેહ ઉત્પન્ન થાય છે. એટલે દેહોત્પત્તિમાં પૂર્વકર્મને નિમિત્ત માનવાની આવશ્યક્તા જ ક્યાં રહે છે. કર્મનિરપેક્ષ યા અષ્ટનિરપેક્ષ ભૂતોમાંથી જેમ ઘટ આદિ ઉત્પન્ન થાય છે તેમ કર્મનિરપેક્ષ ભૂતોમાંથી દેહ ઉત્પન્ન થાય છે. (‘ન્યાયસૂત્ર’ 3.2.61 ભાષ્યસહિત)
ન્યાય-વૈશેષિક ઉત્તર આપે છે કે ‘ઘટ વગેરે કર્મનિરપેક્ષ અર્થાત્ અષ્ટનિરપેક્ષ ઉત્પન્ન થાય છે’ એમ જે ભૌતિકવાદી કહે છે તે સાબિત થયેલી વસ્તુ નથી અને અમને સ્વીકાર્ય પણ નથી. વળી, ઘટ વગેરેની ઉત્પત્તિમાં બીજ અને આહાર નિમિત્ત નથી જ્યારે દેહની ઉત્પત્તિમાં તે બંને નિમિત્ત છે; એટલે ભૌતિકવાદીએ આપેલું ર્દષ્ટાન્ત વિષમ હોઈ અમને સ્વીકાર્ય નથી. ઉપરાંત, શુક્ર અને શોણિતના હંમેશાં શરીરોત્પત્તિ (ગર્ભાધાન) થતી નથી. આ ઉપરથી સિદ્ધ થાય છે કે શુક્રશોણિત-સંયોગ શરીરોત્પત્તિનું એકમાત્ર નિરપેક્ષ કારણ નથી. કોઈ બીજી વસ્તુની પણ એમાં અપેક્ષા રહે છે. તે છે પૂર્વકર્મ (અષ્ટ). પૂર્વકર્મ વિના શુક્રશોણિત-સંયોગ શરીરોત્પત્તિમાં સમર્થ બનતો નથી. તેથી, ભૌતિક તત્વોને શરીરોત્પત્તિનું નિરપેક્ષ કારણ ન માનતાં કર્મસાપેક્ષ કારણ માનવું જોઈએ. કર્મ અનુસાર જ શરીરની ઉત્પત્તિ થાય છે અને કર્મને અનુરૂપ શરીર સાથે જ આત્મવિશેષનો સંયોગ થાય છે. જીવોનાં શરીર એકસરખાં નથી પણ અનેક જાતનાં હોય છે. શરીરભેદનો ખુલાસો કરવા જીવનાં કર્મો માનવાં જ જોઈએ. કર્મ ન માનવાથી અમુક આત્માને અમુક જ જાતનું શરીર એવી જે વ્યવસ્થા છે તેનું સમાધાન નહિ થાય. કર્મને માનીએ તો જ તે વ્યવસ્થાનું સમાધાન થાય. એટલે શરીરોત્પત્તિમાં કર્મને નિમિત્તકારણ માનવું જોઈએ. (‘ન્યાયસૂત્ર’ 3.2.62-67)
આ બધી ચર્ચા ઉપરથી ફલિત થાય છે કે શરીરની ઉત્પત્તિ અને નાશ કર્મ ઉપર નિર્ભર છે. વિપાકોન્મુખ કર્મોનાં ફળ ભોગવવા માટે અનુરૂપ શરીર ઉત્પન્ન થાય છે અને તે ફળ ભોગવાઈ જતાં શરીર પડે છે.
ઇચ્છા-દ્વેષપૂર્વક કરાતી ક્રિયા (પ્રવૃત્તિ) પોતાનું ફળ આપે છે જ. ઇચ્છાપૂર્વક કરાતી ભલી ક્રિયા ધર્મ કહેવાય છે અને બૂરી ક્રિયા અધર્મ કહેવાય છે. ભલી ક્રિયાનું ફળ સુખ છે અને બૂરી ક્રિયાનું ફળ દુ:ખ છે; પરંતુ ક્રિયા તો ક્ષણિક છે અને તેનું ફળ તો ઘણી વાર જન્માન્તરમાં મળે છે. ક્રિયા ક્ષણિક હોઈ નાશ પામી જાય છે તો તે પોતાનું ફળ જન્માન્તરમાં કેવી રીતે આપી શકે ? આનો ઉકેલ અર્દષ્ટની કલ્પનામાં છે. ક્રિયાને કારણે આત્મામાં અર્દષ્ટ જન્મે છે. તે ક્રિયા અને ફળની વચ્ચે કડી સમાન છે. ક્રિયાને લઈ જન્મેલું અર્દષ્ટ આત્મામાં રહે છે અને પોતાનું ફળ સુખ યા દુ:ખ આત્મામાં જન્માવીને તે પૂરેપૂરું ભોગવાઈ જાય પછી જ નિવૃત્ત થાય છે. આમ અર્દષ્ટ કર્મસંસ્કારસ્થાનીય છે. ભલી પ્રવૃત્તિને ધર્મ કહેવામાં આવે છે અને તે પ્રવૃત્તિજન્ય અર્દષ્ટને પણ ધર્મ કહેવામાં આવે છે. તેવી જ રીતે, બૂરી પ્રવૃત્તિને અધર્મ કહેવામાં આવે છે અને તે પ્રવૃત્તિજન્ય અર્દષ્ટને પણ અધર્મ કહેવામાં આવે છે.
ખરેખર ક્રિયાને (પ્રવૃત્તિને) અર્દષ્ટનું કારણ ગણવામાં નથી આવી પરંતુ રાગ-દ્વેષને જ ધર્માધર્મરૂપ અર્દષ્ટનું કારણ ગણવામાં આવ્યા છે. ક્રિયા તો શરીર કે મન કરે છે પણ અર્દષ્ટ અને તેનું ફળ બંને આત્મામાં ઉત્પન્ન થાય છે, એમ કેમ ? ન્યાય-વૈશેષિક ઉત્તર આપશે કે ધર્મ કે અધર્મરૂપ અર્દષ્ટની ઉત્પત્તિમાં અમે ક્રિયાને કારણ ગણતા નથી પણ રાગ-દ્વેષને કારણ ગણીએ છીએ. રાગ-દ્વેષનિરપેક્ષ ક્રિયા અષ્ટોત્પાદક નથી. અર્દષ્ટના ઉત્પાદક રાગ-દ્વેષનો આશ્રય આત્મા છે, રાગદ્વેષજન્ય ધર્માધર્મરૂપ અર્દષ્ટ પણ આત્મામાં ઉત્પન્ન થાય છે અને ધર્માધર્મરૂપ અર્દષ્ટનું ફળ સુખદુ:ખ પણ આત્મામાં જ ઉત્પન્ન થાય છે. વળી, જે આત્મામાં રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે તે જ આત્મામાં તજ્જન્ય અર્દષ્ટ ઉત્પન્ન થાય છે અને તે જ આત્મામાં તે અર્દષ્ટજન્ય સુખ કે દુ:ખ ઉત્પન્ન થાય છે. (જુઓ પ્રશસ્તપાદભાષ્ય ગુણસાધર્મ્ય પ્રકરણ.)
