કર્મસિદ્ધાન્ત : કર્મનું ફળ ભોગવવું જ પડે છે એ તથ્યને આધારે નિષ્પન્ન થયેલો સિદ્ધાન્ત. કર્મ અને તેનું ફળ એ કાર્યકારણ-સંબંધ અટલ છે. આ કાર્યકારણ-સંબંધ તર્કાશ્રિત છે. ચાર્વાક સિવાયનાં સર્વ ભારતીય દર્શનો – અનાત્મવાદી બૌદ્ધદર્શન સુધ્ધાં – કર્મસિદ્ધાન્તને પોતપોતાની રીતે સ્વીકારે છે. અહીં કર્મ એટલે ‘ફલની આકાંક્ષાથી થતી ધર્માધર્માત્મક પ્રવૃત્તિ’. વિભિન્ન દર્શનોમાં તે પાપ, પુણ્ય, અર્દષ્ટ, અપૂર્વ, લિંગશરીર ઇત્યાદિ નામોથી ઓળખાય છે. જીવો તેમનાં શુભાશુભ કર્મોને આધારે સ્વર્ગ, પુનર્જન્મ ઇત્યાદિ પ્રાપ્ત કરે છે તેથી શુભ કર્મ ઉપાદેય અને અશુભ કર્મ ત્યાજ્ય એમ મીમાંસાદર્શનનું માનવું છે, પણ મોક્ષલક્ષી સર્વ દર્શનોના મતે શુદ્ધ બુદ્ધ મુક્ત ચૈતન્ય સ્વરૂપપ્રાપ્તિ માટે કર્મમાત્ર ત્યાજ્ય છે. સાંખ્યવેદાન્ત મતે શુદ્ધ ચૈતન્યને કર્મ વળગતું નથી. કેટલાંક દર્શન જીવકર્મસંબંધ સ્વીકારે છે. જૈન દર્શનમાં કર્મદ્રવ્ય જીવપ્રદેશોને વળગનારું ગણાવ્યું છે. કર્મસંબંધ અનાદિ છે પણ નૈષ્કર્મ્ય દ્વારા તેનો અંત આણી શકાય અને કર્મમોક્ષ સિદ્ધ કરી શકાય. મુક્તાત્માને કર્મ વળગતું નથી. સેશ્વર દર્શનો ઈશ્વરને કર્મસંબંધના પ્રેરક તરીકે કે માત્ર કર્મફલદાતા માને છે. અનીશ્વરવાદીઓના મતે કર્મબંધ જીવની અનાદિ અવિદ્યાને આભારી છે. એક વેદાન્ત મત અનુસાર ઈશ્વર લીલાર્થ અનેક જીવો અને તેમના બંધ-મોક્ષ સર્જે છે. ‘મન જ બંધમોક્ષનું કારણ છે’ એમ લગભગ સર્વ દર્શનો સ્વીકારે છે. પ્રજ્ઞા, શીલ, તપ, સમાધિ, ભક્તિ એ કર્મક્ષય કરનારાં છે. ‘યજ્ઞાર્થકર્મ’ બંધનકારક નથી એ ગીતાવચન અનુસાર કર્મસિદ્ધાન્ત વસ્તુત: નિષ્ઠુરતા, અકર્મણ્યતા, સમાજવિમુખતાના દોષો પરિહરનાર અને એક ઉપાદેય ઉન્નતિકર માનવીય ઉપલબ્ધિ છે. સુખદુ:ખ પૂર્વજન્મનાં કર્મો અનુસાર મળે છે. પૂર્વજન્મના આધારે મૃત્યુ પછી જીવને દેવયાન, પિતૃયાન કે નરકગતિ પ્રાપ્ત થાય છે તેમજ યથોચિત યોનિમાં પુનર્જન્મ પ્રાપ્ત થાય છે. નિષ્કામ કર્મ બંધનકારક નથી.
નીતિન ર. દેસાઈ
નારાયણ કંસારા