રાગ આદિ દોષોથી રહિત પ્રવૃત્તિ પુનર્ભવનું કારણ નથી. દોષરહિત પ્રવૃત્તિ કરનારનો પુનર્ભવ અટકી જાય છે (‘ન્યાયસૂત્ર’ 4.1.64). પ્રવૃત્તિ દોષરહિત હોવાથી નવાં કર્મો બંધાતાં નથી. તેથી જે રાગ વગેરે દોષોથી મુક્ત થઈ ગયો હોય તે વિહરતો હોવા છતાં મુક્ત છે, જીવન્મુક્ત છે. (‘ન્યાયભાષ્ય’ 4.2.2)
જે રાગ વગેરે દોષોથી મુક્ત થયો હોય છે તેનો પુનર્ભવ અટકી ગયો હોવા છતાં અને તે નવાં કર્મો બાંધતો ન હોવા છતાં તેનાં પૂર્વકૃત કર્મોનાં બધાં ફળો ભોગવાઈ ન જાય ત્યાં સુધી તેને છેલ્લા જન્મમાં જીવવાનું હોય છે. અનન્ત જન્મોમાં કરેલાં કર્મો એક જન્મમાં કેવી રીતે ભોગવાઈ જાય એવી શંકા અહીં કોઈને થાય. આ શંકાનું સમાધાન ન્યાય-વૈશેષિકો આ પ્રમાણે કરે છે. એક, કર્મક્ષય માટે આટલો વખત જોઈએ જ એવો કોઈ નિયમ નથી. બીજું, પૂર્વના અનન્ત જન્મોમાં જેમ કર્મોનો સંચય થતો રહ્યો હોય છે તેમ ભોગથી તેમનો ક્ષય પણ થતો રહ્યો હોય છે. ત્રીજું, પોતાના છેલ્લા જન્મમાં તે તે કર્મનો વિપાક ભોગવવા માટે જરૂરી જુદાં જુદાં અનેક શરીરો યોગઋદ્ધિના બળે નિર્માણ કરીને તેમજ મુક્ત આત્માઓએ છોડી દીધેલાં મનોને ગ્રહણ કરીને જીવન્મુક્ત બધાં પૂર્વકૃત કર્મોના વિપાકને ભોગવી લે છે.
ગૌતમના ન્યાયસૂત્રમાં ઈશ્વર વિશે ત્રણ સૂત્રો છે. આ ત્રણ સૂત્રોમાં પુરુષકર્મ અને તેના ફળની બાબતમાં ઈશ્વરનું શું કાર્ય છે તે દર્શાવ્યું છે. પ્રથમ બે સૂત્રોમાં વિરોધીઓના બે મતો આપી, ત્રીજા સૂત્રમાં ગૌતમે પોતાનો સિદ્ધાન્ત રજૂ કર્યો છે.
સૂત્ર 4.1.19 જણાવે છે કે પુરુષનાં કર્મોનું વૈફલ્ય જણાતું હોઈ, ફળનું કારણ ઈશ્વર છે. આ સૂત્ર અનુસાર કર્મફળનું કારણ કર્મ નથી પણ ઈશ્વર છે. કર્મ અને કર્મફળ વચ્ચે નિયત સંબંધ નથી. ફળ કર્મ ઉપર આધાર રાખતું નથી પણ ઈશ્વર ઉપર આધાર રાખે છે. આમ માનવું જોઈએ કારણ કે ઘણી વાર કર્મ કરવા છતાં પુરુષને તેનું ફળ મળતું દેખાતું નથી.
સૂત્ર 4.1.20 જણાવે છે કે ના, ઈશ્વર ફળનું કારણ નથી કારણ કે પુરુષ કર્મ ન કરે તો ફળ મળતું નથી. આ સૂત્ર અનુસાર ઉપરના સૂત્રમાં નિરૂપવામાં આવેલો સિદ્ધાન્ત ખોટો છે, કારણ કે ખરેખર કર્મફળનું કારણ કર્મ નહિ પણ ઈશ્વર હોય તો કર્મ ન કરવા છતાં આપણને ઇચ્છિત ફળ મળવું જોઈએ. પરંતુ ક્યાંય કર્મ કર્યા વિના ફળ મળતું જણાતું નથી.
સૂત્ર 4.1.21 જણાવે છે કે કર્મ (તેમજ ફળ) ઈશ્વરકારિત હોવાથી ઉપરના બંને સિદ્ધાન્ત તર્કહીન છે. આ સૂત્રમાં ગૌતમ પોતાનો સિદ્ધાન્ત રજૂ કરે છે. તે આ પ્રમાણે છે : ઉપરના બંને સિદ્ધાન્ત ખોટા છે. એક કર્મફળના નિયત સંબંધને અવગણે છે. બીજો ઈશ્વરને અવગણે છે. ખરેખર તો કર્મ અને ફળ વચ્ચે નિયત સંબંધ છે જ. અમુક કર્મ કરો એટલે તે પોતાનું ફળ આપે છે. કૃત કર્મને ફળવા માટે ઈશ્વરની જરૂર નથી એ વાત સાચી; પરંતુ ઇચ્છિત ફળ મેળવવા કયું કર્મ કરવું તે જાણવું જોઈએ. આ જ્ઞાન લૌકિક બાબતોમાં તો તે તે વિષયના જાણકાર આપે છે; પરંતુ રાગ આદિ દોષોથી મુક્ત થવા કઈ કક્ષાએ કયું કર્મ કેવી રીતે કરવું, શી સાધના કરવી તેનું જ્ઞાન તો રાગ આદિથી મુક્ત થયેલ ઈશ્વર જ કરાવી શકે. આમ કર્મ અને તેના ફળ વચ્ચે નિયત સંબંધ છે, પરંતુ તે નિયત સંબંધને જાણવા ઈશ્વરની જરૂરત છે. ઈશ્વર કેવળ ઉપદેષ્ટા, માર્ગદર્શક, કર્મફળના નિયત સંબંધનું જ્ઞાન કરાવનાર છે. આ અર્થમાં જ તે કર્મકારયિતા છે. તે બળજબરીથી કોઈની પાસે કર્મ કરાવતો નથી. વૈદ્ય કેવળ દવા બતાવે છે તેમ છતાં વૈદ્યે રોગ મટાડ્યો એવું કહેવામાં આવે છે. તેવી જ રીતે, ઈશ્વર પણ રાગ આદિ રોગનો ઇલાજ બતાવે છે તેમ છતાં એમ કહેવામાં આવે છે કે ઈશ્વરે રોગ મટાડ્યો ઈશ્વરે ફળ આપ્યું, ઈશ્વરે અનુગ્રહ કર્યો. આ અર્થમાં જ ઈશ્વર ફળકારયિતા, ફળસંપાદયિતા છે. આમ સ્પષ્ટપણે સૂચવાય છે કે ગૌતમને મતે રાગાદિ દોષોમાંથી મુક્ત થયેલાને, જીવન્મુક્ત ઉપદેષ્ટાને ઈશ્વર ગણવામાં આવેલ છે અને તે જ કર્મફળના નિયત સંબંધનું જ્ઞાન જીવોને કરાવે છે.
ઉત્તરકાલીન ન્યાય-વૈશેષિકોએ સદામુક્ત સૃષ્ટિકર્તા ઈશ્વરને સ્વીકારેલ છે. આ ઈશ્વર જીવોને તેમનાં કર્મ અનુસાર ફળો આપે છે. એથી એના ઈશ્વરપણાને કે એની સ્વાધીનતાને કંઈ બાધ આવતો નથી. ઊલટું, તે તેનું ઈશ્વરપણું પુરવાર કરે છે. શેઠ તેના સેવકોની યોગ્યતાને લક્ષમાં લઈ અનુરૂપ ફળ આપે તો શેઠ શેઠ મટી જતો નથી. ઈશ્વર પ્રત્યેક જીવની સમક્ષ તેના કર્મને અનુરૂપ ભોગસામગ્રી ઉપસ્થિત કરે છે; તેના કર્મના વિપાકકાળે તે કર્મનું યોગ્ય ફળ ઉત્પન્ન કરી જીવ સમક્ષ ઉપસ્થિત કરે છે. આ બધી ચર્ચા કન્દલીમાં છે.
મીમાંસાદર્શનમાં કર્મ અને પુનર્જન્મ : મીમાંસાદર્શન પણ આત્માને નિત્ય માને છે. એટલે તે પણ પૂવર્જન્મ અને પુનર્જન્મ સ્વીકારે છે.
વેદપ્રતિપાદ્ય કર્મ પાંચ પ્રકારનાં છે – (1) કામ્ય કર્મ તેને કહેવામાં આવે છે જે કોઈ કામનાવિશેષની સિદ્ધિને માટે કરવામાં આવે છે. (2) પ્રતિષિદ્ધ કર્મ તે છે જે અનર્થોત્પાદક હોવાથી નિષિદ્ધ છે. (3) નિત્ય કર્મ તે છે જે ફલાકાંક્ષા વિના કરવામાં આવતું કરણીય કર્મ છે; જેમ કે, સંધ્યાવંદન આદિ. (4) નૈમિત્તિક કર્મ તે છે જે અવસર-વિશેષ પર કરવામાં આવે છે, જેમ કે શ્રાદ્ધ આદિ કર્મ. (5) પ્રાયશ્ચિત્ત કર્મ તે છે જે પાપકર્મોનાં અશુભ ફળોના નિવારણ માટે કરવામાં આવે છે. મીમાંસા કામ્ય કર્મોને તેમજ નિષિદ્ધ કર્મોને જ દુ:ખનું અને કર્મબંધનું કારણ ગણે છે. નિષ્કામભાવે કરવામાં આવતાં વેદવિહિત નિત્યનૈમિત્તિક કર્મો દુ:ખનું કે કર્મબંધનું કારણ નથી. એટલે દુ:ખમાંથી અને બંધનમાંથી મુક્ત થવા માટે કામ્ય કર્મોને તેમજ નિષિદ્ધ કર્મોને છોડવા જોઈએ.
યજ્ઞ આદિ અનુષ્ઠાન (કર્મ) કરતાં તરત જ ફળની નિષ્પત્તિ થતી નથી પરંતુ કાલાન્તરમાં થાય છે. હવે પ્રશ્ન એ છે કે કર્મના અભાવમાં કર્મ ફલોત્પાદક કેવી રીતે બની શકે ? મીમાંસકોનું કહેવું છે કે અપૂર્વ દ્વારા પ્રત્યેક કર્મમાં અપૂર્વને ઉત્પન્ન કરવાની શક્તિ હોય છે (તન્ત્રવાર્તિક પૃ. 395). કર્મથી ઉત્પન્ન થાય છે અપૂર્વ અને અપૂર્વથી ઉત્પન્ન થાય છે ફળ. આમ અપૂર્વ જ કર્મ અને ફળને જોડનારી કડી છે. એટલે જ શંકરાચાર્ય અપૂર્વને કર્મની સૂક્ષ્મ ઉત્તરાવસ્થા કે ફળની સૂક્ષ્મ પૂર્વાવસ્થા માને છે. (શાંકરભાષ્ય 3.2.40) અપૂર્વની કલ્પનાને મીમાંસકોની કર્મવિષયક એક મૌલિક કલ્પના માનવામાં આવે છે. પરંતુ હકીકતમાં અપૂર્વ એ ન્યાયવૈશેષિકના અર્દષ્ટસ્થાનીય છે કે અન્ય દર્શનોના કર્મસંસ્કારરૂપ કર્મસ્થાનીય છે.
અદ્વૈત વેદાન્તમાં કર્મ અને પુનર્જન્મ : અદ્વૈત વેદાન્ત પુનર્જન્મ સ્વીકારે છે, એટલે કર્મસિદ્ધાન્ત પણ સ્વીકારે છે. પદ્મપાદાચાર્ય પોતાની ‘વિજ્ઞાનદીપિકા’માં કર્મ અંગે નીચે પ્રમાણે કહે છે. કર્મની પ્રબળતા મનનીય છે. કર્મથી વાસના જન્મે છે અને વાસનાથી સંસારનો ઉદય અને વિસ્તાર થાય છે. તેથી સંસારનો ઉચ્છેદ કરવા કર્મનો નાશ જરૂરી છે. કર્મ ત્રણ પ્રકારનાં છે – સંચિત, સંચીયમાન અને પ્રારબ્ધ. સંચિત કર્મ ઘરમાં સંઘરેલા અન્ન (અનાજ) સમાન છે, સંચીયમાન કર્મ ખેતરમાં નાંખેલાં બીજરૂપ અન્ન સમાન છે અને પ્રારબ્ધ કર્મ ખાધેલા (ભુક્ત) અન્ન સમાન છે. જેમ ઘરમાં સંઘરેલા અન્નનો અને ખેતરમાંના બીજરૂપ અન્નનો અનેક રીતે નાશ કરી શકાય છે પરંતુ ખાધેલા અન્નનો નાશ તો પાચન દ્વારા જ થાય છે; તેમ સંચિત અને સંચીયમાન કર્મોનો નાશ જ્ઞાન દ્વારા થઈ શકે છે પરંતુ પ્રારબ્ધ કર્મોનો ક્ષય તો ભોગ દ્વારા જ થઈ શકે છે. ફલાનુસંધાનરહિત નિષ્કામ પ્રવૃત્તિનું (કર્મનું) શુભ-અશુભ કોઈ ફળ નથી.
જૈનદર્શનમાં કર્મ અને પુનર્જન્મ : આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધના પ્રથમ ઉદ્દેશકમાં ‘અપ્પણો અત્થિત્ત’ નામના પ્રથમ પદમાં આત્માના પૂર્વજન્મનું જ્ઞાન જાતિસ્મરણથી થાય છે એમ કહેવાયું છે. વધુમાં ત્યાં જણાવ્યું છે કે આત્મા બધી દિશાઓ અને અનુદિશાઓમાં ગતિ કરે છે. અહીં જન્માન્તર માટે જતા જીવની ગતિનો નિર્દેશ છે. સિદ્ધાન્તગ્રંથોમાં આને અન્તરાલગતિ કહેવામાં આવે છે. આમ જૈનદર્શન પ્રાચીન કાળથી પૂર્વજન્મ અને પુનર્જન્મ માને છે.
જૈનદર્શન અનુસાર કર્મનો એક અર્થ છે ક્રિયા, પ્રવૃત્તિ; બીજો અર્થ છે જીવની પ્રવૃત્તિ દ્વારા જે સૂક્ષ્મ પુદગલો (કર્મવર્ગણાઓ) જીવ તરફ આકર્ષાઈને તેને ચોંટે છે તે પુદ્ગલોને પણ કર્મ કહેવામાં આવે છે. આમ કર્મ પૌદગલિક દ્રવ્યરૂપ છે. ‘પુદગલ’નો અર્થ છે મેટર (matter). બીજા શબ્દોમાં કહીએ તો, પ્રવૃત્તિ રૂપ કર્મે આત્મા ઉપર પાડેલા કર્મસંસ્કારો સૂક્ષ્માતિસૂક્ષ્મ ભૌતિક દ્રવ્યના રૂપમાં હોય છે. આ પૌદગલિક કર્મોને જન્મજન્માન્તરમાં વહન કરતું કાર્મણશરીર નામનું સૂક્ષ્મ શરીર જૈનોએ માન્યું છે.
કર્મોને (કર્મસંસ્કારોને) ભૌતિક માનનારી અનેક પરંપરાઓ છે. આ વિષયમાં સાંખ્ય મત અંગે શેરબાટ્સ્કી લખે છે : In Sankhya, karm is explained materialistically, as consisting in a special collocation of infra-atomic particels or material forces. (Buddhist Logic, Vol. I, P. 133, fn. 3).
કર્મો પૌદગલિક (ભૌતિક) હોય તો તેને રંગ હોવા જોઈએ. જેમ જપાકુસુમનો લાલ રંગ તેની સન્નિધિમાં રહેલા દર્પણમાં પ્રતિફલિત થાય છે તેમ કર્મોના રંગ પણ પોતાના સાન્નિધ્યમાં રહેલા આત્મામાં પ્રતિફલિત થાય છે. આમ કર્મની પૌગહલિકતાના કારણે જીવરંગો(લેશ્યા)ની જૈન માન્યતા ઘટે છે. સાંખ્યના સત્વ, રજસ્ અને તમસના ક્રમશ: ત્રણ રંગ શુક્લ, રક્ત અને કૃષ્ણ, અને તેના આધારે મનુષ્યોનું સાત્વિક, રાજસિક અને તામસિકમાં વર્ગીકરણ ધ્યાનાર્હ છે. આજીવિકોની છ અભિજાતિઓ પણ ભૌતિક કર્મરજોના રંગોના કારણે થનારા ચેતસિક રંગો છે. મહાભારત શાન્તિપર્વ(12.286.33)માં નિરૂપિત છ જીવવર્ણો પણ આજીવિકોની છ અભિજાતિઓ સમાન જ છે. બૌદ્ધધર્મ અને પાતંજલ યોગમાં પણ રંગ આધારે કર્મોના ચાર વિભાગો કરવામાં આવ્યા છે. આ કારણે પ્રોફેસર ઝીમર તેમના ‘Philosophies of India’ ગ્રંથમાં (પૃ. 251) જણાવે છે કે કર્મોના રંગોનો સિદ્ધાન્ત જૈનધર્મની જ ખાસ વિશેષતા નથી, પરંતુ મગધમાં સચવાયેલ આર્યો પૂર્વેના સામાન્ય વારસાનો એક ભાગ હોય એમ જણાય છે.
કર્મના પૌદગલિકત્વ યા મૂર્તત્વની સિદ્ધિ જૈનો નીચે પ્રમાણે કરે છે : (1) શરીર વગેરે મૂર્ત હોવાના કારણે તેમના નિમિત્તભૂત કર્મ પણ મૂર્ત હોવાં જોઈએ. જેમ પરમાણુઓનાં ઘટ વગેરે કાર્યો મૂર્ત છે એટલે પરમાણુઓ મૂર્ત છે તેમ કર્મનાં શરીર આદિ કાર્યો મૂર્ત છે એટલે કર્મ પણ મૂર્ત છે. (2) કર્મ મૂર્ત છે કારણ કે તેની સાથે સંબંધ થતાં સુખાદિનો અનુભવ થાય છે, ઉદાહરણાર્થ ભોજન. જે અમૂર્ત હોય તેની સાથે સંબંધ થતાં સુખાદિનો અનુભવ થતો નથી; જેમ કે, આકાશ. (3) કર્મ મૂર્ત છે કારણ કે તેમાં બાહ્ય પદાર્થો વડે બલાધાન થાય છે; જેમ કે, ઘટ. જેવી રીતે ઘટ વગેરે મૂર્ત વસ્તુઓ ઉપર તેલ વગેરે બાહ્ય પદાર્થોનું વિલેપન કરવાથી બલાધાન થાય છે, અર્થાત્ સ્નિગ્ધતા આદિની ઉત્પત્તિ થાય છે તેવી રીતે કર્મમાં પણ માલા, ચંદન, વનિતા આદિ બાહ્ય પદાર્થના સંસર્ગથી બલાધાન થાય છે; અર્થાત્ ઉદ્દીપન આદિની ઉત્પત્તિ થાય છે. (જુઓ વિશેષાવશ્યકભાષ્ય, ગાથા 1625–27.)
કર્મ મૂર્ત છે અને આત્મા અમૂર્ત છે. આવી પરિસ્થિતિમાં કર્મ આત્માની સાથે સમ્બદ્ધ કેવી રીતે થઈ શકે ? મૂર્ત દ્વારા અમૂર્તનો ઉપઘાત કે ઉપકાર કેવી રીતે થઈ શકે ? આનો ઉત્તર એ છે કે જેમ જ્ઞાન અમૂર્ત હોવા છતાં વિષ, મદિરા આદિ મૂર્ત વસ્તુઓ દ્વારા તેનો ઉપઘાત થાય છે તથા ઘી, દૂધ આદિ પદાર્થો દ્વારા તેનો ઉપકાર થાય છે તેમ આત્મા અમૂર્ત હોવા છતાં મૂર્ત કર્મ દ્વારા તેનો ઉપઘાત કે ઉપકાર થાય છે. વળી સંસારી આત્મા એકાન્તપણે અમૂર્ત નથી. જીવ અને કર્મનો સંબંધ અનાદિ હોવાથી જીવ પણ કથંચિત્ કર્મપરિણામરૂપ છે. માટે તે એ રૂપમાં મૂર્ત છે. આ રીતે કથંચિત્ મૂર્ત આત્મા સાથે મૂર્ત કર્મ સંબદ્ધ થઈ શકે છે તથા કર્મ આત્માનો ઉપઘાત કે ઉપકાર કરી શકે છે. (જુઓ વિશેષાવશ્યકભાષ્ય, ગાથા 1637-38.)
જીવ અને કર્મનો સંબંધ અનાદિ છે. જે પુદગલપરમાણુઓ કર્મ રૂપે પરિણત થાય છે તેમને કર્મવર્ગણા કહે છે અને જે શરીરરૂપે પરિણત થાય છે તેમને નોકર્મવર્ગણા કહે છે. લોક આ બંને પ્રકારના પરમાણુઓથી પૂર્ણ છે. જીવ પોતાની મનવચનકાયાની પ્રવૃત્તિથી આ પરમાણુઓને પોતાના ભણી આકર્ષતો રહે છે. મનવચનકાયાની પ્રવૃત્તિ ત્યારે જ થાય છે જ્યારે જીવની સાથે કર્મ સમ્બદ્ધ હોય. આ પ્રકારે કર્મથી પ્રવૃત્તિ અને પ્રવૃત્તિથી કર્મની પરંપરા અનાદિ કાળથી છે. કર્મ અને પ્રવૃત્તિના આવા કાર્યકારણભાવને નજર સમક્ષ રાખી પુદગલપરમાણુઓના પિંડરૂપ કર્મને દ્રવ્યકર્મ અને રાગદ્વેષ આદિરૂપ કર્મને ભાવકર્મ કહેવામાં આવે છે. દ્રવ્યકર્મ અને ભાવકર્મનો કાર્યકારણભાવ મરઘી અને ઈંડાની માફક અનાદિ છે. જ્યારે રાગાદિ ભાવોનો ક્ષય થાય છે ત્યારે આત્માનો કર્મપુદગલો સાથેનો સંબંધ છૂટી જાય છે. આમ આત્માનો કર્મપુદગલો સાથેનો સંબંધ અનાદિ હોવા છતાં સાંત છે.
આત્મા સ્વભાવથી અમૂર્ત છે પરંતુ પૌદગલિક કર્મ સાથે તેનો નીરક્ષીર જેવો સંબંધ હોઈને સંસારી, અવસ્થામાં તેને કથંચિત્ મૂર્ત માનવામાં આવ્યો છે. આત્માના કર્મ સાથેના સંબંધને લઈને આત્માની ચાર પ્રકારની મુખ્ય અવસ્થાઓ થાય છે : ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક અને ઔદયિક. કર્મના ઉપશમથી ઉત્પન્ન થનાર ઔપશમિક, કર્મના ક્ષયથી ઉત્પન્ન થનાર ક્ષાયિક, કર્મના ક્ષય અને ઉપશમથી ઉત્પન્ન થનાર ક્ષાયોપશમિક અને કર્મના ઉદયથી ઉત્પન્ન થનાર ઔદયિક. આ ઉપરાંત પાંચમી અવસ્થા (ભાવ) પારિણામિક છે જે આત્માનું સ્વાભાવિક પરિણમન જ છે (તત્વાર્થસૂત્ર 2.1).
કર્મનું જીવ ભણી આવવાનું (આસ્રવનું) કારણ છે મનવચનકાયાની પ્રવૃત્તિ. મનવચનકાયાના વ્યાપારો, જેમને જૈનો યોગ કહે છે તે, કર્મોનો આત્માની સાથે સંબંધ કરાવનાર છે. આત્મા ભણી આકર્ષાયેલાં કર્મોનો આત્માના પ્રદેશો સાથે નીરક્ષીર સંબંધ થવો તે બંધ છે. ઉમાસ્વાતિ બંધનાં કારણોમાં મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચને ગણાવે છે; પરંતુ આ પાંચમાંથી કષાય જ બંધનું મુખ્ય કારણ છે (‘તત્વાર્થસૂત્ર’ 6.1-2 અને 8.1). કષાય એટલે રાગદ્વેષ. ક્રોધ, માન, માયા અને લોભ એ તો રાગદ્વેષનો જ વિસ્તાર છે.
આત્માને લાગેલાં કર્મો આત્માની અમુક શક્તિને ઢાંકે છે (પ્રકૃતિબંધ), તે શક્તિને તે અમુક વખત સુધી ઢાંકે છે (સ્થિતિબંધ), વિભિન્ન તીવ્રતાવાળાં ફળ આપે છે (રસબંધ) અને અમુક જથ્થામાં આત્માને લાગે છે (પ્રદેશબંધ). પરંતુ અહીં પ્રશ્ન થાય છે કે તે કર્મો આત્માની કઈ શક્તિને ઢાંકશે, કેટલા વખત માટે ઢાંકશે, કેટલી તીવ્રતાવાળાં ફળો આપશે અને કેટલા જથ્થામાં લાગશે ? તેનાં નિયામક કારણો કયાં છે ? જૈન મતે તે કર્મોને આત્મા ભણી લાવવામાં કારણભૂત આત્માની પ્રવૃત્તિ છે અને તે પ્રવૃત્તિના પ્રકાર આત્માની કઈ શક્તિને તે કર્મો ઢાંકશે તે નક્કી કરે છે. જો આત્માની પ્રવૃત્તિ જ્ઞાનનાં સાધનોનો નાશ કરનારી, જ્ઞાનીનો અનાદર કરનારી હશે તો તેવી પ્રવૃત્તિથી આત્માને લાગનારાં કર્મો આત્માની જ્ઞાનશક્તિને ઢાંકશે. તે પ્રવૃત્તિનું પ્રમાણ તે કર્મોના જથ્થાનું પ્રમાણ નક્કી કરે છે. કર્મો કેટલા વખત સુધી આત્માની શક્તિને ઢાંકશે તેનો આધાર તથા ફળની તીવ્રતા-મંદતાનો આધાર પ્રવૃત્તિ કરતી વખતની કષાયની તીવ્રતા-મંદતા ઉપર છે. જેમ વધારે તીવ્ર કષાયપૂર્વકની પ્રવૃત્તિ તેમ તે પ્રવૃતિથી લાગતાં કર્મો વધારે વખત સુધી આત્માની શક્તિને ઢાંકશે અને વધારે તીવ્ર ફળ આપશે. આમ જૈનો કષાયોને છોડવા ઉપર વિશેષ ભાર આપે છે, પ્રવૃત્તિ છોડવા ઉપર તેટલો નહિ. જૈનોએ સાંપરાયિક અને ઇર્યાપથિક કર્મબંધ સ્વીકાર્યા છે અને જણાવ્યું છે કે કષાયસહિત પ્રવૃત્તિ કરનારને સાંપરાયિક કર્મબંધ થાય છે અને કષાયરહિત પ્રવૃત્તિ કરનારને ઇર્યાપથિક કર્મબંધ થાય છે. સાંપરાયિક કર્મબંધને સમજાવવા માટે જૈનો ભીના ચામડા પર પડેલી રજના ચોંટવાનું ર્દષ્ટાન્ત આપે છે અને ઇર્યાપથિક કર્મબંધને સમજાવવા માટે સૂકી ભીંત પર ફેંકવામાં આવેલા લાકડાના ગોળાનું ઉદાહરણ આપે છે. અર્થાત્ જૈનો કહેવા માગે છે કે મન-વચન-કાયાની પ્રવૃત્તિ હોવા છતાં પણ જો કષાય ન હોય તો ઉપાર્જિત કર્મોમાં સ્થિતિ અને રસનો બંધ થતો નથી. સ્થિતિ અને રસ બંનેના બંધનું કારણ કષાય છે. તેથી કષાય જ સંસારની ખરી જડ છે. એટલા માટે કહ્યું છે : कषायमुक्तिः किल मुक्तिरेव અર્થાત્ કષાયોથી મુક્ત થવું એ જ ખરી મુક્તિ છે. આમ, ખરેખર તો કષાયપૂર્વક કરાતી પ્રવૃત્તિ જ બંધનું કારણ છે, કષાયરહિત (નિષ્કામ) પ્રવૃત્તિ બંધનુ કારણ નથી એવું ફલિત થાય છે (જુઓ ‘તત્વાર્થસૂત્ર’ 8.3; ‘સર્વાર્થસિદ્ધિ’ 8.3; ‘તત્વાર્થસૂત્ર’ 6.4).
જૈનો સ્વીકારે છે કે પૂર્વજન્મમાં કરેલાં કર્મ આ જન્મમાં ફળે છે, તેમજ આ જન્મમાં કરેલાં કર્મ પણ આ જન્મમાં ફળે છે. ‘દસકાલિયસુત્ત’ની ‘અગસ્ત્યસિંહચૂર્ણિ’ (પ્રાકૃત ટૅક્સ્ટ સોસાયટી, પૃ. 57) આ બે પ્રકારનાં કર્મો માટે અનુક્રમે ‘પરલોકવેદનીય’ અને ‘ઇહલોકવેદનીય’ એવાં નામો વાપરે છે.
કર્મના મૂળભૂત આઠ પ્રકારો છે. તેમને કર્મની મૂળ પ્રકૃતિઓ કહેવામાં આવે છે. તે નીચે પ્રમાણે છે :
(1) જ્ઞાનાવરણીય કર્મ : આત્માની જ્ઞાનશક્તિને ઢાંકનાર કર્મ જ્ઞાનવરણીય કર્મ કહેવાય છે.
(2) દર્શનાવરણીય કર્મ : અહીં દર્શનનો અર્થ નિરાકાર ઉપયોગ (બોધ) છે. આત્માની નિરાકાર ઉપયોગરૂપ શક્તિને ઢાંરનાર કર્મો દર્શનાવરણીય કર્મ કહેવાય છે.
(3) વેદનીય કર્મ : જે કર્મો સુખદુ:ખનો અનુભવ કરાવે છે તે વેદનીય કર્મ કહેવાય છે.
(4) મોહનીય કર્મ : મોહનીય કર્મના બે ભેદ છે : દર્શનમોહનીય કર્મ અને ચારિત્રમોહનીય કર્મ. તત્વપક્ષપાતને રૂંધનાર કર્મ દર્શનમોહનીય કર્મ કહેવાય છે અને ચારિત્રને રૂંધનાર કર્મ ચારિત્રમોહનીય કર્મ કહેવાય છે.
(5) આયુષ્યકર્મ : જે કર્મ આયુષ્યની મર્યાદાનું નિયમન કરે છે તે આયુષ્યકર્મ કહેવાય છે.
(6) નામકર્મ : જેનાથી એકેન્દ્રિય આદિ ભિન્ન જાતિઓ અને મનુષ્યાદિ ભિન્ન ગતિઓ તેમજ શરીર, રૂપ, સ્વર આદિ વ્યક્તિત્વને ઘડતી બાબતો નક્કી થાય છે તે નામકર્મ.
(7) ગોત્રકર્મ : જે કર્મ ઉચ્ચ-નીચ ગોત્ર અને સામાજિક મોભો, માનમરતબો નક્કી કરી આપે છે તે ગોત્રકર્મ કહેવાય છે.
(8) અન્તરાયકર્મ : દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યમાં અંતરાય ઊભો કરવાનું કાર્ય જે કર્મ કરે છે તે અંતરાયકર્મ છે (‘તત્વાર્થસૂત્ર’, 8.4).
જૈનોએ કર્મની દશ અવસ્થાઓ માની છે. તે નીચે પ્રમાણે છે :
(1) બંધ : કર્મની બંધાવસ્થામાં, કર્મપુદગલોનો આત્માની સાથે નીરક્ષીરસંબંધ હોય છે.
(2) સત્તા : કર્મની સત્તાવસ્થામાં, કર્મપુદગલો પોતાનું ફળ ન આપતાં કેવળ સત્તા રૂપે રહે છે.
(3) ઉદય : કર્મની ઉદયાવસ્થામાં, કર્મપુદગલો પોતાનું ફળ આપવા તત્પર થાય છે અને પોતાનું ફળ આપે છે.
(4) ઉદીરણા : કર્મની ઉદીરણાવસ્થામાં, કર્મપુદ્ગલોને ખાસ પ્રયત્નવિશેષથી આત્મા તેમના નિયત સમય પહેલાં ફળ આપવા ઉન્મુખ બનાવે છે.
(5) સંક્રમણ : કર્મની સંક્રમણાવસ્થામાં, આત્માના ખાસ પ્રયત્ન-વિશેષથી એક કર્મપ્રકૃતિનું અન્ય સજાતીય કર્મપ્રકૃતિમાં પરિવર્તન થાય છે.
(6) – (7) ઉદવર્તના-અપવર્તના : કર્મની તે અવસ્થા કે જેમાં તેની સ્થિતિ અને રસમાં વધારો થાય તે ઉદવર્તના અને જેમાં ઘટાડો થાય તે અપવર્તના. અહીં પણ આ વધારો કે ઘટાડો આત્માના પ્રયત્નવિશેષથી થાય છે.
(8) ઉપશમના : કર્મની ઉપશમનાવસ્થામાં, ઉદિત કર્મને ભસ્મચ્છન્ન અગ્નિની જેમ દબાવી શાંત કરી દેવામાં આવે છે. આ ઉપશમન પણ આત્માના પ્રયત્નવિશેષથી થાય છે.
(9) નિધત્તિ : કર્મની નિધત્તિ અવસ્થામાં, ઉદીરણા અને સંક્રમણની સંભાવનાનો અભાવ હોય છે.
(10) નિકાચના : કર્મની નિકાચના અવસ્થામાં, ઉદીરણા અને સંક્રમણ ઉપરાંત ઉદવર્તના અને અપવર્તનાની સંભાવનાનો પણ બિલકુલ અભાવ હોય છે.
ઉદીરણા, સંક્રમણ, ઉદવર્તના, અપવર્તના અને ઉપશમના કર્મ ઉપર પુરુષનું આધિપત્ય છે એમ સ્પષ્ટપણે દર્શાવે છે, પુરુષ કર્મનો ગુલામ નથી. જૈન કર્મસિદ્ધાન્તમાં પુરુષસ્વાતંત્ર્ય અને ઉદ્યમને ઘણો અવકાશ છે. ઉપાધ્યાય યશોવિજયજી 26મી દ્વાત્રિંશિકામાં શ્લોક 24માં પુરુષપ્રયત્નની અને પુરુષસ્વાતંત્ર્યની સર્વોપરિતા સ્વીકારે છે અને સ્પષ્ટપણે કહે છે કે નિકાચિત ગણાતા કર્મને પણ પુરુષ તપ અને સાધનાથી ક્ષીણ કરી શકે છે.
બધાં જ કર્મોનો ક્ષય તે મોક્ષ છે. આના માટે પ્રથમ તો આવતાં કર્મોને અટકાવી દેવાં જોઈએ (સંવર) અને લાગેલાં કર્મોને ખેરવી નાખવાં જોઈએ (નિર્જરા). સંવરના ઉપાય તરીકે જૈનો વ્રત, ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય, ચારિત્ર અને તપ ગણાવે છે. હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહમાંથી વિરતિ એ વ્રત છે. મન-વચન-કાયાની પ્રવૃત્તિનો સમ્યગ્ નિગ્રહ એ ગુપ્તિ છે. વિવેકશીલ પ્રવૃત્તિ એ સમિતિ છે. ક્ષમા, મૃદુતા, ઋજુતા, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્યરૂપ દશવિધ ધર્મ છે. શાંતભાવે પરીષહોને સહન કરવા એ પરીષહજય છે. સમભાવ આદિ ચારિત્ર છે. વસ્તુસ્થિતિનું કલ્યાણગામી ચિંતન એ અનુપ્રેક્ષા છે. નિર્જરાના ઉપાયોમાં ઉપર ગણાવેલા ઉપાયો ઉપરાંત તપનો સ્વીકાર છે. નિર્જરાનો ખાસ ઉપાય તપ છે. તપના બે પ્રકાર છે : બાહ્ય તપ અને આંતર તપ. બાહ્ય તપમાં અનશન આદિનો સમાવેશ થાય છે. આંતર તપમાં પ્રાયશ્ચિત્ત (દોષશોધનક્રિયા), વિનય, વૈયાવૃત્ય (સેવાભક્તિ), સ્વાધ્યાય, વ્યુત્સર્ગ (મમત્વનો, કાષાયિક વિકારોનો ત્યાગ) તથા કલ્યાણગામી એકાગ્રતારૂપ ધ્યાન – આ છનો સમાવેશ થાય છે. તપથી સંવર પણ સધાય છે; પરંતુ નિર્જરા માટે તો મુખ્ય ખાસ ઉપાય તપ જ છે. આવતાં કર્મોને તદ્દન અટકાવી દેતાં અને લાગેલાં કર્મોને સંપૂર્ણપણે ખેરવી નાખતાં આત્મા સંપૂર્ણપણે કર્મરહિત બની જાય છે અને સંપૂર્ણપણે કર્મથી મુક્તિ એ જ મોક્ષ છે.
કર્મ અને પુનર્જન્મ – ભારતીય દર્શનોનો સર્વસાધારણ સિદ્ધાન્ત : ચાર્વાક-દર્શનને છોડી બાકીનાં બધાં જ દર્શનો કર્મવાદને અને પુનર્જન્મને સ્વીકારે છે. બધાં ભારતીય દર્શનોમાં એ વાત ઉપર સર્વસંમતિ છે કે જે જીવ કર્મ કરે છે એ કર્મનું ફળ તેને જ મળે છે. જે કર્મનું ફળ વર્તમાન જન્મમાં મળતું નથી તે કર્મનું ફળ જન્માન્તરમાં મળે છે. જ્યારે જીવ તૃષ્ણારહિત બની જાય છે ત્યારે તે ફલાસક્તિરહિત કર્મ કરે છે. નિષ્કામભાવે કરાતાં કર્મો બન્ધન નથી બનતાં. એ સ્થિતિમાં જીવને પૂર્વજન્મોનાં સંચિત કર્મોનાં જ ફળ ભોગવવાં પડે છે. તેને પુનર્ભવ નથી. દેહપાત પછી તે મુક્ત બને છે. અન્તિમ જન્મમાં, સંચિત બધાં કર્મોનાં ફળો ખાસ પ્રક્રિયાથી તે ભોગવી લે છે. (જૈનદર્શનમાં આ ખાસ પ્રક્રિયાનું નામ છે કેવલિસમુદઘાત.)
કર્મસિદ્ધાન્ત પરનો આક્ષેપ અને તેનો પરિહાર : કર્મસિદ્ધાન્ત નિયતિવાદ (predeterminism) અને નિરાશાવાદ ભણી લઈ જાય છે. તેમાં પુરુષસ્વાતંત્ર્યને (freedom of willને) અવકાશ જ નથી. પૂર્વકર્મોના કારણે પ્રાણી અત્યારે જે કંઈ છે કે કરે છે તે છે અને કરે છે, અત્યારનાં કર્મો તેના ભાવિ વ્યક્તિત્વને નિયત કરશે અને આમ ચાલ્યા કરશે. પુરુષ સંપૂર્ણપણે પૂર્વકર્મોથી બદ્ધ છે; એટલું જ નહિ, તેમનાંથી તેનો ચેતસિક અને શારીરિક વ્યવહાર – તેનું સંપૂર્ણ વ્યક્તિત્વ – નિયત છે. આમાં પુરુષસ્વાતંત્ર્યને અવકાશ ક્યાં રહ્યો ? વળી, આમાં મુક્તિનો સંભવ પણ ક્યાં રહ્યો ? કર્મ આગળ પોતાનું કંઈ ચાલતું નથી એવી ભાવના મનુષ્યમાં જાગે છે, તે તેને નિરાશાવાદ ભણી ધકેલે છે, તેને અકર્મણ્ય બનાવી દે છે.
આ આક્ષેપ યા શંકા બરાબર નથી. તે કર્મસિદ્ધાન્તની અધૂરી સમજમાંથી ઉદભવેલ છે. કર્મ અનુસાર પુરુષને ભિન્ન ભિન્ન શક્તિવાળાં મન, શરીર અને બાહ્ય સાધનો પ્રાપ્ત થાય છે તેમજ તે ભિન્ન ભિન્ન વાતાવરણ અને પરિસ્થિતિમાં મુકાય છે એટલું જ, પરંતુ પ્રાપ્ત સાધનોનો ઉપયોગ શું અને કેમ કરવો તથા તે તે વાતાવરણ અને પરિસ્થિતિમાં કેવો પ્રત્યાઘાત આપવો તે તેના હાથની વાત છે એવું કર્મસિદ્ધાન્ત માને છે. કર્મના પ્રતાપે ભોગસામગ્રી ઉપસ્થિત થઈ, પણ એમાં મોહવિકારને વશ થવું કે ન થવું એ આત્માના પોતાના ઉપર નિર્ભર છે. તેમાં આત્મા સ્વતન્ત્ર છે. કર્મના કારણે વિષમ પરિસ્થિતિમાં પુરુષ મુકાય તો તે ચિત્તને વિહવળ અને ક્ષુબ્ધ થવા દેવા કે શાંત અને સમતાયુક્ત રાખવા સ્વતન્ત્ર છે. વળી પુરુષ પોતાના પ્રયત્નથી કર્મની અસરો હળવી કે નષ્ટ કરી શકે છે એવું પણ કર્મસિદ્ધાન્તમાં સ્વીકારાયું છે. પુરુષ ઉપર કર્મનું નહિ પણ કર્મ ઉપર પુરુષનું આધિપત્ય છે – અલબત્ત, પુરુષને તેનું ભાન થવું જોઈએ, તેનું ચિત્ત ચમકવું જોઈએ.
કર્મસિદ્ધાન્ત નિરાશાવાદ કે અકર્મણ્યતા ભણી લઈ જતો નથી, પરંતુ આશાવાદ અને પુરુષાર્થનો પોષક છે. કર્મ કરનારને, સાધના કરનારને તેનું યોગ્ય ફળ મળે જ છે એવો વિશ્વાસ આપનાર કર્મસિદ્ધાન્ત છે. એક જન્મમાં પ્રયત્ન કરવા છતાં પરમપદ(વીતરાગતા)ની પ્રાપ્તિ ન થઈ અને અધવચ્ચે જ મરી ગયા તથા જે કંઈ પ્રાપ્ત કર્યું હતું એ પણ ચાલ્યું ગયું, આગલા જન્મમાં ફરી આ જન્મની જેમ દુ:ખી થવું પડશે અને નવેસરની સાધના કરવી પડશે, વગેરે વિચારોને કર્મસિદ્ધાન્તમાં સ્થાન નથી. પોતાના અધિકાર પ્રમાણે સાધના દ્વારા જે કંઈ જ્ઞાન જીવ એક જન્મમાં પ્રાપ્ત કરે છે, તે જ્ઞાનનો નાશ મરણથી થતો નથી. એ જ્ઞાન તો જીવાત્માની સાથે એક જર્જર શરીર છોડી બીજા નવા શરીરમાં જાય છે અને નવા જન્મમાં એ જીવ પૂર્વજન્મના સંચિત જ્ઞાનથી આગળ વધે છે. કહ્યું પણ છે કે વિદ્યા, પૂર્વપ્રજ્ઞા અને ધર્મ આત્માને નવા જન્મમાં અનુસરે છે. આમ કર્મવાદ આશા અને પુરુષાર્થનો પ્રેરક છે.
કર્મસિદ્ધાન્ત સર્વજ્ઞત્વનો વિરોધી : સામાન્ય રીતે સર્વજ્ઞત્વનો અર્થ એવો કરવામાં આવે છે કે બધાં જ દ્રવ્યોની બધી જ વ્યક્તિઓની ત્રૈકાલિક બધી જ અવસ્થાઓનું યુગપત્ સાક્ષાત્કારી જ્ઞાન. સર્વજ્ઞત્વનો આવો અર્થ કરવાથી દરેક જીવની ત્રૈકાલિક બધી જ અવસ્થાઓ ચુસ્તપણે નિયત (absolutely predetermined) છે એવું અવશ્યપણે ફલિત થાય. જો કોઈ અત્યારે પ્રત્યેક ભાવિ ક્ષણમાં થનારી મારી બધી માનસિક, વાચિક, કાયિક દશાઓને અને ક્રિયાઓને સંદર્ભો સહિત સંપૂર્ણત: જાણે છે, મારા પ્રતિક્ષણ થનારા બધા ભાવિ અધ્યવસાયોને, મનોભાવોને જાણે છે, ભાવિ પ્રત્યેક ક્ષણમાં ક્યાં કોના સંબંધમાં કયાં સાધનોથી હું શું કરવાનો છું, આ બધાંને જાણે છે તો તેમાંથી નિતાન્ત એ જ ફલિત થાય છે કે મારું ભાવિ આત્યન્તિકપણે નિયત છે, તેમાં જરા પણ પરિવર્તનની સંભાવના નથી અને હું મારા પોતાના ભાવિને મારી પોતાની ઇચ્છાનુસાર નિર્મિત કરી શકું છું એવી મારી માન્યતાનું કારણ તો મારું મારા ભાવિનું અજ્ઞાન જ છે. જે જે પસંદગી હું કરું છું તે પસંદગી તો મારે કરવાની જ હતી એ નિયત હતું પણ અજ્ઞાનના કારણે હું માનું છું કે તે પસંદગી મેં સ્વતંત્રપણે મારી પોતાની ઇચ્છાથી કરી. આ ચુસ્ત નિયતિમાં પુરુષપ્રયત્ન, સ્વતન્ત્ર ઇચ્છાશક્તિ, નૈતિક જવાબદારી, આત્મસુધારણા, સાધના સર્વ જૂઠું ઠરે છે. પરિણામે જેમાંથી આવો જડ નિયતિવાદ નિતાન્ત ફલિત થાય જ એવું સર્વજ્ઞત્વ કર્મસિદ્ધાન્તનું તદ્દન વિરોધી છે. બંનેનું સહાવસ્થાન સંભવે નહિ. સર્વજ્ઞત્વને અને કર્મસિદ્ધાન્તને બંનેને એક સાથે કોઈ પણ સ્વીકારી ન શકે. બેમાંથી એકનો ત્યાગ કરવો જ પડે.
કર્મસિદ્ધાન્તની મહત્તા : મૅક્સમૂલરનું મન્તવ્ય : ડૉ. મૅક્સમૂલર કહે છે, ‘‘એ તો નિશ્ચિત છે કે કર્મના સિદ્ધાન્તનો પ્રભાવ માનવજીવન ઉપર બેહદ પડ્યો છે. જો માનવી જાણે કે વર્તમાન જીવનમાં કોઈ જાતનો અપરાધ કર્યા વિના તેને જે કંઈ દુ:ખ વેઠવું પડે છે તે તેના પૂર્વજન્મના કર્મનું જ ફળ છે, તો એ, જૂનું દેવું ચૂકવનાર વ્યક્તિની જેમ, શાંતભાવે તે સંકટને સહન કરી લેશે; અને સાથે સાથે જો એ માનવી એટલું પણ જાણતો હોય કે સહનશીલતાથી જૂનું દેવું ચૂકતે કરી શકાય છે, તથા એથી જ ભવિષ્ય માટે ધર્મની મૂડી ભેગી કરી શકાય છે, તો તેને ભલાઈને માર્ગે ચાલવાની પ્રેરણા આપોઆપ જ મળી જવાની… એટલું તો સુનિશ્ચિત છે કે કર્મનો સિદ્ધાન્ત સૌથી વધારે સ્થાનોમાં સ્વીકારવામાં આવ્યો છે. તેનાથી લાખો માનવીઓનાં કષ્ટો ઓછાં થયાં છે અને એ જ સિદ્ધાન્તને લીધે માનવીને વર્તમાન સંકટ સહન કરવાની શક્તિ પેદા કરવાનું અને ભવિષ્યનું જીવન સુધારવાનું ઉત્તેજન મળતું રહ્યું છે.’’
નગીનભાઈ જીવણલાલ શાહ